શ્રીલંકામાં ઈમરજન્સી જાહેર, પ્રદર્શનકારીઓએ સંસદ ભવન-PM હાઉસને ઘેર્યા


- તોફાન કરી રહેલા લોકોની ધરપકડ કરીને તેમના વાહનો જપ્ત કરવા માટે આદેશ 

કોલંબો, તા. 13 જુલાઈ 2022, બુધવાર

શ્રીલંકાનું આર્થિક અને રાજકીય સંકટ વધારે વિકટ બની રહ્યું છે. આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને સહપરિવાર માલદીવ ભાગી ગયા છે જેથી જનતા વધારે ઉશ્કેરાઈ છે. ગોટાબાયાએ હજુ સુધી રાજીનામુ નથી આપ્યું અને તેઓ દેશ છોડીને ભાગી ગયા છે જેથી લોકો ખૂબ જ રોષે ભરાયા છે. 

વધુ વાંચોઃ રાજીનામુ આપવાની પહેલા જ રાષ્ટ્રપતિ સહપરિવાર દેશ છોડીને ભાગ્યા

ઉશ્કેરાયેલા લોકોએ આજે સંસદ ભવન અને પીએમ હાઉસને ઘેરી લીધા છે અને આ પ્રકારના ઉગ્ર માહોલ વચ્ચે શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. રાજપક્ષે હાલ માલદીવમાં છે અને ત્યાંથી દુબઈ જવાના છે. ઉશ્કેરાયેલા લોકોએ અગાઉ વડાપ્રધાનના અંગત આવાસ પર કબજો જમાવીને તેને આગના હવાલે કર્યું હતું. 

વધુ વાંચોઃ શ્રીલંકામાં પ્રદર્શનકારીઓએ PM વિક્રમસિંઘેના ઘરને આગ ચાંપી

શ્રીલંકામાં ઈમરજન્સી જાહેર

ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા ત્યાર બાદ શ્રીલંકાની જનતાએ સંસદ અને પીએમ હાઉસ પર આક્રમણ કર્યું છે. તેમના પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ શ્રીલંકામાં ઈમરજન્સીની જાહેરાત કરવી પડી છે. સાથે જ તોફાન કરી રહેલા લોકોની ધરપકડ કરીને તેમના વાહનો જપ્ત કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. 

પીએમ હાઉસ પહોંચ્યા પ્રદર્શનકારીઓ

મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ પીએમ રાનિલ વિક્રમસિંઘેના આવાસ પર પહોંચ્યા છે અને ત્યાં મોટા પાયે સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે. સુરક્ષાદળોએ ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ પણ કર્યો હતો. સાથે જ શ્રીલંકાના પશ્ચિમી પ્રાંતમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે.  

રાષ્ટ્રપતિ પદ માટે સ્પીકરના નામનો વિરોધ

ગોટાબાયા રાજીનામુ આપ્યા વગર દેશ છોડીને ભાગી ગયા તેના લીધે લોકોમાં રોષ વ્યાપ્યો છે. ઉપરાંત તેઓ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નથી જોવા માગતા. કાયદા પ્રમાણે શ્રીલંકામાં રાષ્ટ્રપતિના રાજીનામા બાદ વડાપ્રધાનને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવવામાં આવે છે. 

ઉપરાંત સ્પીકર અભયવર્ધનેને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવે તેવા સમાચાર વહેતા થયા છે. લોકોને તે મુદ્દે પણ વિરોધ છે. શ્રીલંકામાં સર્વપક્ષીય સરકાર બનવાની છે. તેમાં વિપક્ષી પાર્ટીઓ ઈચ્છે છે કે, જો સ્પીકરને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે તો નેતા વિપક્ષ સજિદ પ્રેમદાસાને વડાપ્રધાન બનાવવામાં આવે. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો