નૌસેનામાં કૌભાંડ, CBIએ ચાર રાજ્યના 30 સ્થળે દરોડા પાડ્યા


નવી દિલ્હી, તા. 31 જુલાઈ 2020, શુક્રવાર

નૌસેનામાં બોગસ બિલ દ્વારા કૌભાંડનો કેસ સામે આવ્યા બાદ કેન્દ્રીય તપાસ પંચ (સીબીઆઈ)એ ચાર રાજ્યો દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આશરે 30 સ્થળે દરોડા પાડ્યા છે. હકીકતે પશ્ચિમી નૌસેના કમાને આઈટી હાર્ડવેરના પુરવઠા માટે બોગસ બિલ બનાવીને 6.76 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ છે. 

એક આરોપ પ્રમાણે કેપ્ટન અતુલ કુલકર્ણી, કમાન્ડર મંદાર ગોડબોલે અને આરપી શર્મા તથા પેટી ઓફિસર એલઓજી (એફ એન્ડ એ) કુલદીપ સિંહ બઘેલે કથિત રીતે 6.76 કરોડ રૂપિયાના સાત બોગસ બિલ તૈયાર કર્યા હતા. દરોડા દરમિયાન પોલીસને 10 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે અને તે સિવાય કેટલાક મહત્વના દસ્તાવેજ પણ મળી આવ્યા છે. 

શું છે સમગ્ર કેસ

આ સમગ્ર કેસ પશ્ચિમી નૌસેના કમાનમાં આઈટી હાર્ડવેરના પુરવઠા માટે આકસ્મિક ખર્ચના બિલની ચુકવણી સાથે સંકળાયેલો છે. આ સમગ્ર કૌભાંડનો ખુલાસો સંરક્ષણ મંત્રાલયની આંતરિક તપાસમાં થયો હતો. ત્યાર બાદ સંરક્ષણ મંત્રાલયે 23 ઓક્ટોબર 2019ના રોજ સીબીઆઈને જાણકારી આપી હતી. સંરક્ષણ મંત્રાલય તરફથી લીલી ઝંડી મળ્યા બાદ સીબીઆઈએ કેસ નોંધ્યો હતો. 

6.76 કરોડથી વધુનું કૌભાંડ હોઈ શકે

સીબીઆઈ સૂત્રોના કહેવા પ્રમાણે આ કૌભાંડ 6.76 કરોડ રૂપિયા કરતા પણ મોટું હોઈ શકે છે. આ સમગ્ર કેસની તપાસ શરૂ કરી દેવાઈ છે અને જૂના બિલની ચુકવણીની તપાસ પણ થઈ શકે છે. હાલ સીબીઆઈ નેવી અધિકારીઓ અને કંપનીઓ પાસેથી જાણકારી મેળવી રહ્યું છે. 

કેટલા લોકો સામે કેસ નોંધાયો

જાણવા મળ્યા મુજબ સીબીઆઈએ કેપ્ટન અતુલ કુલકર્ણી, કમાન્ડર મંદર ગોડબોલે, કમાન્ડર આરપી શર્મા, પેટી ઓફિસર એલઓજી (એફ એન્ડ એ) કુલદીપ સિંહ બઘેલ સિવાય એસએમ દેશમને, એકે કે વિશ્વાસ, ઈંદુ કુંભરે, અનમોલ કંદિયાબુરૂ, પ્રદીપ ચૌહાણ, અમર દેવવાણી (પ્રાઈવેટ પર્સન), મેસર્સ ACME નેટવર્ક એન્ડ આઈટી સોલ્યુશન (કંપની), કૌશલ પંચાલ સાઈબરસ્પેસ ઈન્ફોવિઝન પ્રાઈવેટ લિમિટેડના માલિક, જીતૂ મેહરા (મેસર્સ મોક્ષ ઈન્ફોસિસ કંપનીના માલિક) અને મેસર્સ સ્ટાર નેટવર્ક કંપનીના માલિક લાલ ચંદ યાદવ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે