ચીનની વિસ્તારવાદી ભૂખનો એક્સરે


૧૯૫૦ પહેલાં ભારત અને ચીન વચ્ચે કોઇ સીમા વિવાદ નહોતો કારણ કે ભારતની સરહદ ચીન સાથે જોડાયેલી જ નથી. તે તિબેટ સાથે જોડાયેલી છે. તિબેટને ગળ્યા પછી માઓત્સે તુંગે કહેલું, તિબેટ હથેળી છે. હવે આંગળીઓનો વારો છે. તેમના આ નિવેદન પરથી ખબર પડે છે કે ચીન પહેલેથી પૂર્વોત્તર ભારત પર બદનજર રાખીને બેઠુ છે. જ્યારે પણ મોકો મળ્યો ત્યારે તેણે પોતાની અસલી દાનત છતી કરી છે, ગલવાનઘાટીમાં વધેલું ટેન્શન લેટેસ્ટ ઉદાહરણ છે. 

સિક્કિમના નાથુ લાથી તિબેટ થઇને દક્ષિણ પશ્ચિમ ચીન જવાનો એક પ્રાચીન સિલ્ક રૂટ નીકળે છે. તેની લંબાઈ ૫૪૩ કિલોમીટર છે.  ૧૯૦૦ વર્ષ સુધી વેપારીઓ તેનો ઉપયોગ કરતા રહેલા અને તેના થકી ત્રણય દેશોની અર્થવ્યવસ્થા ધમધમતી રહેલી. ૧૯૫૦માં ચીન તિબેટને ગળી જતા સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશ સાથે સરહદી વિવાદ મંડાણો. ૧૯૬૨માં ભારત-ચીન યુદ્ધ પછી આ સિલ્ક રૂટ બંધ થઇ ગયો. ૨૦૦૬માં તે ખોલવામાં આવેલો પણ માત્ર પ્રતીકાત્મકરૂપે. મોટેભાગે તે બંધ જ રહે છે. 

સિક્કિમના એક તિબેટિયન નેતા લોબસાંગ સાંગીએ કહે છે, ચીન બહુ પહેલેથી જ લદ્દાખ, નેપાળ, ભૂતાન, સિક્કિમ અને અરૂણાચલ પર નજર રાખીને બેઠું છે. એટલે જ તે મોકો મળે ત્યારે અહીં ઘર્ષણ કરતું રહે છે. ૧૧ સપ્ટેમ્બરથી ૧૫ સપ્ટેમ્બર ૧૯૬૭ વચ્ચે સિક્કિમની નાથુ લા આઉટ પોસ્ટ પર બંને દેશની સેના વચ્ચે અથડામણ થયેલી. એ જ વર્ષે  ઓકટોબરમાં ચો લા ખાતે પણ ચીને હુમલો કરેલો. ૨૦ ઓકટોબર ૧૯૭૫ના રોજ અરૂણાચલ પ્રદેશના તુલુંગલામાં ચીની સૈનિકોએ કરેલા હુમલામાં ૪ ભારતીય જવાન શહીદ થયેલા. ડ્રેગન છાશવારે અહીં પોતાની વિસ્તારવાદી વાસના પ્રકટ કરતો રહે છે.

તેની વિસ્તારવાદી વાસનાનું ઉદાહરણ દોકલામ ટ્રાઇ જંકશન ખાતે જોવા મળ્યું અને ભૂતાન-ચીન વચ્ચે પણ તડાફડી જારી છે. ચીને ભૂતાનના સાકટેંગ વન્ય જીવ અભયારણ્ય પર પોતાનો દાવો કર્યો હતો.ભૂતાને આ અભયારણ્ય માટે નાણાકીય ફાળવણી કરતા ગ્લોબલ એન્વાયર્નમેન્ટ ફેસિલિટી કાઉન્સીલની બેઠકમાં ચીને તેની સામે વાંધો ઉઠાવેલો. ૬૫૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ અભયારણ્યની પૂર્વ સીમા અરૂણાચલ પ્રદેશ સાથે જોડાયેલી છે. ચીને અરૂણાચલ પ્રદેશને ૨૦૧૪માં પોતાના નકશામાં દર્શાવેલું. 

તિબેટ જ્યાં સુધી ચીનનું ન હતું ત્યાં સુધી તેને ભારત સાથે કોઇ સીમા વિવાદ નહોતો.  એવી જ રીતે તેને હમણાં સુધી ભૂતાન સાથેય કોઇ સીમાવિવાદ નહોતો. સિક્કિમ પર પોતાની દાવેદારીને વાજબી ઠરાવવા તેણે એક સ્ટેપ આગળ વધીને ભૂતાન સાથે શીંગડા ભરાવવાનું  શરૂ કર્યું છે. ભૂતાન પહેલેથી ભારત સમર્પિત રહ્યું છે અને એટલે જ તેણે આજ સુધી ચીન સાથે રાજદ્વારી સંબંધ સ્થાપ્યા નથી.

આ મામલે પણ ચીનને આપણા પ્રત્યે રોષ છે. ભૂતાનના અંગ્રેજી અખબાર ભૂટાનીઝના સંપાદક તેંનઝીંગ લામસાંગ લખે છે, ચીને પહેલા ક્યારેય પૂર્વ ભૂતાનમાં સીમા વિવાદનો મુદ્દો ઉઠાવ્યો નહોતો. મતલબ સાફ છે ત્યાં ક્યારેય વિવાદ હતો જ નહીં. જેએનયુમાં સેન્ટર ફોર ચાઇનીઝ એન્ડ સાઉથ એશિયન સ્ટડીઝના ડોકટર ગીતા કોચર કહે છે , ભારત અને ચીન વચ્ચેનો સાંપ્રત વિવાદ એક મોટો ભૂ રાજકીય (જીઓપોલિટિકલ) ખેલનો હિસ્સો છે. ચીન તેના થકી એશિયામાં પોતાનું વર્ચસ્વ વધારવા માગે છે. 

સ્થિતિ જોતાં લાગે છે ભારતે યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે. જરૂર પડે તો પરમાણુ યુદ્ધ માટે પણ. અમેરિકા અત્યારે આપણી સાથે છે પણ ત્યાં ટૂંક સમયમાં નેતૃત્વ પરિવર્તનની શક્યતા છે. નેતા બદલાયા પછી પણ નીતિ નહીં બદલાય એવું કન્ફર્મેશન ન મળે ત્યાં સુધી આપણે અમેરિકાને લઇને ઓવર કોન્ફીડન્સમાં રહી શકીએ નહીં. 

જ્યાં વિવાદ છે એ લદ્દાખ પર આસમાની નજર.દિલ્હીથી લેહના વિમાનમાં બેસીએ કે ૧૫ મિનિટમાં જ હિમાલયની પર્વતમાળા દેખાવા લાગે છે. તેનું અસ્પૃશ્ય સૌન્દર્ય, સંસ્કૃતિ અને ભૌગોલિક સ્થિતિ તેને વિશેષ મહત્તા બક્ષે છે. સૌ પ્રથમ શિવાલીક અને પીરપંજાલના પર્વતો દેખાય છે. ત્યાં વિમાન ઉડાડવું એટલે દુનિયાના સૌથી ઊંચા પર્વતો પરથી વિમાન ઉડાડવું. ભારત- ચીન અને પાકિસ્તાન ત્રણેયની સીમા હિમાલયમાં પડે છે.  કારાકોરમ રેન્જમાં સિઆચેન હિમશીલા આવેલી છે. તેમાંથી નુબ્રા નદી નીકળે છે જે આગળ જઇને સિંધુમાં ભળે છે.

૧૫ હજાર ફૂટ પર ખારા પાણીનું તળાવ આવેલું છે. લદ્દાખી ભાષામાં તેને મુરારી કહે છે. તેનાથી આગળ પેંગોંગ શહેર આવે છે, જે ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધની ધરી બનેલું. લદ્દાખ વિશ્વનું સૌથી ઊંચું રણ છે. ચારે તરફ ભૂખરો રંગ પથરાયેલો છે. જ્યાં ક્યાંક હરિયાળી જોવા મળે છે ત્યાં માનવ વસાહત છે. ત્યાં એક પણ વૃક્ષ નથી ને હવા પાતળી હોવાથી ઓક્સિજનની કમી સ્વાભાવિક છે. લેહનો અર્થ થાય છે શાંતિ, અને તમામ ધર્મોનું સહઅસ્તિત્ત્વ.  જગતના આ બંને શ્રેષ્ઠ વિચાર હાલ ખતરામાં છે. 

ચીનને પછાડવા માટે કળ અને બળ બંનેની જરૂર છે. અત્યંત ધીરજ જોઇએ અને અતિશય ઝીણુ-ઝીણું કાંતવું પડે. ચીન સાથે વેપાર ઘટાડીને તો તેનું નાક દબાવી જ શકાય છે, ઉપરાંત બીજો રસ્તો તેની બદનક્ષીનો છે. કોવિડ-૧૯ ચીનમાંથી નીકળ્યો હોવાથી દુનિયાભરના દેશો તેનાથી નારાજ છે. આ મોકોનો ફાયદો ઉઠાવવો જોઇએ. આખા વિશ્વને ચીન વિરુદ્ધ અને આપણા સમર્થનમાં ઊભું કરવું જોઇએ. કેવળ ભારત જ નહીં વિશ્વના અનેક દેશો જો તેના પર વ્યાપારી પ્રતિબંધો મૂકે તેના જેવું પ્રેશર ઊભું કરે તો તેને ઝડપથી સીધુંદોર કરી શકાય. 

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- દક્ષિણ કોરિયાની ગાયિકા લી-સુન મીએ ટિકટોક વીડિયો બનાવીને ભારતીય સંસ્કૃતિ તથા ભારતના શાસ્ત્રીય નૃત્યની મજાક ઉડાવી હતી. આ વિશે વિવાદ છેડાતા તેણે ટ્વીટ્ટર પર માફી માગી હતી. અનેક લોકોએ તેના પર ભારતીય નૃત્યની નકલ કરવાનો આક્ષેપ મૂક્યો હતો.

- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે માલગાડીની અવરજવર શરૂ થઇ હતી.  ગત રવિવારે ૫૦ કન્ટેનર સાથેની પહેલી ટ્રેન બાંગ્લાદેશના બેનાપોલ સ્ટેશન પહોંચી હતી.  તેમાં સાબુ અને શેમ્પુ જેવી એફએમસીજી પ્રોડક્ટ્સ તથા કપડાં લઇ જવામાં આવ્યા હતા. 

- બે વખત ઓસ્કર અવોર્ડ જીતી ચૂકેલી અભિનેત્રી ઓલિવીયા ડી હેવીલેન્ડનું શનિવારે પેરિસમાં ૧૦૪ વર્ષની વયે નિધન થયું હતું.  ૧૯૪૬માં ટૂ ઇચ ઇઝ ઓન અને ૧૯૪૯માં ધ એરસમાં અભિનય બદલ તેને ઓસ્કાર મળ્યો હતો. ક્લાસિક ફિલ્મ ગોન વીથ ધ વીન્ડની તે આખરી જીવિત સદસ્ય હતી. 

- રશિયાના વિજ્ઞાાનીઓએ સાઇબિરિયાની પેશેવાલાવેટો સરોવરમાંથી લુપ્ત થઇ ચૂકેલા વૂલીમેમથ (હાથીની એક પ્રજાતિ)નું કંકાલ શોધી કાઢયું હતું. સૌ પ્રથમ આ કંકાલના હિસ્સા  રેન્ડીયર ચરાવનારા લોકોને મળી આવ્યાં હતાં. 

- અમેરિકાના ટેકસાસ રાજ્યમાં બ્લેક લાઇવ્ઝમેટર પ્રદર્શન દરમ્યાન ગોળીબારમાં એક પ્રદર્શનકારીનું મૃત્યુ થયુ હતું. કારમાં બેઠેલા કોઇ શંકાસ્પદે રાયફલથી ગોળીબાર કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. એક પોલીસ કર્મીએ જ્યોર્જ ફ્લોઇડ નામના અશ્વેતની હત્યા કર્યા પછી અમેરિકામાં રંગભેદ વિરોધી આંદોલનોએ વેગ પકડયો છે.

- અમેરિકાએ હ્યુસ્ટનમાં ચાઇનીઝ કોન્સ્યુલેટ બંધ કરાવતા ચીને વળતો બદલો લીધો હતો. તેમણે ચેંગડુ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટ બંધ કરાવ્યું હતું. દક્ષિણ ચીન સમુદ્ર પર ચીનની દાવેદારી મામલે બંને દેશો વચ્ચે લાંબા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે. 

- આ સમય કોરોના સામે લડવાનો છે ત્યારે પણ રશિયા હેલ્થકેર સિસ્ટમ સમૃદ્ધ કરવાને બદલે શસ્ત્રાગાર સમૃદ્ધ કરવામાં ધ્યાન આપી રહ્યું છે. વ્લાદિમિર પુતિને ઘોષણા કરી હતી કે રશિયન નૌસેના ટૂંક સમયમાં હાઇપર સોનિક પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરશે. આ વર્ષે રશિયન નેવીમાં ૪૦ નવા જહાજોનો સમાવેશ કરાશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો