મન કી બાતમાં વડાપ્રધાને કહ્યું- "મને સત્તામાં જવાના આશીર્વાદ ન આપશો, હું ગરીબોની સેવા માટે છું"


- "જ્યારે પ્રકૃતિનું સંતુલન જોખમાય છે કે તેની પવિત્રતા નષ્ટ થાય છે ત્યારે જ પ્રકૃતિથી આપણા માટે જોખમ સર્જાય છે"

નવી દિલ્હી, તા. 28 નવેમ્બર, 2021, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમ અંતર્ગત ફરી એક વખત દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આ મન કી બાત કાર્યક્રમનો 83મો એપિસોડ હતો. આ સમગ્ર કાર્યક્રમનું પ્રસારણ ઓલ ઈન્ડિયા રેડિયો, દૂરદર્શન, ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝ અને મોબાઈલ એપ પર કરવામાં આવે છે. વડાપ્રધાન મોદી દરેક મહિનાના અંતિમ રવિવારે આ કાર્યક્રમને સંબોધિત કરે છે.

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને દેશના શહીદોને નમન કરતા કહ્યું કે, તેમને અમૃત મહોત્સવમાંથી પ્રેરણા મળે છે. ડિસેમ્બર મહિનામાં દેશ નૌસેના દિવસ અને સશસ્ત્ર સેના ઝંડા દિવસ પણ ઉજવે છે. વડાપ્રધાને કહ્યું કે, આપણને સૌને ખબર છે કે 16 ડિસેમ્બરના રોજ દેશ 1971ના યુદ્ધની સ્વર્ણિમ જયંતિનું વર્ષ પણ ઉજવશે. 

અમૃત મહોત્સવની ગૂંજ

પીએમ મોદીએ જણાવ્યું કે, અમૃત મહોત્સવ શીખવાની સાથે જ આપણને દેશ માટે કશુંક કરવાની પ્રેરણા આપે છે. હવે તો દેશભરમાં સામાન્ય લોકો હોય કે સરકારો, પંચાયતથી લઈને સંસદ સુધી અમૃત મહોત્સવની ગૂંજ છે અને આ મહોત્સવ સાથે સંકળાયેલા કાર્યક્રમોનો સિલસિલો લગાતાર ચાલુ જ છે. 

જનજાતિય ગૌરવ સપ્તાહ

વડાપ્રધાને કહ્યું કે, આઝાદી દરમિયાન આપણા જનજાતિય સમુદાયના યોગદાનને ધ્યાનમાં રાખીને દેશે જનજાતિય ગૌરવ સપ્તાહ પણ ઉજવ્યો. દેશના વિવિધ વિસ્તારોમાં તેના સાથે સંકળાયેલા કાર્યક્રમો પણ થયા. આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહમાં જારવા અને ઓંગે જેવા જનજાતિય સમુદાયના લોકોએ પોતાની સંસ્કૃતિનું જીવંત પ્રદર્શન કર્યું. 

વૃંદાવન ભગવાનના પ્રેમનું પ્રત્યક્ષ સ્વરૂપ

પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે, એવું કહેવામાં આવે છે કે, તે ભગવાનના પ્રેમનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. આપણા સંતોએ પણ કહ્યું છે કે, યહ આશા ધરી ચિત્ત મેં, કહત જથા મતિ મોર. વૃંદાવન સુખ રંગ કૌ, વૃંદાવન સુખ રંગ કૌ, કાહુ ન પાયૌ ઔર. 

સત્તામાં જવાના આશીર્વાદ ન આપશો

વડાપ્રધાને આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી રાજેશ કુમાર પ્રજાપતિ સાથે વાત કરતી વખતે તેના ફાયદાઓ પુછ્યા હતા. પ્રજાપતિએ પોતાને અનેક ફાયદા થયા હોવાનું જણાવ્યું હતું અને પોતે મોદીજીને હંમેશા સત્તામાં જોવા ઈચ્છે છે તેમ કહ્યું હતું. તેના અનુસંધાને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને સત્તામાં જવાના આશીર્વાદ ન આપશો, હું ગરીબોની સેવા માટે છું. 

ઝાંસી અને બુંદેલખંડનું યોગદાન

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણા સ્વતંત્રતા સંગ્રામમાં ઝાંસી અને બુંદેલખંડનું કેટલું મોટું યોગદાન છે તે આપણે સૌ જાણીએ છીએ. અહીં રાણી લક્ષ્મીબાઈ અને ઝલકારી બાઈ જેવી વીરાંગનાઓ પણ આવી અને મેજર ધ્યાનચંદ જેવા ખેલ રત્ન પણ પ્રદેશે જ દેશને આપ્યા છે. 

વીરતા માત્ર યુદ્ધના મેદાનમાં દેખાડવી જરૂરી નથી

વડાપ્રધાને જણાવ્યું કે, વીરતા માત્ર યુદ્ધના મેદાનમાં જ દેખાડવામાં આવે તે જરૂરી નથી. જ્યારે વીરતાનો વિસ્તાર થાય છે તો દરેક ક્ષેત્રમાં અનેકો કાર્ય સિદ્ધ થવા લાગે છે.  

પ્રકૃતિ સંતુલન બગડવાનું જોખમ

મન કી બાત દરમિયાન જણાવ્યું કે, જ્યારે પ્રકૃતિનું સંતુલન જોખમાય છે કે તેની પવિત્રતા નષ્ટ થાય છે ત્યારે જ પ્રકૃતિથી આપણા માટે જોખમ સર્જાય છે. પ્રકૃતિ માતાની જેમ આપણું પાલન કરે છે અને આપણી દુનિયામાં નવા નવા રંગ પણ ભરે છે. 

સરકારી યોજનાઓથી લોકોનું જીવન બદલાયું

વડાપ્રધાને જણાવ્યું કે, સરકારના પ્રયત્નોથી, સરકારી યોજનાઓથી કેવી રીતે કોઈ જીવન બદલાયું, તે બદલાયેલા જીવનનો અનનુભવ શું છે આ બધું જ્યારે સાંભળીએ છીએ ત્યારે અમે પણ સંવેદનાઓથી ભરાઈ જઈએ છીએ. તે મનને સંતોષ પણ આપે છે અને તે યોજનાઓને લોકો સુધી પહોંચાડવાની પ્રેરણા પણ આપે છે. 

યુવાનોથી સમૃદ્ધ દેશમાં 3 વસ્તુઓ ખૂબ મહત્વની

યુવાનોથી સમૃદ્ધ દેશમાં 3 વસ્તુઓ ખૂબ જ મહત્વની છે. પહેલી વસ્તુ છે- આઈડિયાઝ અને ઈનોવેશન, બીજી છે- જોખમ લેવાનો જુસ્સો, ત્રીજી છે- કેન ડુ સ્પિરિટ, એટલે કે કોઈ પણ કામ પૂરૂ કરવાની જિદ. જ્યારે આ 3 વસ્તુઓ આપસમાં મળે છે ત્યારે અભૂતપૂર્વ પરિણામ મળે છે. 

સ્ટાર્ટઅપની દુનિયામાં ભારત ખૂબ આગળ

વડાપ્રધાને કહ્યું કે, સ્ટાર્ટઅપની દુનિયામાં ભારત આજે વિશ્વમાં એક પ્રકારનું નેતૃત્વ કરી રહ્યું છે. દર વર્ષે સ્ટાર્ટઅપને રેકોર્ડ સમાન રોકાણ મળી રહ્યું છે. આ ક્ષેત્ર ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશના દરેક નાના નાના શહેરોમાં પણ સ્ટાર્ટઅપની પહોંચ વધી છે. 

તે સિવાય વડાપ્રધાને 6 ડિસેમ્બરના રોજ બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ યાદ આવી રહી છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો