કોરોનાએ અનેક નવી નીતિઓ માટે રસ્તો ખોલ્યો, ગામડાઓ પર જોર આપવું જરૂરીઃ મુહમ્મદ યુનૂસ


નવી દિલ્હી, તા. 31 જુલાઈ 2020, શુક્રવાર

કોરોના વાયરસ સંકટ અને અર્થતંત્રની મુશ્કેલીઓ વચ્ચે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીનો વિશેષ સંવાદનો સિલસિલો ચાલુ છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે બાંગ્લાદેશના પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને બાંગ્લાદેશ ગ્રામીણ બેંકના સંસ્થાપક મુહમ્મદ યુનૂસ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોરોના સંકટના કારણે ગરીબો પર જે મુશ્કેલી આવી પડી તેનો ઉલ્લેખ કર્યો હતો. તેના જવાબમાં મુહમ્મદ યુનૂસે આજે ગામના અર્થતંત્રને બેઠું કરવાની જરૂર છે તેમ કહ્યું હતું. તેમના કહેવા પ્રમાણે લોકોને શહેર નહીં પરંતુ ગામમાં જ નોકરીઓ આપવામાં આવે. કોરોના બાદ એક નવી નીતિ પર કામ જરૂરી છે. 

રાહુલ ગાંધીઃ તમે ગરીબોનું અર્થતંત્ર જાણો છો. કોરોના સંકટ કેવા લોકોને નુકસાન પહોંચાડી રહ્યું છે?

મુહમ્મદ યુનૂસઃ હું પહેલેથી જ કહેતો આવ્યો છું કે કોરોના સંકટે સમાજની કુરીતિઓ જાહેર કરી છે. ગરીબ, પ્રવાસી મજૂર આપણા બધાની વચ્ચે જ છે પરંતુ કોરોના સંકટે આ બધાને સામે લાવી દીધા છે. તેમને ઈન્ફોર્મલ સેક્ટરનો હિસ્સો માનવામાં આવે છે જે અર્થતંત્રનો હિસ્સો નથી. જો આપણે તેમની મદદ કરીએ તો સંપૂર્ણ અર્થતંત્રને આગળ લઈ જઈ શકીશું પરંતુ આપણે એવું નથી કરતા. જો મહિલાઓની વાત કરીએ તો તેમને સમાજમાં નીચેનો દરજ્જો આપવામાં આવ્યો અને અર્થતંત્ર ક્ષેત્રે કોઈ તેમનો ભાવ પણ નથી પુછતું. પરંતુ મહિલાઓએ સમય સમય પર પોતાની જાતને સાબિત કરી છે.

રાહુલ ગાંધીઃ ભારત અને બાંગ્લાદેશ જેવા દેશો માટે આ ભવિષ્ય મુશ્કેલીભર્યું છે. નાના વેપારીઓ જ ભવિષ્ય છે પરંતુ સિસ્ટમ નથી જોઈ રહી. 

મુહમ્મદ યુનૂસઃ આપણે લોકો આર્થિક મામલે પશ્ચિમી દેશોની જેમ ચાલીએ છીએ એટલે જ આમના તરફ ધ્યાન નથી અપાઈ રહ્યું. નાના મજૂરો અને વેપારીઓ પાસે ખૂબ જ ટેલેન્ટ છે પરંતુ સરકાર તેમને અર્થતંત્રનો હિસ્સો જ નથી માનતી. પશ્ચિમી દેશોમાં ગામના લોકોને શહેરમાં નોકરી માટે મોકલવામાં આવે છે અને હવે ભારતમાં પણ તેવું જ બની રહ્યું છે. આપણે ગામમાં જ અર્થતંત્ર કેમ બેઠું નથી કરતા? પહેલા શહેરો પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતું અને ગામડાઓ પાસે નહીં પરંતુ આજે બધા પાસે તકનીક છે તો લોકોને શા માટે શહેરમાં મોકલવામાં આવે છે. સરકારે જ્યાં લોકો હોય ત્યાં જ કામ લાવવું જોઈએ. 

રાહુલ ગાંધીઃ આપણે પશ્ચિમ પાસેથી ઘણું બધું સ્વીકાર્યું પરંતુ ગામને શક્તિશાળી બનાવવું ભારત અને બાંગ્લાદેશનું જ મોડલ છે. મહાત્મા ગાંધીએ પણ કહ્યું હતું કે આપણે આપણા ગ્રામીણ અર્થતંત્રને આગળ વધારવું પડશે. 

મુહમ્મદ યુનૂસઃ કોરોના સંકટે આર્થિક મશીન રોકી દીધું છે અને લોકો જલ્દી પહેલા જેવી સ્થિતિ બની જાય તેમ વિચારી રહ્યા છે. પરંતુ શું ઉતાવળ છે? જો આવું થશે તો બહું ખરાબ થશે. આપણે શા માટે એ દુનિયામાં પાછા જવું છે જ્યાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે અને બાકી અનેક પ્રકારની મુશ્કેલીઓ છે. તે ખૂબ હાનિકારક કહેવાશે. કોરોનાએ આપણને કશુંક નવું કરવાની તક આપી છે. તમારે કશું અલગ કરવું પડશે જેથી સમાજ સંપૂર્ણપણે બદલાઈ શકે. 

રાહુલ ગાંધીઃ પશ્ચિમની નીતિઓ કરતા એશિયાના મોડલ પર કામ કરીએ તે સારૂં રહેશે. શું કોરોના વાયરસે આપણને તે તક આપી છે?

મુહમ્મદ યુનૂસઃ આ ફક્ત એશિયા નહીં પણ સમગ્ર વિશ્વનો મંત્ર હોવો જોઈએ. જ્યારે અમે ગ્રામીણ બેંક શરૂ કરી તો તે ફક્ત બાંગ્લાદેશની વાત લાગી પરંતુ ધીમે ધીમે તે મોડલ વૈશ્વિક બની ગયું. 

રાહુલ ગાંધીઃ મને લાગે છે કે ભારત અને બાંગ્લાદેશની સમસ્યાઓ ઘણી સમાન છે પરંતુ સામાજીક સ્તરે કેટલાક બદલાવ છે. અહીં જાતિના આધારે ભાગલા છે જે પશ્ચિમ કરતા અલગ વાત છે. 

મુહમ્મદ યુનૂસઃ આપણા ત્યાં જાતિની સિસ્ટમ છે તો અમેરિકામાં રંગભેદ છે. પરંતુ આજે આપણે માનવતા પર પાછું ફરવું પડશે. કોરોના વાયરસે આ બધું પાછળ છોડી દીધું છે અને હવે નવી સિસ્ટમ રચવાની તક છે. 

રાહુલ ગાંધીઃ મુખ્ય વાત એ જ છે કે તમારે તમારા લોકોમાં વિશ્વાસ મુકવો પડશે અને ત્યાર બાદ તમે આગળ કામ કરી શકશો. ગરીબોમાં વિશ્વાસ દર્શાવવો જરૂરી છે. તમે આગળ વધો, અમે તમારો સાથ આપીશું. 

મુહમ્મદ યુનૂસઃ જ્યારે અમે ગ્રામીણ બેંક શરૂ કરી તો લોકો ચોંકી ગયા હતા કે અમે તેમના હાથમાં એટલા રૂપિયા કેમ આપી રહ્યા છીએ. તે ગરીબો માટે 1000-2000 રૂપિયા જ વધારે હતા. હવે દર વર્ષે અબજો ડોલરની લોન આપવામાં આવે છે. હવે નવી સિસ્ટમની શરૂઆત કરવી જરૂરી છે. અમે કોઈ પાસે કાગળ નથી માંગ્યા. બસ જરૂર પ્રમાણે મદદ કરી. 

રાહુલ ગાંધીઃ અમે ઉત્તર પ્રદેશમાં એક સંસ્થા બનાવી અને ત્યાર બાદ અમે લાખો મહિલાઓને મજબૂત થતી જોઈ. પરંતુ રાજકીય કારણસર એક સરકારે તેના પર હુમલો કર્યો. આ સંજોગોમાં કઈ રીતે કામ કરવું જ્યાં રાજકીય જોખમ હોય?

મુહમ્મદ યુનૂસઃ સરકાર પાસે શક્તિ છે અને તે અનેક મુદ્દાનો અંત લાવી શકે છે. પરંતુ જો તમે લોકો માટે કશું કરી રહ્યા છો પરંતુ તમે વ્યવસ્થા નથી. માટે મોટા ભાગની બાબતો સરકારના હાથમાં રહે છે અને તમે જેટલો પ્રયત્ન કરશો તેટલા વધુ બળથી પાછું આવશે. જો તમે ગરીબોની આર્થિક મદદ કરી રહ્યા છો તો ઉદ્યોગપતિઓ સાથે વાત પણ જરૂરી છે. 

રાહુલ ગાંધીઃ ભારતમાં આજે પ્રવાસી મજૂરોનું સંકટ હતું. કોરોનાએ તેમની દુનિયા તબાહ કરી દીધી. મેં અનેક લોકો સાથે વાત કરી. તેમનું પહેલું લક્ષ્ય તેમને જલ્દી ભોજન અને રોકડ મળે તે હતું. પરંતુ સરકારની વિચારણા અલગ હતી માટે લાખો લોકોએ પોતાના ઘરે પરત જવું પડ્યું. આ સંજોગોમાં કોરોના બાદ દુનિયા નવી નીતિ સાથે આગળ આવે. મને લાગે છે કે પશ્ચિમની સરખામણીએ આપણા પાસે વધારે તક છે. 

મુહમ્મદ યુનૂસઃ તમે ભારતની આગામી પેઢીમાં શું જોવો છો અને ભાવિ પેઢીને શું આપવા ઈચ્છો છો? શું આમ જ આગળ વધાય તેવું ઈચ્છો છો કે બીજું કશું પણ આગળ આવે તેમ ઈચ્છો છો? આજે સમગ્ર વિશ્વના યુવાનો રસ્તા પર આવી ગયા છે. પછી ભલે તે નોકરીનું સંકટ હોય કે પછી ગ્લોબલ વોર્મિંગ, આ મામલે તમારો શું વિચાર છે?

રાહુલ ગાંધીઃ આજે લોકોને ખબર છે કે દેશમાં કશું ખોટું થઈ ગયું છે. અમીર અને ગરીબો વચ્ચે ભારે અંતર છે. અને તે ગરીબોના મોઢા પર દેખાઈ આવે છે. તેનાથી લોકો પરેશાન થાય છે. યુવાનો પણ હવે કશું નવું ઈચ્છે છે. અમે વિપક્ષ તરીકે આ મુદ્દે કામ કરી રહ્યા છીએ. 

મુહમ્મદ યુનૂસ કોણ છે?

બાંગ્લાદેશમાં ગરીબોના મદદગાર ગણાતા મુહમ્મદ યુનૂસને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. બાંગ્લાદેશમાં ગ્રામીણ બેન્કને લઈ તેમણે આર્થિક ક્ષેત્રે ક્રાંતિ સર્જવાનું કામ કર્યું અને તેના દ્વારા ગરીબ લોકોને કોઈ પણ જાતની જામીન વગર લોન આપવાની શરૂઆત કરી. અગાઉ 2019માં તેઓ ભારતની આર્થિક સ્થિતિને લઈ કોમેન્ટ કરી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં માહોલ અસ્થિર છે અને આવા સંજોગોમાં લોકો રોકાણ કરતા અચકાય છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ કોરોના સંકટ કાળ દરમિયાન વાતચીતનો તબક્કો ચાલુ કર્યો છે. તેઓ સતત વિશ્વભરના તજજ્ઞો સાથે વિભિન્ન મુદ્દે વાત કરી રહ્યા છે જેમાં અર્થતંત્રથી લઈને સ્વાસ્થ્ય ક્ષેત્રની મોટી હસ્તિઓનો સમાવેશ થાય છે. તે સિવાય રાહુલ ગાંધી વિભિન્ન મુદ્દે પોતાનો મંતવ્ય પણ રજૂ કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે ભારત-ચીન વિવાદ મુદ્દે અનેક વીડિયોની સીરિઝ ચાલુ કરી હતી.

 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો