ઈટાલી, નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયામાં પણ ઓમિક્રોનના કેસ, ન્યૂયોર્કમાં ઈમર્જન્સી
વોશિંગ્ટન, તા. ૨૮
દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યાના કેટલાક જ દિવસમાં કોરોના વાઈરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન યુરોપના અનેક દેશોમાં ફેલાઈ ગયો છે. પરિણામે દુનિયાભરની સરકારો આ વેરિઅન્ટને નિયંત્રિત કરવા માટે આકરાં પગલાં ઉઠાવવા મજબૂર થઈ ગઈ છે. ઓમિક્રોનના ભયથી ન્યૂયોર્કમાં ઈમર્જન્સી જાહેર કરાઈ છે. વધુમાં વૈજ્ઞાાનિકોએ ઓમિક્રોનને અત્યંત 'ચિંતાજનક' વેરિઅન્ટ ગણાવ્યો છે અને તેનાથી 'મહામારી ૨.૦' વધવાનું જોખમ હોવાનું કહ્યું છે. નિષ્ણાતોની ચેતવણી પછી ન્યૂયોર્કમાં ઈમર્જન્સીની જાહેરાત કરાઈ છે.
બ્રિટનમાં શનિવારે ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ સામે આવ્યા પછી દેશભરમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું છે તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમન સંબંધિત નિયમો આકરા બનાવી દેવાયા છે. વધુમાં બ્રિટનમાં આવનારા વિદેશી પ્રવાસીઓ માટે આરટી-પીસીઆર ટેસ્ટ અને રિપોર્ટ આવે ત્યાં સુધી આઈસોલેશનમાં રહેવાનું ફરજિયાત કરાયું છે. ઉપરાંત બ્રિટન બુસ્ટર ડોઝ માટે પણ અભિયાન શરૂ કરી રહ્યું છે. બ્રિટન પછી જર્મની અને ઈટાલીમાં પણ ઓમિક્રોનના કેસ નોંધાયા હોવાની પુષ્ટી થઈ છે.
યુરોપમાં બ્રિટન પછી જર્મની અને ઈટાલીમાં પણ ઓમિક્રોનના કેસ નોંધાયા છે. આફ્રિકન દેશ મોઝામ્બિકથી ઈટાલી પાછી ફરેલી એક વ્યક્તિ ઓમિક્રોનની ઝપેટમાં આવી હોવાનું જણાયું છે. જર્મનીના મ્યુનિકના મેક્સ વોન પેટ્ટેનકોફર ઈન્સ્ટિટયૂટે પણ ૨૪મી નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પાછા ફરેલા બે પ્રવાસીઓ ઓમિક્રોનથી સંક્રમિત હોવાની પુષ્ટી કરી છે. નેધરલેન્ડના સ્વાસ્થ્ય વિભાગે ૧૩ લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હોવાની પુષ્ટી કરી છે. દક્ષિણ આફ્રિકાથી બે વિમાનમાં આવેલા પ્રવાસીઓને એમ્સ્ટર્ડમમાં આઈસોલેશનમાં રખાયા છે. ઓસ્ટ્રેલિયામાં પણ બે દર્દી ઓમિક્રોનની ઝપેટમાં આવ્યા હોવાનું જણાયું છે. નવા વેરિઅન્ટના કેસ નોંધાયા પછી ઈઝરાયલે વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
અમેરિકામાં ન્યૂયોર્કના ગવર્નરે ઈમર્જન્સીની જાહેરાત કરી હતી. ન્યૂયોર્કમાં એપ્રિલ ૨૦૨૦ પછી કોરોનાના કેસ તેની ટોચ પર પહોંચી ગયા છે. એમ્પાયર સ્ટેટમાં ૩જી ડિસેમ્બરથી આંશિક લોકડાઉન લાગુ થવાની શક્યતા છે. કોરોના મહામારીના ટોચના સરકારી નિષ્ણાત ડૉ. એન્થની ફાઉચીએ કહ્યું કે, અમેરિકામાં કોરોના વાઈરસના ઓમિક્રોન સ્વરૂપના કેસ પહેલાંથી જ હોય તો તે આંચકાજનક નહીં હોય. અમેરિકામાં હજુ સુધી ઓમિક્રોનનો કોઈ કેસ નોંધાયો નથી, પરંતુ જે વાઈરસ આ સ્તરે ફેલાઈ રહ્યો હોય તો તે બધી જ જગ્યાએ ફેલાયેલો હશે.
દુનિયાભરમાં ઓમિક્રોન સ્વરૂપ સામે કોરોના વિરોધી રસીની ક્ષમતા અંગે ચિંતા ફેલાયેલી છે અને અનેક દેશોમાં લોકડાઉન સંબંધિ પ્રતિબંધો લાગુ કરવામાં આવે તેવી આશંકા ફેલાઈ છે. ઓમિક્રોન સ્વરૂપ અંગે અનેક દેશો દ્વારા ઉડ્ડયનો પર પ્રતિબંધ મુકાવા છતાં કોરોના વાઈરસનું આ સ્વરૂપ અનેક દેશોમાં ફેલાઈ ગયું હોવાનું મનાય છે. બેલ્જિયમ, હોંગકોંગ, બોત્સવાના અને ઈઝરાયેલમાં આ વેરિઅન્ટના કેસ અગાઉ જ નોંધાઈ ચૂક્યા છે.
દરમિયાન દુનિયામાં કોરોનાના નવા બે લાખ કેસ નોંધાયા હતા અને વધુ ૩,૧૭૫ દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. આ સાથે કોરોનાના કુલ કેસ ૨૬,૧૫,૫૩,૭૫૪ થયા હતા જ્યારે મૃત્યુઆંક ૫૨,૧૫,૮૩૭ થયો છે. દુનિયામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૨૩,૬૨,૫૪,૪૦૧ દર્દીઓ સાજા થઈ ગયા છે.
Comments
Post a Comment