ચીની સૈનિકો એલએસી પરથી પાછા ફર્યા નથી : અંતે ભારતની કબૂલાત
નવી દિલ્હી/બેઈજિંગ, તા. 28 જુલાઇ, 2020, મંગળવાર
ભારત અને ચીન દ્વારા વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર મોટાભાગના અગ્રીમ મોરચાઓ પરથી સૈનિકો પાછા ખેંચી લેવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને હવે બંને દેશોની સરહદ પર તણાવપૂર્ણ સિૃથતિ હળવી થઈ ગઈ હોવાનો ચીને દાવો કર્યો છે. જોકે, ભારત સરકારે તુરંત ચીનના આ દાવાને ફગાવી દીધો હતો.
બંને દેશની સરહદો પર હજી પણ કેટલાક સૃથળો પર ચીને સૈનિકોનો ખડકલો કર્યો છે અને મે મહિનાથી શરૂ થયેલી તંગદિલી યથાવત્ રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ભારતે ચીની સૈનિકો ભારતની સરહદમાં ઘૂસ્યા ન હોવાનું કહ્યું હતું પણ હવે ચીનના દાવાને ખોટો ગણાવી ભારતે ચીનની ઘૂસણખોરી થયાનું આડકતરી રીતે સ્વીકાર્યું હતું.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને બેઈજિંગમાં જણાવ્યું હતું કે પૂર્વીય લદ્દાખમાં ગલવાન, ગોગરા અને હોટ સ્પ્રિંગ વિસ્તારોમાંથી ભારત અને ચીને તેમના સૈનિકોને સંપૂર્ણપણે પાછા ખેંચી લેવાની કાર્યવાહી પૂરી કરી લીધી છે.
જોકે, વેનબિનને ચીનના મીડિયા દ્વારા સૈનિકોને પાછા ખેંચવા અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં ઈરાદાપૂર્વક પેંગોંગ ત્સો કે જે વિવાદનો એક મહત્વનો વિસ્તાર છે તેનું નામ લીધું નહોતું.
ભારત અને ચીન વચ્ચે પૂર્વીય લદ્દાખ સરહદે મે મહિનાથી ચાલી રહેલી તંગદિલી હળવી કરવા માટે ભારત અને ચીન વચ્ચે તાજેતરમાં લશ્કરી અને રાજદ્વારી ચેનલ મારફત સઘન વાટાઘાટો થઈ હતી તેમ વેનબિને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, હવે ફ્રન્ટલાઈન મોરચા પર મોટાભાગના સૃથળોએથી સૈનિકોને પાછા ખેંચી લેવાયા છે અને બંને દેશો વચ્ચેનો તણાવ હળવો થયો છે.
બંને દેશોએ કમાન્ડર સ્તરની ચાર અને વર્કિંગ મિકેનિઝમ ફોર કન્સલટેશન એન્ડ કોઓર્ડિનેશન (ડબલ્યુએમસીસી)ની ત્રણ બેઠકો યોજી હતી. હવે ટૂંક સમયમાં બાકીના વિવાદોનો અભ્યાસ કરીને તેના ઉકેલ માટે કમાન્ડર સ્તરની પાંચમા તબક્કાની બેઠક યોજાશે. અમને આશા છે કે ભારત આપણી સરહદો પર શાંતિ જાળવવા માટે ચીન સાથે મળીને કામ કરશે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શુક્રવારે જણાવ્યું હતુું કે, બંને પક્ષોએ સીનિયર સૈન્ય કમાન્ડર સ્તરની વાટાઘાટોમાં સૈનિકોને હટાવવા અંગે જે સંમતિ સધાઈ હતી, તેનું ચીને ગંભીરતાપૂર્વક પાલન કરવું જોઈએ. ભારતના આ નિવેદન પછી વાસ્તવિક અંકુશ રેખા પરથી સૈનિકોને પાછા હટાવવા અંગે ચીનના પોકળ દાવાઓ ખુલ્લા પડી ગયા હતા.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે પાંચમી જુલાઈએ લગભગ બે કલાકની ટેલિફોનિક મંત્રણા પછી પૂર્વીય લદ્દાખમાં બંને દેશોના સૈન્યને પાછા ખેંચીને તંગદિલી હળવી કરવા સંમતિ સધાઈ હતી.
તે મુજબ બંને દેશોએ 6ઠ્ઠી જુલાઈથી સૈનિકોને પાછા ખેંચવાની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે, ચીને એલએસી પર વિવાદના મહત્વના વિસ્તાર એવા પેંગોંગ ત્સોમાંથી સૈનિકોને પાછા ખેંચવા મુદ્દે કોઈ વાત કરી નથી.
Comments
Post a Comment