જગખ્યાત જગદીપ .

- સુબોધ મુખરજીએ શમ્મી કપૂર પહેલા જગદીપને જંગલી ઑફર કરેલી, મુખ્ય પાત્ર ન ભજવવાનું મન બનાવી લીધું હોવાથી તેમણે ઇનકાર કરી દીધા


છેલ્લાં ૮૦ વર્ષમાં બોલીવુડે આપણને એકથી એક મહાન કલાકારો આપ્યા છે. ઘણાં બધા સુપરસ્ટાર્સ આપ્યા છે. કેટલાક કલાકારો એવા આવ્યા જેમણે પુરવાર કરી દીધું કે સ્ટાર બનવા માટે હીરો બનવાની જરૂર નથી. પાંચ મિનિટ પડદા પર દેખાઇને પણ છવાઇ જઇ શકાય છે. અભિનયમાં દમ હોય તો નાનામાં નાનો રોલ કરીને પણ આખી જિંદગી યાદ રહી શકાય છે. જગદીપ એક એવા જ કલાકાર હતા. લાખોમાં અલગ પડી જતાં તેમના અભિનયના પ્રતાપે ચોથી પેઢી પણ તેમને બહુ સારી રીતે ઓળખે છે. 

યુસુફ ખાન જેવી રીે દિલીપકુમાર તરીકે ઓળખાયા, મુમતાઝ બેગમ દહેલવી મધુબાલા તરીકે ઓળખાઇ, એવી જ રીતે ઇશ્તીયાક અહેમદ જાફરી જગદીપ તરીકે જગખ્યાત બન્યા. ૮મી જૂલાઇએ તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન કે. એ. અબ્બાસની મુન્ના, ગુુરુદત્તની આરપાર,  બિમલ રોયની દો બિઘા ઝમીન, રામ સે બ્રધર્સની પુરાના મંદિર અને ટીનુ આનંદની શહનશાહ સહિત ૪૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. શોલેમાં તેમણે ભજવેલું સુરમા ભોપાલીનું પાત્ર ઇતિહાસમાં અમર બની ગયું છે. વિવેચકોને તેઓ લાઉડ અને માઇન્ડલેસ લાગ્યા છે, પણ આ જ તેમની યુ.એસ.પી. હતી. તેના જ કારણે તેઓ મશહૂર કોમેડીયન બન્યા. 

૧૯૪૭માં ભારતના વિભાજન પછી બાળ વયના જગદીપ કામની શોધમાં રઝળપાટ કરી રહ્યા હતા. ત્યારે તેમની ઉંમર માત્ર ૮-૯ વર્ષની હતી. સડક પર એક સજ્જન મળ્યા. તેમણે પૂછયું, ફિલ્મોમાં કામ કરીશ? જગદીપ તો કોઇપણ કામ કરવા રાજી હતા. તેથી તરત માની ગયા. એ દિવસોમાં બી. આર. ચોપરા અશોકકુમાર સાથે મળીને અફસાના નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. એ ફિલ્મમાં જગદીપને એક નાનકડી ભૂમિકા અપાઇ. ફિલ્મમાં ભજવાતા એક નાટકના દૃશ્યમાં તેઓ દેખાયા.  એ તેમનો પહેલો રોલ. ત્યારબાદ અબ દિલ્હી દૂર નહીં અને મુન્ના સહિત અનેક ફિલ્મોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું. 

એ.વી.એમ. પ્રોડકશન હમ પંછી એક ડાલ કે નામની ફિલ્મ બનાવી રહ્યું હતું. આ કોઇ નાનું-સૂનું પ્રોડકશન હાઉસ નહોતું. શિવાજી ગણેશન, વૈજયંતીમાલા અને કમલ હાસન જેવા અનેક દિગ્ગજોને તેમણે લોન્ચ કર્યા. હમ પંછી એક ડાલ કેની મુખ્ય ભૂમિકા મારુતી રાવ અને ડેન્ઝી ઇરાની ભજવી રહ્યા હતા. ડેન્ઝી ઇરાની એટલે ફરહાન અને જોયા અખ્તરના માસી. તેમની સાથે કામ કરનારા અન્ય બાળકોમાં એક જગદીપ હતા. ફિલ્મ ખૂબ પ્રશંસા પામી. ૧૯૫૭માં તેને બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ મળ્યો. એક વખત નહેરૂ એક કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા હતા અને ત્યાં જગદીપ પણ ઉપસ્થિત હતા. નહેરુ જગદીપને જોતા જ ઓળખી ગયા. કહ્યું, હમ પંછી હૈ એક ડાલ કેમાં તમારું કામ ખૂબ ગમ્યું. તેમણે પોતાની વોકીંગ સ્ટીક જગદીપને ગિફ્ટ કરી. 

અનેક નાના-નાના પાત્રો ભજવવાને કારણે તેમનું કદ હવે મોટું થવા લાગ્યું હતું. તેમને સારા સારા રોલ ઓફર થવા લાગ્યા.  ૧૯૫૭માં ભાભી, ૧૯૫૯માં બરખા અને ૧૯૬૦માં બિંદિયામાં મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યું. કમનસીબે આ ફિલ્મો ન ચાલી. સુબોધ મુખરજીએ તેમને પોતાની ફિલ્મ જંગલીમાં લીડ રોલ ઓફર કર્યો. આગળની ૩ ફિલ્મોમાં મળેલી નિષ્ફળતાને પગલે જગદીપે મુખ્ય અભિનેતાની ભૂમિકા ભજવવાનો ઇનકાર કરી દીધો. ત્યાંથી એ ફિલ્મ શમ્મી કપૂર પાસે પહોંચી અને તેમના કરિયર  માટે માઇલ સ્ટોન પુરવાર થઇ. જંગલીમાં તેમણે જે રીતે ડાન્સ કર્યો, તે તેમની સિગ્નેચર સ્ટાઇલ બની ગયો.  પી. એલ. રાજે એ ફિલ્મ કોરિયોગ્રાફ કરેલી.  આગળ જતાં તેમણે કોરિયોગ્રાફ કરેલા સલામ-એ-ઇશ્ક (મુકદ્દર કા સિકંદર), આજા આજા મૈં હૂં પ્યાર તેરા (તીસરી મંઝીલ) અને ડફલી વાલે ડફલી બજા (સરગમ) સહિત કેટલાક બ્લોક બ્લસ્ટર ગીત આજે પણ લોકપ્રિય છે. 

૧૯૭૫માં આવેલી રમેશ સિપ્પીની શોલે કેટલી સફળ રહી એ કહેવાની ક્યાં જરૂર છે? તેમાં તેમણે ભજવેલું સૂરમા ભોપાલીનું પાત્ર દર્શકો માટે કોમિક રીલિફ હતું. તેની લોકપ્રિયતા એન્કેશ કરવા માટે શોલેના ૧૩ વર્ષ પછી જગદીપે સૂરમા ભોપાલી નામની ફિલ્મ બનાવેલી. અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને રેખા જેવા સુપર સ્ટાર્સે તેમાં નાના-નાના રોલ ભજવેલા. સ્ટાર વિનાની આ ફિલ્મનું કોઇ લેવાલ નહોતું. પરિણામે લાંબા સમય સુધી તે ઠપ રહી. બાદમાં જ્યારે રીલીઝનો વેંત થયો તો ટિકિટ બારી પર ફસડાઇ પડી. 

૧૯૭૯માં  ફિરોઝખાન કુરબાની નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. એ તેમના સમયની સૌથી મોંઘી ફિલ્મ હતી. ફિરોઝે આ ફિલ્મ અમિતાભ બચ્ચનને ઓફર કરેલી. બિગ બી છ મહિના સુધી ફ્રી નહોતા. ફિરોઝ પોતાની લાઇફ સ્ટાઇલ, સ્ટાઇલીસ્ટ ફિલ્મ અને સ્વેગ માટે જાણીતા હતા. તેમણે બચ્ચનની વાટ જોવાને બદલે વિનોદ ખન્નાને રોલ ઓફર કરી દીધો.  તેમાં  ફિરોઝ અને વિનોદ ખન્ના સાથે ઝીનત અમાન, અમજદખાન, જગદીપ અને શક્તિ કપુર પણ કામ કરી રહ્યા હતા. ફિલ્મ બહુ જ સફળ થઇ. તેમાં જગદીપે મહમંદઅલી નામના એક બાર માલિકનો રોલ કરેલો જે બોક્સર મહમંદ અલીનો જબ્બર ફેન હતો. તેમનું એ પાત્ર પણ મશહૂર બન્યું હતું. અમેરિકામાં પણ તે પ્રશંસા પામ્યું. 

ત્યારબાદ શિકાગોમાં એક ફંડ રેઇઝર ઇવેન્ટ યોજાઇ. હેવીવેઇટ બોક્સર મહમંદ અલી તેમાં નકલી ફાઇટ કરવાના હતા. એ નકલી ફાઇટમાં ભાગ લેવા માટે ઇંડિયાથી જગદીપને બોલાવાયેલા. જગદીપ મહમંદ અલી સામે રીંગમાં ઊતર્યા. બંનેએ થોડી મસ્તી કરી. બાદમાં તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું, સારું થયું આ એક મોકફાઇટ હતી. 

જગદીપના અભિનયનો માઇનસ પોઇન્ટ એ હતો કે દરેક ફિલ્મમાં તેમનું પાત્ર એક જેવું જ રહેતું. ખાલી નામ જુદું હોય અટલું જ. તફાવત. જો કે આ માત્ર તેમની એકલાની સમસ્યા નહોતી, એ સમયના બધા જ કોમેડિયન એ પછી જોની વોકર હોય, મુકરી હોય, મહેમુદ હોય બધા એક જ પ્રકારનો અભિનય કરતા રહેતા. તેઓ લાઉડ કોમેડી કરતા. કારણ કે તેમને એ જ કરવાનું કહેવામાં આવતું. કારણ કે પબ્લિકને એ જ જોવું હતું. ૧૯૯૦ પછી તેમણે કામ કરવાનું ઓછું કરી દીધું. ૧૯૯૪માં ફિલ્મ અંદાજ અપના અપનામાં તેમણે સલમાન ખાનના પિતા બાકે લાલની ભૂમિકા ભજવેલી. બદલાતા સમય સાથે બદલાવાનો વિનમ્ર પ્રયાસ કરેલો.  જો કે તેની સાથે તાલ મિલાવી શક્યા નહીં. આથી ફિલ્મોમાં દેખાતા બંધ થવા લાગ્યા. છેલ્લે ૨૦૧૨માં રુમી જાફરીની ફિલ્મ ગલી ગલી ચોર હૈમાં જોવા મળેલા. 

ભાગલા બાદ તેઓ પાકિસ્તાનથી ભારત આવેલા. એટલા ગરીબ હતા કે તેમના મમ્મીને  અનાથાલયમાં રસોઇ બનાવવાની નોકરી કરવી પડી. માતાને કામ કરતાં જોઇને તેમને ખૂબ દુઃખ થતું. તેમની ઉંમરના બીજા બાળકો ટીન ફેકટરીમાં કામ કરતા હતા. તેઓ પણ ત્યાં જોડાઇ ગયા. ઘરે આવીને મા-દીકરો પતંગ બનાવતા. અને એ વેચીને બે પૈસા કમાતા.

એક દિવસ રસ્તામાં તેમને એક સજ્જન મળ્યા. તેમણે કહ્યું, મારી સાથે કામ કર, તને ૩ રૂપિયા આપીશ. જગદીપે ૩ રૂપિયા ક્યારેય જોયા નહોતા. ત્યારથી તેમણે ફેકટરીમાં કામ કરવાનું બંધ કર્યું અને ફિલ્મોમાં શરૂ. એક દિવસ આસિસ્ટન્ટ ડિરેકટર યશ ચોપરાની નજર તેમના પર પડી. તેમને ફિલ્મમાં એવા પાત્રની જરૂર હતી જેને ઉર્દૂ બોલતા આવડતું હોય. જગદીપ માટે ઉર્દૂ સહજ હતું. આપવામાં આવેલો ડાયલોગ તેઓ ફટાફટ બોલી ગયા.  યશ ચોપરાએ તેના માથા પર હાથ મૂકીને કહ્યું, તું બહુ જ પરિપક્વ છે, પ્રગતિ કરીશ. 

બાળ કલાકાર તરીકે તેમને હંમેશા રોવાના જ રોલ મળતા હતા. યશ ચોપરાને તેમના પર પૂરો વિશ્વાસ હતો. તેઓ કહેતા જે રડી શકે છે તે જ હસાવી શકે છે. ને આગળ જતાં જગદીપ તેમના સમયના સૌથી પ્રસિદ્ધ હાસ્ય અભિનેતા બન્યા. તેઓ કહેતા, હું ઉપરથી હસુ છું, અંદરથી હંમેશા ભીંજાયેલો રહુ છું. સડક પરથી કારકિર્દી શરૂ કરનારો છોકરો સફળતાના શિખર આંબે એવી શક્યતાથી ભરેલા જીવનને સલામ.

આજની નવી જોક

છગન (લીલીને ફોન કરીને) : તું બહુ જ સુંદર છો.

લીલીઃ થેન્ક્સ.

છગનઃ તું રાજકુમારી છો.

લીલીઃ થેન્ક્યુ સો મચ.

લીલીઃ શું કરો છો તમે?

છગનઃ કંઈ નહીં. નવરો બેઠો છું તો થયું કે મજાક કરું.

લીલીઃ હેં!?

જીકે જંકશન

- માલદીવ અને શ્રીલંકા તાજેતરમાં શિતળા મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. ઉત્તરાખંડમાં જોવા મળતા ગોલ્ડન બર્ડવીંગ પતંગિયાને ભારતનું સૌથી મોટું પતંગિયુ ઘોષિત કરાયુ છે. ઉત્તરાખંડ સરકારે કોરોના વિશે સટીક માહિતી આપવા માટે દ્રષ્ટિ અન બેરોજગાર યુવાનો માટે હોપ વેબ પોર્ટલ શરૂ કર્યુ છે.

- અમિત પંધાલ આઇ.એ.બી.એ. રેન્કીંગમાં પ્રથમ ક્રમે રહ્યા હતા.  તેઓ ભારતના સુખ્યાત એમેચ્યોર બોક્સર છે. ૨૦૧૯ની આઇ.એ.બી.એ. વર્લ્ડ બોક્સીંગ  ચેમ્પિયન શીપમાં તેમણે સિલ્વર મેડલ મેળવ્યો હતો. તાજેતરમાં ટેલિવીઝન અભિનેતા સુશીલ ગૌડાનું અવસાન થયું હતું. મણિપુરમાં દર વર્ષે લાઇવહરોવા તહેવાર મનાવવામાં આવે છે.   મિતેઇ જાતિના લોકો ઉમંગલાઇ નામના પરંપરાગત દેવતાને પ્રસન્ન કરવા પ્રયાસ કરે છે. લાઇવહરોવા એટલે દેવતાને પ્રસન્ન કરવા. 

- યુ.એન.સી.ટી.એ.ડી.ના અહેવાલ પ્રમાણે કોવિડ-૧૯ને કારણે વૈશ્વિક પર્યટન ઉદ્યોગમાં ૩.૩ ટ્રીલીયન ડોલરનું ગાબડું પડયુ છે. અમેરિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનથી સત્તાવાર રીતે અલગ થઇ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ચામડી બચાવવા આ બધું કરી રહ્યા છે. 

- બાંગ્લાદેશમાં બલિ ચડાવાતા પશુઓ માટે ડીજીટલ હાટ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશ તમામ ઘરોમાં એલપીજી કનેકશન પહોંચાડનારૂ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ભારતે નેપાળમાં સંસ્કૃત વિદ્યાલયનું નિર્માણ કર્યું છે. 

- વિયેટનામમાં દુનિયાની સૌથી પહેલી ગોલ્ડપ્લેટેડ હોટલ બનાવવામાં આવી છે. દર વર્ષે ૨જી જૂલાઇએ વિશ્વ ખેલ પત્રકાર દિવસ મનાવવામાં આવે છે. વિઝ્ડન મેગેઝીને રવિન્દ્ર જાડેજાને ભારતના સૌથી કિંમતી ખેલાડી ઘોષિત કર્યા છે. 

- ક્રેડિટ રેટીંગ એજન્સી ફીન્ચે અનુમાન બાંધ્યુ છે કે ૨૦૨૨માં ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૮ ટકા રહેશે. અર્થાત અત્યારે મહામારીની સાથે જે આર્થિક મુશ્કેલી આવી છે તે ૨૦૨૨માં ટળી જશે. પાકિસ્તાને નીગાર જૌહરની પ્રથમ મહિલા લેફટીનન્ટ જનરલ તરીકે નિમણુંક કરી છે. પાકિસ્તાની ક્રિકેટર સના મીરે સન્યાસની ઘોષણા કરી છે. 

- નાગાલેન્ડમાં ૬ મહિના માટે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. આઇઆઇટી ગાંધીનગરે કોવિડ-૧૯ની પરખ કરવા માટે આર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સ આધારિત ઉપકરણ વિકસાવ્યુ છે. ગુડની જોહાનસન આઇસલેન્ડના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઇ આવ્યા છે.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો