અફઘાનિસ્તાન પર PAK સેનાનો રોકેટમારો, 9 લોકોના મોત, 50થી વધુ ઘાયલ
નવી દિલ્હી, તા. 31 જુલાઈ 2020, શુક્રવાર
અફઘાનિસ્તાને પાકિસ્તાન પર માનવ વસાહતવાળા વિસ્તારોમાં રોકેટ હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. અફઘાનિસ્તાનની ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે કંધારના સ્પિન બોલ્ડક જિલ્લાના માનવ વસ્તી ધરાવતા વિસ્તારમાં પાકિસ્તાની સેનાએ રોકેટ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં 9 સામાન્ય લોકોના મોત થયા છે જ્યારે 50થી વધારે લોકો ઘાયલ હોવાનું કહેવામાં આવ્યું છે.
જાણવા મળ્યા મુજબ અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે પાકિસ્તાની સેના વિરૂદ્ધ જવાબી કાર્યવાહી માટે અફઘાની દળોને સંપૂર્ણપણે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો છે. સંરક્ષણ મંત્રાલયે બહાર પાડેલા આંકડા પ્રમાણે આવાસીય ક્ષેત્રો પર પાકિસ્તાની સૈનિકો દ્વારા જે રોકેટ હુમલો કરવામાં આવ્યો તેમાં 9 નાગરિકો માર્યા ગયા અને અન્ય 50થી વધુ ઘાયલ થયા હતા.
દેશના સશસ્ત્ર દળોના પ્રમુખ જનરલ મોહમ્મદ યાસિન જિયા લેવીએ પાકિસ્તાની સેના વિરૂદ્ધ જવાબી કાર્યવાહી કરવા માટે તમામ સૈન્ય દળો, ખાસ કરીને 205 અટલ, 201 સલાબ અને 203 થંડર કેમ્પને સંપૂર્ણપણે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો છે. તે સિવાય અફઘાની દળોને ભારે હથિયારો વડે સજ્જ કરવામાં આવી રહ્યા છે.
અફઘાની સંરક્ષણ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે મોહમ્મદ યાસિન જિયાના નેતૃત્વમાં વાયુ સેના અને વિશેષ દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જો પાકિસ્તાની સેના અફઘાનિસ્તાનની ધરતી કે આકાશ પર પોતાના રોકેટ લોન્ચર ચાલુ રાખશે તો તેણે અફઘાની સેનાની જવાબી કાર્યવાહીનો સામનો કરવો પડશે.
Comments
Post a Comment