મફત અનાજ વિતરણ બંધ થવા સંભવ, સરકારી ગોદામોમાં ખાદ્યાનનો જથ્થો 3 વર્ષને તળિયે

દિલ્હી, તા.15 જુલાઈ 2022,શુક્રવાર

ભારતમાં સરકારી ગોદામોમાં રહેલો ઘઉંનો જથ્થો ઘટીને 1 જુલાઇના રોજ તેની થ્રેશોલ્ડ લીમીટ એટલે કે બફર માટે આવશ્યક સ્તરની અત્યંત નજીક આવી ગયો છે. વર્ષ 2021-22ના પાક માર્કેટિંગ વર્ષમાં ઘઉં ઉત્પાદન ઓછું થવાને કારણે સરકારી પ્રાપ્તિ ઘટવાને કારણે તેનો બફર સ્ટોક ઘટ્યો છે.     

જો કે બીજી બાજુ ચોખાનો બફર સ્ટોક અને આવશ્યક જથ્થો નિર્ધારિત આવશ્યક સ્તર કરતા 134 ટકા વધારે હતો. સામાન્ય રીતે દર વર્ષે 1લી જુલાઇના રોજ ઘઉંનો જથ્થો સૌથી વધારે રહેતો હોય છે કારણ તેની પૂર્વેના એપ્રિલ, મે અને જૂન દરમિયાન ઘઉંની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે સરકારી દ્વારા જંગી પ્રાપ્તિ કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે પ્રાપ્તિ અત્યંત ઓછી રહી છે. 

નવા આંકડાઓ મુજબ 1લી જુલાઇના રોજ ભારત પાસે 833.9 લાખ ટન ખાદ્યાન્ન (ઘઉં અને ચોખા) હતુ, જે વર્ષ 2019 પછી સૌથી ઓછું છે. જેમાં કેન્દ્રીય પુલમાં લગભગ 285.1 લાખ ટન ઘઉંનો જથ્થો હતો. જ્યારે નિયમ અનુસાર આ તારીખે બફર અને આવશ્યક જથ્થો ઓછામા ઓછા 275.8 લાખ ટન હોવો જોઇએ, આમ હાલ જથ્થો માત્ર 10 લાખ ટન વધારે છે.   

ખાદ્યાન્નનો જથ્થો ઘટવાના પગલે સરકાર મફત અનાજનું વિતરણ બંધ થવાની આશંકા સેવાઇ રહી છે.

આ અગાઉ વર્ષ 2008માં કેન્દ્રીય પૂલમા ઘઉંનો જથ્થો આવશ્યક સ્તર કરતા ઓછો રહ્યો હતો અને 1 જુલાઇએ માત્ર 249.1 લાખ ટન હતો. આંકડાઓ મુજબ 1લી જુલાઇ 2015માં સ્ટોરેજના નિયમો બદલ્યા બાદ પહેલીવાર ગત 1 જુલાઇના રોજ ઘઉંનો બફર સ્ટોક આવશ્યક જરૂરિયાતના જથ્થાની નજીક આવી ગયુ છે. 

ઘઉંથી વિપરીત કેન્દ્રીય પૂલમાં લગભગ 315 લાખ ટન ચોખાનો જથ્થો છે જે તેના આવશ્યક સ્તર કરતા 135 લાખ ટન વધારે છે. જેમાં રાઇસ મિલો પાસે રહેલો 231.5 લાખ ટન ડાંગરનો જથ્થો સામેલ નથી, જે 2015 પછી સૌથી વધારે છે. 

ચાલુ નાણાંકીય વર્ષે સરકાર દ્વારા ઘઉંની પ્રાપ્તિ 59 ટકા ઘટીને 187.8 લાખ ટન રહી છે. સરકારના ત્રીજા અનુમાન મુજબ દેશમાં જૂનમાં સમાપ્ત પાક સીઝન 2021-22 દરમિયાન ઘઉંનું ઉત્પાદન 1064.1 લાખ ટન થયુ છે જે ગત વર્ષ કરતા 38 લાખ ટન ઓછો પાક છે.

વધુ વાંચો : મફત અનાજ વિતરણ બંધ કરો, દેશની આર્થિક સ્થિતિ માટે નુકસાનકારક

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો