દ.આફ્રિકાથી કર્ણાટક આવેલા બે પોઝિટિવ : દેશમાં ઓમિક્રોન મુદ્દે એલર્ટ
નવી દિલ્હી, તા.૨૭
દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટ મુદ્દે વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ આ વેરિઅન્ટને ઓમિક્રોન નામ આપ્યું છે. ઓમિક્રોન વેરીઅન્ટ મુદ્દે ભારતમાં પણ મોદી સરકાર હાઈએલર્ટ મોડમાં આવી ગઈ છે અને દેશભરમાં એલર્ટ આપી છે. બીજીબાજુ દક્ષિણ આફ્રિકાથી કર્ણાટક આવેલા બે લોકો કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. તેમના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી અપાયા છે. આ સિવાય દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સવાના પછી હવે બ્રિટન અને જર્મનીમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટે પગ પેસરો કર્યો છે. ઈંગ્લેન્ડમાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા છે. જર્મની અને ચેક ગણરાજ્યમાં પણ ઓમિક્રોન્ટ વેરિઅન્ટનો એક દર્દી નોંધાયો હોવાની શંકા છે. દરમિયાન હૂએ એશિયા સહિતના દેશોને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનોને મંજૂરી આપવા મુદ્દે ચેતવણી આપી છે.
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના સમાચાર આવતા જ વડાપ્રધાન મોદીના અધ્યક્ષપદે શનિવારે એક ઈમર્જન્સી બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે ૧૫મી ડિસેમ્બરથી ભારતમાં નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવાના નિર્ણયની સમિક્ષા કરવા નિર્દેશ આપ્યા છે. વધુમાં વડાપ્રધાને કહ્યું કે વિદેશથી આવનારા પ્રવાસીઓના નિરીક્ષણ અને જોખમવાળા દેશો પર વિશેષ ધ્યાન અપાવું જોઈએ. ઓમિક્રોન મુદ્દે દેશભરના એરપોર્ટ અને સરકારી તંત્રોને એલર્ટ પર રખાયા છે. વિશેષ રૂપે આફ્રિકાથી આવેલા લોકોની વિશેષ તપાસ કરાઈ રહી છે. દક્ષિણ આફ્રિકામાંથી કર્ણાટક આવેલા ૯૪ લોકોની તપાસ કરાઈ હતી, જેમાંથી બે લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે લેબમાં મોકલી અપાયા છે. તેમને હાલ ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. જોકે, એક અધિકારીએ કહ્યું હતું કે, બંને દર્દીઓ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના બદલે ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત હોવાની શક્યતા છે.
બ્રિટનમાં ઓમિક્રોનથી સંક્રમિત બંને દર્દી સેલ્ફ-આઈસોલેટ
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે જણાવ્યું હતું કે ચેમ્સફોર્ડ અને નોટિંગહામમાં ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. તેઓ હાલ તેમના ઘરોમાં સેલ્ફ-આસોલેટિંગમાં છે જ્યારે વધુ ટેસ્ટ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ હાથ ધરાયા છે. નવો વેરિઅન્ટ ઓમિક્રોન દક્ષિણ આફ્રિકા, બોત્સવાના, બેલ્જિયમ, હોંગકોંગ અને ઈઝરાયેલમાં નોંધાયા પછી હવે બ્રિટન, જર્મનીમાં પણ નવા વેરિઅન્ટના કેસ નોંધાતા વિશ્વભરમાં આ વેરિઅન્ટના ઝડપી પ્રસાર અંગે ચિંતા ફેલાઈ છે. ચેક ગણરાજ્યમાં પણ ઓમિક્રોનના કેસ નોંધાવાની આશંકા છે.
આફ્રિકાથી આવતા પ્રવાસીઓને ક્વોરન્ટાઈન કરાશે
આ સાથે વડાપ્રધાન મોદીએ કોરોનાના સંદર્ભમાં વર્તમાન દિશા-નિર્દેશોના આધારે કોવિડ ટેસ્ટ કરાવવાની પણ વાત કરી હતી. તેમણે સક્રિય નિરીક્ષણ ચાલુ રાખવા, વધુ સાવધ રહેવા અને માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સ જેવી સાવધાનીઓ રાખવા ઉપર પણ ભાર મૂક્યો હતો. દેશમાં ઓમિક્રોન મુદ્દે સાવધાનીના ભાગરૂપે મુંબઈ એરપોર્ટ પર દક્ષિણ આફ્રિકાથી આવનારા પ્રત્યેક પ્રવાસીને ક્વોરન્ટાઈન કરાશે અને તેના નમૂના ટેસ્ટ માટે લેબમાં મોકલવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મુંબઈ એરપોર્ટ પર ટૂંક સમયમાં નવા નિયંત્રણો મુકાવાની શક્યતા છે.
ઓમિક્રોન અત્યંત ચેપી અને ચિંતાજનક પ્રકાર ઃ હૂ
વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)ની સલાહકાર સમિતિએ દક્ષિણ આફ્રિકામાં પહેલી વખત મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટને અત્યંત ચેપી અને ચિંતાજનક પ્રકાર ગણાવ્યો છે અને તેને ઓમિક્રોન નામ અપાયું છે. આ પહેલાં ડેલ્ટા સ્વરૂપને આ શ્રેણીમાં રખાયું હતું. કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે યુરોપ, અમેરિકા અને ભારતમાં લાખો લોકોના જીવ લીધા હતા. ભારતમાં કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિઅન્ટને જ જવાબદાર ઠેરવવામાં આવે છે. વધુમાં હૂએ દક્ષિણ પૂર્વ એશિયાના ક્ષેત્રોના દેશોમાં નિરીક્ષણ વધારવા, જાહેર સ્વાસ્થ્યને મજબૂત કરવા અને રસીકરણનું કવરેજ વધારવા માટે પણ સરકારોને સલાહ આપી છે. ઉપરાંત ઉત્સવો અને સમારંભોમાં પણ લોકોને સાવચેતીના ઉપાયો અપનાવવા સાથે ભીડ અને મોટી સભાઓથી દૂર રહેવા જણાવ્યું છે.
આફ્રિકાના પ્રવાસીઓ પર દુનિયાભરમાં પ્રતિબંધ વધ્યા
દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન સ્વરૂપ સામે આવ્યા પછી અમેરિકા, કેનેડા, રશિયા, શ્રીલંકા અને અન્ય અનેક દેશો તથા યુરોપીયન સંઘે આફ્રિકામાંથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકી દીધા છે. ઓમિક્રોન વેરિઅન્ટના બે દર્દી નોંધાતા બ્રિટને આફ્રિકાના વધુ ચાર દેશો અંગોલા, મોઝામ્બિક, મલાવી અને ઝામ્બિયાના પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકી દીધા છે. આ સાથે બ્રિટને કુલ છ દેશો પર પ્રતિબંધ મૂક્યો છે. વ્હાઈટ હાઉસે કહ્યું કે અમેરિકા સોમવારથી દક્ષિણ આફ્રિકા અને આફ્રિકાના અન્ય સાત દેશોમાંથી આવતા લોકો પર પ્રતિબંધ મૂકશે. આફ્રિકામાંથી પાછા ફરનારા અમેરિકન નાગરિકો અને સ્થાયી રહેવાસીઓ સિવાય આ દેશમાંથી કોઈને આવવાની મંજૂરી નહીં અપાય. યુરોપીયન સંઘ આયોગના અધ્યક્ષ ઉર્સુલા વાન ડેર લેયેને કહ્યું કે, ઓમિક્રોન વેરિઅન્ટના જોખમો અંગે આપણને સ્પષ્ટ માહિતી ન મળે ત્યા ંસુધી આફ્રિકામાંથી આવતી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.
માસ્ક પહેરો, સલામત અંતર રાખો, રસી લો એ જ બચવાનો માર્ગ ઃ હૂ
હૂના દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રનાં ક્ષેત્રીય નિર્દેશક ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહે જણાવ્યું હતું કે આ વેરિઅન્ટ અંગે નિરાશ થવાની જરૂર નથી. દક્ષિણ-પૂર્વ એશિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, પરંતુ દુનિયાના બીજા ભાગમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનું જોખમ વધી રહ્યું છે. દરેક દેશની સરકારોએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓથી સંક્રમણના જોખમનું આકલન કરવું જોઈએ. સામાન્ય માણસો માસ્ક પહેરે, એકબીજાથી સુરક્ષિત અંતર રાખે, ભીડભાડવાળી જગ્યાઓ પર જવાનું ટાળે, સમયસર રસી મૂકાવે.
ઓમિક્રોન એઈડ્સના દર્દીમાંથી આવ્યાની શંકા
લંડન, તા. ૨૭
કોરોના વાઈરસના નવા વેરિઅન્ટથી આખી દુનિયામાં હોબાળો મચી ગયો છે. વિશ્વ આરોગ્ય સંગઠને આ વેરિઅન્ટને ઓમિક્રોન નામ આપ્યું છે. દુનિયાના વૈજ્ઞાાનિકોએ આ વેરિન્ટનું મૂળ શોધવાનો પ્રયાસ હાથ ધર્યો છે ત્યારે લંડન સ્થિત યુસીએલ જેનેટિક્સ ઈન્સ્ટિટયૂટના એક વૈજ્ઞાાનિકે જણાવ્યું હતું કે કોરોનાનો આ વેરિઅન્ટ પહેલી વખત ક્યાંથી આવ્યો તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. પરંતુ સંભવતઃ આ વેરિઅન્ટ એચઆઈવી/એઈડ્સના દર્દીમાં ઈમ્યૂનો કમ્પ્રોમાઈઝ્ડ વ્યક્તિથી ફેલાયો હશે. આફ્રિકાના દેશોમાં આ વેરિઅન્ટના કેટલાક કેસ નોંધાયા છે. જોકે, આ સંદર્ભમાં હજુ વધુ સંશોધનની જરૂર છે.
Comments
Post a Comment