ભાજપ સાથે જોડાણ ટકાવી રાખવા નીતીશકુમારે પ્રશાંત કિશોરનું પત્તું કાપ્યું


નાગરિકતા કાયદા અને એનઆરસીના મુદ્દે જે રીતે પ્રશાંત કિશોરે ભાજપ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો એ નીતીશકુમારને અસ્વસ્થ કરી રહ્યો હતો અને છેવટે બિહારની ગાદી જાળવી રાખવા નીતીશકુમારે પ્રશાંત કિશોરને બહારનો રસ્તો દેખાડવો પડયો

જેડીયૂ નેતા અને રાજકારણના માંધાતા ખેલાડી ગણાતા પ્રશાંત કિશોરની બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે. પ્રશાંત કિશોરની સાથે પવન વર્માને પણ બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. છેલ્લા થોડા સમયથી અનેક બાબતોને લઇને નીતીશકુમાર અને પ્રશાંત કિશોર વચ્ચે શાબ્દિક જંગ ચાલી રહ્યો હતો. 

હજુ એક દિવસ પહેલા જ નીતીશકુમારે કહ્યું હતું કે તેમણે અમિત શાહના કહેવાથી પ્રશાંત કિશોરને જેડીયૂમાં રાખ્યા હતાં. આ અંગે પ્રતિક્રિયા આપતા પ્રશાંત કિશોરે નીતીશકુમારને ખોટાબોલા કહ્યાં હતાં. જેડીયૂના ભાજપ સાથેના જોડાણ અંગે નારાજગી દર્શાવનારા પવન વર્માને પણ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યાં છે. સામાન્ય રીતે સંયમિત ભાષાનો પ્રયોગ કરનારા નીતીશ કુમારે પ્રશાંત કિશોર અને પવન વર્મા વિરુદ્ધ આકરા શબ્દોમાં બળાપો કાઢ્યો હતો.

તેમણે કહ્યું હતું કે જેણે પણ પાર્ટીમાં રહેવું હશે તેણે પાયાના સિદ્ધાંતોનો અમલ કરવો પડશે.  રાજકીય વ્યૂહરચનાકાર ગણાતા પ્રશાંત કિશોર વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી બાદ ચર્ચામાં આવ્યા હતાં. ભાજપના ચૂંટણી પ્રચારને પ્રચંડ મોદી લહેરમાં પરિવર્તિત કરવાનો શ્રેય પ્રશાંત કિશોરને જાય છે. જોકે એ પછી ભાજપમાં અમિત શાહનું કદ વધતા પ્રશાંત કિશોર સાઇડલાઇન થવા લાગ્યાં. અમિત શાહ અને પ્રશાંત કિશોર વચ્ચે મતભેદોની ચર્ચા પણ થતી રહી. એ પછી પ્રશાંત કિશોરે ભાજપની કામગીરી છોડીને નીતીશ કુમારની પાર્ટી જેડીયૂની કમાન સંભાળી.

વર્ષ ૨૦૧૫માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોરે જેડીયૂ, આરજેડી અને કોંગ્રેસના બનેલા મહાગઠબંધનની પ્રચાર કામગીરી સંભાળી અને નીતીશ કુમારને પ્રચંડ વિજય અપાવ્યો.  નીતીશકુમારના ફરી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા બાદ પ્રશાંત કિશોરને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળ્યો. એ પછી તો નીતીશકુમાર અને પ્રશાંત કિશોરની નિકટતા વધતી ચાલી.

જેમ જેમ જેડીયૂમાં પ્રશાંત કિશોરનું કદ વધવા લાગ્યું તેમ તેમ પાર્ટીની બીજા અનેક દિગ્ગજ નેતાઓ સાઇડલાઇન થતા ગયાં. આવા નેતાઓમાં આરપીસી સિંહ અને લલ્લન સિંહ જેવા કદાવર નેતાઓ પણ સામેલ હતાં. જોકે આરજેડી અને કોંગ્રેસ સાથે જોડાણમાં ભંગાણ પડતા જેડીયૂએ ભાજપ સાથે મળીને સરકાર બનાવી. ભાજપ અને જેડીયૂ વચ્ચે નિકટતા વધ્યા છતાં પ્રશાંત કિશોર અને નીતીશ કુમારના સંબંધોમાં ઓટ ન આવી. 

વર્ષ ૨૦૧૮માં પ્રશાંત કિશોરની જેડીયૂમાં અધિકૃત રીતે એન્ટ્રી થઇ. નીતીશકુમારે તેમને સીધા પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવી દીધાં. એ સાથે જ જેડીયૂમાં પ્રશાંત કિશોર નંબર ટૂ ગણાવા લાગ્યાં. એ વખતે નીતીશકુમારે પ્રશાંત કિશોરને પાર્ટીનું ભવિષ્ય ગણાવ્યાં હતાં. પ્રશાંત કિશોરના જેડીયૂમાં વધી રહેલા કદના કારણે પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓના ભવાં તણાઇ ગયાં હતાં.

નીતીશકુમારના સીએમ હાઉસ સિવાયના બીજા નિવાસસ્થાન ખાતે પ્રશાંત કિશોર નિયમિતપણે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજવા લાગ્યાં અને પાર્ટીનો જનાધાર વધારવાની દિશામાં કામ કરવા લાગ્યાં. પરિણામ એ આવ્યું કે નીતીશકુમાર બાદ પ્રશાંત કિશોરના ઘરે પણ જેડીયૂ નેતાઓનો જમાવડો એકઠો થવા લાગ્યો. એક સમયે નીતીશકુમારના ખાસ મનાતા આરસીપી સિંહ અને લલ્લનસિંહ નૈપથ્યમાં ધકેલાઇ ગયાં હતાં અને એ સંજોગોમાં બંને વચ્ચે નિકટતા વધી.

આરસીપી સિંહે દિલ્હીમાં ભાજપ સાથે નિકટતા કેળવી અને અમિત શાહ સાથેના તેમના સંબંધો ઘનિષ્ઠ બન્યાં. અત્યાર સુધી તો બધું ઠીક ચાલી રહ્યું હતું પરંતુ પ્રશાંત કિશોરને બિહારમાં જેડીયૂનું ભાજપ સાથેનું જોડાણ પસંદ આવ્યું નહોતું અને તેમનો એ અસંતોષ છેવટે બહાર આવ્યો. પ્રશાંત કિશોરે કહ્યું કે આરજેડી અને કોંગ્રેસ સાથે જોડાણ તોડયા બાદ નીતીશકુમારે ભાજપ સાથે મળીને સરકાર બનાવવા કરતા નૈતિક રીતે ફરીથી ચૂંટણી યોજવાની જરૂર હતી. 

જાણકારોના મતે પ્રશાંત કિશોરના આ નિવેદનથી નીતીશકુમાર નારાજ થઇ ગયાં. બીજી બાજુ પરિસ્થિતિનો તાગ પામીને આરસીપી સિંહે લલ્લનસિંહ સાથે મળીને પ્રશાંત કિશોર વિરુદ્ધ દાવ બિછાવવાની શરૂઆત કરી દીધી. પરિણામ એ આવ્યું કે એક સમયે નીતીશકુમારના માનીતા ગણાતા પ્રશાંત કિશોર ખુદ નીતીશકુમારની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યાં.

જોકે ગયા વર્ષે જેડીયૂની વાર્ષિક બેઠકમાં પ્રશાંત કિશોર નીતીશકુમારની બાજુમાં જ બેઠેલા જોવા મળ્યાં. બેઠક બાદ નીતીશકુમારે કહ્યું હતું કે પ્રશાંત કિશોરની આઇપેક કંપની સાથે પાર્ટીને કોઇ લેવાદેવા નથી. એ પછી બંને વચ્ચે ફરી વખત નિકટતા વધી હોવાની ખબરો આવવા લાગી.

પરંતુ લોકસભાની ચૂંટણી નજીક આવતા અમિત શાહે જેડીયૂ સાથે બેઠકોની વહેંચણી અંગે આરસીપી સિંહને વચ્ચે રાખીને નીતીશકુમાર સાથે વાટાઘાટો શરૂ કરી દીધી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પણ જેડીયૂની પ્રચાર કમાન પ્રશાંત કિશોરના સ્થાને આરસીપી સિંહે સંભાળી. એ પછી પ્રશાંત કિશોર જેડીયૂથી દૂર જવા લાગ્યાં. નાગરિકતા કાયદામાં થયેલા સંશોધન પર જેડીયૂએ મોદી સરકારનો સાથ આપ્યો પરંતુ પ્રશાંત કિશોર એનો વિરોધ કર્યો. તેમણે નાગરિકતા કાયદા અને એનઆરસીના વિરોધ મામલે કોંગ્રેસના વખાણ પણ કર્યાં.

એ પછી તો પ્રશાંત કિશોરે નાગરિકતા કાયદા અને એનઆરસીને લઇને ભાજપ પર આકરા પ્રહાર શરૂ કરી દીધાં. નીતીશકુમાર એનઆરસીના વિરોધમાં હતાં પરંતુ નાગરિકતા કાયદામાં થયેલા સંશોધન મુદ્દે તેઓ ભાજપ સાથે હતાં જેના કારણે તેમના પ્રશાંત કિશોર સાથેના સંબંધો ઓર વણસવા લાગ્યાં. દરમિયાન દિલ્હીમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી માટે પ્રશાંત કિશોરે આમ આદમી પાર્ટીની પ્રચાર કમાન સંભાળી અને ભાજપ વિરુદ્ધ મોરચો ખોલી દીધો.

એ સાથે જ તેઓ નીતીશકુમાર ઉપર પણ શાબ્દિક હુમલા કરવા લાગ્યાં. વિવાદ વધતો ચાલ્યો અને આરોપ-પ્રત્યારોપ મૂકાવા લાગ્યા અને છેવટે નીતીશકુમારે પ્રશાંત કિશોરને બહારનો રસ્તો દેખાડી દીધો. નીતીશકુમારે જે મક્કમતાપૂર્વક પ્રશાંત કિશોરની હકાલપટ્ટી કરી છે એનાથી લાગે છે કે ભાજપ સાથે બેઠકોની ફાળવણીમાં પણ તેમનો હાથ ઉપર રહ્યો છે. તો બિહારમાં તેમની સાથે ભાજપ ઉપરાંત રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી પણ છે અને સામા પક્ષે તેજસ્વી યાદવ જેવા નબળા નેતા છે અને એ સંજોગોમાં તેમને પ્રશાંત કિશોરની કોઇ જરૂર નથી.

પ્રશાંત કિશોરને પાર્ટીમાંથી રુખસદ આપ્યા બાદ એ પણ સ્પષ્ટ બન્યું છે કે જેડીયૂ પર નીતીશકુમારનું જ વર્ચસ્વ છે અને પાર્ટીમાં તેમની મરજી જ ચાલશે. નીતીશકુમારના પગલાએ ફરી વખત સાફ કરી દીધું છે કે નીતિ કે સિદ્ધાંત તેઓ જે કહે એ જ રહેશે અને એ અંગે તેમણે કોઇની સાથે ચર્ચા વિચારણાની જરૂર નથી. 

પ્રશાંત કિશોરને પણ ખબર તો હતી જ કે જે રીતે તે એક પછી એક રાજ્યોમાં ભાજપ વિરુદ્ધ મોરચો ખોલી રહ્યાં છે એ એનડીએના સહયોગી હોવાના નાતે નીતીશકુમાર સહન નહીં કરે અને જે દિવસે ભાજપ નક્કી કરશે એ દિવસે નીતીશકુમાર પાસે તેમને પાર્ટીમાંથી દૂર કર્યા સિવાય કોઇ બીજો વિકલ્પ નહીં હોય.

ખાસ કરીને પ્રશાંત કિશોર અમિત શાહ વિરુદ્ધ જે રીતે નિવેદનબાજી કરી રહ્યાં હતાં એનાથી નીતીશકુમાર અસ્વસ્થ બની રહ્યાં હતાં.  જોકે નીતીશકુમાર બિહારના રાજકારણના અઠંગ ખેલાડી મનાય છે અને તેમના દરેક નિર્ણય રાજકીય નફાનુકસાનના આધારે જ લેતા હોય છે. એક સમયે વડાપ્રધાન બનવાના સપના જોનારા નીતીશકુમાર હવે બિહારની ખુરશી બચાવી રાખીને જ ખુશ છે. એ જ કારણ છે કે ભાજપને નારાજ કરવા કરતા તેમણે પ્રશાંત કિશોર સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે