ખુશ્બુએ કોંગ્રેસી નેતાઓને રોબોટ-કઠપૂતળી ગણાવ્યા
ખુશ્બુએ કોંગ્રેસી નેતાઓને રોબોટ-કઠપૂતળી ગણાવ્યા
નવીદિલ્હી, તા.31 જુલાઈ 2020, શુક્રવાર
કોંગ્રેસમાં આંતરિક સંકલનનો સંપૂર્ણ અભાવ છે એ વાત મોદી સરકારની નવી શિક્ષણ નીતિ અંગે વિરોધાભાસી નિવેદનોએ ફરી છતી કરી દીધી. કોંગ્રેસે સત્તાવાર રીતે નવી શિક્ષણ નીતિની ટીકા કરી છે ત્યારે ઘણા નેતાએ આ નીતિને આવકાર પણ આપ્યો. આ પૈકી અભિનેત્રીમાંથી રાજકારણી બનેલાં ખુશ્બુ સુંદરે તો આ મુદ્દે કોંગ્રેસના નેતાઓ સામે બાંયો ચડાવીને તેમને 'રોબોટ' અને 'કઠપૂતળી' પણ કહી દીધા.
ખુશ્બુએ શિક્ષણ નીતિને આવકારી તેની કેટલાક કોંગ્રેસી નેતાઓએ ટીકા કરી હતી. ખુશ્બુએ વળતો જવાબ આપ્યો કે, મારો મત કોંગ્રેસના સત્તાવાર મતથી અલગ છે એ માટે હું રાહુલ ગાંધીની માફી માંગું છું પણ હું 'રોબોટ' કે 'કઠપૂતળી' બનીને માથું હલાવવાના બદલે સત્ય આધારિત વાત કરવામાં માનું છું.
ખુશ્બુને આ કોમેન્ટ પછી લોકોએ સવાલ પણ કર્યો કે, ડીએમકેમાંથી કોંગ્રેસમાં ને હવે ભાજપમાં જવાનો ઈરાદો છે કે શું ? ભડકેલાં ખુશ્બુએ આ પ્રકારની કોમેન્ટ્સને સંકુચિત માનસિકતા અને શિક્ષણનો અભાવ ગણાવીને ઝાટકી નાંખી.
કોંગ્રેસની બેઠકમાં આત્મનીરિક્ષણ મુદ્દે ઘમાસાણ
સોનિયા ગાંધીએ ગુરૂવારે બોલાવેલી કોંગ્રેસના રાજ્યસભાના સભ્યોની બેઠકમાં જૂના જોગીઓ અને યુવા નેતાઓ વચ્ચે તુ-તુ મૈં-મૈં થઈ ગયું એ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. આ ચર્ચા એટલી ઉગ્ર થઈ કે, સોનિયાએ વહેલી બેઠક સંકેલી લેવી પડી.
સૂત્રોના મતે, ચિદંબરમ અને કપિલ સિબ્બલે કહ્યું કે, લોકોનો કોંગ્રેસથી મોહભંગ કેમ થઈ ગયો એ મુદ્દે કોંગ્રેસે આત્મનીરિક્ષણ કરવાની જરૂર છે અને તેનાં કારણ જાણવા લોકો સુધી પહોંચવું જરૂરી છે.
આ સાંભળી રાજીવ સાતવે કટાક્ષ કર્યો કે, આત્મનીરિક્ષણની શરૂઆત પોતાનાથી થવી જોઈએ. કોંગ્રેસ પાસે ૨૦૦૯માં ૨૦૬ બેઠકો હતી તે ૨૦૧૪માં ૪૪ થઈ ગઈ. તમે બધા મંત્રી હતા તો તમારે વિચારવું જોઈએ કે, તમે ક્યાં નિષ્ફળ ગયા કે આ હાલત થઈ ગઈ.
આ સાંભળીને જૂના નેતા ઊડક્યા અને ઉગ્ર દલીલો શરૂ થઈ ગઈ. રિપુન બોરા અને નીરજ ડાંગીએ સાતવની મદદમાં પ્રહારો શરૂ કરતાં અરાજકતા વ્યાપી ગઈ. સોનિયાએ દરમિયાનગીરી કરીને સૌને શાંત પાડયા. આ મુદ્દે ફરી ના ઉખળે એટલે સોનિયાએ બેઠક પણ વહેલી સંકેલી લીધી.
મોદી પોતાની જ સરકારનો નિયમ તોડશે
મોદી ૫ ઓગસ્ટે રામમંદિરના શિલાન્યાસ માટે અયોધ્યા જવાના છે ત્યારે એક બહુ રસપ્રદ મુદ્દો સામે આવ્યો છે. મોદી અયોધ્યા જઈને ખરેખર તો પોતાની જ સરકારે બહાર પાડેલા નિયમોનો ભંગ કરી રહ્યા છે.
મોદીએ જૂનના અંતમાં અનલોકની જાહેરાત કરી પછી આરોગ્ય મંત્રાલયે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર્સ (એસઓપી) બહાર પાડી હતી. તેમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે, ૬૫ વર્ષની વધુ વયની વ્યક્તિએ ઘરે જ રહેવું અને ધામક સંસ્થાઓએ આ નિયમનું પાલન કરવું. મોદીની ઉંમર ૭૦ વર્ષ છે તેથી તેમને આ નિયમ લાગુ પડે જ.
મોદી વડાપ્રધાન છે તેથી પોતાની ફરજ બજાવવા માટે આ નિયમનું પાલન ના કરી શકે એમ માનીએ તો પણ મોદી બીજાં લોકો માટે આ તો નિયમનું ચુસ્તપણે પાલન કરાવી જ શકે. અયોધ્યાના કાર્યક્રમમાં હાજર રહેનારા અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણસિંહ ૮૦ વર્ષથી મોટી ઉંમરના છે. સંઘના મોહન ભાગવત, ભૈયાજી જોશી વગેરે પણ ૭૦ વર્ષથી મોટા છે. આ તમામને પોતાની સરકારે બનાવેલો નિયમ પાળવાની ફરજ મોદીએ પાડવી જોઈએ.
સુશાંત કેસ બંગાળમાં ભાજપને નડી શકે
ભાજપ-જેડીયુ અભિનેતા સુશાંત સિંહના મૃત્યુને બિહાર વિધાનસભાની ચૂંટણીનો મુદ્દો બનાવી ચૂક્યાં છે ત્યારે ભાજપના કેટલાક નેતાઓને ચિંતા છે કે, આ મુદ્દો ભાજપને પશ્ચિમ બંગાળમાં ભારે પડી શકે છે.
નીતિશ સરકાર સુશાંતના મોતના કેસમાં અભિનેત્રી રીયા ચક્રવર્તીની પાછળ હાથ ધોઈને પડી ગઈ છે. રીયાને જેલભેગી કરાવવા બિહાર સરકાર પૂરી તાકાત લગાવી રહી છે પણ રીયા બંગાળી હોવાથી આ વાત ભાજપ માટે ફાયદાકારક નથી એવું આ નેતાઓનું માનવું છે. મમતા બેનરજી આ પ્રકારની વાતોનો ફાયદો લેવામાં હોંશિયાર છે તેથી એ રીયા બંગાળી હોવાથી ભાજપ સરકાર તેની પાછળ પડી છે એ પ્રકારનો મુદ્દો ઉભો કરી શકે છે. રીયા બેંગલોરમાં જન્મી અને ઉછરી છે. રીયાના પિતા આર્મી ઓફિસર હતા તેથી પરિવાર બેંગલોરમાં રહ્યો પણ તેમનાં મૂળ બંગાળમાં છે.
આ નેતાઓનું માનવું છે કે, નીતિશે બિહારમાં જ મત લેવાના છે તેથી એ ભલે આ મુદ્દાને ચગાવે પણ ભાજપે બંગાળમાં પણ મત લેવાના છે તેથી ભાજપના નેતાઓએ આ મુદ્દાથી દૂર રહેવાની જરૂર છે.
કોવિંદે ૧૫ વર્ષના રિયાઝને ઈદી આપી ખુશ કરી દીધો
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવમા ધોરણના વિદ્યાર્થી રિયાઝને ઈદ પહેલાં ઈદીના રૂપમાં રેસિંગ સાયકલ આપીને માનવીય સંવેદનાનો પરિચય આપી સૌને પ્રભાવિત કર્યા છે. રિયાઝના પિતા રસોઈયા તરીકે કામ કરે છે જ્યારે રિયાઝ પોતે ગરીબ પરિવારને મદદ કરવા એક ઢાબામાં વાસણ ધોવાનું કામ કરે છે.
રિયાઝને સાયકલિંગનો શોખ છે અને સ્થાનિક સ્પર્ધાઓમાં જીતે છે. દિલ્હી સ્ટેટ સાયકલિંગ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે. રિયાઝ સાયકલિંગ કોચ પાસે તાલીમ લે છે અને ઈન્ડોર સ્ટેડિયમમાં નિયમિત પ્રેક્ટિસ પણ કરે છે. તેની પાસે પોતાની સાયકલ નથી તેથી કોચની સાયકલ વાપરતો હતો. રિયાઝના સંઘર્ષની વાત એક અખબારમાં છપાઈ હતી. કોવિંદે એ વાંચીને રિયાઝને મદદ કરવાનું નક્કી કરી નાંખ્યું હતું.
રાષ્ટ્રપતિએ રિયાઝ માટે અઠવાડિયા પહેલાં જ નવી સાયકલ ખરીદી લીધી હતી. ગુરૂવારે રાષ્ટ્રપતિ ભવનમાંથી રિયાઝને તેડું મોકલાયું ત્યારે રિયાઝને કેમ બોલાવાયો તે જ ખબર નહોતી. કોવિંદે તેને ઈદી આપીને ખુશ કરી દીધો. કોવિંદે રિયાઝને ભારત માટે મેડલ જીતી લાવવાની શુભેચ્છા પણ આપી છે.
***
કલરાજ મિશ્રાએ પણ રાજભવન વિરૂધ્ધ ઘરણા કર્યા હતા
વાત ૧૯૯૫ની છે જ્યારે ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહ યાદવ મુખ્યમંત્રી હતી અને કલરાજ મિશ્રા વિરોઘ પક્ષમાં. તાજેતરમાં ે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જયપુરના રાજભવનમાં રાજયપાલ કલરાજ મિશ્રા વિરૂધ્ધ ઘરણા કર્યા હતા ત્યારે એ ઘટનાક્રમનો એક ચક્કર પુરો થયો હતો.
એ વખતે મિશ્રા ભાજપના નેતા હતા અને તેમને રાજ્યપાલ મોતીલાલ વોરા સમક્ષ મુલાયમ સિંહ યાદવની સરકારની ડિસ્મીસ કરી રાષ્ટ્રપતિ શાસનની માગ કરી હતી. અશોક ગેહલોતે જયપુરમાં રાજભવનમાં ઘરણા કર્યા ત્યાર બાદથી સોશિયલ મીડિયામાં એ ફોટો ફરતો થયો છે.
જુના જોગીઓને યાદ હશે કે ૧૯૯૮માં રાજ્યપાલ રોમેશ ભંડારીએ કલ્યાણ સિંહની સરકારને બરતરફ કરી હતી ત્યારે જે લોકો ધરણામાં બેઠા હતા તેમાં મિશ્રા પણ હતા. આ વખતે મિશ્રાએ વિધાનસભાનું સત્ર બોલાવવા ગેહલોતને ૨૧ દિવસનો સમય આપ્યો હતો કે જેથી હોર્સ ટ્રડિંગ થાય. નિષ્ણાંતો કહે છે કે મિશ્રાને વધારે રસ તો કેન્દ્રમાં છે, રાજસ્થાનમાં કે બંધારણમાં નથી.
વિવાદિત પક્ષકાર એટલે કોણ?
અયોધ્યાના વહીવટી તંત્ર ટીવી ચેનલો પાસેથી સ્પષ્ટ લખાણ માગ્યું હતું કે તેઓ પોતે ટીવી કવરેજ અને પેનલ ચર્ચામાં અંગત રસ લેશે. તેમણે એ વાતની પણ ખાતરી કરાવવાની રહેશે કે તેમાં કોઇ વિવાદિત મુદ્દા કે પક્ષકાર ના આવે.રાજ્ય સરકાર દ્વારા અત્યંત સંવેદનશીલ મુદ્દાનો લાભ લેવા અને સમાચારો કેવી રીતે ચલાવવા જોઇએ તેની પર સંપૂર્ણ કબજો લઇ લીધા છતાં મીડિયા હાઉસીસ મોન છે.
સવાલ એ છે કે સરકરાની નજરમાં વિવાદીત પક્ષકાર અથવા વિવાદાસ્પદ મુદ્દો કયો? કોઇ કોર્ટમાં જેમણે વિરોધ કર્યો હતો તે કે પછી ૧૬મી સદીની ભવ્ય મસ્જિદને તોડી પાડી હતી અને તે માં સામેલ લોકો?અમને છેલ્લે તો એવું જાણવા મળ્યું હતું કે પક્ષકારોને પણ આમંત્રણ અપાયા હતા.શું તેઓ ભૂમિપુજનમાં સામેલ થઇ શકે છે? શું તેઓ પક્ષકાર ન ગણાય?વિપક્ષો અંગે શું? શું તેઓ સામુહિત રીતે વિવાદીત પક્ષકારો છે?
મોદી કે અડવાણી ભૂમિપુજનમાં ભાગ લઇ શકશે નહીં
તમામ ધાર્મિક પ્રસંગો માટે જૂન મહિનામાં આરોગ્ય મંત્રલયે જારી કરેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) પર અમલ કરવામાં આવે તો ભૂમિપુજનમા ભાજપના ટોચના નેતાઓ અડવાણી,મુરલી મનોહર જોશી કે ભાગવત અને મોદી પણ તેમાં સામેલ થઇ શકશે નહીં.
ઉપરાંત ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ તેમજ સંઘ પરિવારના ભૈયાજી પણ ૭૦ વર્ષ કરતાં મોટા હોવાથી તેઓ પણ આવી શકે નહીં.એસઓપી અનુસાર,૬૫ વર્ષથી ઉપરની વયના વ્યક્તિ, કોઇ બિમારી ધરાવતા દર્દી, ગર્ભવતી મહિલા અને દસ વર્ષથી નીચેની વયના બાળકો ધાર્મિક પ્રસંગોમાં અથવા તો જંગી ભીડ વાળી જગ્યાએ જઇ શકશે નહીં.
શા માટે પાયલોટ ભાજપમાં જતાં ખચકાય છે?
રાજસ્થાનના રાજકારણના જાણકારો પાયલોટ શા માટે ભાજપમાં નહીં જાય તેના અનેક કારણો આપે છે. તેઓ કહે છે કે પાયલોટની અલ્ટીમેટ ઇચ્છા તો ગેહલોત સરકારને પાડી દેવાની છે.જો તેઓ ભાજપમાં જોડાય તો એ તક જતી રહે. પાયલોટ માને છે કે ભાજપમાં જોડાયા વગર પણ સરકારેને પાડી શકાય છે.જો તે ભાજપમાં જોડાય તો કોંગ્રેસમાં પાછા આવવાના તમામ દરવાજા બંધ થઇ જશે.
પણ જો તે પોતાના પક્ષની સ્થાપના કરે તો ભવિષ્યમાં તે કોંગ્રેસમાં પાછા ફરી શકે છે. ભૂતકાળમાં એન ડી તિવારી,માધવરાય સિંધિયા, વગેરે પાછા આવ્યા હતા.તેઓ મમતા બેનર્જી અને શરદ પવારનું પણ અનુંકરણ કરી શકે છે. શક્ય છે કે ક્ષેત્રિય પક્ષ બનાવતા ભાજપ તેને ટ્કો આપે અને તેને મુખ્યમંત્રી બનાવી દે.જો કે તે આટલું સરળ તો નહીં જ હોય.
- ઇન્દર સાહની
Comments
Post a Comment