શિક્ષણ નીતિઃ વૈશ્વિકરણની દોટમાં ભારતને અગ્રેસર બનાવવાની નેમ

- રૂચિ ન હોય એવા વિષયોમાં ઉલઝાવી રાખવા તેમજ ખેલકૂદથી વંચિત રાખવા અને પોતાની મરજીથી કશું કરવાની ઇચ્છાને બાધિત કરીને બાળકને મેઘાવી નહીં બનાવી શકાય પરંતુ બાળકો માટે શિક્ષણ બોજ નહીં પરંતુ રસ અને રૂચિ સંતોષવાનું માધ્યમ બનવું જોઇએ


સમય બદલાયો છે ત્યારે શિક્ષણ નીતિમાં બદલાવની જરૂરિયાત લાંબા સમય અપેક્ષિત હતી. પરંતુ અત્યાર સુધી ૧૯૮૬માં બનેલી શિક્ષણ નીતિ અનુસાર જ શિક્ષણ વ્યવસ્થા સંચાલિત કરવામાં આવતી હતી. ૧૯૯૨માં આ નીતિમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો પરંતુ એ પૂરતો નહોતો.

ભાજપે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે ચૂંટણી ઢંઢેરામાં નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવાનો વાયદો કર્યો હતો. સત્તામાં આવ્યા બાદ ભાજપે એ દિશામાં કામગીરી ચાલુ કરી દીધી હતી. છેવટે વ્યાપક ચર્ચા વિચારણા બાદ કસ્તુરીરંગન સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી છે.

નવી શિક્ષણ નીતિ બાદ શિક્ષણના ક્ષેત્રમાં બદલાવની અપેક્ષા છે. નવી શિક્ષણ નીતિનો ઉદ્દેશ સ્કૂલથી લઇને ઉચ્ચ શિક્ષણ સુધી સમયની માંગ અનુસાર અભ્યાસક્રમમાં ફેરફાર અને તેના દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશના યુવાનોેને પ્રતિસ્પર્ધા માટે તૈયાર કરવાનો છે.

આ માટે દેશના યુવાનોમાં કૌશલ્ય વિકાસ, રિસર્ચ અને રોજગાર માટેની તકો ઊભી કરવામાં મદદ મળી શકે છે. નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓના વ્યક્તિત્ત્વવિકાસ અને કૌશલ્યવિકાસ ઉપરાંત શિક્ષકોના પ્રશિક્ષણ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત શિક્ષણ ખર્ચને જીડીપીના છ ટકા સુધી લઇ જવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. એ સાથે જ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરી દેવામાં આવ્યું છે.

વૈશ્વીકરણના યુગમાં શિક્ષણ ક્ષેત્રમાં બદલાવની તાતી જરૂરિયાત હતી. યૂપીએ સરકારના સમયમાં જ્ઞાાન આધારિત અર્થવ્યવસ્થા વિકસિત કરવાની વાત થઇ હતી. એ અનુસાર શિક્ષણ ક્ષેત્રમાં ફેરફાર કરવાની અને રોજગારલક્ષી શિક્ષણ પ્રણાલિ ઘડવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો પરંતુ એ દિશામાં કોઇ ઉલ્લેખનીય પ્રગતિ થઇ શકી નહોતી.

સમય જતાં શિક્ષણ ક્ષેત્રમાં વિષમતા વધતી ગઇ જેના કારણે બુનિયાદી શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણના સ્તરે વ્યાવહારિક ફેરફાર કરવાની માંગ ઉઠવા લાગી. વર્તમાન સમયમાં સરકારી શૈક્ષણિક સંસ્થાઓ અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષણના સ્તર અને સુવિધાઓમાં મોટો તફાવત નજરે ચડે છે.

શિક્ષણના આ તફાવતના કારણે સમાજના જુદાં જુદાં વર્ગોમાં મોટો અસંતોષ પણ પેદા થયો છે. આસંતોષ દૂર કરવો જરૂરી બની ગયો છે. વળી, ઉચ્ચ શિક્ષણના સ્તરે આપણા દેશની યુનિવર્સિટીઓની શિક્ષણ આપવાની પદ્ધતિઓ, રિસર્ચ તેમજ અન્ય સુવિધાઓના મામલે દુનિયાની યુનિવર્સિટીઓ સામે નબળી પુરવાર થતી રહી છે. એટલા માટે દેશની યુનિવર્સિટીઓને વૈશ્વિક સ્તરની બનાવવાની જરૂરિયાત પણ લાંબા સમયથી જણાઇ રહી છે.

હવે ઉચ્ચ શિક્ષણ માત્ર સાંસ્કૃતિક આદાનપ્રદાન કાર્યક્રમો અંતર્ગત વિદ્યાર્થીઓને એકબીજાના દેશમાં મોકલવા પૂરતું મર્યાદિત નથી રહ્યું. નવી શિક્ષણ નીતિમાં સરકારી અને ખાનગી કોલેજોને પ્રોત્સાહિત અને વિકસિત કરવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

શિક્ષણની ગુણવત્તામાં સુધારો ન થવા કે પછી વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસની દિશામાં અપેક્ષિત પરિણામ ન આવવા પાછળનું મોટું કારણ શિક્ષકોનું ઇનોવેટિવ અને નવી જરૂરિયાતો મુજબ તૈયાર ન થવું પણ છે. નવી શિક્ષણ નીતિમાં શિક્ષકોના પ્રશિક્ષણ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.

અભ્યાસક્રમોનું સ્વરૂપ પણ રોજગાર અને વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરવા, રિસર્ચ વગેરેના આધારે તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. હકીકતમાં શિક્ષણ વ્યવસ્થાને દેશ જ નહીં, વૈશ્વિક જરૂરિયાતો મુજબ તૈયાર કરવી આવશ્યક બની ગઇ છે જેથી ટેકનિકલ શિક્ષણ, સામાજિક વિજ્ઞાાન જેવા ક્ષેત્રોમાં પ્રતિભાઓને આગળ વધવાની તકો મળી રહે. 

નવી શિક્ષણ નીતિમાં પાંચમા ધોરણ સુધી માતૃભાષા અથવા તો સ્થાનિક ભાષામાં શિક્ષણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે કસ્તુરીરંગન સમિતિનું અવલોકન છે કે બાળકો માટે અજાણી ભાષામાં સંકલ્પના સમજવી અઘરી હોય છે અને એ કારણથી તેમનું ધ્યાન અભ્યાસમાં લાગતું નથી. એટલા માટે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઓછામાં ઓછા પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ માતૃભાષામાં થવો જોઇએ.

સમિતિએ પહેલા સૂચન કર્યું હતું કે નાના બાળકોની શીખવાની ક્ષમતા વધારવા માટે પ્રી-સ્કૂલ અને પહેલા ધોરણથી જ ત્રણ ભાષાઓ શીખવવી જોઇએ કે જેથી કરીને ત્રીજા ધોરણ સુધી પહોંચતા બાળકો આ ભાષાઓમાં બોલવા ઉપરાંત લિપિ પણ ઓળખી શકે. 

સમિતિનું સૂચન હતું કે બહુભાષી દેશમાં બહુભાષિક ક્ષમતાઓના વિકાસ અને પ્રોત્સાહન માટે ત્રિભાષા ફોર્મ્યૂલા અમલમાં લાવવી જોઇએ. એ સિવાય જો કોઇ વિદેશી ભાષા શીખવા માંગે તો આ ત્રણ ભારતીય ભાષાઓ ઉપરાંત ચોથી ભાષા તરીકે શીખી શકે. ત્રિભાષાનો ખ્યાલ જોકે નવો નથી. ઘણાં વર્ષોથી જુદી જુદી સમિતિઓ ત્રિભાષાની નીતિ અમલમાં મૂકવાની ભલામણ કરતી રહી છે. સૌથી પહેલાં ૧૯૬૮માં જાહેર થયેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ત્રિભાષા ફોર્મ્યૂલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ખરેખર તો બાળકો ઉપર અભ્યાસ અને પરીક્ષાનો શારીરિક અને માનસિક બોજ એટલો વધી ગયો છે કે તેઓ અભ્યાસથી જ ઉબાઇ જવા લાગ્યાં છે. આવા કંટાળાજનક, યાંત્રિક અને આનંદરહિત શિક્ષણના કારણો અને એ દૂર કરીને બાળકોમાં અભ્યાસ કરવાનો ઉત્સાહ જાગે એવું આનંદસહિતનું શિક્ષણ આપવા માટે અનેક રચનાત્મક અને સર્જનાત્મક ઉપાયો અમલમાં મૂકવા જરૂરી છે. એ સાથે જ ભારેખમ સ્કૂલ બેગ પીઠ પર લઇને શાળાએ જતાં બાળકોનો બોજ ઘટે એ દિશામાં પણ વિચારવાની જરૂર છે. 

અધૂરામાં પૂરું, અનેક માબાપો અને સ્વજનો તેમના સપના તેમના બાળકો પર થોપે છે. અનુભવી અને નિષ્ણાંતો તેમને સલાહ આપે કે બાળકો પર દબાણ ન સર્જો અને તેમને તેમના રસરૂચિ મુજબ આગળ વધવા દો. ત્યારે આવા માબાપોની દલીલ હોય છે કે એ તો હજુ બાળક છે અને તેને કંઇ ભલાબૂરાની ખબર ન પડે અને જવાબદાર માબાપ તરીકે અમારે જ એના માટે નિર્ણયો લેવા પડે. સારી સંસ્થામાં ભણશે તો કુટંબનું નામ સમાજમાં રોશન કરશે.

માતાપિતાઓ અને સ્વજનોના આવા દબાણને વશ થઇને અનેક વિદ્યાર્થીઓ એવા વિષયો પસંદ કરી લે છે જેમાં તેમની રૂચિ જ હોતી નથી. પરિણામે આગળ જતાં તેમનો ભણવામાંથી રસ જ ઊઠી જાય છે અને વિદ્યાર્થીઓ વધારે સારા ભવિષ્ય માટે બીજા વિકલ્પો શોધવા લાગે છે.

બાળકો માટે અભ્યાસક્રમ તૈયાર કરવા માટે જે નિષ્ણાંતોની મદદ લેવામાં આવે છે એ લોકો એસી ઓફિસોમાં બેસીને ખયાલી ઘોડાઓ દોડાવીને શિક્ષણની નવી નવી પધ્ધતિઓ અને અભ્યાસક્રમો ઘડી કાઢે છે. વાસ્તવિક શાળાકીય વાતાવરણમાં બાળકો કેવી રીતે શીખે છે એનો તેમને કોઇ ખ્યાલ જ નથી હોતો. આવા નિષ્ણાંતો તેમણે ઘડી કાઢેલા અભ્યાસક્રમોમાં બાળકોના મગજમાં વધારેમાં વધારે માહિતી ભરી કાઢવાને જ પ્રાધાન્ય આપે છે.

તેમને મન માહિતીનો ભંડાર એ જ જ્ઞાાન છે. ખરેખર તો શહેરો ઉપરાંત અંતરિયાળ ગામડાઓમાં ટાંચા સાધનો વડે બાળકોને ખરેખરું જ્ઞાન પીરસવું એ ભગીરથ કાર્ય છે અને એ કાર્યમાં જમીની સ્તરે કામ કરતા ગુણવાન અને સંનિષ્ઠ શિક્ષકોનો અભિપ્રાય લેવો અનિવાર્ય છે. 

શાળાકીય અભ્યાસક્રમમાં શિક્ષકોની ભાગીદારી ઉપરાંત પ્રી-નર્સરી અને નર્સરીમાં પ્રવેશ માટે લઘુત્તમ વયમર્યાદા નક્કી કરવી, બાળકોના ઇન્ટરવ્યૂ લેવાની પ્રથા ખતમ કરવી, પ્રાથમિક શાળાઓમાં દર ૪૦ વિદ્યાર્થીએ એક શિક્ષકનો નિયમ રાખવો, શાળામાં દૃશ્ય-શ્રાવ્ય સાધનોનો ઉપયોગ વધારવો જેવા અનેક સૂચનો સમયાંતરે કરવામાં આવ્યાં છે. પરંતુ આમાંની ઘણી ખરી ભલામણો અમલમાં જ મૂકાઇ શકી નથી.

કારણ કે સરકારોનો એજેન્ડા શાળાકીય શિક્ષણની ટકાવારી વધારવાનો જ રહ્યો છે. શાળાકીય શિક્ષણના નક્કર પરિણામ અને ગુણવત્તા ઉપર ધ્યાન જ આપવામાં આવ્યું નથી. શહેરો તો ઠીક, નાના ગામડાઓમાં પણ સરકારી શાળાઓનું મફત શિક્ષણ છોડીને વાલીઓ પોતાના બાળકોને મોંઘીદાટ ખાનગી શાળાઓમાં દાખલ કરાવે છે. એક અનુમાન પ્રમાણે દેશમાં આજે પણ ૯૦ લાખ શિક્ષકોની કમી છે. શિક્ષકોની કમીને પહોંચી વળવા માટે આઇટી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય એમ છે. માત્ર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરીને જ કામ નહીં ચાલે. 

એ સાથે જ બાળ મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવેલા વિષય તેમજ સિલેબસ નાજૂક મસ્તિષ્ક ધરાવતા બાળકોમાં શીખવાની રૂચિ પેદા કરશે અને એક વખત રૂચિ જાગ્યા બાદ તેઓ વાંચવા-લખવાને લઇને સહજ થઇ શકશે. બિનજરૂરી પુસ્તકોથી ભરેલા થેલા અને રૂચિ ન હોય એવા વિષયોમાં ઉલઝાવી રાખવા તેમજ ખેલકૂદથી વંચિત રાખવા અને પોતાની મરજીથી કશું કરવાની ઇચ્છાને બાધિત કરીને બાળકને મેઘાવી નહીં બનાવી શકાય. એ માટે જરૂરી છે કે બાળકો માટે શિક્ષણ બોજ નહીં પરંતુ રસ અને રૂચિ સંતોષવાનું માધ્યમ બને.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો