''યે લો આઝાદી'' : પોલીસની હાજરીમાં દેખાવકારો પર યુવકનો ગોળીબાર, એક ઘાયલ


ગોળીબાર કરનાર યુવકની ધરપકડ : આર્મ્સ એક્ટ અને આઈપીસી હેઠળ એફઆઈઆર 

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી પાસે નાગરિકતા સુધારા કાયદા (સીએએ)ના વિરોધમાં થઈ રહેલા દેખાવોમાં એક યુવક ખુલ્લેઆમ બંદૂક લઈને ઘૂસી આવ્યો હતો અને તેણે ગોળીબાર કરી દીધો હતો, જેમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. ગોળીબાર કરતી વખતે તે બોલતો હતો 'આ લો આઝાદી'. ગોળીબાર કરનાર યુવકે પોતાને રામભક્ત ગોપાલ તરીકે ઓળખાવ્યો હતો.

ગોપાલે ફેસબૂક લાઈવ કર્યા પછી ગોળીબાર કર્યો હતો. જામિયા નગરમાં લગભગ બપોરે 1.40 વાગ્યે આ ઘટના પછી લોકોમાં ગભરાટ અને આક્રોશ ફેલાયા હતા. આ ઘટના પછી મોટી સંખ્યામાં લોકો યુનિવર્સિટી વિસ્તારમાં એકત્ર થયા હતા અને દેખાવકારોને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.

આ ઘટના પછી પોલીસે ગોપાલની ધરપકડ કરી હતી. યુવક સામે આર્મ્સ એક્ટ અને આઈપીસીની કલમ 307 હેઠળ એફઆઈઆર નોંધાઈ છે. આરોપી યુવક સગીર હોવાનું પણ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે. ગોળીબારની ઘટના પછી આરોપીનું ફેસબૂક એકાઉન્ટ બંધ કરી દેવાયું છે.

નાગરિકતા સુધારા કાયદા (સીએએ)ના વિરોધમાં દિલ્હીમાં લગભગ બે મહિનાથી દેખાવો થઈ રહ્યા છે. આ દેખાવોના ભાગરૂપે જામિયા નગરમાં ગુરૂવારે રાજઘાટ સુધી માર્ચનું આયોજન કરાયું હતું.  આ માર્ચમાં જામિયા, જેએનયુ, દિલ્હી યુનિવર્સિટી, એએમયુ સહિતની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.

પોલીસે આ માર્ચને મંજૂરી આપી નહોતી, તેથી હોલી ફેમિલી હોસ્પિટલ પાસે મોટી સંખ્યામાં પોલીસ જવાનો વિદ્યાર્થીઓને રોકવા માટે ગોઠવાયેલા હતા. પોલીસ રેલીના આયોજકો સાથે વાતચીત કરતી હતી. એવામાં ભીડની વચ્ચેથી એક યુવક હવામાં બંદૂક ફેરવતાં અને બૂમો પાડતા પોલીસ તરફ આગળ વધ્યો હતો. 

તેણે દેખાવકારો તરફ ફરીને બૂમો પાડી કે તમારે આઝાદી જોઈએ છે ને! હું તમને આઝાદી અપાવીશ. એમ કહેતાં તેણે ગોળીબાર કરી દીધો. એક ગોળી દેખાવો કરી રહેલા એક વિદ્યાર્થીને વાગતાં તેને ઈજા થઈ હતી. તેને હોલી ફેમિલી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

બીજીબાજુ ડીસીપી ચિન્મય બિસ્વાલે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરી લેવાઈ છે, તેની પૂછપરછ થઈ રહી છે. જોકે, આ ઘટના પછી લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને લોકો જામિયા યુનિવર્સિટી વિસ્તારમાં એકત્ર થવા લાગ્યા હતા. તેમને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે દેખાવકારોને રાજઘાટ જતા અટકાવ્યા હતા.

ગોળીબાર કરતાં પહેલાં યુવકે ફેસબૂક લાઈવ કર્યું

યુવકે ગોળીબાર કરતાં પહેલાં ફેસબૂક લાઈવ કર્યું હતું. ફેસબૂક પર તેણે લખ્યું હતું કે ચંદનનો બદલો લેવા જઈ રહ્યો છું. ઉલ્લેખનીય છે કે 2018માં પ્રજાસત્તાક દિને ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં થયેલા રમખાણોમાં ગોપાલના મિત્ર ચંદન ગુપ્તાની હત્યા કરી દેવાઈ હતી.

તેણે 28મી જાન્યુઆરીએ એક પોસ્ટમાં લખ્યું કે 31મી સુધી તેની પોસ્ટની કોઈ અવગણના ન કરે. આ ઘટના માટે ઘરેથી નીકળતા પહેલાં તેણે એમ પણ લખ્યું હતું કે તે મરવા-મારવા પર આવી ગયો છે.

અન્ય એક પોસ્ટમાં તેણે લખ્યું તેને અંતિમ સંસ્કાર સમયે ભગવામાં લપેટીને લઈ જવામાં આવે અને જય શ્રી રામના સૂત્રોચ્ચાર કરાય. અન્ય એક પોસ્ટમાં લખ્યું શાહીનબાગ... ખેલ ખતમ... આ યુવક ગોપાલ ગ્રેટર નોઈડાનો રહેવાસી હોવાનું મનાય છે. તે 12મા ધોરણમાં અભ્યાસ કરે છે. 

ગોળીબારની ઘટના પછી પોલીસ તંત્ર પર સવાલો

જામિયા નગર વિસ્તારમાં સીએએ વિરોધી દેખાવો કરનારા પર પોલીસની હાજરીમાં જ એક યુવકે ગોળીબાર કરતાં પોલીસની સલામતી વ્યવસ્થા પર સવાલો ઊઠવા લાગ્યા છે. જામિયા નગરથી રાજઘાટ સુધીની આ રેલીને પોલીસે મંજૂરી નહોતી આપી. તેથી રેલીને રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો ગોઠવાયેલા હતા.

એવામાં પોલીસની હાજરીમાં કોઈ યુવક પિસ્તોલ લઈને ભીડમાં કેવી રીતે ઘૂસ્યો તે સવાલ છે. ઉપરાંત ભીડમાંથી બહાર નીકળી તેણે લગભગ 18 સેકન્ડ સુધી પિસ્તોલ હવામાં લહેરાવી હતી અને પછી ગોળીબાર કર્યો હતો. આ સમયે 12 જેટલા પોલીસ કર્મચારીઓ યુવકની પાછળ થોડેક દૂર જ હતા, છતાં તેને ગોળીબાર કરતાં અટકાવાયો નહોતો.

આવી ઘટના સાંખી નહીં લેવાય, કડક કાર્યવાહી કરાશે : શાહ

જામિયામાં સીએએ વિરૂદ્ધ ગોળીબારની ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ પ્રકારની ઘટનાને સાંખી નહીં લેવાય. તેમણે દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક સાથે વાત કરી હતી અને હુમલાખોર સામે કડક કાર્યવાહીનો તેમણે આદેશ આપ્યો હતો.

બીજીબાજુ આપ અને કોંગ્રેસે ભાજપ અને અમિત શાહ પર સવાલ ઉઠાવ્યા છે. કેજરીવાલે આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે દિલ્હીની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ગૃહમંત્રીએ દિલ્હીની કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળવી જોઈએ. કોંગ્રેસે આ ઘટનાને ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરના 'ગોળી મારો' નિવેદન સાથે સાંકળ્યું હતું.

ઉશ્કેરણીજનક ભાષણ કરનાર ડો. કફીલની મુંબઈથી ધરપકડ

મુંબઈ, તા. 30

અલીગઢમાં ઉશ્કેરણીજનક ભાષણ કરવાના આરોપમાં ઉત્તર પ્રદેશની એસટીએફે ગોરખપુરના ડોક્ટર કફીલ ખાનની ગુરૂવારે મુંબઈમાંથી ધરપકડ કરી હતી. ડોક્ટર કફીલ ખાને 12મી ડિસેમ્બરે એએમયુમાં નાગરિકતા સુધારા કાયદા (સીએએ)ના વિરોધમાં દેખાવો દરમિયાન વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું.

ત્યાર બાદથી અલીગઢ પોલીસ તેને શોધી રહી હતી. ડોક્ટર કફીલ વિરૂદ્ધ 13 ડિસેમ્બરે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 153-એ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. ડોક્ટર કફીલ 2017માં ગોરખપુરની બીઆરડી હોસ્પિટલમાં 60 બાળકોના મોત પછી સમાચારોમાં આવ્યો હતો.

એફઆઈઆર મુજબ કફીલે તેના ભાષણમાં કહ્યું કે 'મોટાભાઈ' બધાને હિન્દુ અથવા મુસ્લિમ બનાવાવનું શીખવી રહ્યા છે. પરંતુ તે એક માણસ નથી. આરએસએસના અસ્તિત્વમાં આવ્યા પછી તે બંધારણમાં વિશ્વાસ નથી કરતું. સીએએ મુસ્લિમોને બીજી શ્રેણીના નાગરિક બનાવે છે અને પછી તેમને એનઆરસીના અમલ સાથે પરેશાન કરવામાં આવશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો