સરકારે ખેડૂતોની વધુ એક માગ સ્વિકારી, હવે પરાળી સળગાવવી ગુનો નહીં ગણાય
કૃષિ કાયદા પરત લેવા બિલને સોમવારે સંસદમાં રજુ કરાશે
આવતી કાલની સંસદ સુધીની કુચના મુદ્દે તડાં : સંયુક્ત કિસાન મોરચાએ રેલી રદ કરી પણ ટિકૈત રેલી કાઢવા મક્કમ
ટેકાના ભાવ માટે કાયદો ઘડવા સરકાર પેનલની રચના કરશે, કેસો પરત ખેંચવાનો નિર્ણય રાજ્યોનો : કૃષિ મંત્રી
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરી છે. જોકે ટેકાના ભાવ માટે કાયદો અને અન્ય મુદ્દાઓને લઇને ખેડૂતો દ્વારા ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પરિસિૃથતિ વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પરાળી સળગાવવાને ગુનો ગણવાનો નિર્ણય પરત લેવા માટે તૈયાર છે. સાથે જ તેમણે ખેડૂતોને વિનંતી કરી હતી કે તેઓ હવે આંદોલનને પુરૂ કરીને પરત ફરે.
તોમરે કહ્યું હતું કે ખેડૂતોની માગણી છે કે ટેકાના ભાવ માટે કાયદો ઘડવામાં આવે. આ માગણીને પુરી કરવા માટે સરકાર એક પેનલ રચવા તૈયાર છે. આ પેનલ રચવાની જાહેરાત ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19મી નવેંબરના રોજ કરી હતી. જ્યારે ખેડૂતો પર આંદોલન સમયે જે કેસ કરવામાં આવ્યા છે તેને પરત લેવાની માગણીનો નિર્ણય રાજ્ય સરકારોએ લેવાનો હોય છે કેન્દ્ર સરકારે નહીં.
કેન્દ્રીય કેબિનેટ દ્વારા કૃષિ કાયદા પરત લેવા માટે બિલ તૈયાર કરવામાં આવ્યું હતું. આ બિલને લોકસભામાં સોમવારે રજુ કરવામાં આવશે. સંસદમાં શિયાળુ સત્રમાં આ બિલને રજુ કરવામાં આવશે. સોમવારથી શિયાળુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે જે દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી આ બિલને લોકસભામાં રજુ કરશે.
બીજી તરફ દિલ્હીની સરહદોએ ખેડૂતો દ્વારા જે આંદોલન ચાલી રહ્યું છે તેની આગેવાની લેનારા સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા જણાવવામાં આવ્યું છે કે 29મી નવેંબરના રોજ સંસદ તરફ માર્ચ માટેનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેને હાલ પાછુ ખેંચવામાં આવે છે. એટલે કે ખેડૂતો દ્વારા હવે 29મી નવેંબરના રોજ સંસદ તરફ કોઇ માર્ચ કાઢવામાં નહીં આવે.
જોકે સાથે તેમણે માગ કરી છે કે કેન્દ્ર સરકારે ટેકાના ભાવ માટે કાયદો ઘડવાની જે માગણીઓ છે તેનો સ્વિકાર કરવો પડશે. લખીમપુર ખીરીમાં ખેડૂતો પર કાર ચડાવવા મામલે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાની સામે કાર્યવાહીની માગણી ખેડૂતોએ કરી છે. આ મામલે આગામી ચાર ડિસેંબરના રોજ નિર્ણય લેવામાં આવશે તેમ સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું હતું.
સંયુક્ત કિસાન મોરચા ટ્રેક્ટર રેલીનું આયોજન હાલ રદ કરવા તૈયાર છે જોકે બીજી તરફ ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે અમે આ ટ્રેક્ટર માર્ચ રદ નહીં કરીએ. સાથે જ તેમણે દરરોજ 500 ખેડૂતોએ ગાઝીપુર સરહદે આવવાનું આહવાન કર્યું હતું. ટિકૈતે જાહેરાત કરી છે કે 30 ટ્રેક્ટરો સાથે 500 લોકો સંસદ તરફ કુચ કરશે. આ રેલી 29મી નવેંબરનાં રોજ સંસદમાં શિયાળુ સત્રના પહેલા દિવસે કાઢવામાં આવશે.
Comments
Post a Comment