બ્રેક્ઝિટઃ છેવટે બ્રિટનના યુરોપિયન યુનિયનથી છૂટાછેડા


બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસને ૩૧ જાન્યુઆરીએ બ્રેક્ઝિટ અમલી બનાવવાનો વાયદો પાળ્યો પરંતુ હવે આંતરરાષ્ટ્ીય વેપારધંધામાં ટકી રહેવું બ્રિટન માટે મોટો પડકાર બની રહેવાનું છે

યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના જુદા થવાની સંધિ એટલે કે બ્રેક્ઝિટ શુક્રવાર મધરાતથી લાગુ થઇ ગઇ છે. એ સાથે જ બ્રિટન યુરોપિયન યુનિયનથી અલગ થનારો પહેલો દેશ બની ગયો છે. બ્રિટનના ગયા વર્ષે ચૂંટાયેલા વડાપ્રધાન બોરિસ જ્હોનસને બ્રિટનને યુરોપિયન યુનિયનથી ૩૧મી જાન્યુઆરીએ અલગ કરવાનો વાયદો પૂરો કર્યો છે. 

છેલ્લા સાડા ત્રણ વર્ષથી બ્રેક્ઝિટને લઇને સમગ્ર યુરોપના રાજકારણમાં હલચલ મચી છે. યૂરોપિયન યુનિયન બ્રિટન ઉપરાંત યુરોપના ૨૭ દેશોનું એક જૂથ છે જે દરેક પરિસ્થિતિમાં એકબીજા સાથે ખડાં રહે છે. વાત વિકાસની હોય કે આર્થિક હિતોની કે પછી આંતરરાષ્ટ્રીય સ્તરે કોઇ મુદ્દો રજૂ કરવાની, આ તમામ દેશો એક સ્વરમાં જ બોલતા હોય છે.

યૂરોપિયન યુનિયનને લઇને બ્રિટન હંમેશા મુંઝવણમાં રહ્યું છે. બ્રિટન યૂરોપિયન મુક્ત વેપારનો લાભ તો લેવા ઇચ્છે છે પરંતુ નીતિઓ નક્કી કરવામાં પોતાનું નિયંત્રણ ગુમાવવા તૈયાર નથી. બ્રિટનના લોકોને એવી અનુભૂતિ થાય છે કે એક જમાનામાં સમગ્ર યુરોપમાં તેમની બોલબાલા હતી પરંતુ આજે યુરોપ ઉપર જર્મની અને ફ્રાન્સનું વર્ચસ્વ છે, અને આ બંને દેશો મળીને જ યૂરોપિયન યુનિયનને ચલાવે છે જ્યારે બ્રિટનને આ મામલે કોઇ પૂછતું પણ નથી. 

યૂરોપિયન યુનિયન સાથે જોડાયેલા રહેવું કે અલગ થવું એ મુદ્દે ૨૩ જૂન, ૨૦૧૬ના રોજ યોજાયેલા જનમત સંગ્રહના પરિણામો બાદ જ સ્પષ્ટ થઇ ગયું હતું કે બ્રિટન યૂરોપિયન યુનિયનથી અલગ થશે. આ જનમત સંગ્રહમાં બ્રિટનના બાવન ટકા લોકોએ યૂરોપિયન યુનિયનથી જુદાં થવાની તરફેણમાં મતદાન કર્યું હતું.

જનમત સંગ્રહનું પરિણામ આવતા જ બ્રિટીશ ચલણમાં કડાકો બોલ્યો હતો અને વડાપ્રધાન ડેવિડ કેમેરુને પોતાનું પદ છોડવું પડયું હતું કારણ કે કેમેરુન બ્રેક્ઝિટની તરફેણમાં નહોતા. હકીકતમાં ડેવિડ કેમેરુન બ્રેક્ઝિટને હવા આપીને જ સત્તામાં આવ્યાં હતાં અને તેમને હતું કે વડાપ્રધાન બન્યા બાદ તેઓ પરિસ્થિતિ સંભાળી લેશે પરંતુ બ્રિટનની પ્રજાએ તેમને આંચકો આપ્યો અને બ્રેક્ઝિટની તરફેણમાં મતદાન કર્યું. 

બ્રિટનના લોકોએ યૂરોપિયન યુનિયનથી અલગ થવાનો નિર્ણય એટલા માટે લીધો કે છેલ્લા ઘણાં સમયથી યૂરોપિયન યુનિયન અમેરિકાની નીતિઓ ઉપર જ અમલ કરી રહ્યું હતું જેના કારણે બ્રિટન તેમજ અન્ય દેશોના લોકો પણ નારાજ હતાં. ખાસ કરીને માનવાધિકાર અને શરણાર્થીઓને આશ્રય આપવાના યૂરોપિયન યુનિયનના નિર્ણચના કારણે ઘણાં સભ્ય દેશો નારાજ થયાં. આ સિવાય યૂરો સંકટ અને શરણાર્થીઓના મોટી સંખ્યામાં યુરોપ આવવાના કારણે જે પરિસ્થિતિ ઊભી થઇ તેના કારણે બ્રિટનમાં યૂરોપિયન યુનિયનના વિરોધીઓને ઉગ્ર વલણ ધારણ કરવાનો મોકો મળી ગયો.

દરમિયાન બ્રેક્ઝિટ માટેની તારીખ ૨૯ માર્ચ ૨૦૧૯ નક્કી થઇ ચૂકી હતી. બ્રિટનને આ મુસીબતમાંથી બહાર કાઢવા માટે કોઇ મજબૂત નેતાની જરૂર હતી. થેરેસા મેએ પોતાને એ મજબૂત નેતા તરીકે રજૂ કર્યાં. તેમના મનમાં એમ હતું કે તેઓ સફળતાપૂર્વક બ્રેક્ઝિટ કરાવી લેશે અને માર્ગારેટ થેચરની માફક બ્રિટનના નવા આયર્ન લેડી કહેવાશે.

થેરેસા મે વખતોવખત બ્રેક્ઝિટને લઇને નવા નવા ડ્રાફ્ટ બનાવતા રહ્યાં અને એ ડ્રાફ્ટ જ્યારે પ્રસ્તાવ બનીને સંસદમાં રજૂ થયા ત્યારે ફગાવાતા રહ્યાં. ખુદ તેમની પાર્ટીના સભ્યો જ તેમના પ્રસ્તાવોના વિરોધમાં ઉતરી આવ્યાં. આવી પરિસ્થિતિમાં નેતાઓ આત્મસન્માન માટે રાજીનામુ આપી દેતા હોય છે અને થેરેસા મેએ પણ છેવટે એવું જ કરવાનો વારો આવ્યો.

થેરેસા મેનું વલણ સેમીબ્રેક્ઝિટ તરફી હતું. મતલબ કે મતલબ કે બ્રિટન યૂરોપિયન યુનિયનની બહાર રહીને પણ તેની શરતોનું પાલન કરે. આનો અર્થ એ કે યૂરોપિયન યુનિયનની બહાર રહીને પણ બ્રિટન તેની સાથે જ જોડાયેલું રહે કે જેથી કરીને જેના આર્થિક હિતો જળવાઇ રહે તેમજ રોજગાર અને બહુરાષ્ટ્રીય કંપનીઓને બ્રિટનની બહાર જતાં રોકી શકે. પરંતુ તેમના વિરોધીઓને તેમનું આ ફ્લેક્સીબલ વલણ મંજૂર નહોતું. થેરેસા મેની ડીલનો વિરોધ કરનારા લોકોનું કહેવું હતું કે બ્રેક્ઝિટ બાદ શરૂઆતમાં બેશક બ્રિટનને તકલીફ પડશે પરંતુ સમય જતાં તે ફરી વખત મજબૂત બની જશે. 

થેરેસા મેના સ્થાને સત્તામાં આવેલા બોરિસ જ્હોનસન કટ્ટર બ્રેક્ઝિટ સમર્થક મનાતા હતાં. સત્તામાં આવતા જ જ્હોનસને કોઇ પણ ભોગે ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં યુરોપિયન યુનિયનથી અલગ થવાની જિદ પકડી. પરંતુ બ્રિટનની સંસદમાં તેમને સાથ ન મળ્યો અને છેવટે બ્રેક્ઝિટ અમલમાં લાવવા જ્હોનસને મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત પણ કરી જેથી કરીને તેઓ ફરી પાછા બહુમતિથી ચૂંટાઇને આવીને પોતાની શરતો પર બ્રેક્ઝિટ લાગુ કરી શકે. ચૂંટણીમાં બોરિસ જ્હોનસનને બહુમતિ મળી એ સાથે જ બ્રેક્ઝિટ લાગુ થવાનું નક્કી બની ગયું. 

બોરિસ જ્હોનસનની મરજી મુજબ બ્રેક્ઝિટ ભલે થયું હોય પરંતુ એની ખુશી મનાવવા માટે તેમની પાસે સમય નથી. સમગ્ર ઘટનાક્રમમાં બ્રિટીશ જનતાનું ભારે ધૂ્રવીકરણ થયું છે અને બ્રિટનનું રાજકારણ પણ ધરમૂળથી બદલાઇ ગયું છે. હવે પહેલી ફેબુ્રઆરીથી બ્રિટન અને યુરોપિયન યુનિયન વચ્ચે નવેસરથી વાટાઘાટોનો દોર શરૂ થશે જેથી ભવિષ્યના સંબંધોની રૂપરેખા તૈયાર થઇ શકે.

બ્રિટન પાસે ૨૦૨૦ના અંત સુધીનો સમય છે જ્યાં સુધી તે યુરોપિયન યુનિયનના સંયુક્ત બજારનો ભાગ બનેલું રહેશે. આ સમયસીમા સુધીમાં બ્રિટને વ્યાપારી, રક્ષા, ઉર્જા, પરિવહન અને ડેટા સહિત તમામ મહત્ત્વના મુદ્દાઓ પર સમજૂતિ કરવાની રહશે. જ્હોનસન કહી ચૂક્યાં છે કે તેમના માટે ૧૧ મહિનાનો સમય પૂરતો છે અને આ સમયગાળામાં તેમણે જે વાયદો કર્યો હતો એ ઝીરો ટેરિફ ઝીરો ક્વોટાના સિદ્ધાંત પર આધારિત ટ્રેડ ડીલ કરી લેશે. 

જો આ સમયગાળામાં કોઇ નવી સમજૂતિ ન સધાઇ શકી તો કાનૂની રીતે એવી સ્થિતિ ઉદ્ભવશે જેમાં ૨૦૨૧થી યુરોપિયન યુનિયન અને બ્રિટન વચ્ચેના વ્યાવસાયિક સંબંધો પર વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નિયમો લાગુ થઇ જશે. જે અંતર્ગત વ્યાપારી સંબંધોમાં તમામ પ્રકારના આયાત ટેરિફ અને કંટ્રોલ ફી ચૂકવવાની રહેશે.

જોકે યુરોપિયન યુનિયનના બ્રેક્ઝિટ સલાહકાર સ્ટેફાન ડિ રિંકનું કહેવું છે કે ૩૧ ડિસેમ્બર સુધી સમાધાન પર પહોંચવું એ બ્રેક્ઝિટ સમજૂતિની તમામ શરતો પર સહમત થવાથી વધારે મુશ્કેલ બની રહેવાનું છે.  યુરોપિયન યુનિયન સાથે વેપાર સંધિ કરવા માટે સામાન્ય રીતે બીજા દેશોને વર્ષો લાગી જાય છે.

એવામાં જાણકારોના મતે અગિયાર મહિનાના સમયમાં કોઇ નક્કર વેપારી સમજૂતિ ઘડાય એવી શક્યતા નહિવત્ છે. જો બ્રિટન યુરોપિયન યુનિયનના નિયમો સાથે વધારે બાંધછોડ કરવા તૈયાર ન હોય તો જ ઝડપથી કોઇ સમજૂતિ સધાશે. પરંતુ બ્રિટનની ચિંતા એ વાતે છે કે જો તે યુરોપિયન યુનિયનના નિયમો પર ચાલ્યું તો તેના માટે બીજા દેશો, ખાસ કરીને અમેરિકા સાથે વેપાર સમજૂતિ કરવી કઠિન બનશે.

બીજી બાજુ યુરોપિયન યુનિયને સ્પષ્ટ કર્યું છે કે તે નિષ્પક્ષ કોમ્પિટિશનની ગેરંટી વગર બ્રિટન સાથે કોઇ સમજૂતિ નહીં કરે કારણ કે તે બ્રિટન તેમની નજીક રહેલો મોટો અને શક્તિશાળી પાડોશી છે. નિષ્પક્ષ કોમ્પિટિશનનો મતલબ છે કે બ્રિટને પર્યાવરણ અને બીજા માપદંડોનું પાલન કરવાનું રહેશે જેથી કરીને તે ઓછી ભાવે પોતાના ઉત્પાદનો વેચી ન શકે.

બીજુ એ કે સમજૂતિ માટે ભલે ડિસેમ્બરના અંત સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો હોય પરંતુ આ સમજૂતિ કરવા માટે ઓક્ટોબરના અંત સુધીનો જ સમય છે કારણ કે એ પછી સમજૂતિનો યુરોપિયન યુનિયનની ૨૩ અધિકૃત ભાષાઓમાં અનુવાદ કરવામાં આવશે અને વર્ષ પુરું થયા પહેલા યુરોપિયન યુનિયનની સંસદમાં એ સમજૂતિ પસાર કરવાની રહેશે. 

એકંદરે બ્રેક્ઝિટ લાગુ થયા બાદ પણ બોરિસ જ્હોનસન માટે પડકારો ઓછા નથી થયાં બલ્કે વધ્યાં છે. આમ પણ બ્રેક્ઝિટની ચર્ચા ચાલી ત્યારથી બ્રિટનની અર્થવ્યવસ્થા ઉપર તેની નકારાત્મક અસરો જણાવા લાગી છે. બ્રિટનની અર્થવ્યવસ્થાની વૃદ્ધિ અટકી ગઇ છે અને લોકો ગરીબ થવા લાગ્યાં છે. વિદેશી કંપનીઓ પણ રોકાણને લઇને વધારે સાવચેત બની ગઇ છે. પ્રોપર્ટી બજારમાં મંદી આવી ગઇ છે. બ્રિટનની કેટલીક મોટી કંપનીઓએ ચેતવણી આપી છે કે બ્રેક્ઝિટ બાદ તેઓ બ્રિટનમાંથી તેમનો વેપાર સંકેલી શકે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો