દિલ્હીની વાત : જામિયા પાસે ગોળીબારે લોકોનો આક્રોશ ભડકાવ્યો
જામિયા પાસે ગોળીબારે લોકોનો આક્રોશ ભડકાવ્યો
નવી દિલ્હી, તા.30 જાન્યુઆરી 2020, ગુરુવાર
જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવસટી પાસે ગુરુવારે ગોપાલ નામના ૧૯ વર્ષના યુવકે કરેલા ગોળીબારની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો. ગોપાલે સીએએનો વિરોધ કરી રહેલા દેખાવકારો સામે 'યે લો આઝાદી' કહીને ગોળીઓ છોડીને દિલ્હી પોલીસની આબરૂના ધજાગરા કરી નાંખ્યા. આ ઘટના બની ત્યારે દિલ્હી પોલીસ ચૂપચાપ તમાશો જોયા કરતી હતી. સોશિયલ મીડિયા પર આ તસવીર જોરદાર વાયરલ થઈ છે. આ તસવીર સાથે લોકો ભાજપ વિરોધી કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ કારણે જામિયા હેશ ટેગ ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ કરતું હતું. ગોપાલે આ ગોળીબાર પહેલાં ફેસબુક લાઈવ કરીને પોતાનો ઈરાદો જાહેર કરી દીધો હતો છતાં દિલ્હી પોલીસે કશું ના કર્યું તેના કારણે લોકો ફિટકાર રસાવી રહ્યા છે. આ ઘટનાએ ભાજપને પણ હચમચાવી દીધો અને અમિત શાહે ટ્વિટ કરીને ગોળીબાર કરનાર સામે સખત પગલાં લેવાની ખાતરી આપવી પડી. ભાજપને ચિંતા છેકે આ મુદ્દો ચૂંટણીમાં તેને નડી ના જાય.
સીએએ મુદ્દે ઈયુમાં ચર્ચાથી મોદી સરકાર ખફા
સીએએ સામે યુરોપીયન યુનિયનની સંસદમાં લવાયેલા ઠરાવ સામે મોદી સરકારે ઉગ્ર વિરોધ કર્યો હોવા છતાં બુધવારે તેના પર ચર્ચા થઈ. ભારત અને યુરોપીયન યુનિયન વચ્ચે ૧૩ માર્ચે સમિટ હોવાથી મતદાન સમિટ પતે ત્યાં સુધી મોકૂફ રખાયું છે પણ ઠરાવને પડતો મૂકવાની ભારતની માગણીને યુરોપીયન યુનિયને ગણકારી નથી.
આ ચર્ચા પછી મોદી સરકાર હરકતમાં આવી છે. સીએએ ભારતનો આંતરિક મામલો છે ત્યારે તેના પર ચર્ચા કરવાનો કોઈને પણ અધિકાર નથી જ. આ પ્રકારની ચર્ચા ભારતના સાર્વભૌમત્વને પડકાર છે અને આંતરિક બાબતોમાં દખલગીરી કહેવાય. યુરોપિયન યુનિયને એ હરકત કરી છે ત્યારે મોદી સરકાર યુરોપીયન યુનિયન સાથેના સમિટને મોકૂફ રાખવા વિચારી રહી છે. આ સમિટ સાથે ભારતનાં વ્યાપક આથક હિતો સંકળાયેલાં છે. અલબત્ત ભારત પોતાના સ્વાભિમાન અંગે કોઈ સમાધાન કરવા તૈયાર નથી એવો મેસેજ આપવા આ સમિટ મોકૂફ રાખવા મોદી સરકાર વિચારી રહી છે.
દિલ્હીમાં કોગ્રેસના ઉમેદવારો સાવ રામભરોસે
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના મતદાન આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ અને આમ આદમી પાર્ટીએ આ ચૂંટણી જીતવા પૂરી તાકાત લગાવી દીધી છે. બંને પક્ષના ટોચના નેતાઓ ઝનૂનથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારો સાવ નોંધારા હોય એવી હાલત છે. કોંગ્રેસમાંથી કોઈ ટોચના નેતા હજુ સુધી પ્રચાર માટે મેદાનમાં જ નથી આવ્યા. સોનિયા ગાંધી તો ખરાબ તબિયતના કારણે જાહેર સભાઓ કરતાં જ નથી પણ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ગાયબ છે. કોંગ્રેસના નેતા એવો દાવો કરી રહ્યા છે કે, ૨ ફેબ્રુઆરી પછી પ્રિયંકા અને રાહુલ પ્રચાર માટે મેદાનમાં આવશે. જો કે ત્યાં સુધીમાં પ્રચાર પૂરો થવાને ચારેક દાડા બચ્યા હશે એ જોતાં એ લોકો શું કરી શકશે એ સવાલ છે.
રાજકીય વિશ્લેષકોના મતે, આપ અને ભાજપના જોરદાર પ્રચાર સામે કોંગ્રેસે અત્યારથી હાર કબૂલી લીધી છે એ જોતાં કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલાવી શકશે કે કેમ તેમાં શંકા છે.
શિવરાજે કેન્દ્રમાં ગોઠવાઈ જવા મોદીભક્તિ શરૂ કરી
મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જે રીતે નરેન્દ્ર મોદી અને અમિત શાહનાં વખાણ કરે છે તેના કારણે આશ્ચર્ય સર્જાયું છે. શિવરાજે સીએએની તરફેણ કરતાં એંવું કહ્યું કે, દુનિયાની કોઈ તાકાત સીએએનો અમલ નહીં રોકી શકે. શિવરાજે નરેન્દ્ર મોદીના ભગવાન રામ અને અમિત શાહને હનુમાન ગણાવ્યા. શિવરાજ આ પહેલાં પણ મોદીને ભગવાન ગણાવી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણી પહેલાં તેમણે કહેલું કે, જે લોકો વરસોથી તકલીફો ભોગવતા હતા તેમના માટે મોદી ભગવાન બનીને આવ્યા છે.
શિવરાજ જેવા નેતા મોદીની આટલી ચાપલૂસી કરે છે તે પાછળનું કારણ મોદી સરકારમાં સામેલ થવાની ઈચ્છા છે. એપ્રિલ મહિનામાં રાજ્યસભાની સંખ્યાબંધ બેઠકો ખાલી પડવાની છે. શિવરાજસિંહ મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભામાં જઈને પ્રધાન બનવા માગે છે એવું ભાજપનાં સૂત્રો કહે છે. મધ્ય પ્રદેશમાં ભાજપ હવે પછીની વિધાનસભા ચૂંટણીમાં શિવરાજને આગળ નહીં કરે એ સ્પષ્ટ છે તેથી શિવરાજ માનભેર કેન્દ્રમાં ગોઠવાઈ જવા માગે છે.
રૂપાણીની જાહેરાત અંગે યુ.એસ. એમ્બેસી જ અજાણ
ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાનાં હજુ ઠેકાણાં નથી ત્યારે વિજય રૂપાણીએ ફેબ્રુઆરીમાં ટ્રમ્પ ભારત આવશે તેવી જાહેરાત દિલ્હીમાં કરી નાંખી. રૂપાણીની આ જાહેરાતના કારણે અમેરિકન દૂતાવાસ પણ આશ્ચર્યમાં છે. ટ્રમ્પ ફેબ્રુઆરી મહિનામાં ૨૪થી ૨૬ તારીખ દરમિયાન ભારત આવવાના છે એવા અહેવાલ છે પણ હજુ કાર્યક્રમ નક્કી થયો નથી. રૂપાણીએ ક્યા આધારે આ જાહેરાત કરી એ સવાલ પૂછાઈ રહ્યો છે.
રૂપાણીની જાહેરાત પછી ઈન્ટરનેશનલ મીડિયાએ ટ્રમ્પની ભારત યાત્રા અંગે સવાલ કરવા માંડતાં અમેરિકન એમ્બેસી અજ્ઞાાન પ્રગટ કરવું પડે છે. બુધવારે દિલ્હીના શાસ્ત્રીનગરમાં એક ચૂંટણી સભાને સંબોધતાં રૂપાણીએ જાહેર કરેલું કે, ટ્રમ્પ ફેબ્રુઆરીમાં અમદાવાદ આવશે અને સાબરમતી નદી પર બનાવાયેલા રીવરફ્રન્ટની મુલાકાત પણ લેશે કેમ કે સાબરમતી સમગ્ર એશિયામાં સૌથી સ્વચ્છ નદી બની ગઈ છે. રૂપાણીની જાહેરાતનો ભારત સરકારના વિદેશ મંત્રાલય પાસે પણ જવાબ નથી. આ જાહેરાત પછી એવી રમૂજ પણ થઈ રહી છે કે, રૂપાણી સીધા ટ્રમ્પના સંપર્કમાં લાગે છે તેથી તેમને સૌથી પહેલાં ખબર પડી ગઈ.
મોદીને ભાજપના સાથી પક્ષના સાંસદે જ ભીંસમાં લીધા
સંસદના શિયાળુ સત્ર પહેલાં નરેન્દ્ર મોદીએ ગુરૂવારે સર્વપક્ષીય બેઠક બોલાવી. આશ્ચર્યજનક રીતે આ સર્વપક્ષીય બેઠકમાં મોદીને વિપક્ષોએ નહીં પણ તેમના જ સાથી પક્ષ અકાલી દળે ભીંસમાં લઈ દીધા. અકાલી દળ વતી હાજર રાજ્યસભાના સભ્ય સરદાર બલવિંદરસિંહ બુંદેરે મોદીને સાફ શબ્દોમાં કહ્યુ કે, તેમની સરકારે એવા કાયદા ના બનાવવા જોઈએ કે જે લોકોમાં ભાગલા પાડતા હોય તથા લોકો તેમજ લઘુમતીને તકલીફ આપતા હોય. બુંદેરની વાત સાંભળી ભાજપના તમામ નેતા સ્તબ્ધ થઈ ગયા હતા. મોદીએ પણ આ મુદ્દે કોઈ જવાબ આપવાનું ટાળ્યું.
અકાલી દળ પ્રમુખ સુખબિરસિંહ બાદલે હજુ બે દિવસ પહેલાં જ જે.પી. નડ્ડા સાથે પત્રકાર પરિષદ કરીને દિલ્હીની ચૂંટણીમાં અકાલી દળ ભાજપને ટેકો આપશે એવી જાહેરાત કરી હતી. બુંદેરે એ છતાં ભાજપ સરકાર વિરોધી સૂર કાઢયો એ મહત્વનું છે. બાદલ ભાજપ સાથે બેવડી રમત તો નથી રમી રહ્યા ને એવો સવાલ પણ આ બેઠક પછી પૂછાવા લાગ્યો છે.
***
રાજ્યપાલો અને રાજ્ય સરકારો વચ્ચે ગજગ્રાહ ચાલુ
રાજ્યપાલો અને રાજ્ય સરકારો વચ્ચેનો ગજાગ્રહ અવારનવરા હેડલાઇન બને છે. નવો વિવાદ કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને ઊભો કર્યો હતો જેમને સીએએના કારણે રાજ્ય સરકાર સાથે અણબનાવ છે. ખાને આ કાયદા અંગે જાહેરમાં વારંવાર વિવાદાસ્પદ નિવેદોનો કર્યા હતા.'કેન્દ્ર સરકારે બનાવેલા કાયદાને રક્ષા કરવી એ મારી ફરજ છે. ગઇ કાલે તેમણે વિધાનસભામાં કહ્યું હતું કે'મુખ્ય મંત્રીપિનયારી વિજયની ઇચ્છા અનુસાર, પોલીસીના પેરેગ્રાહ ૧૮નું વાંચન કરતા મને વાંધો છે અને એ વિયષ અંગે હું સંમંત પણ નથી. જો કે નિષ્ણાતો ખાનના નિવેદન સાથે સંમત નથી.લોકસભાના પૂર્વ સેક્રેટરી જનરલ પીડીટી આચાર્યે કહ્યું હતું ' બંધારણ અને પરંપરા અનુસાર, રાજ્યપાલ એ રાજ્યનો વડો હાય છે અને રાજ્ય સરકારે તેને મંજૂર કર્યું હોય તે ભાષણ તેને વાંચવું જ પડે'.ખાનની જેમ ંબગાળના રાજ્યપાલે પણ પોતાની જાતને કર્મશીલ બનાવી દીધો હતો જેના કારણે તંગદિલી વધી હતી. તેઓ અવારનવાર મમતા સાથે ઝગડયા જ કરે છે.
કેજરીવાલ સૌથી મોટા જુઠ્ઠા : શાહ
ભાજપના ઉમેદવાર સુનિલ યાદવની જાહેર સભામાં બોલતાં ગૃહ મંત્રી અમીત શાહે કેજરીવાલને પૂછ્યું હતું કે શું તેઓ જેએનયુના વિદ્યાર્થી શરજીલ ઇમામ સામે કેસ ચલાવવાની મંજૂરી આપશે? કેજરીવાલે કહ્યું હતું કે તેઓ સરકારે બંગલો કે કાર નહીં લે, પરંતુ હવે તેમની પાસે કાર પણ છે અને બંગલો પણ છે. કેજરીવાલ સૌથી મોટો જુઠ્ઠો છે. મારા ૫૬ વર્ષના જીવનમાં મેં કેજરીવાલ જેટલો મોટો જુઠ્ઠો જોયો નથી.
નડ્ડાએ અકાલી નેતાની મુલાકાત લીધી
દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેંલા ભાજપના જુના સાથી શિરોમણી અકાલી દળ અને ભાજપે બુધવારે અકાલી નેતા સુખબીર સિંહ બાદલના સફદરજંગ નિવાસસ્થાને એક મુલાકાત ગોઠવી હતી. ત્યાર પછી એવી જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ સાથે છે. નવા નાગરિક સંશોધન ધારામાં મુસ્લિમોને બાકાત રાખવાના મુદ્દે ભાજપ સાથે મતભેદ થતા અકાલી દળે આઠમી ફેેબુ્રઆરીની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાંથી પીછેહટ કરી હતી. ત્યાર પછીથી એકાલી દળે ભાજપના સમર્થન માટે ખુલીને વાત કરી નહતી. પરંતુ હવે તેઓ સાથે મળીને કામ કરશે એવા સંકેતો મળે છે. અકાલી દળે દિલ્હીમાં રાજૌરી ગાર્ડન, હરિનગર,શાહાદરા અને કાલકાજીની બેઠકો માગી હતી, પરંતુ ભાજપ નહીં આપતા અકાલી દળે ભાજપ સાથે છેડો ફાડયો હતો.
જમ્મુ-કાશ્મીર માટે 86000 શિક્ષકોને તાલીમ અપાય છે
જમ્મુ અને કાશ્મીરના સ્ટેટ ઇન્સટીટયુટ ઓફ એજ્યુકેશ (એસઆઇઇ) દ્વારા સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં શિક્ષકોને તાલીમ આપવા કેમ્પનું આયોજન કર્યું હતું.તેઓ રાજ્યના ૮૬૦૦૦ શિક્ષકોને તાલિમ આપશે.કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરની શિક્ષણ પધ્ધતીમાં આમુલ પરિવર્તન લાવશે. શાળાના અભ્યાસક્રમમાં પરિવર્તન આવવાથી અને નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રંનિગના અભ્યાસક્રમ દાખલ કરવાથી ૮૬૦૦૦ શિક્ષકોને પ્રાથમિક અને માધ્યમીક કક્ષાએ ગુણવત્તા સભર શિક્ષણ મળશે.એનસીઆરટીઇના નિષ્ણાતો દ્વારા કી રિસોર્સ પર્સન તરીકે ગયા સપ્તાહે ૫૦૦ શિક્ષકોને તાલીમ અપાઇ હતી. સ્ટેટ ઇન્સટીટયુટ ઓફ એજ્યુકેશન જમ્મુ,કાશ્મીર આખા રાજ્યમાં તાલીમ શિબિરોનું આયોજન કરશે.
મહિલાઓ સારી આયોજકો છે
મહિલાઓ પાસે આયોજનની ખૂબ ક્ષમતા હોય છે અને કુશળતા તેમજ પ્રતિભાનો કેવો ઉપયોગ કરવો તે પણ ખૂબ સારી રીતે જાણે છે. વાસ્તવમાં તેઓ કહે છે કે અમે પુરૂષ સમકક્ષા કરતાં સારી છીએ. સંશોધકોને જાણવા મળ્યું હતું કે સ્થળ લક્ષી સમજશક્તિ સાથે સંકળાયેલી માનસિક ફેરબદલની ક્ષમતાની બાબતમાં પુરૂષોને કોઇ જ ફાયદો થતો નથી. આયરલેન્ડની એક સંસ્થા દ્વારા કરાયેલા એક સંશોધન અનુસાર, હવે આયોજનની કુશળતા માત્ર પુરૂષોનો જ ઇજારો નથી.
- ઇન્દર સાહની
Comments
Post a Comment