ભારતમાં કોરોનાની ઘૂસણખોરી : કેરળની વિદ્યાર્થિની પ્રથમ દર્દી


'વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન' વૈશ્વિક મહામારી જાહેર કરવાની તૈયારીમાં

નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

ભારતમાં ચીનનો ઘાતક વાઈરસ કોરોના પ્રવેશી ચૂક્યો છે. ચીનથી થોડા દિવસ પહેલા પરત આવેલી કેરળની વિદ્યાર્થીનીને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હોવાનું કેરળ સરકારે જણાવ્યું હતું.

એ વિદ્યાર્થીનીને હાલ આઈસોલેશન વૉર્ડમાં રાખવમાં આવી છે. તેની સતત તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં તેના શરીરમાં કોરોના વાઈરસ હોવાનું જણાયું છે. હવે ચોવીસ કલાક પછી શુક્રવારે વધુ એક તપાસ થશે. જેથી વાઈરસની હલ-ચલ અને શરીર પર કેવી અસર કરે છે એ નોંધી શકાય.

આ કેસ કેરળના થ્રિસુર જિલ્લાનો છે. કેરળના અનેક વિદ્યાર્થીઓ ચીનમાં ભણે છે. ચીનમાં કોરોનાની મહામારી ફેલાવાની શરૂઆત થઈ એ પહેલા પરીક્ષાઓ પુરી થઈ ગઈ હોવાથી મોટા ભાગના વિદ્યાર્થી પરત આવી ગયા હતા. પણ અમુક વિદ્યાર્થી ત્યાં રહી ગયા હતા. 

એ વિદ્યાર્થીઓને પાછળથી તક મળી ત્યારે ત્યાંથી નીકળી ગયા હતા. હવે ચીને એ બધા શહેરો તાળાબંધ કરી દીધા હોવાથી ત્યાંથી કોઈ પોતાની રીતે નીકળી શકે એમ નથી. સમગ્ર ચીનમાં ભારતના 23,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એમાંથી 21 હજાર તો મેડિકલ ફિલ્ડના વિદ્યાર્થી છે. 

ચીનમાં મૃત્યુઆંક વધીને 170 થયો છે, જ્યારે ચેપ લાગ્યો હોય એવા દરદીની સંખ્યા 7700થી પણ વધારે નોંધાઈ છે. તેમાંથી 1400 દેટલા દરદીની હાલત ગંભીર છે. અગાઉ ફેલાયેલી સાર્સની બિમારી કરતાં આ આંકડો વધી ગયો છે. ગુરૂવારે જ ત્યાં 1700 નવા દરદી નોંધાયા હતા.  ચીની સરકારના ગમે તેવા પ્રયાસો છતાં વાઈરસનો ફેલાવો અટકી શક્યો નથી.

સતત વાઈરસનો ફેલાવો વધતો જોઈને હવે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને તેને વૈશ્વિક આફત્ત (ગ્લોબલ ઇમર્જન્સી) જાહેર કરવાની વિચારણા શરૂ કરી છે. આ માટે બુધવારે આપાતકાલીન બેઠક બોલાવાઈ હતી.

હજુ જોકે આફત્ત અંગે નિર્ણય લેવાયો નથી. પરંતુ અગાઉ ઑર્ગેનાઈઝેશને આ બિમારીને વૈશ્વિક મહામારી જાહેર કરવાની ના પાડી હતી. કેરળ આવેલા વિદ્યાર્થી તથા અન્ય ચીની પ્રવાસીઓની તપાસ કરી શંકાસ્પદ જણાયા તેમના લોહીના નમુના પુના સ્થિત ઇન્સિટયૂટ ઑફ વાઈરોલોજીમાં તપાસ માટે મોકલાયો હતો.

આ સંસ્થાએ કોરોના વાઈરસ હોવાની વાત કન્ફર્મ કરી હતી. કેરળમા ંકેસ નોંધાયા પછી સરકારે સતર્ક થઈને હવે વિવિધ પગલાં પણ જાહેર કર્યાં હતા. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે ભારતમાં ચિંતા કરવાનું કોઈ કારણ નથી. સરકાર ગમે તે સ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.

ચીનથી પરત આવનારા પ્રવાસીઓએ શું કરવું? 

ચીનથી પરત આવનારાઓ માટે કેન્દ્ર સરકારે કેટલાક સલાહ-સૂચન જાહેર કર્યા છે. એ પ્રમાણે એરપોર્ટ પર સ્કેન થયા પછી પણ જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય તો તુરંત નજીકના સરકારી મેડિકલ સેન્ટરનો સંપર્ક કરવો જોઈએ. ઘરના અન્ય સભ્યોથી દૂર રહેવું, માસ્ક પહેરવું, તબીબી તપાસ કરાવવી.. વગેરે કેટલાક પગલાં લેવા જોઈએ. ભારતના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવનારા પ્રવાસીઓનું મેડિકલ ચેકઅપ પણ થઈ રહ્યું છે.

જેક મા દ્વારા 1.45 કરોડ ડૉલરની મદદ

ચીની ઉદ્યોગપતી અને ઓનલાઈન શોપિંગ પોર્ટલ અલિબાબાના સ્થાપક જેક માએ સંશોધન માટે 1.45 કરોડ ડૉલરની મદદ જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે સંશોધન માટે તેઓ પોતાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી પણ આપશે. જેના દ્વારા વાઈરસની તપાસ વધારે સરળ બનશે. આ ઉપરાંત પણ કેટલીક ચીની કંપનીઓ મદદ માટે આગળ આવી હતી. કેટલીક મેડિકલ ક્ષેત્રની કંપનીઓએ પોતાના દ્વાર પણ મદદ માટે ખોલી નાખ્યા છે.

ભારત આજે ચીનથી નાગરિકોને એર લિફ્ટ કરશે

ચીનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને એર લિફ્ટ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. સરકાર એક ફ્લાઈટ વુહાનમાંં મોકલશે, એક ફ્લાઈટ હુબેઈમાં મોકલશે. ત્યાં  ફસાયેલા નાગરિકોને આ બન્ને ફ્લાઈટ દ્વારા ભારત લવાશે. ચીની સરકારે મંજૂરી આપી દીધા પછી ભારત શુક્રવારે બન્ને વિમાનો રવાના કરશે.

રશિયાએ ચીન સાથેની બોર્ડર સિલ કરી

ચીનની સરહદ લગભગ 16 દેશોને સ્પર્શે છે. ગઈ કાલે મોંગોલિયાએ ચીનની સરહદ સિલ કરી હતી. એ પછી આજે ચીનની ઉત્તરે આવેલા રશિયાએ પણ સરહદે તાળાબંધી કરી દીધી હતી. ઉપરાંત રશિયાએ ચીની નાગરિકોને આપવામાં આવતી ઓનલાઈન વિઝા સુવિધા પણ હાલ પુરતી અટકાવી દીધી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો