શર્જિલ ઇમામની તપાસ ચાલુ, છ રાજ્યોમાં એફઆઇઆર નોંધાઇ
નવી દિલ્હી તા.28 જાન્યુઆરી 2020, મંગળવાર
રાષ્ટ્રવિરોધી વિધાનો કરીને નાસી છૂટેલા જેએનયુના વિદ્યાર્થી શર્જિલ ઇમામની તલાશ માટે ચોમેર છાપા મરાઇ રહ્યા હતા. છ રાજ્યોમાં શર્જિલની વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી.
પૂછપરછ માટે શર્જિલના ભાઇ અને જિગરી દોસ્ત મનાતા એક યુવકની ધરપકડ કરાઇ હતી. શર્જિલના જહાનાબાદ ખાતેના નિવાસસ્થાને પણ દરોડો પડાયો હતો. શર્જિલના ભાઇ મુઝમ્મિલને અટકાયતમાં લેવાયો હતો.
દરમિયાન, જેએનયુના પ્રોક્ટરે શર્જિલના નામે સમન્સ મોકલ્યું હતું અને ત્રીજી ફેબ્રુઆરી સુધીમાં એણે કરેલા રાષ્ટ્રવિરોધી વિધાન અંગે સ્પષ્ટતા માગી હતી.
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે પાંચ ચુનંદા અધિકારીઓની એક ટીમ શર્જિલને શોધી કાઢવા બનાવી હતી. આઇઆઇટી, મુંબઇથી ગ્રેજ્યુએટ થયેલા શર્જિલને ચારથી વધુ રાજ્યોની પોલીસ શોધી રહી હતી. દેશ વિરોધી ભાષણ કરીને શર્જિલ રાતોરાત મિડિયાના કેન્દ્રમાં આવી ગયો હતો.
દરમિયાન, જેએનયુના વિદ્યાર્થીઓએ શર્જિલના ટેકામાં એક કૂચ કરી હતી અને શર્જિલને ખુલ્લંખુલ્લા ટેકો જાહેર કર્યો હતો.
Comments
Post a Comment