ઘેરી બનેલી મંદીના કારણે સરકાર માટે લોભામણું બજેટ રજૂ કરવું મુશ્કેલ

- સરકાર સમક્ષ મોંઘવારીને કાબુમાં લેવાની સાથે સાથે વિકાસ દર વધારવાનો પડકાર પણ છે પરંતુ ઘટી રહેલી રેવન્યૂના કારણે સરકાર માટે ખર્ચ વધારવો અઘરો બને તેમ છે એ સંજોગોમાં સરકાર માટે માંગ, ખપત અને રોકાણના અસંતુલનને દૂર કરવા પગલા લેવા આવશ્યક બની રહેશે


મંદી તરફ ધકેલાઇ રહેલી ભારતની અર્થવ્યવસ્થા મધ્યે નાણા મંત્રી નિર્મલા સીતારમન પહેલી ફેબુ્રઆરીએ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ રજૂ કરશે. આમ તો આ તેમનું બીજું બજેટ હશે પરંતુ ગત બજેટ ચૂંટણીના વર્ષમાં આવેલું માત્ર સાત મહિનાનું બજેટ હતું. એ જોતાં આ બજેટ તેમનું અને મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું સંપૂર્ણ બજેટ રહેશે. 

તાજેતરમાં જ વર્લ્ડ બેંક, રિઝર્વ બેંક તેમજ અનેક આર્થિક એજન્સીઓ ચેતવણી આપી ચૂકી છે કે ભારતીય અર્થવ્યવસ્થાની હાલત સાવ નબળી છે અને આગામી નાણાકીય વર્ષમાં પણ વિકાસ દર પાંચ ટકાના દરે વધવાનું અનુમાન છે. જુદાં જુદાં અહેવાલો બાદ નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસે પણ સ્વીકાર્યું છે કે ભારતીય અર્થતંત્ર ખસ્તાહાલ બનવા તરફ છે. એ સંજોગોમાં આ વખતના બજેટમાં સરકારે દેશની અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવવા માટે અનેક સુધારાવાદી પગલાં લેવાની જરૂર પડશે. આ બજેટ ઉપર આખા દેશની નજર રહેશે કારણ કે ડગમગાઇ રહેલી અર્થવ્યવસ્થાને સાચવી લેવા માટે મોદી સરકાર કેવા પગલાં લે છે એ મહત્ત્વનું બની રહેવાનું છે. 

ગત બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમને દાવો કર્યો હતો કે આવનારા કેટલાંક વર્ષોમાં દેશની અર્થવ્યવસ્થા પાંચ હજાર અબજ ડોલરની બની જશે. જોકે કઠણાઇ એ વાતે ઊભી થઇ છે કે આગામી નાણાકીય વર્ષ માટે સરકારે પાંચ ટકાના વિકાસ દરનું લક્ષ્ય રાખ્યું છે જે છેલ્લા છ વર્ષનું સૌથી નીચલું સ્તર છે. તો આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે તો સરકારના પાંચ ટકાના વિકાસ દરને પણ ઘટાડતા ૪.૮ ટકાનું અનુમાન જાહેર કર્યું છે. એવામાં સવાલ થવો સ્વાભાવિક છે કે આ બજેટ અર્થવ્યવસ્થાની કાયાપલટ કરવામાં કેવી રીતે મદદરૂપ સાબિત થશે? 

સરકાર સમક્ષ હાલ ઘટી રહેલી રેવન્યૂ ચિંતાનો વિષય છે. તો સતત ખોટમાં જઇ રહેલી એર ઇન્ડિયા અને બીએસએનએલ જેવી સરકારી કંપનીઓના કારણે સરકાર પર બોજ વધ્યો છે. એવામાં ઉદ્યોગોને આપવામાં આવેલી ટેક્સમાં છૂટછાટના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં જ ૨૦.૫ અબજ ડોલરના નુકસાનનું અનુમાન છે. દેશમાં બેરોજગારી છેલ્લા ૪૫ વર્ષની ટોચે હોવાનો તો સરકારે ખુદ સ્વીકાર કર્યો છે. એકંદરે નાણા મંત્રીએ સીમિત સંસાધનો વડે મોટી કામગીરી પાર પાડવાનો પડકાર ઝીલવો પડશે. 

છેલ્લા ઘણાં સમયથી ઓટોમોબાઇલથી લઇને રોજબરોજની ચીજવસ્તુઓના વેચાણમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આંકડા દર્શાવે છે કે દેશમાં ખપત સતત ઘટી રહી છે. ખાસ કરીને રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓના વેચાણમાં થયેલો ઘટાડો દર્શાવે છે કે લોકો જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પણ ખરીદવાનું ટાળી રહ્યાં છે. વેચાણના આંકડા તો ઘટી રહ્યાં છે તો સાથે સાથે બચતના આંકડા પણ નીચે આવી રહ્યાં છે. આનો સીધો અર્થ એ કે લોકોની આવક ઘટી છે અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકોને પોતાની બચત સુદ્ધાં ખર્ચવાનો વારો આવી ગયો છે. 

એક તરફ ભયંકર બેરોજગારી છે અને બીજી તરફ સરકાર પાસે સંસાધનોનો અભાવ છે. એવામાં ૧૯૨૯ની ભયંકર મંદી વખતે જ્હોન મેનાર્ડ કીન્સે રજૂ કરેલા રોજગાર સિદ્ધાંત અનુસાર સરકારે પોતાનો ખર્ચ વધારવો જોઇએ. ખર્ચમાં વૃદ્ધિ કરીને બેરોજગારીમાં કમી લાવી શકાય અને અર્થવ્યવસ્થામાં માંગનું સર્જન થઇ શકે. વેચાણમાં થયેલા ઘટાડાનો સીધો સંબંધ આર્થિક વિકાસ સાથે છે કારણ કે ભારતની જીડીપીનો ૬૦ ટકા જેટલો હિસ્સો અહીંયાથી આવે છે. મતલબ સાફ છે કે અર્થવ્યવસ્થાને આ જટિલ દુષ્ચક્રમાંથી બહાર કાઢવા માટે એવા પગલાં લેવા જોઇએ કે લોકોની ખરીદક્ષમતા વધે અને આવક વધે.

હાલ કેન્દ્ર સરકાર સામે બે મુખ્ય પડકારો છે, પહેલો તો વધી રહેલા ભાવોને કાબુમાં લેવા અને બીજો આર્થિક વિકાસ દરમાં વધારો કરવો. આર્થિક જાણકારોના મતે સરકાર માટે આ બંને મોરચે અઘરી કામગીરી રહેલી છે જેને પહોંચી વળવું સરળ નહીં હોય. એ પણ હકીકત છે કે સરકારે મોંઘવારી અને આર્થિક સુસ્તીને ગંભીરતાથી લીધાં જ નહીં. જેના પરિણામે મોંઘવારી આજે એટલી વધી ગઇ છે કે જે ગામડાઓમાં અનાજ અને શાકભાજી ઉગે છે એ જ ગામડાઓના ખેડૂતોને ખાદ્ય ચીજવસ્તુઓ રિટેલ ભાવે ખરીદવાનો વારો આવ્યો છે. શહેરોમાં વસતા લોકોને જ ૭૦ રૂપિયે કિલો શાકભાજી ખરીદવા કઠિન છે તો ગામડાઓમાં વસતા લોકો તો આ કિંમત ક્યાંથી સહી શકે? 

આર્થિક મંદી ઘેરી બનવાનું બીજું કારણ એ છે કે ગામડાઓમાં ખપત સાવ ઘટી જવા પામી છે. વિકરાળ બની રહેલી મોંઘવારી સામે શહેરીજનો જ લડી શકવા માટે સક્ષમ નથી રહ્યાં ત્યારે મર્યાદિત આવક અને સંસાધનો ધરાવતી ગ્રામ્ય પ્રજા તો મોંઘવારીનો માર ઝીલી શકવા સાવ અસમર્થ હોય એ દેખીતી વાત છે. આજે પણ દેશની ૬૦ ટકા વસતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કૃષિ પર નિર્ભર છે અને આ ક્ષેત્રમાં સુધારા કરવાથી મોટા પાયે માંગનું સર્જન કરી શકાય એમ છે. વડાપ્રધાન જનધન યોજના અંતર્ગત ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં ૩૭.૭૦ કરોડ જનધન ખાતા જુદી જુદી બેંકોમાં ખોલવામાં આવ્યાં છે. આ તમામ ખાતાધારકોને મુખ્ય ધારામાં જોડવાની આવશ્યક્તા છે.

ભારત કૃષિપ્રધાન દેશ હોવા છતાં ખેતીવાડીમાં આધુનિકતાનો અભાવ છે. મોટા ભાગના ખેડૂતો ઘઉં, ચોખા જેવા ધાન ઉગાડે છે અને વર્ષનો મોટો ભાગ તો મોસમનો માર સહેતા રહે છે. બીજી બાજુ ફળફળાદિ, અનેક પ્રકારની દાળ અને ડુંગળી સુદ્ધાં આયાત કરવી પડે છે. આનું સમાધાન રાષ્ટ્રીય કૃષિ નીતિ સાથે રાજ્યોને પોતાની સ્થાનિક અનુકૂળતાને ધ્યાનમાં રાખીને પાક નક્કી કરવા તેમજ પરંપરાગત પાક સિવાય અન્ય પાક લેવા માટે કરવા પડશે. નિર્માણ ક્ષેત્રમાં પણ ભારત આધુનિકતાના મામલે અન્ય દેશોથી પાછળ રહી ગયું છે જેનું પરિણામ રોજગારી સર્જનમાં ઘટાડાના રૂપે ચૂકવવું પડયું છે. 

ટેક્સટાઇલ ઉદ્યોગની નિકાસ ગયા વર્ષની સરખામણીમાં ૩૫ ટકા જેટલી ઘટી ગઇ છે. દેશની ત્રીજા ભાગની કાપડ મિલો બંધ પડી ગઇ છે. મિલો પાસે એટલી ક્ષમતા જ નથી રહી કે તેઓ કપાસ ખરીદી શકે. મંદીની સાથે જ ટેક્સટાઇલ સેકટરમાં પણ નોકરીઓ જવી શરૂ થઇ ગઇ છે. ટેક્સટાઇલ ઉદ્યોગ લગભગ દસ કરોડ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી આપે છે. ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે ખેતીઉદ્યોગ પણ સંકળાયેલો છે.

કાપડ ઉદ્યોગ ખેડૂતો પાસેથી કપાસ અને શણ જેવા ઉત્પાદનો ભારે માત્રામાં ખરીદે છે. મતલબ કે ટેક્સટાઇલ ઉદ્યોગમાં મંદી આવવાની સીધી અસર ખેડૂતો ઉપર પડશે. એક અંદાજ પ્રમાણે આગામી સિઝનમાં ઉગાનારા ૮૦ હજાર કરોડ રૂપિયાના કપાસને ખરીદદારો મળવા મુશ્કેલ પડશે.  આમ પણ દેશમાં ખેડૂતોની વધી રહેલી સમસ્યા મોદી સરકારના પહેલા કાર્યકાળ માટે માથાનો દુઃખાવો બની ગઇ હતી.

છેલ્લા થોડા વર્ષોમાં એવા ઘણાં પ્રસંગો આવ્યાં જ્યારે દેશભરના ખેડૂતોએ દિલ્હી અને મુંબઇ સહિત અનેક સ્થળોએ સડકો પર ઉતરી આવીને આંદોલનો કર્યાં. ખેડૂતોની નારાજગી દૂર કરવા મોદી સરકારે ચૂંટણી પહેલા નબળા ખેડૂતોને વાર્ષિક ૬ હજાર રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. જોકે નવી કેબિનેટની રચના થતા જ મોદી સરકારે વાર્ષિક ૬ હજાર રૂપિયાની સ્કીમ દેશના તમામ ખેડૂતો માટે લાગુ કરી હતી. જાણકારોના મતે આ સહાય ઉપરાંત કૃષિક્ષેત્રનું સમગ્ર માળખું બદલવાની જરૂરિયાત છે. 

આગામી બજેટમાં સરકાર સમક્ષ સૌથી મોટો પડકાર બચત, ખપત અને રોકાણના અસંતુલનને દૂર કરવાનો છે. મંદીના મારથી મોટા ભાગના ઉદ્યોગોમાં નોકરીઓ નથી અને લાખો લોકો બેરોજગાર બેઠાં છે. સરકાર માંગ અને ઉત્પાદન વધારવાની વાતો કરે છે પરંતુ સવાલ એ છે કે લોકો પાસે કામ જ નહીં હોય તો ખર્ચ કરવા માટેના પૈસા ક્યાંથી આવશે? ખર્ચ કરવા માટે પૈસા નહીં હોય તો બજારમાં માંગ કેવી રીતે ઊભી થશે? 

માંગ નહીં હોય તો ફેકટરીઓ અને કારખાનાઓ ઉત્પાદન શું કરશે? ઔદ્યોગિક કામગીરી જ ઠપ્પ થઇ ગઇ હશે તો વિકાસ દર કેવી રીતે વધશે? આ એવું દુષ્ચક્ર છે જેમાંથી બહાર આવવા માટે સત્વરે પગલાં લેવાની આવશ્યક્તા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો