ઉડ્ડયન ક્ષેત્રની ગ્રાઉન્ડ રિયાલિટી

- વિદેશમાં વિમાની બળતણના ભાવ 20 ડોલરથી શરૂ થાય છે, ભારતમાં 110 ડોલર


કોવિડ-૧૯નો ચેપ કેવળ માણસ પૂરતો સીમિત  નથી. સંસ્થાઓ, કંપનીઓ, અર્થ વ્યવસ્થા, ભવિષ્ય આ બધાના સ્વાસ્થ્યને તેણે નકારાત્મક અસર પહોંચાડી છે. પંખીઓને ક્યારેય પીંછાઓનો ભાર લાગતો નથી પણ જ્યારે પાંખ કપાઇ જાય ત્યારે ઉડવું મુશ્કેલ બની જાય છે.

કોરોનાએ વિમાનોની પાંખ કાપી નાખી છે તેની પીડા એટલી અસહ્ય છે કે વિમાન કંપનીઓ માટે જમીન પર બની રહેવું પણ કઠિન બની ગયું છે. પાણીની અછતનો ભાર હળવો કરવા માટે વૃક્ષો પાંદડા ખંખેરે એમ તેમણે કર્મચારીઓની છટણી શરૂ કરી છે.   ફરીથી વસંત ક્યારે આવશે એની કોઇ ખાતરી નથી. 

ગત સપ્તાહે ભારતની સૌથી મોટી એવિએશન કંપની ઇન્ડિગો એરલાઇન્સે તેના ૧૦ ટકા એટલે કે લગભગ ૨,૭૦૦ કર્મચારી છુટ્ટા કરી દીધા. તેના સંચાલકે કહ્યું, ત્યાગ કર્યા વિના આર્થિક સંકટ સામે ઝીંક ઝીલવી શક્ય નથી. ઇન્ડિગોના ઇતિહાસમાં આટલું દુઃખદ પગલું પહેલીવાર ઉઠાવાયું છે. ઇન્ડિગોને જાન્યુઆરીથી માર્ચ દરમિયાન રૂા. ૮૭૦.૮૦ કરોડનું નુકસાન થયું છે. આ નુકસાન કોરોના પહેલાંનું છે. ત્યારપછી તેમાં વૃદ્ધિ જ થઇ હોય તે કલ્પી શકાય. 

ઉડ્ડયન કંપનીઓની આર્થિક સ્થિતિ પર નજર રાખતી બ્રોકરેજ ફર્મ સેન્ટ્રમ બ્રોકીંગ જણાવે છે કે એપ્રિલથી જૂન દરમિયાન ઇન્ડિગોને રૂા.૨,૬૭૦ કરોડ તથા સ્પાઇસ જેટને રૂા. ૧૦૦૦ કરોડની આસપાસ નુકસાન થયું છે.  બીજી ઉડ્ડયન કંપનીઓની  સ્થિતિ તો આનાથી પણ વધારે ખરાબ છે.

ભારતની મોટાભાગની વિમાન કંપનીઓ પહેલેથી જ ખોટમાં ઊડી રહી છે. ઊડવાનું બંધ થઇ જતાં ખોટમાં અનેકગણો વધારો થયો છે. ઓક્સિજન વિનાના વાતાવરણમાં ટકી રહેવા તેમણે કર્મચારીઓને  પગાર વિના રજા પર મોકલવાનું અથવા પાણીચું પકડાવી દેવાનો પ્રારંભ કર્યો છે. એર ઇન્ડિયાએ તેના કર્મચારીઓને પાંચ વર્ષ સુધી વગર પગારે રજા પર મોકલી દેવાનો નિર્ણય કર્યો છે.

ગો એરે પણ એપ્રિલથી તેમના બહુધા કર્મીઓને એલડબલ્યુપી (લીવ વિધાઉટ પે) આપી દીધી છે. સાથોસાથ અન્ય કર્મચારીઓના વેતન વેતરી નાખવામાં આવ્યા છે. જેમાં ટાટા સન્સની હિસ્સેદારી છે એવી વિસ્તારા એર લાઇન્સે ડિસેમ્બર સુધી કર્મચારીઓના પગારમાં ૫થી ૨૦ ટકાનો કાપ મૂક્યો છે. વિસ્તારાનું આ પ્રકારનું સંકોચન લગીરે આશ્ચર્યજનક નથી. ટાટા સન્સ અને એર એશિયા એરલાઇન્સની સંયુક્ત કંપની એર એશિયા ઇન્ડિયા પણ ભયંકર ખોટમાં હોવાની વાત આવી રહી છે.

ટાટા સન્સ આ એર લાઇન્સમાં રહેલી પોતાની ૫૧ ટકા હિસ્સેદારી વેચી નાખે એવા વાવડ છે.  સરકાર ઉડ્ડયન કંપનીઓની વ્હારે આવે એવી બૂમો માર્ચ મહિનાથી જ શરૂ થઇ ચૂકી છે. વિશ્વમાં કુલ ૨૯૦ એર લાઇન્સ છે. ધ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એવિએશનના એક રીપોર્ટમાં જણાવાયુ છે કે, કોરોનાને કારણે ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર તથા તેની સાથે સંકળાયેલા તમામ ક્ષેત્રો બહુ જ ખરાબ હાલતમાંથી પસાર થઇ રહ્યા છે.

આઇએટીએમાં એશિયા પેસિફીક કોર્પોરેટ કોમ્યુનિકેશન્સના સહાયક નિર્દેશક અલ્બર્ટ ટોલેંગ કહે છે લોકડાઉનને કારણે ભારતની વિમાન કંપનીઓની આવકમાં ૮ અબજ ડોલરથી વધુનું ગાબડું પડવાની દહેશત છે. તેની દૂષ્ચક્રીય અસર ૨૦ લાખથી વધુ નોકરીઓ પર પડશે.  ૮ અબજ ડોલર એટલે અંદાજે રૂા. ૬૦૦ અબજ. 

ક્રેડિટ રેટીંગ એજન્સી ક્રીસીલ પણ ભારત સરકારને ઉડ્ડયન કંપનીઓ તરફ ધ્યાન આપવા કહી રહી છે. તેના આંકડા પ્રમાણે ભારતના ઉડ્ડયન ક્ષેત્રને રૂા. ૨૪,૦૦૦થી ૨૫,૦૦૦ કરોડનો ફટકો પડયો છે. તેમાંથી રૂા. ૧૭,૦૦૦ કરોડનું નુકસાન એર લાઇન્સને થયું છે અને બાકીનું એરપોર્ટ ઓપરેટર્સ તથા એરપોર્ટ રિટેલર્સને વેઠવું પડયું છે. ઉડ્ડયન ક્ષેત્ર ભારતની જીડીપીમાં પ્રતિવર્ષ ૭૦ અબજ ડોલરનું યોગદાન આપે છે.

તેના આ યોગદાનને ધ્યાને લઇને પણ ભારત સરકારે તેમની સહાય કરવી આવશ્યક છે. ભારતનું ઉડ્ડયન બજાર દુનિયામાં ત્રીજા ક્રમે સૌથી મોટુ છે અને છેલ્લા ૪ વર્ષથી વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકસી રહ્યું છે.  ૨૦૧૯માં ભારતના એવિએશન સેકટરનો ગ્રોથ રેટ ૧૮.૬ ટકા હતો.

છેલ્લાં ૩ મહિનાથી વિમાની સેવાઓ ઠપ હોવાથી એર લાઇન્સની બચત વપરાઈ ગઇ હોવાનું કહેવાય છે. વિમાન એ ધોળો હાથી છે. તેને આકાશમાં ઉડાડવામાં તો મોટો ખર્ચ લાગે જ છે, જમીન પર જાળવી રાખવું પણ એટલું જ ખર્ચાળ છે. આવક શૂન્ય થઇ ગઇ હોય ત્યારે એરપોર્ટ પર પાર્ક થયેલા વિમાનોને જાળવવાનું કામ એવિએશન કંપનીઓને મોતના મુખમાં લેન્ડ કરી શકે છે. 

વિમાન કંપનીઓને ખોટનું કારણ તેની ઓપરેશન્સ કોસ્ટ મનાય છે. દુનિયાની અન્ય વિમાન કંપનીઓ કરતા ભારતની એર લાઇન્સની ઓપરેશન્સ કોસ્ટ બમણાં કરતાં પણ વધારે છે. તેનું પહેલવહેલું કારણ છે મોંઘુ બળતણ. ભારતમાં વિમાનોના બળતણ પર એટલો બધો ટેકસ લાગે છે કે કંપનીઓને થતાં કુલ ખર્ચમાંથી ૫૦ ટકા તેની પાછળ જતાં રહે છે. વિદેશી એર લાઇન્સનો બળતણનો ખર્ચ  તેના કુલ ખર્ચના કેવળ ૧૫થી ૨૦ ટકા હોય છે.   

આપણે ત્યાં એરપોર્ટનું ભાડું અને વિમાનોનું મેઇટેનન્સ પણ વધારે મોંઘુ પડે છે.  અન્ય દેશોમાં બળતણના ભાવ ૨૦ ડોલરથી શરૂ થાય છે જ્યારે ભારતમાં ૧૧૦ ડોલર છે. સરકાર જો તેની કિંમત ઘટાડે તો વિમાન કંપનીઓને રાહત પેકેજ આપવા કરતાં પણ મોટી રાહત થશે. રોકડની ખેંચ ભોગવી રહેલી કંપનીઓને એરપોર્ટ ભાડામાં પણ રાહત આપવાની જરૂરિયાત છે.

આ ઉપરાંત વિમાન કંપનીઓ લોનમાં ૧૨ મહિના સુધી વ્યાજ માફી, એરપોર્ટ ભાડા માફી, લેન્ડીંગ- પાર્કીંગ, રૂટ નેવિગેશન અને રૂટ ટર્મીનલ ટેક્ષમાંથી મુક્તિ માગી રહી છે.  ફિક્કીએ ડોમેસ્ટીક એવિએશન ઇન્ડસ્ટ્રી માટે સરકાર પાસે રાહત પેકેજની માગણી કરી છે. જેમાં રોકડ સહાયતા, વ્યાજ મુક્ત લોન, અને બે વર્ષ સુધી ટેક્ષ છુટની ડિમાન્ડ કરવામાં આવી રહી છે. પેટ્રોલિયમ કંપનીઓ ૧૮૦ દિવસની ક્રેડીટ આપે તથા વિમા  પ્રિમિયમ ભરવામાંથી મુક્તિ આપવામાં આવે એવી પણ માગણી કરાઈ છે. 

અમેરિકા, ઔસ્ટ્રેલિયા, જર્મની અને ફ્રાંસની સરકારે તેમના ઉડ્ડયન ક્ષેત્ર માટે રાહત પેકેજની ઘોષણા કરી છે. તેને બચાવવા માટે દુનિયાભરમાંથી અત્યાર સુધીમાં ૧૨૩ અબજ ડોલરનો વરસાદ થઇ ચૂક્યો છે.  તેમાં ૨૬ અબજ ડોલર એશિયન દેશોમાં નોંધાયા છે. તેમ છતાં ભારત સરકાર તરફથી  હજી કોઇ ઘોષણા થઇ નથી. મે મહિનામાં વડાપ્રધાન મોદીએ રૂા. ૨૦ લાખ કરોડનું પેકેજ ઘોષિત કર્યું ત્યારે  ઉડ્ડયન ઉદ્યોગ પણ મીટ માંડીને બેઠો હતો.

આ ચાતકના મોંઢામાં પાણીનું એક પણ ટીપું પડયું નહીં. સરકારના પેકેજમાં ઉડ્ડયન ઉદ્યોગ માટે જે ઘોષણા થઇ છે તેનાથી તાત્કાલીક ધોરણે કોઇ રાહત થઇ શકે તેમ નથી. હવાઇ ચપ્પલ પહેરનારો પણ હવાઇ યાત્રા કરી શકશે એવી રોમેન્ટિક વાતો કરનારી સરકારે જે જાહેરાત કરી છે તે રિફોર્મ પ્રકારની છે, રિલીફ આપનારી નથી. આપણને તાવ આવ્યો હોય અને ડોકટર ઉધરસની દવા આપે તો તાવ મટે? એના જેવી વાત છે.

સરકાર ઉડ્ડયન ઉદ્યોગને સીધી રાહત આપવાનું ટાળી રહી હોવા માટે કેટલાક તજજ્ઞાો વિમાન કંપનીઓની અનિયમિતતાને જ દોષ આપે છે.   કીંગ ફિશર અને જેટ એરવેઝના માલિકો પાસે પુષ્કળ પૈસા છે તેમ છતાં આ બંને કંપનીઓએ દેવાળુ ફુંકી દેતાં સરકારનો ભરોસો ધરાશાયી થઇ ગયો છે. સરકારમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ માને છે કે જે રીતે એર લાઇન્સ કામ કરી રહી છે તે જોતાં તેમને મદદ કરવાથી કોઇ સકારાત્મક પરિણામ મળશે નહીં. 

બીજીસીએના એક વરિષ્ઠ અધિકારી જણાવે છે કે મોટાભાગની એર લાઇન્સના સંચાલનમાં ગરબડ ગોટાળા ચાલી રહ્યા છે. તેમના મેનેજમેન્ટમાં પારદર્શકતાનો અભાવ છે. તેના કારણે જ જેટ એરવેઝ ડૂબી. સ્પાઇસ જેટ અને ગો એરના બોર્ડ અને મેનેજમેન્ટની સ્થિતિ દયનીય છે. બહુ ઓછી કંપનીઓ એવી છે જેમણે પોતાના બોર્ડ સદસ્યોના નામ સાર્વજનિક કર્યા છે. આવામાં શામળશા તેમની હૂંડી કઈ રીતે સ્વીકારે!

કોરોના, વિમાની કંપનીઓનો ગેરવહિવટ, ખરેખર સંઘર્ષનો સામનો કરી રહેલી સારી વિમાની કંપનીઓ, સૂકા ભેગુ બળતું લીલું, નોકરી ગુમાવી રહેલા લાખો કર્મચારીઓ આ બધાનું ભવિષ્ય લેન્ડ ન થઇ શકતા વિમાનની જેમ હવામાં ચક્કર લગાવી રહ્યું છે ને તેનું ઇંધણ ખૂટી જવામાં છે.

આજની નવી જોક

છગન (મગનને) : અમેરિકામાં લાઇટ જાય ત્યારે લોકો શું કરે છે?

મગનઃ પાવર હાઉસમાં ફોન કરે છે.

છગનઃ જાપાનમાં જાય ત્યારે?

મગનઃ ફ્યુઝ ચેક કરે છે.

છગનઃ ને ભારતમાં જાય ત્યારે?

મગનઃ બાજુમાં જઈને કન્ફર્મ કરે છે કે મારા એકલાના ઘરે લાઇટ નથી જતી રહીને?

છગનઃ હેં!?

જીકે જંકશન

- દર વર્ષે ૨૮મી જૂલાઇએ વિશ્વ પ્રાકૃતિક સંરક્ષણ દિવસ મનાવવામાં આવે છે. અત્યારે આપણે જો કોઇથી સૌથી વધારે દૂર હોય તો તે પ્રકૃતિ છે. ભૌતિક વિકાસની મહત્વાકાંક્ષાએ આપણને અંધ બનાવી દીધા છે. કોરોના એ આપણા આ અંધાપાનું જ કારણ છે. એક એલાર્મ છે જે આપણને ભૂલ સુધારીને પ્રકૃતિની નજીક જવા સંકેત કરી રહ્યો છે. 

- હીચેમ મચીચી ટયુનિશિયાના નવા વડાપ્રધાન બન્યા છે. આનંદીબેન પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણુંક કરવામાં આવી છે. મધ્યપ્રદેશની સરકારે વિદ્યાર્થીઓ માટે ટોપ પેરેન્ટ નામની મોબાઇલ એપ્લીકેશન બનાવી છે. 

- તાજેતરમાં જાણીતા અભિનેતા જ્હોન સેકશનનું મૃત્યુ થયુ હતું. ૬૦ વર્ષ લાંબી કારકિર્દીમાં તેમણે ૨૦૦થી વધુ પ્રોજેક્ટ્સમાં કામ કર્યુ છે. હોરર મુવીમાં અભિનય માટે તેઓ જાણીતા બન્યા હતા. 

- ભારત સરકારે ચીનની ૫૯ એપ્સ પર  પ્રતિબંધ મૂક્યા પછી વધુ ૪૭ એપ પ્રતિબંધિત કરી છે. ભારતે બાંગ્લાદેશને ૧૦ બ્રોડગેજ એન્જિનની ભેટ આપી છે. બે વખત ઓસ્કાર જીતનારી જાપાની અભિનેત્રી ડી હેવીલેન્ડનું અવસાન થયું હતું. 

- અબુધાબીમાં દુનિયાનો સૌથી મોટો સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. ડીઆરડીઓએ ડેર ડ્રીમ ૨.૦ પ્રતિયોગિતાનો શુભારંભ કર્યો છે.  વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરમાં એક પુસ્તક પ્રકાશિત કર્યુ છે જેનું શીર્ષક છે ધ ઇન્ડિયન વે સ્ટ્રેટેજીસ ફ્રોમ એન અનસર્ર્ટેનવર્લ્ડ છે. 

- તમિલનાડુ સરકારે નિઃશૂલ્ક માસ્ક વિતરણ યોજના શરૂ કરી છે. આણંદમાં ભારતની સર્વપ્રથમ મધ પરીક્ષણ લેબોરેટરી સ્થાપિત કરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો