કોરોનાના કારણે હજયાત્રામાં અવરોધ સર્જાયા, સાઉદી સરકારે વિદેશી યાત્રીઓ પર પ્રતિબંધ લાદ્યો


 

નવી દિલ્હી તા. 30 જુલાઇ 2020 ગુરૂવાર

તમામ ફિરકાના મુસ્લિમો જેને સૌથી વધુ પવિત્ર કાર્ય ગણે છે અને દરેક મુસ્લિમ માટે જીવનમાં એક વાર જે કરવાનું જરૂરી ગણાયું છે એ હજયાત્રાને કોરોનાએ મુશ્કેલ બનાવી હોવાના અહેવાલ મળ્યા હતા. દર વરસે શિયા, સુન્ની, અહમદિયા, બહાઇ, દેવબંદ ઇત્યાદિ ઇસ્લામના તમામ ફિરકાના મુસ્લિમો હજ કરે છે. એક અંદાજ મુજબ વરસે પચીસ લાખ મુસ્લિમો હજ કરતા હોય છે. પરંતુ આ વરસે હજયાત્રા કોરોના વાઇરસના પગલે મુશ્કેલ બની હતી.

આ સંદર્ભમાં લેટેસ્ટ માહિતી મુજબ સાઉદી અરેબિયાએ વિદેશી હજયાત્રીઓ પર પ્રતિબંધ લાદ્યો હતો. આમ તો 14 દિવસ ક્વોરન્ટાઇનમાં રહીને બુધવારે નાના નાના જૂથમાં માસ્ક પહેરેલા યાત્રીઓએ સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવીને હજયાત્રાનો લાભ લીધો હતો. 1400 વર્ષ પહેલાં હજરત મુહમ્મદ પયગંબર (સ.અ.વ.) જે માર્ગે પસાર થયા હતા એ જ માર્ગે હજયાત્રા કરવાની પરંપરા છે. તમામ ફિરકાના મુસ્લિમો પરસ્પરના મતભેદો ભૂલીને મક્કા મદીનામાં સાથે રહે છે અને ઇબાદત કરે છે.

આ વખતે હજયાત્રીઓ માટે સાઉદી અરેબિયાએ કડક નિયમો અને પ્રતિબંધો લાદ્યા હતા. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ ફરજિયાત હોવાની ઔપચારિક જાહેર કરવામાં આવી હતી. આ વર્ષે સૌથી વધુ કડક નિયમ તો એ બનાવવામાં આવ્યો હતો કે માત્ર વીસથી પચાસ વર્ષની વયના મુસ્લિમોને જ હજ કરવાની પરવાનગી મળશે. આ વયજૂથના લોકો પણ સંપૂર્ણપણે સ્વસ્થ હોવા અનિવાર્ય રહેશે. સાઉદી અરેબિયામાં વસતા માત્ર એક હજાર મુસ્લિમોની પસંદગી હજયાત્રા માટે કરવમાં આવી હતી. 

હાલ જેટલા નસીબના બળિયા લોકો મક્કા મદીનામાં છે એ પણ સમૂહભોજન ટાળીને પોતાની હૉટલના રૂમમાં એકલા ભોજન લઇ રહ્યા હતા અને દરેકને સૂચના આપવામાં આવી હતી કે કારણ વિના બહાર ટહેલવા નીકળવું નહીં.

દુનિયાના લગભગ બધા દેશોને સાઉદી અરેબિયાએ પોતાના હજ માટેના નિયમોની જાણ કરી દીધી હતી. આ નિયમો અને પ્રતિબંધોનો ચુસ્ત રીતે અમલ કરવામાં આવશે એવી માહિતી પણ પોતાના રાજદૂતાવાસો દ્વારા સાઉદીએ દુનિયાભરના દેશોને આપી હતી. આમ સામાન્ય રીતે દર વરસે પચીસ ત્રીસ લાખ લોકો હજયાત્રા કરતા હોય છે એની સામે આ વરસે એકાદ લાખ લોકોને હજયાત્રા કરવા મળે એવી શક્યતા નકારી કઢાતી નથી. 

કોરોના વાઇરસ પોતાને ત્યાં માઝા ન મૂકે એ માટે સાઉદી અરેબિયા શક્ય તેટલા તમામ પગલાં લઇ રહી હતી એમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો