GST કાઉન્સિલના સ્વચ્છંદી વલણ સામે દેશવ્યાપી આંદોલન કરશે 'કેટ'


- આગામી 26મી જુલાઈથી ભોપાલથી રાષ્ટ્રીય આંદોલનની શરૂઆત કરવામાં આવશે

- જીએસટી કર પ્રણાલીની નવેસરથી સમીક્ષા કરીને કાયદા અને નિયમોને સરળ અને તાર્કિક બનાવવાની માગણી 

નવી દિલ્હી, તા. 17 જુલાઈ 2022, રવિવાર

જીએસટી કાઉન્સિલે છેલ્લા 5 વર્ષ દરમિયાન વેપારીઓની સલાહ લીધા વગર જ જીએસટી કર પ્રણાલીમાં ફેરફાર કરે રાખ્યા છે. કાઉન્સિલે જીએસટીના મૂળ કાયદા તથા નિયમોમાં સતત ફેરફાર કર્યા છે જેના કારણે જીએસટી કાયદાનું સ્વરૂપ ખૂબ જ વિકૃત બની ગયું છે તથા સામે કર પ્રણાલી સરળ થવાના બદલે વધુ જટિલ બની છે. આ કારણે દેશભરના વેપારી વર્ગમાં ભારે અસંતોષ, રોષ અને આક્રોશ વ્યાપેલો છે. 

જીએસટી કર પ્રણાલીની નવેસરથી સમીક્ષા કરવા માગણી

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ જીએસટી કાઉન્સિલના મનસ્વી, સ્વચ્છંદી વલણ સામે એક દેશવ્યાપી આંદોલન છેડવાની જાહેરાત કરી છે. આ સાથે જ જીએસટી કર પ્રણાલીની નવેસરથી સમીક્ષા કરીને કાયદા અને નિયમોને સરળ અને તાર્કિક બનાવવાની માગણી કરવામાં આવી છે.  

આ પણ વાંચોઃ GST સામે રોષ, સૌરાષ્ટ્રભરમાં દાણાપીઠ, માર્કેટ, યાર્ડો સજ્જડ બંધ

50 હજારથી વધારે વેપારી સંગઠનો જોડાશે

કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી સી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલના કહેવા પ્રમાણે આગામી 26મી જુલાઈથી ભોપાલ ખાતેથી આ દેશવ્યાપી આંદોલનની શરૂઆત થશે. દેશના 50,000થી પણ વધારે વેપારી સંગઠનો આ રાષ્ટ્રીય આંદોલનમાં સહભાગી બનવાના છે.  

સપ્ટેમ્બરમાં યોજાશે વિશાળ રાષ્ટ્રીય રેલી

દેશના પ્રત્યેક રાજ્યમાં વેપારીઓ સઘન આંદોલન કરશે તથા વિશાળ રેલીઓ યોજશે. ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં દિલ્હી ખાતે એક વિશાળ રાષ્ટ્રીય રેલી યોજવામાં આવશે. વધુમાં જણાવ્યું કે, ટ્રાન્સપોર્ટ, ખેડૂત, એન્ટરપ્રેન્યોર, મહિલા ઉદ્યમીઓ, નાના તથા મધ્યમ ઉત્પાદકો વગેરેના રાષ્ટ્રીય તથા રાજ્ય સ્તરીય સંગઠનો પણ તેમાં સામેલ થશે અને દેશભરમાં એક વિશાળ મોરચો માંડવામાં આવશે. 

5 વર્ષમાં 1,100થી વધારે સંશોધનો

ભરતિયા અને ખંડેલવાલે આજે દિલ્હી ખાતે જણાવ્યું હતું કે, જીએસટી મુદ્દે વેપારીઓની ધીરજનો બંધ તૂટી ચુક્યો છે. જીએસટી કાયદા અને નિયમોમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન 1,100થી પણ વધારે મરજી પ્રમાણેના સંશોધનો કરવામાં આવ્યા છે જે જીએસટી કાઉન્સિલના સ્વચ્છંદીપણાનું સાક્ષાત ઉદાહરણ છે.   

કાઉન્સિલ સામે કર્યા આક્ષેપો

ભરતિયા અને ખંડેલવાલે જણાવ્યું કે, તમામ રાજ્યોના નાણા મંત્રીઓએ મળીને વિચાર્યા વગર જ અને વેપારીઓની કોઈ સલાહ લીધા વગર જે પ્રકારે જીએસટીના મૂળ સ્વરૂપને વિકૃત બનાવ્યું છે તેનાથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે, કાઉન્સિલને કર પ્રણાલી સરળ બનાવવામાં તથા કરના ક્ષેત્રને વિકસિત કરવામાં કોઈ રસ નથી. સાથે જ આ નીતિને વડાપ્રધાન મોદીના સામાન્ય લોકોના જીવનને સરળ બનાવવા માટેના તથા ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ માટેના ઘોષિત ઉદ્દેશ્યોની વિરૂદ્ધ ગણાવાઈ હતી. 

આ પણ વાંચોઃ છૂટક અનાજના વેચાણ ઉપર પણ જીએસટી લાગુ કરતા વેપારીઓમાં રોષ, જથ્થાબંધ બજાર બંધ

વધુમાં જણાવ્યું કે, દૈનિક જરૂરિયાતની ચીજ-વસ્તુઓ જેમ કે, પહેલા ટેક્સટાઈલ અને બાદમાં ફુટવેરના કરમાં વધારો કરવામાં આવ્યો તથા હવે છૂટક, અનબ્રાન્ડેડ અનાજ અને અન્ય ઉત્પાદનોને જીએસટી કરના ક્ષેત્રમાં લાવવામાં આવ્યા તે જીએસટી કાઉન્સિલની સામંતવાદી વિચારસરણીનું ઉદાહરણ છે. એક તરફ સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજ વધશે તથા વેપારીઓ પર સતત કરનો બોજ વધશે. 

કેટના અધ્યક્ષ અને મહામંત્રીના કહેવા પ્રમાણે એમાં કોઈ બેમત નથી કે, જીએસટી કર પ્રણાલી સૌથી શ્રેષ્ઠ છે માટે તેમાં રહેલી વિકૃતિઓને દૂર કરવી જરૂરી છે. છેલ્લા 5 વર્ષના સરકાર તથા વેપારીઓના અનુભવના આધાર પર કર પ્રણાલીમાં જરૂરી ફેરફાર કરીને તેને સ્થાયી તથા શ્રેષ્ઠ કર પ્રણાલી બનાવાય તે જરૂરી છે. જેથી વેપારીઓ તેનું સરળતાથી પાલન કરી શકે, સરકારોને વધારે રેવન્યુ મળે તથા કરચોરી અટકાવી શકાય.  


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે