રિઝર્વ બેન્કની આગમવાણી

ગત સપ્તાહાંતે રિઝર્વ બેન્કે વ્યાવસાયિક બેન્કોની કથળતી જતી હાલત અંગે જાહેર કરેલો અહેવાલ એવો સ્પષ્ટ સંકેત આપે છે કે આવનારો સમય આ બેન્કો માટે નવું સંકટ અને નવો પડકાર છે. રિઝર્વ બેન્કનો નાણાંકીય સ્થિરતા અહેવાલ(એફએસઆર)માં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, આ સમયે બેન્કોને જે સૌથી મોટું જોખમ છે તે વગર પાણીએ ડૂબતી જતી લોનો છે. તેમાં કોઈ શંકા નથી કે કોરોના રોગચાળાએ દેશની અર્થવ્યવસ્થાને જે રીતે બરબાદ કરી છે, તેની અસર નાણાંકીય અને બેન્કિંગ ક્ષેત્રો સહિતના અર્થતંત્રના દરેક ક્ષેત્ર પર પડી છે. આ આપત્તિ જગજાહેર છે અને આ સંકટ સહુએ અનુભવને સ્વીકારેલું છે પરંતુ બેન્કિંગ મેનેજમેન્ટે જે રીતે વળતા પગલા લેવા જોઈએ એમાં ઠંડક દેખાય છે. સામાન્ય નાગરિકોની હાઉસિંગ જેવી લોનને ભરપાઈ કરવામાં બેન્કોએ જે ઉદાર અભિગમ અપનાવીને હપ્તાઓ ભરવામાં રાહત આપી છે એનાથી દેશના કરોડો લોકોને રાહત અને આશ્વાસન મળ્યા છે.

ભારતમાં મોટાભાગની મોટી અને નાની જાહેર ક્ષેત્રની બેન્કો પહેલેથી જ એનપીએના ભાર નીચે દબાઇ રહી હતી અને એ સંકટમાંથી બહાર આવવા માટે સરકાર વારંવાર બેન્કિંગ ક્ષેત્રે નાણાં રેડતી રહે છે. તે સિવાય કોઈની પાસે કોઈ ઉપાય નથી. પરંતુ એ નવી પરંપરા ક્યાં સુધી ચલાવી શકાશે ? કારણ કે એક રૂપિયો પણ હિસાબની બહાર તો હોતો નથી. એટલે બારીક રીતે જુઓ તો સરકાર ઠાલવે છે તે નાણાં પણ બેન્કો ઉપરનું એક ભારણ જ છે. આવી સ્થિતિમાં રિઝર્વ બેન્કનો રિપોર્ટ જે સંકેત આપી રહ્યો છે તે ખરેખર ગંભીર છે.

રિઝર્વ બેન્કના રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ નાણાંકીય વર્ષમાં બેંકોની અટવાયેલી લોનનું સ્તર સાડા બાર ટકા સુધી પહોંચી શકે છે અને જો પરિસ્થિતિ સાવ અનિયંત્રિત થશે તો એનપીએ ૧૪.૫ ટકાને પણ પાર કરી શકે છે. ગયા નાણાંકીય વર્ષમાં તે સાડા આઠ ટકા હતો.

કોરોના રોગચાળાએ માત્ર ભારત જ નહીં, આખી દુનિયાની અર્થવ્યવસ્થાને ક્ષતવિક્ષત કરી નાંખી છે. ત્રણ મહિનાના સંપૂર્ણ પ્રતિબંધને કારણે લાખો ઉદ્યોગો બંધ રહ્યા હતા. અર્થશાસ્ત્રનું પ્રાણતત્ત્વ ગણાતા હોટલ, ઉડ્ડયન, સ્થાવર મિલકતો અને ઉત્પાદન અને સેવા જેવા સેક્ટરોને મોટો આંચકો મળ્યો છે. ખાનગી ક્ષેત્રમાં લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી હતી અને પગાર કાપ જેવા પગલાથી લોકોનો પરસેવો પણ છૂટી ગયો હતો. જો કે હજુ એ સ્થિતિમાંથી આ જગત મુક્ત નથી. ભારતમાં તો સરકાર પેટ્રોલિયમ અને વીજળી બિલો ઊંચા ને ઊંચા લઈ જાય છે અને વાલીઓને ફી ભરવાની ના કહે છે. કેટલાક નાના યુરોપિયન દેશોની સરકારે વિદ્યાર્થીઓની ફી પોતે સરકારી ભંડોળમાંથી ભરી દીધી છે અને વાલીઓને હળવાશનો અનુભવ આપી ઓનલાઇન ક્લાસ ચાલુ રખાવ્યા છે.

બેન્કોના પક્ષે એ હકીકત છે કે ઘર, વાહન, શિક્ષણ અને ધંધા વગેરે માટે અપાયેલી લોનની પુનઃપ્રાપ્તિ હવે અનિશ્ચિતતાના વમળમાં ફસાઈ ગઈ છે. આવનારા દિવસોમાં બેન્કોએ સમયને ઓળખીને હજુ પણ લોન ધારકો પરત્વે ફરી નવી ઉદારતા દાખવવી પડે તો નવાઈ નથી. ભારતની અર્થવ્યવસ્થા પહેલાથી જ મંદીનો સામનો કરી રહી હતી, પરંતુ કોરોના રોગચાળો શરૂ થયો એટલે જાણે કે છુટક તણખાઓને હવા મળી અને એ ઘાસની ગંજી પર જઈ પડયા - એવું થયું છે. મંદીએ એકાએક ઝડપી પ્રભાવ પાથરી દીધો અને બજારો સ્તબ્ધ રહી ગઈ. કૃષિ ક્ષેત્ર સિવાય અર્થતંત્રના તમામ મોટા ક્ષેત્રો જેવા કે ઉત્પાદન, બાંધકામ, વીજળી, સ્ટીલ, સેવા ક્ષેત્ર વગેરેની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેથી બેન્કો આપમેળે તો એનપીએને વધતા અટકાવી શકશે નહીં.

સરકાર અને રિઝર્વ બેન્કે અર્થવ્યવસ્થાને સંભાળવા ઘણાં પગલાં લીધાં છે. આજકાલ નિર્મલા સીતારામન એમના મંત્રાલયના વહીવટમાંથી જ ઊંચા આવતા નથી. છેલ્લા બે મહિનામાં તો એમણે દસેક વીડિયો કોન્ફરન્સ પણ રદ કરી છે. તેઓ પ્રધાન હોવા છતાં અત્યારે એક સચિવની જેમ કામ કરતા દેખાય છે. બજારમાં રોકડ પ્રવાહ વધારવા માટે રિઝર્વ બેન્કે છેલ્લા છ મહિનામાં વ્યાજ દરમાં અનેક વખત ઘટાડો કર્યો હતો. આ સિવાય કોવિડ કટોકટીને પહોંચી વળવા સરકારે વીસ લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું હતું. રિઝર્વ બેન્ક અને સરકારે વેપારીઓને લોન આપવા માટે વ્યાપારી બેંકો ઉપર પણ દબાણ કર્યું છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો