માલદીવને ફસાવવા ચીનની જાળ કામયાબ નથી

- ગયા સપ્તાહે બિન બુલાયે મહેમાન જેવા વીસેક ચીની અધિકારીઓના કાફલાને માલદીવ સરકારે એરપોર્ટ પરથી જ પાછા વિદાય કરી દીધા હતા. ભારતે આ બદલાયેલા વાતાવરણનો લાભ લેવો જોઈશે

ચીનના શાસકો ઝેરીલા છે. ભારતીય અંકુશરેખા પર ચીની લશ્કરે પીછેહઠ કરી એ બાબત વધુ ભ્રામક હતી કારણ કે કબજામાં આવેલી જમીન અને હાથમાં આવેલો મોકો જવા દે એ ચીન ન હોય. ભારતને ભીડવામાં ચીન વર્ષોથી અથાક પ્રયત્નો કરે છે અને છેલ્લા મહિનામાં તેને પોતાના ઉંદરકામની ઝડપ વધારી દીધી છે. ભારતને ચારેબાજુથી ઘેરવામાં ચીનને બહુ રસ છે. ભારતની પૂર્વ દરિયાઈ સરહદ ઉપર નાકાબંધી લાગે તો ભારતને ભીંસમાં લાવી શકાય. પોતાનો મલીન ઈરાદો પાર કરવા માટે તે માલદીવને પોતાનું બગલબચ્ચું રાષ્ટ્ર બનાવવા માંગે છે. એ હેતુ સિદ્ધ કરવા માટે ચીન સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી રહ્યું છે. માલદીવ સાથે ભારતના બહુ સારા ન કહી શકાય એવા સંબંધોનો ચીન પૂરતો ગેરલાભ લઈને આપણને નુકસાન પહોચાડવા ચાહે છે.

માલદીવ્સ ટાપુની ઓળખ દુનિયાભરમાં સુંદર પર્યટન સ્થળ તરીકેની છે. દેશવિદેશના અને ખાસ તો સમગ્ર એશિયાના સહેલાણીઓ માલદીવમાં ફરવા માટે આવતા હોય છે. હાલના સંજોગોમાં માલદીવનું મહત્ત્વ એક પ્રવાસન સ્થળ કરતા વિશેષ છે. ભારત અને ચીન બંનેની રણનીતિના એક મહત્ત્વના ભાગ તરીકે માલદીવ દેશ કેન્દ્રમાં છે. હિંદ મહાસાગરમાં ચીન પોતાનું વર્ચસ્વ જમાવવા માટે સતત પ્રયત્નશીલ છે. તે પોતાના વેપારી જહાજો, નૌકાકાફલાઓ મોકલીને કે કોઈ ટાપુ ઉપર બાંધકામ કરીને યેનકેન પ્રકારે કબજો મેળવવાની દાનત ધરાવે છે. ભારતને ચીનની આ ખોરી દાનત વિશે પૂરો ખ્યાલ છે. એશિયાના દેશોમાં ચીનનું પ્રભુત્વ ઘટાડી તો ન શકાય માટે ભારતે પોતાનું વજન વધારવું રહ્યું. માલદીવના કેસમાં તે અઘરું છે.

ચીન, વેપાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી નાના દેશોને પોતાના ઓશિયાળા બનાવવાની લુચ્ચી ચાલ રમે છે. ઈન્ફ્રાસ્ટ્રકચરના ટુકડાઓ ફેંકીને અનેક અલ્પમતિ દેશોમાં એણે પગદંડો જમાવ્યો છે. માલદીવ માટે ચીનને કોઈ દયાની સરવાણી નથી ફૂટી પણ માલદીવને લાંબા ગાળે પોતાનું ગુલામ બનાવવાની મહત્ત્વાકાંક્ષા ચીન ધરાવે છે. બારસો જેટલા ટાપુ અને નેવું હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ માલદીવ દ્વીપસમૂહ દેશ સમુદ્રી જહાજો માટે મહત્ત્વનું વ્યૂહાત્મક સ્થાન ગણાય છે. ભારત જેને પોતાની પરિસીમાના એક દેશ તરીકે આજ સુધી જોતું આવતું હતું, ચીન એને દાયકાઓ પહેલાથી વ્યૂહાત્મક સ્થાન ગણે છે. તેની આ દૂરંદેશી ચીનના આક્રમક મિજાજનો પરિચય આપે છે. હવે બંને દેશની ઈચ્છા છે કે માલદીવ બંનેની જળસીમાના દાયરામાં રહે. ભારત માટે આ પ્લાન અઘરો એટલા માટે છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારત અને માલદીવ વચ્ચે અંતર પડી ગયું છે. એનું એક કારણ એ પણ ખરું કે અબ્દુલ્લા યામીન ચીન તરફ વધુ ઢળેલા હતા અને ભારત માટે એમને અણગમો હતો.

ભારત માટે આશાનું કિરણ કહી શકાય એવા સમાચાર થોડા સમય પહેલા આવ્યા. માલદીવમાં થયેલી કેન્દ્ર સરકારની ચૂટણીનું પરિણામ કંઈક અંશે ભારત તરફ ઝૂકેલું આવ્યું જેમાં યામીન સરકારની હાર થઇ અને વિપક્ષના મજબુત નેતા ઈબ્રાહીમ મોહમ્મદ સોલીહ વિજેતા બન્યા. સોલીહને અઠાવન ટકાથી વધુ મતો મળ્યા છે. ભારત સરકારે તેમની આ જીતને વધાવી અને વધુમાં ટિપ્પણી કરી કે - આ તો લોકતંત્રની જીત છે. પરંતુ પછીથી ભારત સરકારે માલદીવને નૂતન પ્રતિષ્ઠિત સરકાર સાથે કુશળતાપૂર્વક ઉપરાઉપરી જે કરારો કરવા જોઈએ તેની ફાઈલો આપણા વિદેશ મંત્રાલયમાં હજુ રઝળે છે. જે ભૂલ આપણે ભૂતાન સાથે કરી છે એ જ ભૂલોનું પુનરાવર્તન માલદીવ ટાપુઓ સાથે થતું દેખાય છે.

માલદીવની વસ્તી માંડ ચાર લાખની છે. ચીન તેને પોતાની વન બેલ્ટ વન રોડની અજગર છાપ પરિયોજનામાં સામેલ કરવા માંગે છે. વિશ્વ સ્તરે એવી છાપ છે કે દુનિયામાં જ્યાં ચીનની હાજરી હશે ત્યાં ભારત મજબૂતીથી પ્રવેશી નહિ શકે અથવા તો ટકી નહિ શકે. માલદીવ ટાપુથી ભારતના લક્ષદ્વીપ ટાપુઓ વચ્ચેનું અંતર માત્ર બારસો કિલોમીટર જેટલું છે જે જળમાર્ગે બહુ વધુ ન કહેવાય. આવા સંજોગોમાં દુશ્મન દેશ માલદીવની નજીક પહોચી જાય તો ભારત માટે સમસ્યા ઉભી થાય. યામીનની સરકાર હતી ત્યારે ચીને તેના ઘણા પ્રોજેક્ટ માલદીવમાં ચાલુ કર્યા હતા. યામીને ચીન સાથે અનેક કરારો સાઈન કરેલા જેમાં એક પ્રોજેક્ટ માલદીવની રાજધાનીમાં મોટું એરપોર્ટ બનાવવાનો પણ હતો.

ઘુસણખોર ચીનને બસ આટલું જ જોઈતું હતું કે માલદીવની રાજકીય અને આથક નસ એના હાથમાં આવી જાય. ચીની ડ્રેગન દયાહીન બની બીજા દેશોની ધોરી નસ કાપવામાં કુશળ છે અને એ આખી દુનિયા જાણે છે. હોંગકોંગના વતનીઓ ઉપર મહિનાઓથી ચીની શાસકો જે અત્યાચાર કરે છે તે આ વાતની સાબિતી આપે છે. ચીને માલદીવમાં જબ્બર રોકાણ કર્યું, ત્યાંસી કરોડ ડોલરનું એરપોર્ટ બનાવી દેવાનું વચન આપ્યું. એરપોર્ટને રાજધાની સાથે જોડતો બે કિલોમીટર લાંબો પુલ બનાવવાનો પણ સોદો થયો. પચ્ચીસ માળની હોસ્પિટલ તો ચીન અત્યારે પણ બનાવી રહ્યું છે. માલદીવની મુલાકાતે સૌથી વધુ ચીની પ્રવાસીઓ જાય છે. માલદીવમાં ફરવા આવનારામાં સૌથી મોટો હિસ્સો ચીની પર્યટકોનો છે. માલદીવની આવકનો મુખ્ય આધાર પર્યટન છે.

માર્ચ, ૨૦૧૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવની મુલાકાતે જવાના હતા પરંતુ ભારત તરફી પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદને પદભ્રષ્ટ કરવાના મુદ્દે મુલાકાત રદ થઇ હતી. ભારતે માલદીવને એ વર્ષે મિલાનમાં યોજાનારા સૈન્ય સંમેલનમાં પણ આમંત્રણ આપ્યું હતું. જેને માલદીવે ઠુકરાવ્યું હતું. માલદીવ સરકારે ત્યાં કામ કરનારા ઘણા ભારતીયોનો વિઝા રીન્યૂ કરવાની પણ ના પાડી દીધી હતી. યામીને આવો નિર્ણય લેવા પાછળ કોઈ કારણ આપ્યું ન હતું. યામીન ચીની ભાષા જાણતા ન હતા પણ ચાઇનીઝ રાજકારણ શીખી ગયા હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવતું હતું. ચાઇનીઝ પ્રમુખ જિંગપિંગ સાથે એમની તસ્વીરમાં તેઓ પ્રિન્સીપાલ પાસે ઉભેલા તોફાની બાળક જેવી મુદ્રામાં ઉભેલા જણાય છે. એ તસવીર એ સમયે એશિયન મીડિયામાં બહુ વાયરલ થઈ હતી.

આજકાલ માલદીવ પાસે ચીન ૧.૩ અબજ ડોલરની ઉઘરાણી કરે છે. માલદીવના કુલ જીડીપીના ત્રીજા ભાગ કરતા પણ આ દેવું થોડું વધુ છે. માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે જાન્યુઆરીમાં કહ્યું હતું કે માલદીવના કુલ દેવામાંથી ચીનનો ભાગ એંશી ટકા કરતા વધુ છે. નશીદે કહેલું કે ચીને માલદીવના મીનીમમ સોળ જેટલા ટાપુ લીઝ ઉપર લીધા છે. એ ટાપુ ઉપર શું કામકાજ ચાલુ છે એ ચોક્કસપણે કહી શકાતું નથી. હકીકતમાં એ ટાપુઓ પર ચીન સમુદ્ર, આકાશ અને હવામાનના અભ્યાસના બહાને એક ઓબ્ઝર્વેટરી સ્થાપવાની ફિરાકમાં છે. 

જ્યાંથી નિરંતર ભારતની સૈન્ય પ્રવૃત્તિઓને જાસૂસી નજરે જોઈ શકાય. પરંતુ આજકાલ ચીન અને માલદીવના સંબંધો વણસતા જાય છે. ગયા સપ્તાહે બિન બુલાયે મહેમાન જેવા વીસેક ચીની અધિકારીઓના કાફલાએ માલદીવ સરકારે એરપોર્ટ પરથી જ પાછા વિદાય કરી દીધા હતા. ભારતે આ બદલાયેલા વાતાવરણનો લાભ લેવો જોઈશે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો