રઝાઃ રંગોના મિજાજનું ફ્યુઝન


- કાશ્મીરમાં મળેલા ફ્રેન્ચ ફોટોગ્રાફર કાર્તિય બ્રેસાંએ કહ્યું, તારા ચિત્રમાં કન્સ્ટ્રક્શનની કમી છે ને તેમનું જીવન બદલાઈ ગયું

- ચિત્રકળા શીખવાના પાગલપનમાં કડકડાટ ફ્રેન્ચ શીખી જતા ફ્રાંન્સના દૂતાવાસે  તેમને એક ને બદલે બે વર્ષની શિષ્યવૃત્તિ આપી દીધી

ચિત્રોની દુનિયા ચલચિત્ર કરતાં પણ વધારે વાઇબ્રન્ટ છે. એક આર્ટીકલ ન કહી શકે, એક ફિલ્મ ન કહી શકે, એના કરતાં ઘણું બધું વધારે એક ચિત્ર કહી દેતું હોય છે. ચિત્ર એ કોઇ ઉખાણું નથી. તે એક સાથે સેંકડો અભિવ્યક્તિનો એક્સ્ટ્રેક્ટ છે. તે કોડેડ મેસેજીસનો ખજાનો છે.  સરવાણીમાંથી પાણી ફૂટે એમ તેને નવા-નવા અર્થો સૈકા સુધી ફૂટતા રહે છે. તેમાં જે નથી અથવા જે સ્થૂળ નથી એ પણ દોરી શકાય છે. પીંછી અને પેન્સિલની જુગલબંધી એકલતા, પીડા, ઉમંગ, ઉન્માદ આ બધાને આકાર આપી શકે છે. કેનવાસ પર બાંધી શકે છે. ચિત્રકાર  એસ. એચ. રઝા આવા જ કેટલાક સિદ્ધ હસ્ત  કસબ કર્મીઓમાંના એક હતા.

તેમની સાદગી, શાલીનતા, ઉદારતા અજોડ હતી. તેમનાં પ્રવાસો અને તેમનો કમાન્ડ પણ એટલા જ અદ્ભુત.  કોઇ એક બાબત માટે તેમનું નામ વૈશ્વિક ચિત્રપટલ પર અંકિત થઇ ગયું તો તે રંગોની ભાષા. તેમના રંગો પ્રકૃતિએ આપેલા હોવા છતાં પ્રકૃતિનું અનુકરણ કરતા નથી. સુખ્યાત કલાકાર જગદીશ સ્વામીનાથન કહે છે કે કળા એ પ્રકૃતિનો એવો અરીસો છે જેમાં પ્રકૃતિ પોતાને જોઇ શકતી નથી, પ્રકૃતિમાં ફેલાયેલા અફાટ રંગો બધા માટે છે પણ બધા તેને જોઇ શકતા નથી. જોઇ શકે તો નાતો બાંધી શકતા નથી, નાતો બાંધી લે તો સંબંધ બનાવી શકતા નથી ને સંબંધ બનાવી લે તો કેનવાસ પર ઉતારવામાં મુશ્કેલી પડે છે. રઝા આ બધી જ પ્રોસેસમાંથી પાણીના રેલાની જેમ પસાર થયા છે.

તેમના પિતા જંગલ ખાતામાં અધિકારી હતા. તેમનું બાળપણ મધ્યપ્રદેશમાં મંડલાના જંગલોને ખૂંદવામાં, જાણવામાં, સમજવામાં, નિહાળવામાં વીત્યું. ભોમિયા વિનાના મારે ભમવાતા ડુંગરા, જંગલની કૂંજ-કૂંજ જોવીતી... ઉમાશંકરે જે કહ્યું એ તેમને કર્યું હતું. પિતા અત્યંત કડક હતા. શિસ્તના આગ્રહી હતા પણ રઝાનું મન ભણવામાં લાગતુ નહોતું. તેમને ભણવા કરતા ભમવું વધારે ગમતું હતું. જે જોતાં તે બધું અવચેતન મનમાં દોરાયા કરતું. પ્રકૃતિને હાડમાં ઉતારી હોવાથી જ તેઓ ધમાકેદાર શરૂઆત કરી શક્યા. તેઓ હંમેશા એક આદિશક્તિમાં પુરૂષ અને પ્રકૃતિમાં માનતા રહ્યા. તેઓ કહેતા કે આદિશક્તિ જ મારા વિચિત્ર ઉન્માદમાં સહાયક  રહી છે.

તેઓ કહેતા કે કલા એ એક વિચિત્ર ઉન્માદ છે. આ વિચિત્ર ઉન્માદ એટલે શું? તેનો સાક્ષાત્કાર તેમને જંગલોમાં ભટકવા દરમ્યાન જ થયો. જેમ કે અચાનક સાપનું સરકવું, અચાનક પવન ફુંકાવો, વાંદરાનું ડાળ પર ઝૂલવું, એક ડાળ પરથી બીજી ડાળ પર કૂદવું, ચકલીનું ઓચિંતા ઊડી જવું આ જ વિચિત્ર ઉન્માદ. તેનું પૂર્વાનુમાન લગાવી શકાતું નથી જેમાં કરવાનો કોઇ ભાવ નથી, જે ચમત્કૃત કરી દે છે, સ્તબ્ધ કરી દે છે. આ ઉન્માદને તેમણે કેનવાસ પર ઠરીઠામ કરવાની કોશિષ કરી છે. ફ્રોઇડની મથામણ પણ આ જ હતી ને. અચેતન મનના ચેતન ક્રિયાકલાપોને સમજવામાં તેમણે જિંદગી ખર્ચી નાખી. એ વાત અલગ છે કે તેની પાકી ભાળ હજુ કોઇને મળી શકી નથી અથવા બધાને અલગ અલગ મળી છે. રઝાના પ્રકૃતિપ્રેમ અને વિચિત્ર ઉન્માદના તેમના અવલોકનોમાંથી જ તેમનો અનોખો અપ્રતિમ, અદીઠ અને રંગીન ચિત્ર સંસાર રચાયો છે. 

દૃશ્ય ચિત્રણની શિષ્યવૃત્તિ પર તેઓ હિંદુસ્તાનના અનેક પ્રદેશો ઘૂમી રહ્યા હતા ત્યારે તેમને કાશ્મીરમાં પ્રસિદ્ધ ફ્રેન્ચ ફોટોગ્રાફર કાર્તિય બ્રેસાં મળ્યા. તેમણે રઝાના ચિત્રો જોઇને કહ્યું આમાં કન્સ્ટ્રકશનની કમી છે. આમાં કોઇ માળખું હોવું જોઇએ. રઝા ત્યારે ઝનૂનથી ચિત્ર બનાવતા એક યુવાન વિદ્યાર્થી હતા. ચિત્રમાં કન્સ્ટ્રકશન કોને કહેવાય એ સમજવું તેમના માટે કઠીન હતું. બ્રેસાંએ તેમને કન્સ્ટ્રકશનને સમજવા માટે સેજાના ચિત્રો જોવાની સલાહ આપી. સેજાના ચિત્ર જોવાની અધીરાઇ તેમને ફ્રાંસ લઇ ગઇ. પાછા આવ્યા તો ખબર પડી કે ફ્રેન્ચ દૂતાવાસ દર વર્ષે અધ્યયન માટે સ્કોલરશિપ આપે છે. તે મેળવવા માટે ફ્રેન્ચ ભાષા આવડવી જરૂરી છે. આથી તેમણે ફ્રેન્ચ શીખવાનું શરૂ કર્યું. 

ચિત્રકળાના ઝનૂનમાં તેઓ એટલું કડકડાટ ફ્રન્ચ શીખી ગયા કે ફ્રાંસના દૂતાવાસે તેમને એક નહીં બે વર્ષની સ્કોલરશિપ આપી. રોદાંના ચિત્રોના દિવાના બની ગયા. લૂવ્ર અને મ્યુઝે ડોર્સે જોઇને અત્યંત પુલકિત થઇ ગયા. સેજાના ચિત્રોને તેમણે આત્મસાત કર્યા. ત્યારપછી રઝાના ચિત્રોમાં જે આવ્યું તે તેમને અમર બનાવી દેનારું હતું. પહેલાં તેઓ રંગો પ્રત્યે ઉદાસીન હતા. ચિત્રણ પ્રત્યે લાપરવા હતા. બે વર્ષની ફ્રાંસ યાત્રાએ તેમને બિલકુલ બદલી નાખ્યા.  ફ્રાંસમાં આયોજિત મહત્ત્વપૂર્ણ વાર્ષિક ચિત્ર પ્રદર્શનમાં તેમને પ્રિ દિલા ક્રિતિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. બીજા કોઇપણ વાર્ષિક પુરસ્કાર કરતા તેનું મહત્ત્વ અનેકગણું વધારે હતું, કારણ કે આ પુરસ્કાર કોને આપવો તેનો નિર્ણય ૧૪ વિવેચકો સાથે મળીને કરે છે.  ૧૪ માથાનું તેમના માટે એકમત થવું એ બહુ જ મોટી અચિવમેન્ટ હતી. 

પ્રવાસનો  રોમાંચ પણ તેમના ચિત્રોનું એક અંગ છે. ટેકનોલોજીકલ આર્ટના સંપર્કમાં આવ્યા પછી તેઓ માટીની મહેકને વધારે ઉંડાણથી અનુભવી શક્યા. અજીત મુખરજીના પુસ્તકમાં છપાયેલા ચિત્રોએ તેમના માટે નવી દુનિયાના દ્વાર ઉઘાડયા. રાજસ્થાન, સાતપુડા, વિંદ્યાચલ, અરાવલી અને સૌરાષ્ટ્રના ચિત્રોએ તેમની કળાને નવી ઉંચાઇ આપી. તકનિકી માળખાએ તેમાં વિસ્મયનું ઉમેરણ કર્યું. ઉપરથી ભભરાવ્યું. રઝા હવે રઝા બનવા લાગ્યા હતા. તેમના ચિત્રોમાં પ્રકૃતિના નવા રંગો અને નવા અનુભવો ઉદ્ઘાટિત થઇ રહ્યા હતા. સફેદ રંગની આક્રમકતા સામે લાલ રંગનું કૌમાર્ય સળગતો નિલો રંગ, ભડકે બળતો લીલો રંગ તેમની ચિત્ર દુનિયાની અજાયબી છે. દુનિયાના કોઇ ચિત્રકારે રંગોના સ્વભાવની આ રીતે ઉલટફેર કરી નહોતી. તેઓ રંગોની શુદ્ધતાના કાયલ હતા, પણ તેના અર્થ બદલવાનું જોખમ પણ એટલી જ સહજતાથી ઉઠાવતા. પ્રૌઢ રઝામાં નવું બાળપણ ઊગી રહ્યું હતું. મંડલાના જંગલોની પ્રકૃતિ નવા રંગરૂપ સાથે બહાર આવી રહી હતી. 

પ્રકૃતિનો સંયમિત, સુગ્રથિત અને ઘેલું લગાડતો ઉન્માદ તેમના ચિત્રોનું પ્રાણતત્ત્વ બની ગયો હતો. ૪૦ વર્ષ બાદ તેને એ માર્ગ મળી ગયો જેની શોધ તેઓ બાળપણથી કરતા હતા. પ્રચંડ સફળતા મળ્યા પછી પણ તેમણે પ્રકૃતિ સાથેનો સંબંધ મૂક્યો નહીં, પગને હંમેશા મટમેલા રાખ્યા. ગામડાનું ધીમી ધારે વહેતુ જીવન હંમેશા તેમને આકર્ષતું રહ્યું. તેઓ શ્રેષ્ઠ ચિત્રો દોરી શક્યા, કારણ કે તેઓ શ્રેષ્ઠ દર્શક હતા. પૂર્વસૂરિઓના ચિત્રોને ધીરજથી નિહાળતા, ઉકેલતા, અભિવ્યક્તિમાં ક્યારેય ઉતાવળ ન કરતા. 

સ્કૂલમાં તેઓ અત્યંત તોફાની હતા. તેમને કલાસમાં બેસાડી રાખવા કઠીન હતા. મસ્તી કરવામાં અને બીજા વિદ્યાર્થીઓને ડાયવર્ટ કરવામાં તેઓ માહિર હતા. એક વખત તેના એક શિક્ષકે દીવાલ પર કોલસાથી કાળુ ટપકું કરી સતત તેને નિહાળતા રહેવાની સજા આપી. વખત જતાં એ જ કાળું ટપકું તેમના જીવનનું પ્રાણતત્ત્વ બની ગયું. તેમના પર પુનરાવર્તનના પણ આક્ષેપ મુકાયા. પણ તેનાથી તેઓ બેપરવાહ હતા. રંગ હવે તેમના માટે રંગ નહીં જીવનનું અંગ બની ગયા હતા. ફૂલની પાંખડીઓ પતંગિયામાં ફેરવાઇ ગઇ હતી.  તેમની ચિત્ર સૃષ્ટિ સામે વાસ્તવિક દુનિયા ઝાંખી પડવા લાગી હતી ને એટલે જ તેઓ ચિત્રરૂપે અજરઅમર બની ગયા.

આજની નવી જોક

લીલી (છગન): તમે ક્યારેય એવું વિચાર્યું છે કે મારા લગ્ન બીજા સાથે થયા હોત તો શું થાત?

છગનઃ ના, હું બીજાનું ખરાબ ક્યારેય નથી વિચારતો.

લીલીઃ હેં!?

જીકે જંકશન

- ચીને મંગળ પર પોતાનું સૌ પ્રથમ સ્વતંત્ર મિશન લોન્ચ કર્યું છે. એ મિશનનું નામ છે તીયાનવેન-૧. ૨૦૨૨માં ચીનમાં એશિયન ગેમ્સ તથા વિન્ટર ઓલિમ્પિક યોજાશે. તાજેતરમાં સુપ્રસિદ્ધ ગાયિકા એની રોસનું અવસાન થયું હતું. તેઓ ૮૯ વર્ષના હતા અને ઉત્તમ જેઝ ગાયિકા હતા.

- મધ્યપ્રદેશમાં અનેક જગ્યાએ મોબાઇલ હેન્ડવોશ સુવિધા સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશની રાજ્ય સરકારે કોવિડ-૧૯ માટે સ્વપરિક્ષણ પ્રણાલી શરૂ કરવાની ઘોષણા કરી છે. તે વર્ચ્યુઅલ અદાલતો દ્વારા સુનાવણી શરૂ કરવાનું દેશનું સૌ પ્રથમ રાજ્ય છે. 

- નાગપુર એઇમ્સે કોવિડ-૧૯ના દર્દીઓને ટ્રેક કરવા માટે સ્માર્ટ રિસ્ટબેન્ડ લોંચ કર્યો છે.  શ્રીલંકાની મહિલા ક્રિકેટર શ્રીપાલી વેરાકોડીએ નિવૃત્તિની ઘોષણા કરી છે.

- આઇએએસ ટોપર ટીના ડાબીને બ્રિક્સ સંગઠનના સલાહકાર તરીકે નિમવામાં આવ્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો