દિલ્હીની ચૂંટણીમાં શાહીનબાગને મુખ્ય મુદ્દો બનાવવાના પ્રયાસ


દિલ્હીની પ્રજાને સ્કૂલો, હોસ્પિટલો, વીજળી, પાણી, ડેન્ગ્યૂ, પ્રદૂષણ તેમજ અન્ય સ્થાનિક મુદ્દાઓ ઉકેલાય એમાં રસ છે પરંતુ તમામ રાજકીય પક્ષો શાહીનબાગ ખાતેના નાગરિકતા કાયદાના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનને પોતાના લાભમાં વટાવવાના પ્રયાસમાં છે

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગેલા છે પરંતુ દેશની રાજધાનીમાં પ્રજાને લગતા મુદ્દાઓને કોરાણે મૂકીને શાહીનબાગ ખાતે નાગરિકતા કાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનને મુખ્ય મુદ્દો બનાવવાના પ્રયાસો રાજકીય પક્ષો દ્વારા થઇ રહ્યાં છે. 

ગયા વર્ષે ડિસેમ્બરમાં મોદી સરકારે નાગરિકતા કાયદામાં સંશોધન કર્યું એ પછી દિલ્હીનો શાહીનબાગ નામનો અજાણ્યો વિસ્તાર ચર્ચામાં છે. શાહીનબાગ ખાતે મહિલાઓ દ્વારા નાગરિકતા કાયદા અને એનઆરસીના વિરોધમાં ગત ૧૫ ડિસેમ્બરથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

આ આંદોલનના કારણે દિલ્હી અને નોઇડાને જોડતી મુખ્ય સડક દોઢ મહિના કરતાયે વધારે સમયથી બંધ છે. પોલીસે પ્રદર્શનકર્તાઓને આંદોલન સમેટી લેવા અનેક અપીલ કરી છતાં આંદોલનકર્તાઓ ડગ્યાં નથી. પોલીસ કે પ્રશાસન આંદોલનને રોકવા કંઇ કરી શકે એમ નથી કારણ કે આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. 

દિલ્હી વિધાનસભાની ચૂંટણી તમામ રાજકીય પક્ષો માટે અતિ મહત્ત્વની છે. વર્ષ ૨૦૧૩માં આમ આદમીના પ્રવેશ બાદ રાજકારણનું મેદાન બદલાઇ ચૂક્યું છે. આ પહેલાં દિલ્હીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે દ્વીપાંખિયો જંગ ખેલાતો હતો. દિલ્હીની ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૭૦માંથી ૬૭ બેઠકો મેળવીને અભૂતપૂર્વ જીત હાંસલ કરી હતી. વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં મોદીલહેરમાં ભાજપે સત્તા હાંસલ કરી ત્યારે પણ આમ આદમી પાર્ટીએ ૩૩.૧ ટકા મત હાંસલ કર્યાં હતાં જ્યારે કોંગ્રેસે ૧૫.૧ ટકા મત મેળવ્યા હતાં. 

બંનેના સંયુક્ત મતોની ટકાવારી ભાજપના મતોની ટકાવારી કરતા બે ટકા વધારે હતી. કદની દૃષ્ટિએ જોતાં તો દિલ્હી સાવ નાનું ક્ષેત્ર છે પરંતુ દેશની રાજધાની હોવાના કારણે તેની ચૂંટણીઓનું મહત્ત્વ ઘણું વધારે છે. કોંગ્રેસ પણ દિલ્હીમાં પોતાની સ્થિતિ સુધારવાની આશામાં છે.

આમ આદમી પાર્ટીએ ગત વિધાનસભાની ચૂંટણીમાં સત્તા મેળવી એના પહેલા ત્રણ ટર્મ સુધી કોંગ્રેસે દિલ્હી પર રાજ કર્યું હતું. જોકે હાલ કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે જ નહીં, દિલ્હીમાં પણ નેતૃત્ત્વની સમસ્યાથી પીડાઇ રહી છે. તો ગયા વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે દિલ્હીની સાતેય બેઠકો પર વિજય મેળવ્યો હતો.

ચૂંટણી નજીક હોય ત્યારે રાજકીય પક્ષો વાસ્તવિક મુદ્દાઓને બાજુએ મૂકીને ચર્ચાસ્પદ મુદ્દાનો લાભ લેવાની શોધમાં રહેતા હોય એ સ્વાભાવિક છે અને શાહીનબાગના રૂપમાં રાજકીય પક્ષોને મોટો મુદ્દો હાથ લાગ્યો છે. ખાસ કરીને ભાજપે શાહીનબાગ આંદોલન વિરુદ્ધ આક્રમક વલણ ધારણ કર્યું છે. નાગરિકતા કાયદાનો વિરોધ કરી રહેલા લોકો વિરુદ્ધ ભાજપના કેન્દ્રીય મંત્રીથી લઇને સાંસદ અને પ્રવક્તા તમામ વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યાં છે.

દિલ્હી ભાજપનું કહેવું છે કે આ પ્રદર્શન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પ્રાયોજિત છે અને એ લોકો અરાજક્તા ફેલાવવાનો ઉદ્દેશ રાખે છે. જોકે પ્રદર્શનકર્તાઓનું કહેવું છે કે અનેક નેતાઓ મુલાકાત લઇ ગયાં તેમ છતાં આ વિરોધ પ્રદર્શનને હાઇજેક કરવા દેવામાં આવ્યું નથી. જોકે કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ, કિરણ વાલિયા અને આસિફ મોહમ્મદ ખાન ઉપરાંત આમ આદમી પાર્ટીના અમાનુલ્લા ખાન જેવા નેતાઓ આ પ્રદર્શનમાં ભાગ લઇ ચૂક્યાં છે.

મુખ્યમંત્રી કેજરીવાલ વિરુદ્ધ ભાજપે મુખ્યમંત્રીપદ માટે કોઇનું નામ આગળ કર્યું નથી અને તે દિલ્હીની ચૂંટણી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા સાથે જ લડવા ધારે છે. આમ તો ૨૦૧૩ અને ૨૦૧૫ની દિલ્હીની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ભાજપે મુખ્યમંત્રીપદ તરીકે કોઇનું નામ જાહેર કર્યું નહોતું અને તેની ખોટ પણ ભોગવી હતી તેમ છતાં આ વખતે પણ તે મુખ્યમંત્રીપદના ચહેરા વિના ચૂંટણીમાં ઉતર્યો છે. આમ તો દિલ્હી લોકસભાની તમામ સાતેય બેઠકો જીત્યા બાદ ભાજપનો આત્મવિશ્વાસ બુલંદ છે પરંતુ તાજેતરમાં જ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં સત્તા ગુમાવ્યા બાદ તેની સમક્ષ મોટો પડકાર છે.

છેલ્લા થોડા સમયથી દિલ્હીસહિત દેશભરમાં નાગરિકતા કાયદા અને પ્રસ્તાવિત નેશનલ સિટિઝન રજિસ્ટરને લઇને પ્રદર્શનો ચાલી રહ્યાં છે. જોકે દિલ્હીમાં આ આંદોલનોની ગરમી કંઇક વધારે જ છે. તાજેતરમાં જ દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં દિલ્હી પોલીસની કથિત ક્રૂરતા બાદ દેશની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં માહોલ ગરમાયેલો છે. એમાંયે જેએનયૂમાં બુકાનીધારી ટોળાએ આચરેલી હિંસા બાદ દિલ્હીનો માહોલ ઓર બગડયો છે. દિલ્હીના વિદ્યાર્થીઓએ જે આક્રમક વલણ ધારણ કર્યું છે એ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને નુકસાન કરે એવી પૂરેપૂરી શક્યતા છે.

એમાં હવે શાહીનબાગનું આંદોલન ભારે ચર્ચામાં છે ત્યારે ભાજપ પાસે આ મુદ્દાનો લાભ ઉઠાવવાની પૂરેપૂરી તક છે એ જ કારણ છે કે ભાજપના નેતાઓ શાહીનબાગને નિશાન બનાવતા નિવેદનો આપી રહ્યાં છે. આમ તો ૨૦૧૩ અને ૨૦૧૫માં ભાજપના મતોની ટકાવારીમાં ખાસ ફેર પડયો નહોતો પરંતુ દિલ્હીમાં સત્તા મેળવવા તેણે વધારે મતોની જરૂર છે.

એવામાં ભાજપને લાગે છે કે શાહીનબાગમાં ચાલતા વિરોધ પ્રદર્શનને નિશાન બનાવવાથી વધારે મત મેળવી શકાય એમ છે. જાણકારોના મતે ભાજપ ફ્લોટિંગ વોટરને પોતાના પક્ષમાં કરવા મથી રહ્યો છે જેથી કરીને અનિશ્ચિત રહેલા મતદારો શાહીનબાગને મુખ્ય મુદ્દા તરીકે સ્વીકારીને ભાજપને મત આપવા તૈયાર થઇ જાય.

તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તેમજ ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ શાહીનબાગ પ્રદર્શનને લઇને વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં છે. થોડા દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહે પણ એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે ઇવીએમનું બટન એટલા જોરથી દબાવજો કે તેનો કરંટ શાહીનબાગમાં લાગે. હકીકતમાં ભાજપના નેતાઓ શાહીનબાગ ખાતેના પ્રદર્શનને દેશવિરોધી ગણાવવાના પ્રયાસમાં લાગ્યાં છે. ભાજપના તમામ નેતાઓ અને પ્રવક્તાઓ શાહીનબાગને જ મુદ્દો બનાવી રહ્યાં છે. 

જોકે માત્ર ભાજપ જ શાહીનબાગ પ્રદર્શનનો રાજકીય ઉપયોગ કરી રહ્યો હોય એવું નથી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ શાહીનબાગ પ્રદર્શનને પોતાના લાભમાં વટાવવાના પ્રયાસમાં છે. આમ આદમી પાર્ટી એક તરફ આંદોલનના કારણે લોકોને થઇ રહેલી સમસ્યાને લઇને ચિંતા વ્યક્ત કરી રહી છે તો બીજી તરફ શાહીનબાગના પ્રદર્શનકર્તાઓ સાથે હોવાનો દાવો પણ કરી રહી છે. કોંગ્રેસે તો શાહીનબાગ ખાતેના પ્રદર્શનને ટેકો જાહેર કર્યો છે.

ભાજપનો દાવો છે કે શાહીનબાગ ખાતેનું આંદોલન નાગરિકતા કાયદા અને એનઆરસીના વિરોધમાં નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની વિરુદ્ધમાં છે. ભલે ભાજપ શાહીનબાગ આંદોલનના વિરોધમાં હોય પરંતુ ખુદ ભાજપ નથી ઇચ્છતો કે આ આંદોલન આઠમી ફેબુ્રઆરી પહેલા ખતમ થાય.

હકીકતમાં આ આંદોલનથી ભાજપને ધૂ્રવીકરણ કરવામાં મદદ મળી રહી છે. ખાસ કરીને શારજીલ ઇમામ નામના જેએનયૂ અને જામિયાના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ શાહીનબાગ ખાતેના પ્રદર્શનમાં જે દેશવિરોધી વાતો કરી છે એના દ્વારા ભાજપને આ આંદોલનને દેશવિરોધી પુરવાર કરવાનો તક મળી ગઇ છે.

અધૂરામાં પૂરું કોંગ્રેસના નેતા શશી થરુરે શાહીનબાગ ખાતેના પ્રદર્શનમાં હાજર રહીને તેને ટેકો જાહેર કર્યો અને બાદમાં ભાજપને જ દેશના ટુકડા કરનારી ગેંગ તરીકે ઓળખાવ્યો. બાકી રહ્યું હોય એમ પોતાના વિવાદાસ્પદ નિવેદનો દ્વારા કોંગ્રેસને કાયમ તકલીફમાં મૂકનારા મણિશંકર અય્યરે પણ રાબેતા મુજબ વડાપ્રધાન મોદી વિરુદ્ધ બેફામ વાણીવિલાસ કરીને શાહીનબાગ આંદોલનનો વિરોધ કરનારા લોકોને મુદ્દો ચગાવવાની તક પૂરી પાડી. આમ આદમી પાર્ટીમાંથી બળવો કરીને ભાજપમાં જોડાયેલા કપિલ મિશ્રાએ શાહીનબાગને મિની પાકિસ્તાન કહી દીધું. કપિલ મિશ્રાના ભડકાઉ નિવેદનો વિશે તો ચૂંટણી પંચે પણ નોંધ લેવી પડી અને તેમના ચૂંટણીપ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો. 

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો સમક્ષ સ્કૂલો, હોસ્પિટલો, વીજળી, પાણી, ડેન્ગ્યૂ, પ્રદૂષણ તેમજ અન્ય સ્થાનિક મુદ્દાઓ ઊભા છે અને આ સમસ્યાઓ ઉકેલાય એમાં દિલ્હીની પ્રજાને રસ છે પરંતુ લાગે છે કે આ તમામ મુદ્દાઓ બાજુએ રહી જશે અને નાગરિકતા કાયદો, એનઆરસી અને એનપીઆર જેવા મુદ્દાઓ છવાયેલા રહેશે. એ સાથે જ શાહીનબાગ ખાતેનું પ્રદર્શન પણ મુખ્ય મુદ્દો બની જાય તો નવાઇ નહીં.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો