કૌન બેચારા? .

- દિલ બેચારાને સુશાંત સિંહ રાજપૂતની સર્વશ્રેષ્ઠ ફિલ્મ ગણવી એ તેની પ્રતિભાનું અપમાન છે


કેટલાક સૂરજ ભરબપોરે ઢળી જતાં હોય છે, ઇચ્છાએ કે અનિચ્છાએ. ગયા પછી રહી જાય છે તેમણે વિખેરેલાં કિરણોનાં સ્મરણો. ક્યુ કિરણ વધુ તેજસ્વી હતું અને ક્યુ ઝાંખુ તેની ચર્ચા થતી રહે છે. સુશાંતસિંહ રાજપૂત એટલે આવો જ એક ભરબપોરે ઢળી પડેલો સૂરજ. તેણે ફેલાવેલા કિરણોની મહિનાઓથી દિવસ- રાત વાતો થઈ રહી છે. છેલ્લું કિરણ સૂરજના ઢળી ગયા પછી પ્રગટ થયું. તે ખરેખર કિરણ છે કે અત્યંત ઝાંખો લિસોટો એ વિષય પર અત્યારે સોશિયલ મીડિયા ઑવરફલો છે. દિલ બેચારા કે દર્શક બેચારા એ વિશે મતમતાંતર વ્યક્ત થઇ રહ્યા છે. 

ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર તે રિલીઝ થઇ ને થોડી જ વારમાં આઇએમડીબી પર સૌથી વધુ રેટીંગ મેળવનારી ભારતીય ફિલ્મ બની ગઇ. ૧૦માંથી ૯.૮.  ગૂગલ પર તો રિલીઝ પહેલાં જ ૧૫,૦૦૦ દર્શકોએ તેને રેટીંગ આપી દીધેલું. અત્યારે આ આંકડો ૬૫,૦૦૦ પર પહોંચી ગયો છે. ડિઝની પ્લસ હોટ સ્ટારે દિલ બેચારાને સબસ્ક્રિપ્શન મુક્ત કરી દીધી છે. ત્યાં સુધી કે તે જોવા માટે લોગઇન પર કરવાની આવશ્યકતા નથી.

રિલીઝ થયાની પહેલી જ રાતે એટલા બધા લોકોએ તે જોઇ કે હોટ સ્ટારનું સર્વર ક્રેશ થઇ ગયું.  જે રીતે તેમણે અણધારી એક્ઝિટ કરતાં લોકોને દુઃખ પહોંચ્યું છે તેવામાં આ થવું સ્વાભાવિક હતું. લોકો આટલી બધી ભાવનાથી તેમની સાથે જોડાયેલા છે તે તેમના મૃત્યુ પછી ખબર પડી. દીવા અને મીણબત્તી સળગાવીને તેમને શ્રદ્ધાંજલિ આપવાની વાત હોય  કે નેપોટિઝમનો મુદ્દો હોય કે પછી તેના ભૂત સાથે વાત કરવાનો દાવો હોય સતત તેમના વિશે કંઇ ને કંઇ ચાલ્યા કરતું હતું. હવે દિલ બેચારાની સમીક્ષા શરૂ થઇ છે. 

સુશાંતસિંહના આપઘાતનો મુદ્દો અત્યંત સંવેદનશીલ હોવાથી તેમની છેલ્લી  ફિલ્મ વિશે ખૂલીને લખવું કોમી ભાવનાઓ સાથે ખેલવા સરીખું કઠીન છે. એટલે જ કેટલાક સમીક્ષકોએ તો પહેલેથી જ હાથ ઊંચા કરી દીધા. ભીડનો મિજાજ અત્યારે એટલો વિચિત્ર છે કે તેણે દિલ બેચારાની સમીક્ષાનો ઇનકાર કરનારી અનુપમા ચોપરાને પણ ટ્રોલ કરી અને સમીક્ષા કરનારા કોમલ નાહટાને પણ. ઇન શોર્ટ ભાવુકતા માથા પરથી વહી રહી છે. 

આ ફિલ્મ સાલ ૨૦૧૪માં બનેલી હોલિવુડ મુવિ ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સની સત્તાવાર રિમેક છે. મૂળ ફિલ્મ અમેરિકન લેખક જ્હોન ગ્રીન્સની આ શીર્ષક સાથે જ પ્રસિદ્ધ થયેલી અને બહોળો પ્રતિસાદ પામેલી નવલકથા પરથી છે. દિલ બેચારાને પણ કલાસિક હોલિવુડ ફિલ્મોની નબળી નકલ સમી સેંકડો બોલિવુડ ફિલ્મોની યાદીમાં મૂકી શકાય.

ફિલ્મનું બોલિવુડીકરણ કરતી વખતે અનેક જગ્યાએ ઉતાવળ કરવામાં આવી હોવાનું સ્પષ્ટ દેખાય છે. ૧૦૧ મિનિટની આ ફિલ્મ એકાદ બે જગ્યાએ ઢસડાતી હોવાનું પણ લાગે. ફિલ્મ તજજ્ઞાો કહે છે કે મેલનકલી એટલે કે દુઃખમિશ્રિત ખુશી જેવી જટિલ ભાવનાનું ચિત્રણ કરતી વખતે કેમેરો જરા પણ ડામાડોળ થાય તો ફિલ્મ તેનું સંતુલન ગુમાવી બેસે છે. દિલ બેચારામાં આવું અસંતુલન ટાળી શકાયું નથી. 

સુશાંતના સ્યુઇસાઇડ પછી કરણ જોહર, યશરાજ બેનર અને બીજા અનેક ફિલ્મમેકર્સ પર સગાવાદને પ્રોત્સાહન આપતા હોવાના મગર ધોવાયા, જે લોકોએ દિલ બેચારાની વાજબી વિવેચના કરી તેના માઇનસ પોઇન્ટ દર્શાવ્યા તેમને કરણ જોહર અને યશરાજ ફિલ્મસના ચમચા કહીને ઉતેડવામાં આવ્યા ત્યારે એ નોંધવાની લાલચ રોકી શકાતી નથી કે દિલ બેચારામાં પણ ક્યાંક ને ક્યાંક વાયઆરેફ અને ધર્મા બેનરની ઝલક જોવા મળે છે.

જેમ કે તેની વાર્તા જમશેદપુર જેવા નાના શહેરમાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારની છે પરંતુ નાયિકાને પેરિસ મોકલવામાં આવે છે. એકવાર પણ ફિલ્મકાર એવું નથી વિચારતો કે મધ્યમ વર્ગમાંથી આવતી છોકરી આટલી સહજતાથી પેરિસ જઇ શકે નહીં. મૂળ અમેરિકન ફિલ્મમાં વિદેશ જવાના બજેટનો થોડોક ઉલ્લેખ આવે છે. રીમેકમાં અટલી પણ ઔપચારિકતા દાખવાઇ નથી.

ફિલ્મકાર નાયિકાને તેનું સામાજિક બેકગ્રાઉન્ડ ધ્યાને લઇને તેને દિલ્હી, મુંબઇ અથવા હિંદુસ્તાનના કોઇ અન્ય શહેરમાં મોકલત તો હજુય કંઇક વાજબી લાગત, તેને ડાયરેક્ટ પેરિસ મોકલવી એ યશરાજ બેનર કે ધર્મા પ્રોડક્શનની સ્ટાઇલ છે. નાયક- નાયિકા કોઇ રેસ્ટોરન્ટમાં બેડ પર જવાને બદલે સીધા પ્રૉમ નાઇટ પર જાય છે. પ્રૉમ નાઇટનો કન્સેપ્ટ તો હજુ દિલ્હી, મુંબઇમાં પણ નથી આવ્યો. વિદેશમાં શુટીંગ કરવું, કોઇપણ ચીજને ઓવર ધ ટોપ લઇ જઇને ફિલ્મને રોમાંચક બનાવવી આ બધી જ બાબતોમાં દિલ બેચારા નકલ કરતી નજરે પડે છે. કોની એ તમે જાણો છો.

એક સવાલ એ પણ ઊભો થાય કે સુશાંતે આત્મહત્યા ન કરી હોત તો દિલ બેચારાને આટલું માઇલેજ મળ્યું હોત ખરું? ના. કેટલીક વખત પરિસ્થિતિ ચીજોને અસાધારણ બનાવી દેતી હોય છે. હોલિવુડમાં પણ આવા ઉદાહરણ જોવા મળે છે. કોરોના ત્રાટક્યા બાદ કન્ટેજીયન ફિલ્મને અગાઉ કરતા અનેકગણી વધારે વખત જોવામાં આવી. પોલ વોકરના આકસ્મિક મોત બાદ ફાસ્ટ એન્ડ ફ્યુરિઅસ સીરિઝની સાતમી ફિલ્મ બેહદ લોકપ્રિય બનેલી.

ધ ડાર્ક નાઇટ અને બેટમેનથી જાણીતા બનેલા હિથ લેઝરના અવસાન બાદ ધ ઇમેજીનેરિયમ ઓફ ડો. પાર્નેસિશ અને ધ ડાર્ક નાઇટ હોટકેક જેવી ડિમાન્ડીંગ બની ગઇ હતી. સુશાંતના ચાહકો દિલ બેચારાને પણ એ જ ઉંચાઇ સુધી લઇ જવા માગે છે. સિનેમાઇ માપદંડ પ્રમાણે તે આવી કોઇ ઊંચાઇ ધરાવતી નથી તે અલગ વાત છે. 

અભિનયના પાસાની વાત કરીએ તો લાગે કે તેઓ ક્યાંક ને ક્યાંક શાહરૂખને ટ્રીબ્યુટ આપી રહ્યા છે. તેઓ શાહરૂખના બહુ મોટા પ્રશંસક હતા અને આ વિશે અનેક વખત જાહેરમાં પણ કબૂલાત કરી ચૂક્યા હતા. દિલ બેચારામાં તેઓ એટલા શાહરૂખમય બની જાય છે કે અમુક ઠેકાણે તેમના જેવી જ ઓવર એક્ટિંગ પણ કરે છે. તેમનું પાત્ર રજનીકાંતનું ફેન હોવાનું દેખાડાયું છે અને એક્ટિંગ શાહરૂખ જેવી છે તે ગજબનો વિરોધાભાસ છે. મેચ ન થઇ શકે એવો કોન્ટ્રાસ્ટ છે. જે દૃશ્યોમાં શાહરૂખને બદલે સુશાંત જેવી જ એક્ટિંગ કરે છે તેમાં તેઓ વધારે જામે છે. 

તેમના પ્લસ પોઇન્ટ છે બેહદ ખુબસુરત તથા ચમકદાર સ્મિત તથા નરમાશ ભરેલો પ્રભાવશાળી અવાજ. આ ચીજ આપણે ગુમાવી દીધી હોવાનો વસવસો થાય. જિંદગી અને મોતની ફિલોસોફી આસપાસ વણાયેલા સંવાદોમાં કાલ્પનિકતા ઓછી છે અને વાસ્તવિકતા વધારે તે સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે. ફિલ્મની શરૂઆતની પંદર-વીસ મિનિટમાં તેમને મસ્તી સાથેના હળવાફૂલ દ્રશ્યોમાં જોઇએ તો થાય છે કે બોલીવુડે ખરેખર એક મોંઘેરું રત્ન ગુમાવી દીધું. 

તેમ છતાં દિલ બેચારા સુશાંતસિંહ રાજપૂતની આખરી ફિલ્મ હોવા સિવાય તેની કોઇ સ્મરણિય ઓળખ નથી. તેમના કામને યાદ રાખવાનું હોય તો કાયપો છે, પવિત્ર રિશ્તામાં માનવ નામનો તેમનો કિરદાર આવે. શુદ્ધ દેશી રોમાન્સમાં સમીક્ષકોએ  રઘુ નામનું અદ્ભુત પાત્ર ભજવવા બદલ તેમને દેવાનંદ સાથે સરખાવેલા. ડિટેકટીવ બ્યોમકેશ બક્ષીમાં તેઓ ધોતી કુર્તા પહેરેલા જાસૂસના પાત્રમાં જે સહજતાથી ઓગળી જાય છે તે તેની મહાનતા છે. એમ.એસ. ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં તેમનો અભિનય અવિસ્મરણીય છે.  સોની ચિડિયામાં સ્ટારડમ ભૂલીને તેમણે નિભાવેલું કમાલ પાત્ર તેમની ઓળખ છે. તેમને યાદ રાખવા હોય તો આ ફિલ્મોથી યાદ રાખવા પડે. દિલ બેચારાને મહાન ફિલ્મ સિદ્ધ કરવાનું પાગલપન તેમની સાથેની નાઇન્સાફી છે. 

આજની નવી જોક

લીલી (છગનને) : ગયા વર્ષે તમે મને મારા જન્મદિવસ પર લોખંડનો પલંગ લઈ દીધો હતો. આ વખતે શું ઈરાદો છે?

છગનઃ આ વખતે તેમાં કરન્ટ છોડવાનો ઇરાદો છે.

લીલીઃ હેં!?

જીકે જંકશન

- ચીને હાઇરિઝોલ્યુશન મેપીંગ સેટેલાઇટ લોન્ચ કર્યો છે. તેનો ઉપયોગ ખગોળીય અવલોકનો માટે તથા ડેટા એકત્રિત કરવા માટે  થશે. આ ઉપગ્રહ પૃથ્વીથી ૩૧૦ માઇલ દૂર ધુ્રવીય ભ્રમણ કક્ષામાં તરતો મૂકાયો હતો. 

- મધ્યપ્રદેશ સરકારે કોવિડ-૧૯ રોકવા માટે ઓનલાઇન તાલિમ આપવાની ઘોષણા કરી છે. આઇઆઇટી ખડગપુરે સૌથી સસ્તી કોવિડ-૧૯ ટેસ્ટિંગ કીટ બનાવવાની જાહેરાત કરી છે. 

- તાજેતરના અહેવાલ પ્રમાણે ભારતમાં સમસ્ત દુનિયામાં સૌથી ઝડપથી કોરોના ફેલાઇ રહ્યો છે. આ રોગચાળાને નાથવામાં સરકારને મળેલી નિષ્ફળતાની સજા જનતાએ ભોગવવી પડી રહી છે. 

- માલદિવે ૨૬મી જૂલાઇએ ૫૫માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. ૨૦૨૧માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની યજમાની હરિયાણા દ્વારા કરવામાં આવશે. 

- બાંગ્લાદેશના ક્રિકેટર કાઝી અનિક ઇસ્લામ પર ૨ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાંગ્લાદેશી ક્રિકેટ બોર્ડે ખેલાડીઓનું આરોગ્ય તથા તેમની માનસિક શાંતિ ટ્રેક કરવા માટે એક એપ્લીકેશન લોન્ચ કરી છે.

- ડીઆરડીઓએ કોવિડના  રોગીઓ માટે બિહારમાં બે અસ્થાયી હોસ્પિટલની સ્થાપના કરી છે. સેન્ટ્રલ રિઝર્વ પુલિસ ફોર્સ (સીઆરપીએફ)ના ૮૨મા સ્થાપના દિવસની ઉજવણી ૨૭મી જૂલાઇએ કરવામાં આવી હતી. 

- તાન્ઝાનિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બેન્જામીન ઉકામ્પાનું અવસાન થયું હતું. ઓડિસા રાજ્ય સરકારે વન ઉત્પાદનોનું કલસ્ટર રચવાની ઘોષણા કરી છે. 

- કેરળમાં ભારતીય નૌસેનાનો સૌથી મોટો સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. કર્ણાટકમાં ઓનલાઇન કોચીંગ પ્લેટફોર્મનો શુભારંભ કરવામાં આવ્યો છે. તેનું નામ છે ગેટ સેટ ગો.

- મધ્યપ્રદેશ સરકારે જીવન શક્તિ યોજના શરૂ કરી છે જે અંતર્ગત મહિલાઓ માસ્ક બનાવી રહી છે. માસ્કની કિંમત ૧૧ રૂપિયા. મહિલાઓને પગભર બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. 

- મેઘા મઝુમદાર દ્વારા તાજેતરમાં એક અંગ્રેજી નવલકથા પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેનું શીર્ષક છે અ બર્નીંગ. બુરૂન્ડીના રાષ્ટ્રપતિ પિયરે કુરનઝીઝાનું અવસાન થયું હતું. 

- તાજેતરમાં  અમેરિકન ફિલ્મ મેકર જોએલ શુમાકરનું અવસાન થયું હતુ. તેમણે બનાવેલી સેઇન્ટ  એલમોસ્ટ ફાયર, ધ લોસ્ટ બોય્ઝ અને ફલેટીનર્સ ફિલ્મો સુપરહીટ રહી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો