રાફેલની ભીષણ ગાજવીજ .


પાંચ રાફેલ વિમાનોની ઘરઆંગણે આસમાની અવતરણરૂપ ડિલિવરી ભારતવાસીઓનું ધ્યાન કોરોના અને નવી શિક્ષણનીતિ તરફથી હટાવવામાં સફળ થયું. કરોડો ભારતીયોની સામુહિક નજર ભારતના લશ્કરમાં કોઈ શસ્ત્રના ઉમેરણ તરફ હોય એવો આઝાદી પછી પહેલો કિસ્સો છે. દસોલ્ત રાફેલની છત્રીસ વિમાનો સાથે થયેલી ફ્રેંચ ડીલનો પહેલો હપ્તો આપણને મળી ચૂક્યો છે. બહુધા ભારતીયો ખુશ છે. પરંતુ લાગણીના ભાવાવેશમાં સરી પડીને કોઈ સમાચારને વધાવી લેવા અને અને તેનું નિષ્પક્ષ દ્રષ્ટિએ પૃથ્થકરણ કરવું એ બંનેમાં ફરક હોય છે.

પાંચ રાફેલ વિમાનોના આગમનથી ભારતીય એરફોર્સની તાકાત અલબત્ત વધી છે. ચીન સાથેના વધતા જતા તણાવ વિષે સમગ્ર વિશ્વ જાણે છે અને માટે જ ફ્રાંસની કંપનીએ પાંચ વિમાનોની ડિલિવરીમાં ઉતાવળ કરી. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ સંપૂર્ણપણે ભારતના પક્ષમાં નથી. દસોલ્ત રાફેલ સાડા ચારમી જનરેશનનું ફાઈટર જેટ પ્લેન ગણાય છે. 

ઇન્ટરનેટની સ્પીડમાં જેમ ટુજી, ત્રીજી, ફોરજી હોય એ જ રીતે ફાઈટર જેટમાં પણ જનરેશન ગેપ હોય છે. રાફેલ ફોર પોઈન્ટ ફાઈવ જનરેશનનું મારકણું પ્લેન છે. ભારતીય એરફોર્સ પાસે આટલી ક્ષમતા અને તાકાત વાળું એક પણ ફાઈટર પ્લેન હતું નહિ. પરંતુ યુદ્ધનો નિયમ છે કે જે તે દેશનું લશ્કર તગડું ત્યારે જ કહેવાય જયારે એના દુશ્મન દેશની લશ્કરી તાકાત પહેલા દેશ કરતા ઉતરતી હોય. જો આપણે ભારતીય લશ્કરની તાકાત પાકિસ્તાન આર્મી સાથે જ કર્યે રાખવાની હોય તો બહુ ગુલાબી ચિત્ર નજર સામે ખડું થાય છે.

કોઈ પણ તબક્કે આપણે પાકિસ્તાનને ધૂળ ચાટતા કરી શકીએ એટલી તૈયારી અને શો ધરાવીએ છીએ. પરંતુ આપણો દુશ્મન નંબર વન પાકિસ્તાન નહિ ચીન છે. ચીનના લશ્કર સાથે જ્યારે આપણી લશ્કરી તાકાતની વાત કરીએ ત્યારે કપાળની રેખાઓ તંગ થાય અને આપણે સહેજ બેકફૂટ પર આવી જઈએ છીએ. 

ચાઇનિઝ લશ્કર માટે બીજા દેશના લશ્કરી મથકોમાં એક રમુજ પ્રચલિત છે કે 'મેઈડ ઇન ચાઈના' લેબલ ધરાવતી જગતની દરેક વસ્તુ તકલાદી હોય છે સિવાય કે ચાઈના લશ્કરના શસ્ત્રગારના હથિયારો ! બીજા માટે રમુજ એ આપણા માટે જોખમ છે. ચીની એરફોર્સ જે 'પ્લાફ' - પીપલ્સ લીબરેશન આર્મી એર ફોર્સ તરીકે ઓળખાય છે તે બહુ જ તાકાતવાન છે. ચીની એરફોર્સનો મુખ્ય મદાર 'જે-ટ્વેન્ટી' ફાઈટર જેટ ઉપર છે.

આ પ્લેન પાંચમી જનરેશનનું મલ્ટીરોલ સ્ટીલ્થ કોમ્બેટ ફાઈટર ગણાય છે. દુનિયામાં આ કક્ષાના અને આ પ્લેનથી વધુ ચડિયાતા એવા બે જ ફાઈટર જેટ છે જે અમેરિકન એરફોર્સ પાસે છે. લોકહીડ માર્ટીન કંપનીએ બનાવેલા એફ-ટ્વેન્ટી ટુ અને એફ-થર્ટી ફાઈવ. જે-ટ્વેન્ટી સ્ટીલ્થ જેટ ચાઈનાની ઘરઆંગણાની પેદાશ છે. અત્યાર સુધી ચાઇનિઝ એરફોર્સમાં પચાસ જેટલા જે-ટ્વેન્ટી સામેલ થઇ ગયા છે. ખંધુ ચીન એના હવાઈદળ માટે પવનવેગે આ પ્રકારના વિમાનોનું વધુ ઉત્પાદન કરી રહ્યું છે.

જો કે રાફેલ ચાઇનિઝ જેટ કરતા ઓન પેપર એક સ્ટેપ પાછળ લાગે પણ તે જરા પણ ઉતરતું ફાઈટર પ્લેન નથી. અમુક લશ્કરી નિષ્ણાતો રાફેલને ચીની બનાવટના જે-ટ્વેન્ટી કરતા પણ વધુ ચડિયાતું ગણાવે છે. રાફેલ ઘણા દેશોના લશ્કરમાં વર્ષોથી કાર્યરત છે. જો કે આ વાત રાફેલના ગેરફાયદામાં પણ ખપાવી શકાય કારણ કે રાફેલની આંતરિક રચના, નબળાઈઓથી વિશ્વ મહત્ અંશે વાકેફ છે.

રાફેલ અનુભવી અને નીવડેલું વિમાન છે. ફ્રાન્સના લશ્કરે લીબિયા અને મધ્યપૂર્વના દેશોમાં આ ફાઈટર જેટ વાપર્યું છે. ઇસ્લામિક સંગઠન આઈસિસ સામે પણ રાફેલે તરખાટ મચાવી દીધો હતો. રાફેલના શસ્ત્રભંડારમાં જગતના સૌથી વધુ આધુનિક શસ્ત્રો છે. તેની મિસાઈલ સિસ્ટમ અને મિસાઈલને દુશ્મન પ્રદેશમાં પહોચાડવાની રેન્જ અનન્ય છે. રાફેલ યુદ્ધની સ્થિતિ વખતે પરિસ્થિતિમાં પલટો લાવી શકે તેવું નિશંકપણે કહી શકાય.

પણ આપણે ફક્ત છત્રીસ રાફેલનો જ ઓર્ડર કર્યો છે. ભારતીય એરફોર્સ હજુ પણ જૂની પેઢીના મિગ વિમાનો અને સુખોઈથી ભરેલું છે. ચીન પાસે સાડા ત્રણ હજાર ઉપરાંતના ફાઈટર જેટ છે, જેમાંથી એકવીસસો જેટલા ફાઈટર જેટ તો મલ્ટીરોલ કોમ્બેટ જેટની કેટેગરીમાં આવે છે.

યુદ્ધ ફક્ત ગુણવત્તા અને લેટેસ્ટ શસ્ત્રોથી નથી જીતી શકાતું. યુદ્ધમાં સંખ્યાબળ પણ એટલો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. રાફેલ ફોર પોઈન્ટ ફાઈવ જનરેશનનું છે પણ એક રાફેલ સામે ચાર ત્રીજી પેઢીના ફાઈટર પ્લેન આકાશી મોરચો ખેલે ત્યારે ? સંખ્યાબળની દ્રષ્ટિએ ચાઈનાનું પલ્લું વર્ષોથી ભારે છે અને રહેવાનું છે.

ભારતીય એરફોર્સને સેંકડો સ્વદેશી તેજસ વિમાનની આવશ્યકતા છે. તેજસની માંગ ક્યારે પૂરી થશે એ આપણને ખબર નથી. સ્વદેશી શસ્ત્રો હોય કે વિદેશી કંપનીમાંથી આયાત કરેલા શસ્ત્રોે હોય ગંદુ રાજકારણ, ભ્રષ્ટાચાર અને વિવાદ એમ ત્રિપાંખીયા જંગમાંથી ભારતીય આર્મીએ પસાર થવું પડે છે. જો કે ભારતની લશ્કરની સ્થિતિ હવે વધુ મજબુત છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો