આજથી સંસદનું સત્ર : વીજળી, ક્રિપ્ટો સહિત 26 બિલો રજુ થશે


કૃષિ કાયદા રદ કરતું બિલ આજે લોકસભામાં મુકાશે, પક્ષ-વિપક્ષ બન્નેનો સાંસદોને હાજર રહેવા વ્હીપ

ટેકાના ભાવ માટે કાયદો ઘડવા મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે, આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ માટે પ્રસ્તાવની માગ

મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં 33 ટકા અનામત આપતા બિલ પર ચર્ચા કરો : વિપક્ષ

નવી દિલ્હી : સોમવારથી સંસદમાં શિયાળુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. સરકાર કૃષિ કાયદાઓને પરત લેનારા બિલને આ સત્ર દરમિયાન રજુ કરશે સાથે જ અન્ય 25 જેટલા બિલ રજુ કરવામાં આવશે. સરકાર કૃષિ કાયદા પરત લેવા તૈયાર થઇ ગઇ છે

પણ ટેકાના ભાવ માટે કાયદો લાવવાની માગ ખેડૂતો કરી રહ્યા છે જેને વિપક્ષ સમર્થન આપશે અને આ સત્રમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બની રહેશે. રવિવારે આ સત્રને લઇને સર્વપક્ષીય બેઠક યોજાઇ હતી જેમાં વિપક્ષે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધુ છે અને ઘણા મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી દર્શાવી છે. 

શિયાળુ સત્રની શરૂઆતના પહેલા જ દિવસે સરકાર કૃષિ કાયદા રદ કરતા બિલને લોકસભામાં રજુ કરશે. જેને વિપક્ષ દ્વારા પણ સમર્થન મળી શકે છે કેમ કે આ બિલથી સરકાર વિવાદિત ત્રણેય કૃષિ કાયદા રદ કરી દેશે. જેની માગ છેલ્લા એક વર્ષથી ખેડૂતો કરી રહ્યા હતા.

અન્ય જે બિલો રજુ થવાના છે તેમાં વિજળી, પેંશન, ક્રિપ્ટોકરંસી, બેંકિંગ કાયદામાં સુધારા  વગેરે મુખ્ય બિલોનો સમાવેશ થાય છે. સૌથી ચર્ચાસ્પદ બિલોમાં કૃષિ કાયદા પરત લેતુ બિલ ઉપરાંત ખાનગી ક્રિપ્ટોકરંસી પર પ્રતિબંધ મુકતા બિલનો પણ સમાવેશ થાય છે. 

ક્રિપ્ટોકરંસી બિલમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી સત્તાવાર ડિજિટલ કરંસી માટે એક સહાયક માળખુ તૈયાર કરવાની વાત કરવામાં આવી છે. જ્યારે ભારતમાં બધી જ ખાનગી ક્રિપ્ટોકરંસી પર પ્રતિબંધ મુકી દેવામાં આવશે.

વિપક્ષ દ્વારા જે પણ મહત્વપૂર્ણ મુદ્દા ઉઠાવવામાં આવશે તેમાં ટેકાના ભાવ માટે કાયદો ઉપરાંત કૃષિ કાયદાના વિરોધમાં ચાલતા આંદોલનમાં જે 700 જેટલા ખેડૂતો માર્યા ગયા તેમને આર્થિક સહાય અને શ્રદ્ધાંજલિ ઠરાવનો પણ સમાવેશ થાય છે. રવિવારે જ વિપક્ષોએ ટેકાના ભાવ માટે કાયદો ઘડવાની માગ કરી છે. 

આ ઉપરાંત વિપક્ષે માગણી કરી છે કે સરકારે આ સત્રમાં મહિલા અનામત બિલને પણ રજુ કરવું જોઇએ. આ માગ કરનારા પક્ષોમાં ટીએમસી, વાએસઆર કોંગ્રેસ, ડીએમકેનો પણ સમાવેશ થાય છે. 2010થી મહિલા અનામત બિલ સંસદમાં પડતર છે. જેમાં મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં 33 ટકા અનામતની જોગવાઇ કરાઇ છે.

આ અનામત 15 વર્ષ સુધી મહિલાઓને આપવાની માગ કરાઇ છે. હવે આ બિલને ફરી ચર્ચા માટે સંસદમાં રજુ કરવાની માગ વિપક્ષ કરી રહ્યો છે. સંસદનું આ શિયાળુ સત્ર 29મી તારીખે એટલે કે સોમવારથી શરૂ થશે જે 23મી ડિસેંબર સુધી ચાલશે.  બીજી તરફ સત્તાધારી ભાજપ અને વિપક્ષોએ પોત પોતાના સાંસદોને આ શિયાળુ સત્રમાં સંસદમાં હાજર રહેવા વ્હીપ જારી કર્યો છે. જેથી દરેક સાંસદોએ ફરજિયાત સંસદમાં હાજર રહેવું પડશે. 

કૃષિ કાયદાની જેમ સીએએ રદ કરો : સંગમા

શિયાળુ સત્રના એક દિવસ અગાઉ મળેલી સર્વપક્ષીય બેઠકમાં હાજર એનડીએના સાથી પક્ષ નેશનલ પીપલ્સ પાર્ટીના નેતા અગાથા સંગમાએ માગ કરી હતી કે કૃષિ કાયદાની જેમ સરકારે સીએએ પણ પરત લેવો જોઇએ. 

મેઘાલયના સાંસદ સંગમાએ સરકાર સમક્ષ વિનંતી કરી હતી કે લોકોની માગને ધ્યાનમાં  રાખી કૃષિ કાયદા રદ થઇ શકે તો સીએએ એટલે કે નાગરિક્તા સંસોધન કાયદાને પણ રદ કરવો જોઇએ. જોકે સરકાર તરફથી આ માગ અંગે કોઇ જવાબ નહોતો આપવામાં આવ્યો. 

સીએેએનો પૂર્વોત્તર રાજ્યો સહિત દેશમાં ઘણા રાજ્યોમાં વિરોધ થયો હતો. આ કાયદા અંતર્ગત પાડોશી દેશોના લઘુમતી નાગરિકોને ભારતની નાગરિક્તા આપવાની જોગવાઇ કરાઇ છે જેમાં પાક., બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન વગેરે દેશોના હિન્દૂ, શીખ વગેરેનો સમાવેશ થાય છે. જોકે તેમાં મુસ્લિમોનો સમાવેશ ન કરાતા વિવાદ સર્જાયો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે