એલોન મસ્કે રદ કરી 44 અબજ ડોલરની ટ્વિટર ડીલ, કંપની કોર્ટમાં જવા તૈયાર


- ટ્વિટર બોર્ડના ચેરમેન બ્રેટ ટેલરના કહેવા પ્રમાણે એલોન મસ્ક તથા ટ્વિટર વચ્ચે જે સમજૂતી થઈ હતી તેને લાગુ કરવા માટે તેઓ કોર્ટનો સહારો લેશે

નવી દિલ્હી, તા. 09 જુલાઈ 2022, શનિવાર

ટેસ્લાના મુખ્ય કાર્યકારી અધિકારી અને વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ એલોન મસ્કે શુક્રવારના રોજ ટ્વિટર ડીલ કેન્સલ કરવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. મસ્કના કહેવા પ્રમાણે તેઓ ટ્વિટર ખરીદવા માટેની પોતાની 44 બિલિયન ડોલરની ડીલને રદ કરી રહ્યા છે. મસ્ક દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, કંપની પોતાના પ્લેટફોર્મ્સ પરના બોગસ એકાઉન્ટ્સ અંગેની જાણકારી આપવામાં અસફળ રહી છે.

આ પણ વાંચોઃ મસ્કના 44 અબજ ડોલરમાં ટ્વિટરને ખરીદવાના પ્રસ્તાવને બોર્ડની મંજૂરી

કોર્ટમાં જવા ટ્વિટરની તૈયારી 

જોકે ટ્વિટર બોર્ડના ચેરમેન બ્રેટ ટેલરના કહેવા પ્રમાણે એલોન મસ્ક તથા ટ્વિટર વચ્ચે જે સમજૂતી થઈ હતી તેને લાગુ કરવા માટે તેઓ કોર્ટનો સહારો લેશે. ટેલરે જણાવ્યું કે, કંપની કોઈ પણ સંજોગોમાં તે મર્જરને પ્રસ્થાપિત કરવા ઈચ્છે છે અને તેના માટે હવે કાયદાની મદદ લેવામાં આવશે. 

આ પણ વાંચોઃ ટ્વીટરના શેરની કિંમત ઘટવાના પગલે શેરહોલ્ડર્સે એલોન મસ્ક સામે નોંધાવી ફરિયાદ

મસ્કે ટ્વિટરને મોકલ્યો હતો પત્ર

ટેસ્લા પ્રમુખ મસ્કે શુક્રવારના રોજ ટ્વિટરને એક પત્ર મોકલ્યો હતો જેમાં લખ્યું હતું કે, 'મસ્ક વિલય અંગેના કરારને રદ કરી રહ્યા છે કારણ કે, ટ્વિટર દ્વારા તે અંગેના કરારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેણે અનેક જોગવાઈઓનું પાલન નથી કર્યું. મસ્ક 2 મહિનાથી માગી રહ્યા છે તે જાણકારી ટ્વિટર દ્વારા ઉપલબ્ધ નથી કરાઈ.' આ તરફ કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલે ભારપૂર્વક જણાવ્યું છે કે, કંપની તે ડીલને પૂરી કરવા ઈચ્છે છે. 

ટ્વિટરનો જવાબ

મસ્કના પત્રના જવાબમાં ટેલરે ટ્વિટ કર્યું હતું કે, 'ટ્વિટર બોર્ડ, એલોન મસ્ક સાથે સહમત કિંમત અને શરતો પર ડીલ પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે. આ કરારને પૂરો કરવા માટે કંપની કાયદાકીય કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી છે. અમને વિશ્વાસ છે કે, અમે ડેલાવેયર કોર્ટ ઓફ ચાન્સરીમાં વિજય મેળવીશું.'

આ પણ વાંચોઃ મસ્કનું ટ્વિટરને અલ્ટીમેટમ : સોદો આગળ નહિ વધે જ્યાં સુધી તમે......

ટેસ્લા સીઈઓ મસ્કે 44 અબજ ડોલરમાં (આશરે 3,48,700 કરોડ રૂપિયા) ટ્વિટર ખરીદવા રજૂઆત કરી છે. મસ્કના કહેવા પ્રમાણે જો કંપની ડેઈલી એક્ટિવ યુઝર્સમાં 5 ટકાથી ઓછા સ્પામ એકાઉન્ટ છે તે દર્શાવવામાં અસફળ રહે તો તેઓ ડીલથી દૂર થઈ જશે. મસ્કે પુરાવા દર્શાવ્યા વગર જ કહ્યું હતું કે, ટ્વિટર આ પ્રકારના સ્પામ બોટ્સની સંખ્યાને ખૂબ જ ઘટાડીને ગણાવી રહ્યું છે જ્યારે તે આંકડો 20%થી પણ વધારે હોઈ શકે છે.

 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો