માણસ આજે પણ યુદ્ધખોર શા માટે છે?


મહાન વૈજ્ઞાાનિક આઇન્સ્ટાઇન ઇશ્વરમાં માનતા હતા કે નહીં એ હજી સ્પષ્ટ થતું નથી. ભારતના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ ડો. કલામે થોડા વરસો પહેલા પ્રમુખ સ્વામી મહારાજની મુલાકાત લીધી હતી બન્ને વિભૂતીઓ હતી અને પોતપોતાના ક્ષેત્રમાં ટોચ ઉપર બિરાજતી હતી. પ્રમુખસ્વામી આધ્યાત્મિક ક્ષેત્રે ટોચ ઉપર હતા તો કલામ સાહેબ ટોચના વૈજ્ઞાાનિક હતા. બન્ને બાલસહજ સ્વભાવ ધરાવતા હતા. 

આ સંદર્ભમાં આઇન્સ્ટાઇનના પ્રેમપત્રો યાદ આવે. એમણે લખેલો એક પત્ર ચાર લાખમાં વેચાયેલો હતો. આમાં પ્રેમ પત્ર નહોતો. એમના કુલ ૫૩ પ્રેમપત્રોનો સંગ્રહ ઉંચી કિંમતે વેચાયેલો હતો. આમા ચડે કે વિજ્ઞાાનએ પ્રશ્ન છે. આઇન્સ્ટાઇને તેમના તત્વચિંતક મિત્ર ગટફાઇન્ડને લખેલા લાખો રૂપિયાના પત્રમાં બાઇબલ તથા ધર્મ અને ઇશ્વર જેવા વિષય ઉપર પોતાના વિચારો દર્શાવ્યા છે તેથી આ એક મામૂલી પત્ર ન રહેતા વૈશ્વિક દસ્તાવેજ બની ગયા છે. લીલામ કરતાઓએ ધારી હતી એના કરતા પચીસ ગણી રકમ  આ પત્રે મેળવી આપી હતી.

મૂલ્યવાન પત્રની  લીલામી કરનાર પેઢી બ્લુમ્સભરી ઓકશનના વરિષ્ઠ અધિકારી રૂપર્ટ પોવેલે આ વ્યકિતની ઓળખ જાહેર કરી નથી પણ એમ કહ્યું હતું કે, રીચર્ડ ડોકિન્સ નામના જાણીતા નાસ્તિક આ પત્ર ખરીદવામાં નિષ્ફળ ગયા હતા. આઇન્સ્ટાઇન માટે એવી માન્યતા છે કે એમણે બાર વર્ષની વયે ધર્મ છોડી દીધો હતો પણ એ પત્રમાં તેઓ લખે છે કે સમગ્ર સૃષ્ટિની ગૂઢ અને રહસ્યમય રચનાને ધ્યાનમાં લેતા તેમણે ધાર્મિક માન્યતાઓ ઉપરથી શ્રધ્ધા ગુમાવી નહોતી બલ્કે એમ લખ્યું હતું કે, આ અસિમીત અને અપરિમયે  સૃષ્ટિની આગવી વિશેષતા એ છે કે તે આપણને સિમિત અને પરિમેય લાગે છે.

તેઓ કહેતા કે ભગવાન કાંઇ જુગાર રમતા નથી અને ધર્મ વિનાનું વિજ્ઞાાન પાંગળુ છે અને વિજ્ઞાાન વિનાનો ધર્મ આંધળો છે. આમ સાબિત થાય છે કે એમને ઇશ્વરમાં શ્રધ્ધા હતી. જો કે એમને પ્રશ્નો પૂછાય ત્યારે તે કહેતા કે હું ઇશ્વર વિશે કંઇ જાણતો નથી અને જાણવાની મારી ક્ષમતા પણ નથી. ઇશ્વરને જાણી શકવા માટે આપણે વામણા છીએ. 

રશિયાના પ્રખર વિચારક સોલ્ઝેનિત્સિને દેશનિકાલ થતાં પહેલાં બુદ્ધિજીવીઓને ઉદેશીને એક લેખ  લખેલો જે આજે પણ પ્રસ્તુત  છે. એણે લખેલું કે આજની પરિસ્થિતિ બિલકુલ તળીયે ગઇ છે. આધ્યાત્મિક મૃત્યુ તો આપણને પહેલેથી  જ આવી ગયું હતું. હવે ઝડપથી  ભૌતિક મૃત્યુ આપણને તથા આપણા બાળકોના અસ્તિત્વને ખતમ કરી નાંખશે. બુદ્ધિજીવીઓ કોઇ નક્કર પગલું ભરવાને બદલે કાયરતાથી મલકાઇ રહ્યા છે.

એમની જીભ પર તાળા નથી પણ તેઓ પોતાની લાચારી વ્યકત કરીને કહે છે કે આપણે આ બધુ રોકવા માટે શું કરીએ? આપણામાં એટલી શક્તિ જ કયાં છે? આપણા બુધ્ધિજીવીઓએ નિર્મમતાથી આપણને એટલા માનવતાહીન બનાવી દીધા છે કે રોટલીના ટૂકડા માટે ને થોડીક સુખસગવડ માટે આપણે બધા આદર્શોને સિધ્ધાંતોને નેવે મૂકી દઈએ છીએ. આપણી ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યને પણ આપણે તિલાંજલી આપી દઈએ છીએ. આ બુધ્ધિજીવીઓ પોતાની સુખસગવડવાળી જીંદગીને જરાપણ આંચ આવવા દે એમ નથી.

એમનામાં જડતા, આત્મવિશ્વાસ અને ઉત્સાહનો અભાવ છે. તેઓ વિશ્વવ્યાપી અણુયુધ્ધ કે ત્રીજા વિશ્વયુધ્ધથી પોતે ડરતા નથી એવી ડંફાસ મારે છે પણ એમના નાનામોટા સાહસના કામ કરવાના હોય તો એકાએક ભયભીત થાય છે એમને ડર લાગે છે કે તેઓ સુખસગવડ ભોગવતી ભીડથી પાછળ રહી જશે એકલા એકલા એક ડગલુ  ભરવાનું હોય તો પણ ડરે છે એમને જૂની પુરાણી રાજનીતિ ઘૂંટીઘૂંટીને પીવડાવવામાં આવી છે હવે કોઈ મુક્તિ માટેનો માર્ગ બચ્યો નથી એમ લાગે છે. બુધ્ધિજીવીઓ એમ માને છે કે પોતાની મેળે જ બધુ થઈ જશે પણ એવું કાંઈ થવાનું નથી. જયાં સુધી બુધ્ધિજીવીઓ આ અસત્યનો સ્વીકાર કરતા રહેશે ત્યાં સુધી એવું કાંઈ થવાનું નથી. શાંત જીવનમાં હિંસા બેહદ વધી જાય ત્યારે એ હિંસાનો ચહેરો  ભયંકર આત્મવિશ્વાસથી ચમકતો હોય છે.

એના હાથમાં મોટું બેનર છે જેમાં લખેલું છે 'હું હિંસા છું, આઘા જાવ, મારા માટે રસ્તો કરો, હું તમને કચડી નાંખીશ.' જો કે આ હિંસા બહુ ટકતી નથી અને પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે. એણે ચહેરો ચમકતો રાખવા અસત્યને પોતાનો સાથી બનાવવો પડે છે. હિંસા બીજા કોઈથી નહીં સત્યથી ચહેરો છૂપાવે છે. જૂઠને માત્ર હિંસાને સહારે દ્રઢ કરી શકાય છે. બુધ્ધિજીવીઓ પાસે આ અસત્યમાંથી મુક્ત થવા માટેની સરળ ચાવી છે. વ્યક્તિગત રીતે અસત્ય સામે અસહકાર કરવો, આ સંકલ્પ બુધ્ધિજીવીઓની નિષ્ક્રિયતાને કારણે પેદા થયેલા કાલ્પનિક કોસેટામાં તિરાડ પાડશે અને એને તોડી નાંખશે. બુધ્ધિજીવીઓ માટે આ કામ બહુ સહેલું છે પણ અસત્યને માટે તે ભારે વિનાશકારી સાબિત થવાનું છે.

જનતા જયારે અસત્યનો ત્યાગ કરે છે ત્યારે સ્વાભાવિક રીતે જ એ અસત્યોના અસ્તિત્વને જ કાપીને ફેંકી દે છે. કોઈ ચેપીરોગની જેમ અસત્ય પણ જીવતાકોષોમાં જ સક્રિય થાય છે. બુધ્ધિજીવીઓ જાતે કોઈ પગલું ભરતા નથી. આ એક મોટી મુસીબત છે તેઓ એટલા પરિપકવ પણ નથી કે ચોક વચ્ચે ઉભા રહીને પોકારી પોકારીને સચ્ચાઈ બતાવે અથવા જે કાંઈ વિચારે છે તે ભાર દઈને વ્યક્ત કરે, પરંતુ આ પણ જરૂરી નથી. બુધ્ધિજીવીઓ ઓછામાં ઓછું જે વિચારતા નથી એના વિશે તો બોલવાની ના પાડી શકે. બુધ્ધિજીવીઓ માટે આ એક જ માર્ગ છે અને એ સૌથી સહેલો છે. ગાંધીજીએ બતાવેલા અસહકાર આંદોલન કરતાય વધારે સરળ છે. આ માર્ગ અસત્યનું સમર્થન કરતો નથી.

બુધ્ધિજીવીઓ સિધ્ધાંતોના મૃત અસ્થિઓને વળગેલા ન રહે. સડેલા જર્જરીત ચીંથરાઓને સાંધે નહીં તો જૂઠ એટલું અસહ્ય અને શાંત થઈ જાય છે એ જોઈને તેઓને નવાઈ લાગશે. તેઓ પોતાની કાયરતા છતાંય પ્રત્યેક બુધ્ધિજીવીએ વિચારવાનું છે કે શું તે ગુલામ બનીને રહેશે કે અસત્યને ફેંકી દઈને પોતાના બાળકો અને સમકાલિનો માટે એક યોગ્ય અને ઈમાનદાર વ્યક્તિ બનશે. આ સંકલ્પ કર્યા પછીની ક્ષણે બુધ્ધિજીવી જે શક્યને મચડી નાંખે એવું કાંઈ લખશે નહીં અને એવી વસ્તુ પર પોતાના હસ્તાક્ષર કરશે નહીં કે એવું કોઈ વચન પ્રકાશિત કરાવશે નહીં બસ આ જ ઉપાય છે. બીજો કોઈ ઉપાય નથી. ૨૫ લાખ વર્ષ પૂર્વે માણસ જંગલી હતો અને આજે પણ સત્તા, પ્રતિષ્ઠા, અન્યોન ીહત્યા, ઈર્ષા અને તુલના વગેરે સ્વરૂપમાં જંગલી જ છે.

કૃષ્ણમૂર્તિ કહેતા કે મારા માટે આ ઘણી મોટી શોધ છે. જગત જંગલ જેવું છે. ઉજ્જડ રણ જેવું છે. અંધકારમય છે. એમણે ૮૨માં મદ્રાસમાં એવું સ્પષ્ટપણે કહેલું કે હું નથી માનતો કે માનવજાતમાં કદી પણ પરિવર્તન થાય. કૃષ્ણમૂર્તિ વાસ્તવદર્શી હતા. જગત આખું જંગલ જેવું સાથી છે અને એમાં પરિવર્તન કયારે થાય એના વિશે એમણે જે કહેલું તે આજેપણ મનનીય છે. મનોવૈજ્ઞાાનિક રીતે તમે જેવા છો તેવો જ તમારો સમાજ છે અને તમારૂં રાજય છે.

તમારો ધર્મ છે. સંયોગોએ વ્યક્તિનું જ પરિણામ છે. વ્યક્તિનું પરિવર્તન કર્યા વિના તમે સંજોગોને બદલી શકો નહીં. વૃક્ષના મૂળને સડેલા રહેવા દઈએ માત્ર ડાળીઓને શણગારવાનો કોઈ અર્થ નથી. જેવી વ્યક્તિ છે એવી જ સૃષ્ટિ છે. વિશ્વ વ્યક્તિઓનું જ પ્રતિબિંબ છે. વ્યક્તિઓ પદાર્થ છે. જયારે વિશ્વ તેનો માત્ર પડછાયો છે. પદાર્થને બદલ્યા વિના પડછાયાને બદલી શકાય નહીં. રોગના કારણોનું મારણ કર્યા વિના રોગ  નાબુદ થઈ શકે નહીં.

લોકો ભલે શાંતિની, પ્રેમની, અહિંસાની, દયાની, ભાઈચારાની અને સચ્ચાઈની વાતો કરે પણ જગતમાં ઉલટુ ચાલી રહ્યું છે. બેબીલોનમાં પાંચ હજાર વર્ષ પૂર્વેની એક ઈંટ ઉપર લખ્યું છે કે હજી યુધ્ધ થશે અને આ છેલ્લું યુધ્ધ હશે પણ એ પછી પાંચ હજાર યુધ્ધો થયા. દર વરસે ત્રણ યુધ્ધો થયા અને હજી એ પ્રક્રિયા ચાલું જ  છે. વિજ્ઞાાને માનવીની હિંસક શક્તિમાં બેહદ વધારો કર્યો છે. પ્રત્યેક યુધ્ધ અગાઉના યુધ્ધ કરતાં વધુ સંપત્તિનો અને વધુ માનવીઓનો ક્રૂરતાપૂર્વક ખાતમો બોલાવે છે. આજે વિશ્વમાં કરોડો માનવીઓ ભૂખમરાને લીધે, રોગોને લીધે કે અજ્ઞાાનને પરિણામે અર્ધ મરેલી હાલતમાં જીવે છે. આયુષ્યમાંનું જીવન ઘટયું છે.

જીવનજરૂરી ચીજોની અછત અને એની અસમાન વહેંચણી અને દુર્વ્યય ભર્યા ઉપયોગ જેવા પ્રશ્રનો હજી આપણે ઉકેલી શકયા નથી. આંજી નાંખે તેવી ભૌતિક સિધ્ધિઓ તથા વિપુલ જ્ઞાાન છતાં માનવસમાજ સુખશાંતિથી જીવી શકતો નથી. જો શેરડી સડેલી હોય કે કસ વિનાની હોય તો સંચો ગમે તેટલો સારો હોય તો રસ કદી સારો ન મળે. શેરડીનો બધો રસ કાઢે તેવો કાર્યક્ષમ સંચો હોવો જ જોઈએ. જો સારો શેરડી નો પાક ન થતો હોય તો સારી શેરડી પકવવી તે જ એકમા  ઉપાય છે ગમે તેટલી ઉત્તમ વ્યવસ્થા પણ સારા માનવીઓની અવેજીમાં ન આવી શકે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો