દોઢ હજાર વર્ષ જૂની ખીચડી


ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો દાળનો દાણો એની રાંધીખીચડી... જ્યારે કોન્વેન્ટ કલ્ચર નહોતું આવ્યું અને બર્ગરપ્રેમી બાળકો જેક એન્ડ જીલની ચવાઈને સાવ ચુથ્થો થઈ ગયેલી અંગ્રેજી પોએટ્રીનું રટણ નહોતા ત્યારે બાલમંદિરમાં ખીચડી રાંધતા ચકાની અને ચકીની કવિતા ગાવાનું બહુ ગમતું. કુદરતી રીતે જ નાનપણથી જ ગુણકારી ખીચડી પ્રત્યે બાળકોને જાણે માયા બંધાઈ જતી હતી.  

પણ આ ખીચડીનો આહારમાં સેંકડો વર્ષોથી ઉપયોગ થતો આવ્યો છે. મહારાષ્ટ્રના ઉસ્માનાબાદના તેર ગામે થોડા વખત પહેલાં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં માટીના પાત્રમાં રંધાયેલી ખીચડીના અવશેષો મળી આવ્યા હતા. ખીચડી રાંધવામાં સહેલી અને પચવામાં હલકી. માંદાને બેઠા કરવા માટે ખીચડી આહારમાં આપવામાં આવે છે. પેટને સુખ આપે છે. એટલે જ નાગરોએ તો  ખીચડીને સુખ પાવની એવું રૂડું નામ આપ્યું છે.


હવે તો આ ખીચડી રસોડાથી રાજકારણમાં પહોંચી ગઈ છે. બે-ચાર પક્ષો મળીને ગઠબંધન સાધી સરકાર રચે તેને ખીચડી સરકાર કહેવામાં આવે છે. આમ ખીચડી પેટથી પોલિટિકસ સુધી પોતાની હાજરી નોંધાવી ચૂકે છે. આપણે તો માણસોના શરીરને ખીચડી શું ફાયદો કરે છે. એ જ જોવાનું. કારણ ખીચડી સરકારો તો કાંઈ ભલું નથી કરવાની. કોરોના કાળમાં પણ દરદીને ખીચડી જેવો હળવો ખોરાક જ આપવામાં આવે છેને? એટલે જ દિકરી તો પારકી થાપણ કહેવાય... એ ગીત જરા ફેરવીને ગાઈ શકાય કેઃ ખીચડી તો પેટની થાપણ કહેવાય...

ચલણી નોટો ગણી સેનિટાઈઝ કરતું મશીન

કોરોના મહામારી વચ્ચે ચલણી નોટો પણ ચેપના ફેલાવાનું  કારણ બની શકે છે. એટલે જ ઘણાં લોકો માર્કેટમાં કે દુકાનમાં ખરીદી કરવા જાય ત્યારે હાથમોજાં પહેરે છે જેથી પૈસાની લેતીદેતી કરતી વખતે હાથમાં વાઈરસન ચોંટી જાય. ઘણાં  ઓનલાઈન પેમેન્ટ કરે છે. કોઈ વળી બજારમાંથી  ખરીદી કરી ઘરે આવે ત્યારે પાકિટમાંથી કરન્સી નોટો કાઢી સેનિટાઈઝર છાંટીને પછી પૈસાની પેટીમાં  મૂકે છે. પરંતુ ચલણી નોટોથી ચેપ ફેલાય છે એવી શક્યતાનું નિવારણ કરવું  નોટો ગણવાનું મશીન લખનઉની અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થી  અનુજ શર્મા અને  તેની ટીમે બનાવ્યું છે. 

આ મશીન નોટોની ગણતરીની સાથે  સેનિટાઈઝ પણ કરી નાખે છે. આ મશીન એક મિનિટમાં ૨૦૦ નોટગણીને  સેનિટાઈઝ કરી નાખે છે.જોકે કોરોના મહામારીને વેપાર, ધંધા, ઉદ્યોગ, પર્યટન, પ્રવાસ સહિત દરેક ક્ષેત્રને એવો તો મરણતોલ  ફટકો માર્યો છેકે આમાંથી ક્યારે બહાર નીકળાશે એનાં દિવસો સહુ ગણી રહ્યાં છે. ભલભલા લોકો પાસે પૈસા ખાલી થઈ ગયા છેકે ખાલી થઈ રહ્યાં છે.આ વાસ્તવિક્તા વચ્ચે જેની પાસે હજી નોટોના થોકડાં પડયા હશે તેને આ મશીન ઉપયોગી થશે.

ઢાળ પરથી નીચે તરફ નહીં ઉપર જતાં વાહનો

ગુજરાતીમાં કહેવત છે કે દોડવું હતું અને ઢાળ મળ્યો. પણ જરા કલ્પના કરો કે ઢાળ પરથી કોઈ મોટર નીચેની તરફ ઉતરવાને બદલે ગુરૂત્વાકર્ષણના નિયમની  વિરુદ્ધ ઢાળ ઉપર ચડવા માંડે તો કેવું આશ્ચર્ય થાય? આ આશ્ચર્યજનક દ્રશ્ય લદ્દાખમાં જોવા મળે છે. દુશ્મન ચીનની અવળચંડાઈને કારણે સરહદી લદ્દાખ એરિયા સતત સમાચારોમાં  ઝળકતો રહે છે.

લદ્દાખના મુખ્ય શહેર લેહથી લગભગ ૨૬ કિલોમીટરના અંતરે મેગ્નેટીક હિલ તરીકે ઓળખાતા આ પટ્ટામાં કારનું એન્જિન બંધ કરવામાં આવતા તે ઢાળ પરથી ઉતરવાને બદલે ગુરૂત્વાકર્ષણના નિયમ વિરુદ્ધ ઢાળ ઉપર ચડતી જોવા મળે છે. આ ચમત્કારિક દ્રશ્ય  જોવા ઘણાં લોકો આવે છે. જો કે હકિકત જુદી જ છે. આસપાસના પહાડો અને ઢોળાવો વચ્ચે આવેલા આ પ્રદેશમાં દ્રષ્ટિભ્રમ (ઓપ્ટીકલ ઈલ્યુઝન) પેદા થાય છે. 

એટલે સહેજ ઢોળાવ પરથી ઉતરતી કાર જાણે ચડતી હોય એવો દ્રષ્ટીભ્રમ પેદા થાય છે. કેટલાક આને મેગ્નેટીક ફોર્સ તરીકે ઓળખાવે છે.ચુંબકીય શક્તિથી વાહન ઢોળાવની ઉપરની તરફ ખંચાય છે એવું કહેવામાં આવે છે. કોઈ અલૌકિક શક્તિને લીધે આવું થાય છે.પરંતુ હક્કિતમાં આ દ્રષ્ટિભ્રમ જ છે  બીજું કંઈ નથી. બાકી તો ગુરૂત્વાકર્ષણ નહીં પણ ગાદીના આકર્ષણથી ખેંચાઈને ંજ કેટલાય દિલ્હી પહોંચી જ જાય છેને? આ બધાને જોઈ કહેવત જરા ફેરવીને કહી શકાય કે દિલ્હી તરફ દોડવું હતું અને ઢાળ મળ્યો.

બન્ને હાથે લખી શકતાં બાળકો

કોઈ માણસ  નવરો બેઠો રહેતો હોય ત્યારેઘરવાળા મ્હેણું મારે છે કે જરાક હાથ હલાવને? પણ જ્યાં સુધી મગજ તરફથી હલાવાનો સિગ્નલ ન મળે ત્યારે પછી એ હાથ જોડીને બેઠો જ રહેને? મગજના કન્ટ્રોલ રૂમમાંથી ફરમાન થાયએ પ્રમાણે હાથ-પગ અનેબીજા અવયવો કામ કરે છે. કોઈ વ્યક્તિ ડાબે હાથે લખે છે તો કોઈ જમણે હાથે લખે  છે. પરંતુ કોઈ પોતાના બન્ને હાથથી એકસાથે લખી શકે એ જોઈ કોઈ પણ બોલી ઊઠે  વાહ  કમાલ હૈ... બન્ને હાથે લખવાની શક્તિ ધરાવતી આ કોઈ  એકાદ-બે  વ્યક્તિની  વાત નથી.

પણ આ તો મધ્યપ્રદેશના સિંગરૌલીની  સ્કૂલના દોઢસો બાળકો બન્ને હાથે એક સાથે લખી શકે છે તે હક્કિત છે. ભારતના પહેલા રાષ્ટ્રપતિ બાબુ રાજેન્દ્ર પ્રસાદ બન્ને હાથે લખી શકતા. આ શક્તિ ધરાવતી વ્યક્તિને એમ્બીડેકસ્ટ્રસ તરીકે ઓળખવામાં આવે છે. 

જે પોતાના બન્ને હાથની મદદથી એક સાથે લખી શકે છે.રાજેન્દ્ર બાબુની આ શક્તિથી અત્યંત પ્રભાવિત  થયેલા બી.પી. શર્મા નામના નિવૃત્ત ફૌજીએ સિંગરૌલીમાં  એમ્બીડેકસ્ટ્રસ સ્કૂલ સ્થાપી અને નામ આપ્યું  વિણાવાદીની શાળા. સ્કૂલમાં બાળક પ્રવેશ કરે ત્યારથી જ બાળકોને બન્ને હાથે લખવાની તાલીમ આપવાની શરૂઆત થાય છે આગળ વધતા જાય અને શીખતા જાય પછી ૪૫ મિનિટના પિરયીડમાં  ૧૫ મિનિટ બન્ને હાથે લખવાની પ્રેકટીસ આપવામાં આવે છે. 

અત્યારે સ્કૂલમાં ભણતા ૧૫૦ વિદ્યાર્થીઓએ બન્ને હાથે લખવાની કાબેલિયત મેળવી છે. આ બાળકોના મગજના બન્ને હિસ્સા સક્રિય રહે છે. કમાલની વાત એ છે કે વિદ્યાર્થી એક હાથે હિન્દીમાં તો બીજા હાથે અંગ્રેજીમાં પણ એકસાથે લખી શકે છે. આ રીતે જુદી જુદી છ ભારતીય અને વિદેશીભાષામાં લખવાની તેમને તાલીમ આપવામાં આવી છે.

પરીક્ષામાં વિદ્યાર્થીઓ બન્ને હાથે લખવાની કાબેલિયત કામે લગાડી ત્રણ કલાકનું પેપર દોઢ કલાકમાં લખીને પુરૂં કરી નાખે છે . બે હાથે લખી શકે એને માથે હજાર હાથવાળાનો જ હાથ કહેવાયને?  આ કમાલના વિદ્યાર્થીઓને જોઈ લેવું પડે કેઃ 

અજબ તેરી દુનિયા ગજબ તેરા ખેલ

હાથોં સે લીખને કા યે કૈસા મેલ

માણસની નહીં મગરની બેન્ક

લોકોનું ધન સાચવવા બેન્કો ખુલવા માંડી. બેન્કિંગ ક્ષેત્રનો કાળક્રમે વિકાસ થવા માંડયો. આજે દેશ અને દુનિયામાં સેંકડો બેન્કો ધમધમે છે. પરંતુ વારંવાર અબજોના બેન્ક કૌભાંડો થાય છે, બેન્ક ફડચામાં જાય કે પછી ચાલબાજો બેન્કોને તળિયાઝાટક કરી વિદેશગમન કરી જાય છે. આમા સરવાળે સૌથી વધુ સહન કરવાનું સામાન્ય ખાતેદારને ભાગે જ આવે છે. અત્યારે કેટલીય બેન્કો ખાડે ગઈ છે. 

અને એમાં ખાતા ધરાવતા ખાતેદારોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. એટલે જ કહે છે ને કે કોઈ દિવસ ફડચામાં ન જાય અને માણસને મારવાને બદલે જીવાડે એવી એક જ બેન્ક છેઃ બ્લડ બેન્ક હવે તો દાઝેલી વ્યક્તિને ચર્મદાનથી ઉગારી લેતી સ્કીન બેન્ક, મિલ્ક બેન્ક, ફૂડ બેન્કી જેવી જાત જાતની બેન્ક  ખુલી ગઈ છે. પણ જેને જોતાવેંત ભલભલાની ફેં ફાટે એવાં મગરની બેન્ક વિશે સાંભળીને આશ્ચર્ય થાય. 

મગર માણસને ફાડી ખાય છે, પણ માણસે એ મગરને બચાવવા મગર બેન્ક બનાવી  છે. જ્યારે  મગરની ખાલ માટે તેનો બેફામ શિકાર કરવામાં આવતો હતો ત્યારે રીતસર તેની આબાદી ઝડપથી ઘટવા માંડી હતી. ઘડિયાલ, મગર અને ખાસ પાણીની મગર આ પ્રજાતિને નાશ પામતી બચાવવા રોમુલુસ વિરેકરે ૧૯૭૬માં મદ્રાસ ક્રોકડાઈલ બેન્ક શરૂ કરી. મુખ્ય આશય સંવર્ધન કરવાનો હતો.

ફક્ત ૩૦ મગરથી શરૂ કરવામાં આવેલી આ બેન્કમાં એટલે કે ચેન્નાઈ નજીક આવેલા ક્રોકાડાઈલ પાર્કમાં ૧૯૯૦માં  મગરની સંખ્યા ૮ હજાર ઉપર પહોંચી હતી.આજે આ પાર્કની ગણના દેશના સૌથી મોટા ક્રોકાડાઈલપાર્કમાં થાય છે. ફક્ત મગર જ નહીં હવે તો તમામ પ્રકારના સરીસૃપો જોવા મળે છે. અંદર જ સ્નેક પાર્કમાં અનેક પ્રકારનાં  ઝેરી અને બિનઝેરી સર્પો  રાખવામાં આવ્યા છે. ક્રોકાડાઈલ પાર્કમાં ૧૪ પ્રકારના મગર, કાચબાની ૧૦ પ્રજાતિ, તથા જાતજાતની ગરોળીઓ અને સાપ જોવા માટે દર વર્ષે લાખો લોકો આવે છે. અત્યારે તો  લોકડાઉનને લીધે બંધ છે. કારણ મહામારીએ જ મગર જેવું મોઢું ફાડયું હોવાથી લોકો ભીડ કરે એવાં બધાી પર્યટન સ્થળો બંધ કરવામાં આવ્યા છે. એટલે એવું માની શકાય કે ક્રોકાડાઈલ બેન્કના મગરો લાંબા બેન્ક-હોલીડેની મજા માણતા હશે.

પંચ-વાણી

કોરોનાથી બચવું હોય તો ભેગા નહીં એકલા રહેવું એ કબીર સદીઓ પહેલાં કહી ગયાં છેઃ

મન મિલે તો કરીએ મેલા

ચિત્ત મિલે તો હો રહીએ ચેલા

કબીરજી યું કહે સાધુ,

સબસે શ્રેષ્ઠ જો રહે અકેલા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો