નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો
આજના હવાઇ મુસાફરીના યુગમાં દુનિયાના એક ખૂણેથી બીજે ખૂણે પહોંચવું ઝડપી અને સરળ બન્યું છે ત્યારે માણસોને વાહક બનાવીને આવા વાઇરસ પણ વીજળીવેગે આખી દુનિયામાં ફેલાઇને લાખો કરોડો લોકોને ભોગ બનાવી શકે છે
દુનિયાભરમાં હાલ નોવેલ કોરોનાવાઇરસ ચિંતાનો વિષય બન્યો છે. આ રહસ્યમય વાઇરસ ભારે તેજીથી ફેલાઇ રહ્યો હોવાના મામલા સામે આવી રહ્યાં છે જેના કારણે ચિકિત્સકોમાં ચિંતા વધી ગઇ છે. સતત આ વાઇરસને લગતી નવી માહિતી સામે આવી રહી છે જેમાં વાઇરસના ઊભી થતી સમસ્યા અને બીમારીના લક્ષણો પણ સામેલ છે.
કોરોના વાઇરસનો પ્રકોપ હાલ તો એશિયાના દેશોમાં વધારે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચીનમાં આ રોગ વધારે પ્રમાણમાં ફેલાયો છે. હકીકતમાં ચીનના હુવેઇ પ્રાંતમાં આવેલા વુહાન શહેરમાં આ રોગના કેસ સૌપ્રથમ જોવા મળ્યાં જેના કારણે આ વાઇરસને વુહાન વાઇરસ તરીકે પણ ઓળખાવામાં આવી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અનુમાન પ્રમાણે આ વાઇરસ સી-ફૂડ સાથે જોડાયેલો છે અને એની શરૂઆત વુહાનના સી-ફૂડ માર્કેટથી થઇ હોવાનું અનુમાન છે. ખાસ વાત એ કે આ વાઇરસ માણસો ઉપરાંત પ્રાણીઓમાં પણ ફેલાઇ રહ્યો છે.
અગાઉ આ વાઇરસ વિશે એવી જાણકારી સામે આવી હતી કે તે સી-ફૂડ ખાવાથી ફેલાય છે. પરંતુ હાલમાં હૂએ સંભાવના વ્યક્ત કરી છે કે આ વાઇરસ પરિવારના લોકોમાં પણ ફેલાઇ શકે છે. કોરોનાવાઇરસથી સંક્રમિત થનારી વ્યક્તિને શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે. એ પછી ગળામાં દુઃખાવો, ખાંસી અને તાવ આવે છે. એ પછી આ તાવ ન્યૂમોનિયાનું સ્વરૂપ લઇ શકે છે. અને ન્યૂમોનિયાના કારણે કિડની સાથે સંબંધિત તકલીફ થઇ શકે છે.
ચીનના વુહાન શહેરથી ફેલાયેલો આ વાઇરસ ચીનની રાજધાની બીજિંગ સુધી પહોંચી ગયો છે. ભારતની સમીપ હોવાના કારણે આ વાઇરસ દેશમાં પણ ફેલાવાની શક્યતા જણાઇ રહી છે જેથી ભારત પણ સાવચેત બની ગયું છે અને રાજધાની દિલ્હી ઉપરાંત મુંબઇ, ચેન્નાઇ, કોલકાતા, બેંગાલુરુ, કોચિ, હૈદરાબાદના હવાઇમથકો ઉપર થર્મલ સ્ક્રીનિંગની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ખાસ કરીને ચીન અને હોંગકોંગથી આવતા મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે.
ચીનમાં કોરોનાવાઇરસના કારણે અત્યાર સુધી નવ જણાના મૃત્યુ નીપજ્યાં છે જ્યારે વાઇરસનો ભોગ બનેલા લોકોની સંખ્યા વધીને ૪૪૦ સુધી પહોંચી ગઇ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ વાઇરસના સંદર્ભમાં ઇમરજન્સી બેઠક બોલાવી છે અને હવે એ નક્કી કરવામાં આવશે કે આ બીમારીને મેડિકલ ઇમરજન્સી જાહેર કરવી કે નહીં? ખાસ કરીને આજે હવાઇ મુસાફરીના કારણે દુનિયાભરના દેશો વચ્ચેનું અંતર ઘટી ગયું છે એ સંજોગોમાં આખી દુનિયામાં આ બીમારી ફેલાવાનો ભય સેવાઇ રહ્યો છે.
ચીન બાદ જાપાન, થાઇલેન્ડ અને દક્ષિણ કોરિયામાં પણ આ વાઇરસનો ભોગ બનેલા લોકોના કેસ સામે આવ્યાં છે. તો અમેરિકામાં પણ કોરોનાવાઇરસનો ભોગ બનેલા એક દર્દીનો મામલો સામે આવ્યો છે. આ વ્યક્તિ વુહાન શહેરથી અમેરિકામાં આવ્યો હતો.
દર્દીઓમાંથી લેવામાં આવેલા આ વાઇરસના સેમ્પલની પ્રયોગશાળામાં તપાસ કરવામાં આવી છે જે પછી ચીનના વિશેષજ્ઞાો અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આ કોરોનાવાઇરસ હોવાની પુષ્ટિ કરી. કોરોનાવાઇરસ અનેક પ્રકારના હોય છે પરંતુ એમાંના છ વાઇરસ માણસોમાં ફેલાતા હોવાની જાણકારી હતી પરંતુ નવા વાઇરસની ભાળ મળ્યા બાદ આવા જીવલેણ વાઇરસની સંખ્યા વધીને સાત થઇ ગઇ છે. નવા વાઇરસના જિનેટિક કોડના વિશ્લેષણથી સામે આવ્યું છે કે માણસોમાં ફેલાતા અન્ય કોરોનાવાઇરસની સરખામણીમાં આ નવો વાઇરસ સાર્સના વાઇરસને મળતો આવે છે.
સાર્સ નામનો કોરોનાવાઇરસ અત્યંત ખતરનાક મનાય છે. આ વાઇરસ પણ અગાઉ ચીનમાં જ ફેલાયો હતો. વર્ષ ૨૦૦૨માં ચીનમાં આ સાર્સ વાઇરસનો આશરે નવ હજાર જણાને ચેપ લાગ્યો હતો જેમાંના ૭૭૪ જણાના મૃત્યુ નીપજ્યાં હતાં. વૈજ્ઞાાનિકોની શોધખોળમાં બહાર આવ્યું હતું કે સાર્સનો વાઇરસ ચામાચિડીયા મારફતે માણસોમાં ફેલાયો હતો.
વર્ષ ૨૦૧૨માં સાઉદી અરેબિયામાં પણ મિડલઇસ્ટ રેસ્પિટરી સિન્ડ્રોમ નામનો વાઇરસ ફેલાયો હતો. ત્યારથી લઇને અત્યાર સુધી આ વાઇરસના કારણે મધ્યપૂર્વના દેશોમાં ૮૦૦થી વધારે લોકોના મૃત્યુ નીપજ્યાં છે. આ વાઇરસ ઊંટો દ્વારા માણસોમાં ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે.
એમાંયે ચીની નવું વર્ષ આવી રહ્યું હોવાના કારણે દુનિયાભરમાં ચિંતા વધી ગઇ છે. કારણ કે આ ઉત્સવ દરમિયાન દુનિયાભરમાં વસતા લાખો ચીની લોકો પોતાના વતન ઉજવણી કરવા માટે જાય છે.
આ લોકો ફરી પાછા પોતપોતાના વસવાટવાળા દેશોમાં પરત ફરે ત્યારે ત્યાં પણ આ રોગ લઇ જાય એવો ભય છે. એટલું જ નહીં, ચાઇનીઝ ન્યૂયર વખતે ચીનના હજારો લોકો વિદેશોના પ્રવાસે પણ ઉપડે છે જેના કારણે પણ આ રોગ ફેલાવાનું જોખમ ઊભું થયું છે. એટલા માટે જ ભારતસહિત દુનિયાભરના દેશોના હવાઇમથકો ઉપર ચીનથી આવતા તમામ મુસાફરોના તપાસ ફરજિયાત કરી દેવામાં આવી છે.
જાણકારોના મતે કોરોનાવાઇરસના લક્ષણ ન્યૂમોનિયા જેવા છે પરંતુ તે અત્યંત ચેપી વાઇરસ મનાઇ રહ્યો છે. શરદીના અનેક વાઇરસની જેમ આ વાઇરસ પણ હવા મારફતે ફેલાતો હોવાનું જાણવા મળ્યું છે. મતલબ કે આ વાઇરસ ખાંસી અને શરદી દ્વારા ફેલાય છે. ઉદાહરણ તરીકે ચીનથી આવતી કોઇ ફ્લાઇટમાં જો એકાદ મુસાફરને પણ આ વાઇરસનો ચેપ લાગ્યો હોય તો વિમાનમાં થોડા સમયમાં જ બીજા અનેક મુસાફરોને આ વાઇરસનો ચેપ લાગી શકે છે.
ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એવા લોકો અને વૃદ્ધ લોકો આ વાઇરસની ચપેટમાં તુરંત આવી શકે છે. નવો વાઇરસ હોવાના કારણે હજુ સુધી તેની રસી ન શોધાઇ હોય એ સ્વાભાવિક છે. હજુ તો કોરોનાવાઇરસને લગતી વધારે જાણકારી પણ સંશોધકો પાસે નથી એવામાં રસી શોધાવામાં સમય લાગે એવી શક્યતા છે. હાલ તો આ વાઇરસથી બચવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય એ છે કે રોગનો ચેપ લાગ્યો હોય એવા માણસો કે પ્રાણીઓથી દૂર રહેવું.
આજના હવાઇ મુસાફરીના યુગમાં એક દેશમાંથી બીજા દેશમાં જવું સાવ આસાન બની ગયું છે. દુનિયાના એક ખૂણેથી બીજે ખૂણે કલાકોમાં પહોંચી શકાય છે. કહેવા માટે તો દુનિયા ખોબા જેવડી બની ગઇ છે પરંતુ ક્યારેક આ આશીર્વાદ પણ અભિશાપ બની શકે છે.
જે ઝડપે માણસો એક દેશમાંથી બીજા દેશમાં ઝડપથી અને સરળતાથી જઇ શકે છે એ જ ઝડપે ચેપી અને જીવલેણ વાઇરસ પણ એ માણસોને વાહક બનાવીને જુદાં જુદાં દેશોમાં પહોંચી શકે છે. અને રોજના જ્યારે લાખો લોકો હવાઇ મુસાફરી દ્વારા દુનિયાના ખૂણેખૂણામાં પહોંચતા હોય ત્યારે આવા ખતરનાક વાઇરસ કે કોઇ મહામારી ભારે ઝડપે ફેલાઇ શકે છે અને દુનિયાભરના લાખો કરોડો લોકોને ભોગ બનાવી શકે છે.
દર વર્ષે ભારતમાં કોઇ ને કોઇ જીવલેણ વાઇરસ ત્રાટકતો હોય છે. વાઇરસનો હુમલો થયાના થોડા દિવસ સુધી લોકો સાવચેત રહે છે પરંતુ મહામારીનો પ્રકોપ શાંત થતાં જ લોકો સતર્ક રહેવાનું છોડી દે છે. પરિણામે જુદાં જુદાં જીવલેણ વાઇરસ વખતોવખત ત્રાટક્યા કરે છે. છેલ્લા બે વર્ષથી કેરળમાં નિપાહ વાઇરસ ત્રાટકી રહ્યો છે. અગાઉ સ્વાઇન ફ્લૂનો વાઇરસ પણ આ રીતે જ દેશમાં ત્રાટક્યો હતો અને હવે વખતોવખત તે દેશના જુદાં જુદાં વિસ્તારોમાં તરખાટ મચાવે છે.
Comments
Post a Comment