તાનાશાહ કિમ જોંગ ઉને જનરલ્સને ભેટમાં આપી પિસ્તોલ, યુદ્ધ અંગે કહી આ મોટી વાત
પ્યોંગયાંગ, તા. 28 જુલાઈ 2020, મંગળવાર
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને ફરી એક વખત દુનિયાને ચેતવણી આપી છે. કિમે કોરિયા વોરના અંતની વર્ષગાંઠ નિમિત્તે હવે કોઈ યુદ્ધ નહીં થાય કેમ કે દેશ પરમાણુ હથિયારથી સંપન્ન છે તેમ કહ્યું હતું. આજથી 67 વર્ષ પહેલા થયેલા આ યુદ્ધના 'વિજય દિવસ' નિમિત્તે કિમે સશસ્ત્ર દળોના પ્રમુખ કમાન્ડિંગ અધિકારીઓને પિસ્તોલ આપીને સન્માનિત કર્યા હતા. 27 જુલાઈ, 1953ના રોજ દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચેનું યુદ્ધ કોઈ પણ જાતની શાંતિ સમજૂતી વગર સંઘર્ષવિરામ સાથે પૂર્ણ થયું હતું. ઉત્તર કોરિયાએ અમેરિકા સમર્થક ગણાતા દક્ષિણ કોરિયા પર હુમલો કરી દીધો તે સાથે જ આ લડાઈની શરૂઆત થઈ હતી.
નોર્થ કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA)એ 27 જુલાઈના રોજ યોજાયેલા સમારંભનો ફોટો જાહેર કર્યો હતો જેમાં કિમ સૈન્ય અધિકારીઓ સાથે જોવા મળ્યા હતા. એક અહેવાલ પ્રમાણે વર્ષગાંઠના અવસર પર તાનાશાહ કિમે 'હવે આપણે કોઈ યુદ્ધનો સામનો નહીં કરવો પડે કારણ કે દેશના પરમાણુ હથિયાર તેની સુરક્ષા અને ભવિષ્યની ગેરન્ટી આપે છે' તેમ કહ્યું હતું.
તાનાશાહે એક રીતે સમગ્ર વિશ્વને ચેતવણી આપતા આગળ એમ પણ કહ્યું હતું કે, ઉત્તર કોરિયાએ વધુ એક સશસ્ત્ર સંઘર્ષ રોકવાની શક્તિ હાંસલ કરવા માટે પરમાણુ હથિયાર વિકસિત કર્યા છે. હવે અમે સામ્રાજ્યવાદી અને શત્રુતાપૂર્ણ શક્તિઓના દબાણ અને કોઈ પણ પ્રકારના સૈન્ય જોખમથી પોતાનો બચાવ કરવામાં સક્ષમ છીએ.
કિમ જોંગ ઉનનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે વોશિંગ્ટન તરફથી અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે વાતચીત શરૂ કરવા પ્રયત્નો ચાલુ છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ પરમાણુ કાર્યક્રમ બંધ કરવાના અવેજમાં ઉત્તર કોરિયાને પ્રતિબંધોમાં રાહતની રજૂઆત કરી હતી. ઉત્તર કોરિયા અનેક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. કિમ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રથમ વખત 2018ના વર્ષમાં સિંગાપુર ખાતે મુલાકાત થઈ હતી પરંતુ ત્યાર બાદ વાત આગળ નહોતી વધી શકી.
Comments
Post a Comment