દિલ્હીની વાત : રાહુલ મુદ્દે સોનિયા સૂડી વચ્ચે સોપારી


રાહુલ મુદ્દે સોનિયા સૂડી વચ્ચે સોપારી

નવીદિલ્હી, તા.30 જુલાઈ 2020, ગુરુવાર

રાહુલ ગાંધી ચીન મુદ્દે મોદી સરકાર પર પ્રહારો કરતા વીડિયો બહાર પાડયા કરે છે તેના કારણે સોનિયા ગાંધીની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. 

સોનિયાની ટીમના સભ્યો રાહુલને આ બધું બંધ કરવા માટે કહેવા સોનિયા પર સતત દબાણ કર્યા કરે છે. બીજી તરફ રાહુલ કોઈની વાત માનવા તૈયાર નથી અને જાહેર કરી ચૂક્યા છે કે, રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય તો પણ આ ચીન વિશેનું સત્ય બહાર પાડવાનું બંધ નહી કરે.

સોનિયાની નજીકના નેતાઓનું માનવું છે કે, રાહુલના વીડિયો બાલિશ છે અને તેમાં ડેપ્થ નથી. તેના કારણે કોંગ્રેસની ઈમેજને ફટકો પડી રહ્યો છે. રાહુલે આ મુદ્દે નિષ્ણાતો સાથે વાત કરીને પછી બોલવું જોઈએ એવો પણ તેમનો આગ્રહ છે.

સૂત્રોના મતે, સોનિયાએ આ વાત રાહુલને કહી પણ રાહુલ જીદે ચડયા છે. સોનિયાએ આ મુદ્દે શરદ પવારને વાત કરવા કહેતાં પવારે રાહુલને મોદી પર પ્રહારો બંધ કરવા સલાહ આપી પણ રાહુલ કોઈની વાત સાંભળવા તૈયાર નથી.

કેજરીવાલે કોરોનાની કસર ડીઝલમાં પૂરી કરી

અરવિંદ કેજરીવાલે ગુરૂવારે દિલ્હીમાં ડીઝલ પરના વેટમાં જંગી ઘટાડો કરીને સાબિત કર્યું કે, રાજકીય દાવપેચમાં એ પાકા ખેલાડી છે. દિલ્હીમાં ડીઝલ પર ૩૦ ટકા વેટ હતો એ ઘટાડીને પોણા સત્તર ટકા કરાતાં લિટરે ભાવ સીધો આઠ રૂપિયા ઘટી ગયો. અત્યાર લગી દિલ્હીમાં ડીઝલ પેટ્રોલ કરતાં મોંઘું હતું પણ હવે ૭૩ રૂપિયાની આસપાસ ભાવ થઈ જતાં સસ્તું થઈ ગયું છે.

દિલ્હીમાં કોરોનાના કારણે કેજરીવાલના માથે બહુ માછલાં ધોવાયા હતાં. કોરોનાને કાબૂમાં લેવા અમિત શાહને મેદાનમાં ઉતારાયા પછી કેસ ઘટતાં ભાજપના નેતા કેજરીવાલ સરકારની ક્ષમતા સામે સવાલો ઉઠાવી રહ્યા હતા. તેના કારણે જે પણ રાજકીય નુકસાન થઈ શકે એ બધું કેજરીવાલે એક જ નિર્ણયથી ધોઈ નાંખ્યું છે. બલ્કે પોતાનું પલ્લુ ભારે કરી દીધું છે કેમ કે લોકોને સીધો ફાયદો થશે.

કોરોના સામેની લડતનો ચહેરો 'લવ' ગાયબ

કોરોના સામેની લડાઈમાં કેન્દ્ર સરકારનો ચહેરો બની ચૂકેલા લવ અગ્રવાલ અચાનક ગાયબ થઈ ગયા છે. કોરોનાનો ડર ચરમસીમા પર હતો અને લોકડાઉન લદાયું હતું ત્યારે કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ રોજ પત્રકાર પરિષદને સંબોધવા આવતા હતા. 

કોરોનાના કેસ તથા મોતના આંકડા આપતા અગ્રવાલ મોદી સરકાર દ્વારા કોરાના સામેની લડતમાં લેવાયેલાં પગલાંની વાત અસરકારક રીતે મૂકવામાં અને લોકો સુધી પહોંચાડવામાં સફળ રહ્યા હતા. અગ્રવાલ ઘેર ઘેર જાણીતો ચહેરો બની ગયા હતા.

હવે આરોગ્ય મંત્રાલય દરરોજ પત્રકાર પરિષદ નથી કરતું પણ છેલ્લા બે મહિનામાં કરેલી એક પણ પત્રકાર પરિષદમાં અગ્રવાલ હાજર રહ્યા નથી. તેમના બદલે આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ સંબોધન કરે છે.

સૂત્રોના મતે, મોદીએ અગ્રવાલની ક્ષમતાને ધ્યાનમાં લઈને કોરોનાગ્રસ્ત રાજ્યોની મદદના કામે લગાડી દીધા છે. કેન્દ્ર જે પણ ટીમ મોકલે છે તેમાં અગ્રવાલ હોય જ છે. 

યેદીની ચેરમેનપદની ખેરાત દસ ધારાસભ્યે ફગાવી

કર્ણાટકમાં ધારાસભ્યોમાં વધતા જતા અસંતોષને ઠારવા હાઈકમાન્ડના આદેશથી યેદુરપ્પાએ ૨૪ ધારાસભ્યોને બોર્ડ-નિગમોમાં ચેરમેનપદ આપ્યાં પણ ઉલટાનો તેના કારણે તો અસંતોષ વધારે ભડક્યો છે. યેદીએ નિમણૂકોની જાહેરાત કરી તેની મિનિટોમાં જ જી.એચ. થિપ્પારેડ્ડીએ ચેરમેનપદની ઓફર ફગાવી દીધી હતી. રેડ્ડીએ જાહેરમાં કહ્યું કે, હું છ વાર વિધાનસભામાં ચૂંટાયો છું તેથી કેબિનેટ મિનિસ્ટરપદથી ઓછું કંઈ ના ખપે.

થિપ્પારેડ્ડીના ધડાકાના પગલે બીજા પાંચ ધારાસભ્યોએ પણ ચેરમેનપદ સ્વીકારવાનો જાહેરમાં ઈન્કાર કરી દીધો. બીજા ચાર ધારાસભ્યોએ યેદુરપ્પાને ફોન કરીને નારાજગી દર્શાવી અને પોતાની નિમણૂક રદ કરવાની જાહેરાત કરવાની ફરજ પાડી.  ૧૦ ધારાસભ્યોએ રીસતરના બગાવતી તેવર બતાવતાં યેદીનો પોપટ થઈ ગયો. યેદુરપ્પાએ આ વાત હાઈકમાન્ડ સુધી પહોંચાડીને કેબિનેટ વિસ્તરણની મંજૂરી માગી છે કે જેથી આ અસંતોષ દૂર કરી શકાય.

જસ્ટિસ બોબડેને ઝેડ પ્લસ સીક્યુરિટીથી આશ્ચર્ય

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શરદ બોબડેની સુરક્ષામાં વધારો કરીને ઝેડ પ્લસ સુરક્ષા આપવાનો નિર્ણય લેતાં કાનૂની વર્તુળોમાં આશ્ચર્ય સર્જાયું છે. દેશમાં ઝેડ પ્લસ સુરક્ષા મેળવનારા જસ્ટિસ બોબડે પહેલા જજ છે. અત્યાર સુધી ચીફ જસ્ટિસ બોબડેને ઝેડ કેટેગરીની સુરક્ષા જ મળતી હતી.

ગૃહ મંત્રાલયનો દાવો છે કે, જસ્ટિસ બોબડે સામે થ્રેટ પરસેપ્શન એટલે કે જાનનો ખતરો વધતાં તેમની સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે. ગુપ્તચર તંત્રે આપેલા રીપોર્ટના આધારે આ નિર્ણય લેવાયો છે. જસ્ટિસ બોબડેએ તાજેતરમાં એવા કોઈ ચુકાદા નથી આપ્યા કે જેના કારણે કોઈ નારાજ થાય. આ સંજોગોમાં અચાનક તેમની સુરક્ષા કેમ વધારાઈ એ વાતનું આશ્ચર્ય છે.

જસ્ટિસ બોબડેને ક્યા પ્રકારના ખતરાની આશંકા છે એ વિગત સંવેદનશીલ હોવાથી બહાર નથી પડાઈ પણ એવું મનાય છે કે, અયોધ્યાના રામ જન્મભૂમિ વિવાદમાં ચુકાદો આપનારી બેંચમાં હોવાના કારણે તેમની સુરક્ષા વધારાઈ છે. આ કારણ પણ ગળે ઉતરે એવું નથી કેમ કે આ ચુકાદો આપનારા અન્ય જજોની સુરક્ષા માટે કોઈ જાહેરાત નથી થઈ. 

***

કોંગ્રેસે શા માટે ફલોર ટેસ્ટની વાત ના કરી?

 અંતે રાજસ્થાનના રાજ્યપાલે ૧૪ ઓગસ્ટે વિધાનસભાના સત્ર બોલાવવાની મંજૂરી આપી જ દીધી, પરંતુ સવાલ એ છ ેકે જાહેરમાં ફલોર ટેસ્ટની માગ કરનાર ગેહલોતની સરકારે પોતાની બહુમતી સાબીત કરવા શા માટે તેની દરખાસ્તમાં એનો ઉલ્લેેખ કર્યો નહતો.જાણકારો કહે છે કે કોંગ્રેસની ડર છે કે ફલોર ટેસ્ટ લેવા જતાં સરકારના ઉથલાવી દેવાશે અને  રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાશે.' અમને ડર એ વાતનો છે કે જે ઘડીએ અમે ફલોર ટેસ્ટની વાત કરીશું તો રાજ્યપાલ કહેશે કે સરકારને પોતાની બહુમતી પર ભરોસો નથી અને આ કારણસર તેઓ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી દેશે'એમ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું. 

રાજ્યપાલના પત્રમાં કેટલાક મુદ્દા એવા હતા જેના કારણે અમને એ લાઇન પર વિચારવાની ફરજ પડી હતી, એમ એક નેતાએ કહ્યું હતું.દરમિયાન બંધારણની નિષ્ણાંત પીડીટી આચર્યે કહ્યું હતું કે સામાન્ય સંજોગોમાં માત્ર ફલોર ટેસ્ટના મુદ્દે પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકાય નહીં.

ભૂમિ પુજન માટે ટીવી ચેનલો પર પ્રતિબંધ

અયોધ્યામાં જ્યાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી ત્યાં આકાર થનાર રામ મંદિરના ભૂમિ પુજન સમયે એટલે કે પાંચમી ઓગસ્ટે ટીવી રિપોરેટિંગ માટે કેટલીક શરતો મૂકવામાં આવી હતી. 

તેમજ પેનલ ચર્ચા પર પણ પ્રતિબંધ મૂક્યા હતા.જિલ્લા વહીવટી તંત્ર જે ચેનલો આ કાર્યક્રમને કવર કરવા ઇચ્છતી હોય તેમને ચેનલના વડાની સહી સાથે એક બાંહેધરી આપવી પડશે કે તેઓ કોઇ પણ વિવાદિત પક્ષકારને ટીવી ડીબેટમાં બોલાવશે નહીં કે કોઇ પણ ધર્મ અંગે કોમેન્ટ કરશે નહીં.

બોન્ડ પર સહી કરો તમને છોડી મૂકીશુ, પણ મેં ના પાડીઃ ઉમર અબ્દુલ્લાહ

ગયા વર્ષે ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીરમાં કરવામાં આવેલા રાજકીય ફેરફાર અંગે કંઇ પણ ખરાબ નહીં બોલવા અંગે સરકારે મોકલેલા એક અધિકાર અને દસ્તાવેજ અંગે પહેલી જ વાર જાહેરમાં બોલતાં પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહે કહ્યું હતું કે' મેજીસ્ટ્રેટ એક રબર સ્ટેમ્પ અને પેન લઇને મારી પાસે આવ્યા હતા. 

તેમણે વિચાર્યું હતું કે હું ખુશીથી તેમના કાગળ પર સહી કરી દઇશે અને ભાગી જઇશ.તેમણે મને બોન્ડ આપીને કહ્યું હતું કે બસ સહી કરો અને નિરાંતે જેલમાંથી મૂક્ત થઇ જાવ. બોન્ડમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે હું શાંત બેસીશ અને જમ્મુ-કાશ્મીરમાં પાંચમી ઓગસ્ટે જે કંઇ બન્યું તે અંગે જરાય વાત નહીં કરૂં. એટલે કે હું રાજકારણ છોડી દઇશ. પણ મેં કહ્યું કે આ બોન્ડ પર હું સહી નહીં કરૂં કારણ કે જો હું સહી કરીશ તો હમેંશને માટે મારે શાંત બેસી રહેવું'એમ ઉમર અબ્દુલ્લાહે કહ્યું હતું.

પૂર્વ પોલીસ વડા સરકારના વહાલા થવા નીકળ્યા, કોમી ટ્વિટ કર્યું

 સામ્યવાદી પક્ષે એક આઇપીએસ અધિકારી અને સીબીઆઇના પૂર્વ વડા એમ.નાગેશ્વર રાવ વિરૂધ્ધ ે દિલ્હી પોલીસ અને અમીત શાહ સમક્ષ  મુસ્લિમ સમુદાય વિષે ઘસાતું લખવા બદલ ફરિયાદ કરી હતી.રાવે પ્રખ્યાત મુસ્લિમ શિક્ષણશાસ્ત્રીઓ વિષે અત્યંત ખરાબ ભાષામાં લખ્યું હતું. રાવની વિરૂધ્ધમાં અનેક આઇપીએસ અધિકારીઓ એ પણ મોરચો ખોલ્યો હતો અને તેમને રાવની ભારે ટીકા કરી હતી.

રાવ ૩૧ જુલાઇના રોજ નિવૃત્ત થશે. મોટા ભાગના અધિકારીઓએ લખ્યું હતું કે રાવે તેના રાજકીય આકાઓને ખુશ કરવા આવી કોમેન્ટ લખી હતી. ૨૫ જુલાઇના રોજ રાવે  દાવો કર્યો હતો કે આઝાદી પછીથી હિન્દુ સંસ્કૃત્તિનું ઇબ્રાહિમીકરણ કરવાના  પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે હિન્દુઓના જટમાંથી ઉખેડી ફેંકવા માટે પ્રથમ તબક્કામાં ઇતિહાસને વિકૃત્ત લખવામાં આવ્યો હતો. ઇસ્લામની લોહીયાળ આક્રતાં અને ઇસ્લામી શાસનનું કુંચડું ફેરવી દેવામાં આવ્યું હતું.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે