સોનાએ રૂ.54 હજારની સપાટી વટાવી નવો રેકોર્ડ સર્જયો: ચાંદી રૂ.64 હજાર બોલાઈ
(વાણિજય પ્રતિનિધિ) મુંબઈ, તા. 27 જુલાઇ, 2020, સોમવાર
દેશના ઝવેરીબજારોમાં આજે સોનાના ભાવમાં રેકોર્ડ તેજીની ચાલ વેગ સાથે આગળ વધતાં નવો ઈતિહાસ સર્જાયો હતો. સોનાના 10 ગ્રામના ભાવ આજે નવા ઉછાળા સાથે રૂ.54 હજારની સપાટી કુદાવી ગયા હતા.
વિશ્વબજારમાં સોનાના ભાવ વધી ઔંશના ઉચામાં 1950 ડોલર નજીક પહોંચી જતાં ઘરઆંગણે વધેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે તેજીનીઆગ ભભુકતી રહી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના 10 ગ્રામના ભાવ વધુ રૂ.1300 ઉછળી 99.50ના રૂ.54100 તથા 99.90ના રૂ.54300ની નવી ઉંચી ટોચને આંબી ગયા હતા.
સોના સામે આજે ચાંદી પણ ઉછળતાં અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.3000 વધી રૂ.64000 બોલાઈ ગયાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના જે વિતેલા સપ્તાહના અંતે 1900 ડોલર વટાવી 1902 ડોલર રહ્યા હતા તે આજે વધુ ઉંચા જઈ નવી રેકોર્ડ સપાટીને આંબી મોડી સાંજે ભાવ 1943થી 1944 ડોલર બોલાઈ રહ્યાના સમાચાર મળ્યા હતા.
આ પૂર્વે વિશ્વબજારમાં સોનાના ભાવમાં 2011માં 1920થી 1925 ડોલરનો ઓલ ટાઈમ ઉંચો રેકોર્ડ ભાવ જોવા મળ્યો હતો અને આજે બજારે એ સપાટી ઓળંગી નવા ઉંચી સપાટી બતાવતા હવે ભાવ ઝડપથી 2000 ડોલર થઈ જવાની શક્યતા વિશ્વબજારમાં ખેલાડીઓ આજે બતાવી રહ્યા હતા.
વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ આજે ઔંશના વધુ સાત ટકા ઉછળી મોડી સાંજે ભાવ ઔંશના 24 ડોલર વટાવી 24.31થી 24.32 ડોલર બોલાઈ રહ્યા નિર્દેશો મળ્યા હતા.
દરમિયાન, વૈશ્વિક સ્તરે કોરોનાનો ઉપદ્રવ વધતાં અર્થતંત્રને પીછબળ આપવા વિવિધ દેશો દ્વારા સ્ટીમ્યુલ્સ પેકેજો વચ્ચે વધુને વધુ કરન્સીઓ છાપતા થતાં ફુગાવો વધી જવાની ભીતીએ સોનાના ભાવમાં તેજીનો ચરૂ ઉકળતો જોવા મળ્યો છે.
વિશ્વબજારમાં વિવિધ કરન્સીઓ સામે ડોલરનો ઈન્ડેક્સ ઘટી આશરે બે વર્ષના તળીયે ઉતરી જતાં તથા ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધતાં તેની અસર પણ સોનાના ભાવ પર પોઝીટીવ જોવા મળી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.
મુંબઈ બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ વધી 99.50ના રૂ.52152 તથા 99.90ના રૂ.52369 જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ ચાંદી વધી આજે જીએસટી વગર 999ના કિલોના રૂ.64505 જ્યારે જીએસટી સામે આ ભાવથી ત્રણ ટકા ઉંચી રહી હતી.
વિશ્વબજારનો માહોલ જોતાં ઘરઆંગણે હવે ટૂંકમાં સોેનાના ભાવ રૂ.55 હજાર તથા ચાંદીના ભાવ રૂ.65 હજાર ઉપર બોલાતા થવાની તથા મધ્યમ ગાળામાં સોનાના ભાવ રૂ.60 હજાર તથા ચાંદીના ભાવ રૂ.70 હજાર બોલાવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ચાંદીમાં સાત વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો હતો. હવે અમેરિકામાં આ સપ્તાહમાં મળી રહેલી ફેડરલ રિઝર્વની મિટિંગ પર વિશ્વબજારની નજર રહી છે.
દરમિયાન, વિશ્વબજારમાં આજે પ્લેટીનમના ભાવ વધી ઔંશના 944થી 945 ડોલર તથા પેલેડીયમના ભાવ ઉછળી 2300 ડોલર વટાવી 2314થી 2320 ડોલર રહ્યાના સમાચાર મોડી સાંજે મળ્યા હતા. ઘરઆંગણે આયાત જકાત ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી સોના- ચાંદીની ટેરીફ વેલ્યુમાં પણ વધારો કરાયાના નિર્દેશોની બજાર પર તેજીની અસર સાંજે જોવા મળી હતી.
Comments
Post a Comment