ભવિષ્યલક્ષિત શિક્ષણ નીતિ


રાફેલનું આગમન અને નવી શિક્ષણ નીતિનું સરકાર દ્વારા રહસ્યોદઘાટન એ બન્ને ઘટના એક સાથે જ બની છે અને તેમાં છુપાયેલો સંકેત વિદ્વાનો સારી રીતે સમજે છે. કોઈ પણ દેશ કોઈ પણ યુદ્ધ જીતે તો એનો ખરો યશ એના શિક્ષકોને છે અને યુદ્ધ હારે તો એ અપયશ અને જવાબદારી પણ એ દેશના શિક્ષકોની છે. બદલાતી જરુરિયાતોને ધ્યાનમાં રાખીને આપણા દેશમાં શિક્ષણ નીતિમાં ધરમૂળ પરિવર્તનની અપેક્ષા રાખવામાં આવી રહી હતી. અત્યાર સુધી ઈ.સ. ૧૯૮૬માં બનેલી શિક્ષણ નીતિ અનુસાર જ શિક્ષણ વ્યવસ્થાનું સંચાલન થઈ રહ્યું હતુ.

ઈ.સ. ૧૯૯૨માં શિક્ષણ નીતિમાં કેટલાક આંશિક ફેરફારો કરવામાં આવ્યા હતા, પણ તેના સંતોષકારક પરિણામ જોવા મળ્યા ન હતા. આ માટે ભાજપે વર્ષ ૨૦૧૪ના તેના ઘોષણાપત્રમાં નવી શિક્ષણ નીતિ લાવવા માટેનો વાયદો કર્યો હતો અને સત્તામાં આવ્યા બાદ તે દિશામાં કાર્યવાહી શરુ કરી દીધી હતી. વ્યાપક ચર્ચા-વિચારણા અને સલાહ-સૂચનોની લાંબી હારમાળા બાદ આખરે નવી શિક્ષણ નીતિની જાહેરાત કરી દેવામાં આવી છે.

સ્વાભાવિક રીતે જ તેનાથી શિક્ષણમાં અપેક્ષિત પરિવર્તનની આશા રાખવામાં આવી રહી છે. નવી શિક્ષણ નીતિનો હેતુ સ્કૂલોથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ અભ્યાસક્રમોનું સમયાનુસાર ઘડતર કરવાનો હતો, જેના થકી ભારતના યુવાનો અને યુવતીઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના વાતાવરણ માટે તૈયાર થઈ શકે. નવી શિક્ષણ નીતિ દ્વારા યુવાનોમાં કૌશલ વિકાસ, નવોન્મેષી સંશોધનો અને રોજગારની નવી તકોના સર્જનમાં મદદ મળી શકે તેમ છે.

આ નવી નીતિમાં શિક્ષકોના પ્રશિક્ષણ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી તેઓ વિદ્યાર્થીના વ્યક્તિત્વ અને કૌશલ વિકાસમાં પાયારુપ કામગીરી કરી શકે. શિક્ષણના ખર્ચને છ ટકા સુધી ઊંચે લઈ જવાનો નિશ્ચય પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. હવે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને ફરી વખત શિક્ષણ મંત્રાલય કરી દેવામાં આવ્યું છે. આ પરિવર્તન કોંગ્રેસના નરસિંહરાવને ભાજપે આપેલી વિદ્યાપાંજલિ છે !

વૈશ્વિકરણ પછીની નવી સ્થિતિમાં શિક્ષણના ક્ષેત્રમાં પરિવર્તનની તાતી જરુર હતી. યુપીએ સરકારના સમયમાં જ્ઞાાન આધારિત અર્થવ્યવસ્થાના વિકાસનો મુદ્દો ઉઠયો હતો. તેઓએ શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા અને રોજગારોન્મુખ શિક્ષણ પ્રણાલિકાના ઘડતરનો સંકલ્પ લીધો હતો, પણ તે દિશામાં ખાસ પ્રગતિ થઈ શકી ન હતી.

ધીરે ધીરે ભારતમાં શિક્ષણ ક્ષેત્રમાં વિષમતામાં વધારો થવા માંડયો હતો અને તેના કારણે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તનની ઝંખના પ્રબળ બનવા માંડી હતી. હાલમાં સરકારી અને ખાનગી સંસ્થાઓમાં અભ્યાસના સ્તરમાં આભ-જમીનનું અંતર જોવા મળી રહ્યું છે. જેના કારણે સામાજિક અસમતુલા અને અસંતોષ પણ ફેલાયા છેે. વર્તમાન યુગમાં આ અંતરને ઘટાડવું એ સમયની ડિમાન્ડ છે. ઉચ્ચ શિક્ષણની હાલત ખાસ ઉત્સાહજનક નથી.

વિશ્વવિદ્યાલયોમાં ભણાવવાની વ્યવસ્થા અને અન્ય સુવિધાની તુલના, દુનિયાના અન્ય વિશ્વવિદ્યાલયોની સાથે કરવામાં આવે તો તે વિરોધાભાસી ચિત્ર રજુ કરે છે અને તે સ્વાભાવિક પણ છે. કારણ કે ઊંચા વિદ્યાપદો પર માત્ર વહીવટદાર જેવા લોકો રાજબળે ચડી બેઠા છે. તેઓ ત્યાં કેવા ભૂંડા લાગે છે એની એમને આજીવન ખબર પડતી નથી. તેઓ તેમની દરેક મૂર્ખતા પર ચોતરફ હરખાતા ફરે છે.

એમણે તપશ્ચર્યા સરીખા વિદ્યા ક્ષેત્રની ઘોર ખોદીને વ્યર્થ અને અપરિશ્રમેય આવકથી પોતાની તિજોરી ભરીને અણહક્કની સાહ્યબી ભોગવી છે, જેને કારણે દેશની લાખો અને કરોડો ગરીબ મા ને એ સમજાતું નથી કે ભણાવ્યા પછી પણ દીકરો કમાતો કેમ નથી ? હવે આ પરિસ્થિતિને નવી શિક્ષણ નીતિ સુધારશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. નવી શિક્ષણ નીતિમાં સરકારી અને ખાનગી વિશ્વવિદ્યાલયોને પ્રોત્સાહન આપવા અને તેનો વિકાસ કરવાની બાબત પર જોર આપવામાં આવ્યું છે.

શિક્ષણની ગુણવત્તાના સુધારો ન થવા તેમજ વિદ્યાર્થીઓના કૌશલ વિકાસની દિશામાં અપેક્ષિત પરિણામ ન મળવાનું એક કારણ શિક્ષકોની સજ્જતાનો અભાવ પણ છે. તેઓ જો નવી-નવી બાબતોમાં વિદ્યાર્થીઓને રુચિ લેતા કરી ન શકે તો શિક્ષણ વ્યવસ્થાનો વિકાસ શક્ય નથી. નવી શિક્ષણ નીતિમાં આ મુદ્દે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

અભ્યાસક્રમોની સૈદ્ધાંતિક પ્રણાલિકા એ પ્રકારે તૈયાર કરવામાં આવી છે કે, જેથી વિદ્યાર્થીઓ રોજગાર અને વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરી શકે. હાલના સમયમાં શિક્ષણની પદ્ધતિને માત્ર દેશની નહી, પણ વિશ્વસ્તરની જરુરિયાતો પ્રમાણે ઘડવી જરુરી છે. જેના કારણે વિજ્ઞાાન, ટેકનિકલ શિક્ષણ, સામાજીક વિજ્ઞાાન વગેરે જેવા ક્ષેત્રોમાં પ્રતિભાઓને આગળ વધવાની તક મળી શકે. નવી શિક્ષણ નીતિ આ બધી બાબતોમાં મદદગાર સાબિત થઈ શકે તેમ છે. સરકારે હવે આ નીતિના અમલ માટે પૂરજોર પ્રયાસ કરવાની જરુર છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો