સ્વતંત્ર ભારતના ચીફ આર્કિટેક્ટ સરદાર પટેલને સાચી આદરાંજલિ

સરદાર પટેલની મૂર્તિને દુનિયાની સૌથી મોટી પ્રતિમા તરીકે પ્રસ્થાપિત કરીને મોદી સરકારે તેમને ભવ્ય શ્રધ્ધાંજલિ આપી છે સાથે સાથે સરદાર પટેલના મહિમાગાન દ્વારા મોદી સરકાર એવી છબિ પ્રસ્થાપિત કરવા માંગે છે કે તે પણ સરદાર પટેલની જેમ જ વખત આવ્યે આકરાં નિર્ણયો લેવામાં સક્ષમ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. એ તો સર્વવિદિત છે કે આઝાદી બાદ ૫૩૬ કરતા વધારે રજવાડાઓને ભારતમાં વિલય કરાવવાનું મહાન કાર્ય સરદાર પટેલે કર્યું હતું એટલા માટે તેમની પ્રતિમાને સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નામ આપવામાં આવ્યું છે. 

ખરેખર તો આટલા બધાં રજવાડાને ભારત સાથે ભેળવવામાં સરદાર પટેલે જે સખત મહેનત અને રાજકીય દૂરંદેશી દાખવ્યાં હતાં એ બેજોડ છે. જોકે એ પણ યાદ રાખવું જોઇએ કે તેઓ પાકા ગાંધીવાદી હતાં અને એના પ્રમાણ પણ છે કે તેઓ ભારતના વડાપ્રધાન બનવા માટે ઇચ્છુક નહોતાં. સરદાર પટેલ પંડિત નહેરુ કરતા ૧૪ વર્ષ મોટા હતાં.

ભારતને આઝાદી મળી ત્યારે નહેરુની ઉંમર ૫૮ વર્ષ હતી અને સરદાર પટેલની ઉંમર હતી ૭૩ વર્ષ. પરંતુ ભારતવર્ષની આંતરિક બનાવટની બારીકાઇઓથી સરદાર પટેલ એટલા માહિતગાર હતાં કે બેધારણ સભાના સભ્ય તરીકે એ સભામાં આવેલા રાજામહારાજાઓના મનની વાતને પામી ગયાં હતાં હતાં અને એનો ઉકેલ શોધવામાં લાગી ગયાં હતાં. 

કેબિનેટ મિશન નિષ્ફળ નીવડયા અને પાકિસ્તાન ફોર્મ્યૂલા સ્વીકૃત થયા બાદથી જ તેમને આભાસ થઇ ગયો હતો કે દેશના રજવાડાઓને સ્વતંત્ર ભારતનો હિસ્સો બનાવવો આસાન નહીં હોય. સવાલ માત્ર મુસ્લિમ નવાબો કે રાજાઓ દ્વારા શાસિત રજવાડાઓનો જ નહીં, પરંતુ હિન્દુ રાજાઓ દ્વારા શાસિત શક્તિશાળી રજવાડાઓનો પણ હતો. એ માટે સરદારે ફોર્મ્યૂલા ઘડી કે સ્વતંત્ર ભારતમાં ભળ્યા બાદ પણ રાજાઓની પદવી યથાવત્ રાખવામાં આવશે.

જેના કારણે અંગ્રેજોની જીહજૂરી કરતા આ રજવાડાઓમાં એવો ભાવ જાગ્યો કે આઝાદ ભારતમાં પણ તેમની વિશિષ્ટ ઓળખ બનેલી રહેશે. તેમ છતાં મૈસૂરના તત્કાલિન રાજાએ ભારતની આઝાદીના એક દિવસ પહેલાં એટલે કે ૧૪મી ઓગસ્ટે મૈસુરને ભારતમાં વિલિન કર્યું એ શરત સાથે કે તેમના રજવાડાનું જે મૈસુર રાજ્ય બનશે એના રાજપ્રમુખ તેઓ પોતે રહેશે. તો હૈદરાબાદના નિઝામ આવી શરત સાથે પણ ભારતમાં ભળવા તૈયાર ન થતાં સરદાર પટેલે ઓપરેશન પોલો અંતર્ગત ભારતની સેનાની મદદ વડે હૈદરાબાદના નિઝામને ઘૂંટણ ટેકવવા માટે મજબૂર કર્યાં. 

ખરું જોતા ભારતનો વર્તમાન નકશો જ સરદાર પટેલના અપ્રતિમ પ્રયાસોને આભારી છે. આમ તો તેમણે પોતાનું સમગ્ર જીવન અંગ્રેજો સામે દેશને આઝાદી અપાવવાની લડતમાં આપી દીધું. પરંતુ પોતાના જીવનના અંતિમ ત્રણ વર્ષોમાં સરદાર પટેલે જે કર્યું એ ભારત સદાકાળ માટે યાદ રાખશે.

૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ના તેમના અંતિમ દિવસ સુધી સરદાર પટેલ દેશના નાયબ વડાપ્રધાન રહ્યાં. એ દરમિયાન તેમણે નવીન ભારતને મૂર્ત સ્વરૂપ તો આપ્યું, સાથે સાથે કાશ્મીર હડપવા માટે ટાંપીને બેઠેલા પાકિસ્તાનને પણ ધૂળ ચટાડી. એ જોતાં વર્તમાન ભારત સરદાર પટેલનું ઋણી છે. 

મુદ્દાની સવાલ એ છે કે આજીવન કટ્ટર કોંગ્રેસી રહેલા સરદાર પટેલ ભાજપ માટે આટલું મહત્ત્વ શા માટે ધરાવે છે? શું એટલા માટે કે તેમને પંડિત નહેરુ કરતાં મોટા નેતા સાબિત કરી શકાય? વાસ્તવમાં એવું નથી. સંઘ અને ભાજપ માટે સરદાર પટેલનું કદ હંમેશા ઊંચું રહ્યું છે. સંઘ પરિવાર ભલે કોંગ્રેસનો વિરોધી રહ્યો હોય પરંતુ સરદાર પટેલની વિચારધારાથી હંમેશા પ્રભાવિત રહ્યો છે. સંઘે શરૂઆતથી જ સરદાર પટેલને લોહપુરુષ માન્યાં છે.

વડાપ્રધાન મોદીએ પણ સરદારને લોહપુરુષ માનવાની પરંપરા જ આગળ ધપાવી છે. જાણકારોના મતે સરદાર પટેલ કોંગ્રેસી હોવા છતાં સંઘના પ્રિય હોવા પાછળનું કારણ એ છે કે તેમના વિચારો સંઘની વિચારધારા સાથે મળતા હતાં. સરદાર પટેલ પણ સંઘની જેમ જ હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિમાં અતૂટ શ્રધ્ધા ધરાવતાં હતાં. ભાગલા બાદ અનેક હિન્દુ રાજાઓને તેમણે હિન્દુ વિચારધારાનો હવાલો આપીને જ ભારતમાં સામેલ થવા રાજી કર્યાં હતાં. 

સરદાર પટેલને પણ સંઘ માટે અણગમો નહોતો. ઉલટું મહાત્મા ગાંધીની હત્યા પહેલાં તેમણે આરએસએસને કોંગ્રેસ સાથે જોડાવા માટે પણ કહ્યું હતું. જોકે ગાંધીજીની હત્યા બાદ ચિત્ર બદલાયું. સરદાર પટેલે હિન્દુ મહાસભા અને આરએસએસની વિચારધારા અને કટ્ટરપંથને ગોડસેના ઇરાદાઓ માટે જવાબદાર ઠરાવ્યાં હતાં. એ પછી તેમણે સંઘ ઉપર પ્રતિબંધ પણ મૂક્યો હતો. જોકે હત્યાકાંડની તપાસમાં મળેલા તથ્યોને જોઇને દોઢ વર્ષ બાદ તેમણે સંઘ ઉપરનો પ્રતિબંધ હટાવી દીધો હતો.

પરંતુ તેમણે એવી શરત મૂકી હતી કે સંઘ કદી રાજકારણમાં નહીં જોડાય. સરદાર પટેલ સાથે ખાટાંમીઠાં સંબંધો હોવા છતાં સંઘે સરદાર પટેલને એક કડક રાજનેતાના રૂપમાં સ્વીકાર્યાં છે જેમણે ભારતને એક રાષ્ટ્રના રૂપમાં ખડું કરવામાં મોટી ભૂમિકા ભજવી. હકીકતમાં તો સરદાર પટેલ જે રીતે સ્વતંત્ર ભારતને આકાર આપી રહ્યાં હતાં એ જોતાં જો તેમને છૂટ મળી હોત તો તેઓ આજે અખંડ કાશ્મીર ભારતનો હિસ્સો હોત.

સંઘની વિચારધારા જે અખંડ ભારતની પરિકલ્પના રજૂ કરે છે એવી જ વિચારધારા સરદાર પટેલની પણ હતી. એ જોતાં સરદાર પટેલનું કદ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાના રૂપમાં પ્રસ્થાપિત કરવાના ભાજપ અને સંઘના ઉદ્દેશને આસાનીથી સમજી શકાય છે. 

જોકે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી સ્થાપીને ભાજપે સરદાર પટેલને આદરાંજલિ તો આપી જ છે, સાથે સાથે રાજકીય નિશાન પણ સાધ્યું છે. જીવનભર ધૂર કોગ્રેસી રહેલા સરદાર પટેલની આ પ્રતિમા ભાજપને ફાયદો કરાવી જાય એમ છે. ભાજપ કોંગ્રેસ ઉપર કાયમ સરદાર પટેલના વારસાને આગળ ન ધપાવવાના આરોપો લગાવતો આવ્યો છે જે એક જોતાં ખરાં પણ છે.

આઝાદી બાદ અત્યાર સુધી નહેરુ ગાંધી પરિવારના નામે જેટલી યોજનાઓ છે એ જોતાં સરદાર પટેલના નામે શું કરવામાં આવ્યું એ શોધવાથી પણ મળતું નથી. ઉપરાંત સરદાર પટેલના નામે ભાજપ નારાજ ખેડૂતોને સાધવાના પ્રયાસો પણ કરશે. સરદાર પટેલ પોતે ખેડૂતપુત્ર હતાં અને બારડોલીની ખેડૂત આંદોલનમાં સરદાર પટેલનું યોગદાન અતુલનીય રહ્યું છે. છેલ્લા થોડા સમયથી દેશભરના ખેડૂતો મોદી સરકારથી નારાજ ચાલી રહ્યાં છે એ સંજોગોમાં સરદાર પટેલની છબી ખેડૂતોના અસંતોષને ઓછો કરવામાં પણ ઉપયોગી નીવડી શકે. 

સરદાર પટેલના માધ્યમથી ભાજપ ગુજરાતના નારાજ ચાલી રહેલા પાટીદાર સમાજને રાજી કરવામાં પણ સફળ નીવડી શકે છે. ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પાટીદાર સમાજની નારાજગીનો સારો એવો સામનો કરવો પડયો હતો. એવામાં ૨૦૧૯માં આવી રહેલી લોકસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજને ફરી વખત પોતાની તરફેણમાં લાવવામાં સરદાર પટેલની છબી ઉપયોગી નીવડી શકે છે. ખરેખર તો સરદાર પટેલના મહિમાગાન દ્વારા મોદી સરકાર એવી છબી પ્રસ્થાપિત કરવા માંગે છે કે તે પણ સરદાર પટેલની જેમ જ વખત આવ્યે આકરાં નિર્ણયો લેવામાં સક્ષમ છે. 

એ વાત તો નિર્વિવાદ છે કે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના કારણે ભારતને સમગ્ર દુનિયામાં અલગ જ ઓળખ મળી છે. સરદાર પટેલની આ પ્રતિમા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે અને આ રેકોર્ડના કારણે દુનિયા આ પ્રતિમાની અવગણના કરી શકે એમ નથી.

આગામી દિવસોમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી લોકોના દર્શન માટે પણ ખુલ્લી મૂકી દેવામાં આવશે જેના કારણે આવકમાં વધારો થશે. પ્રતિમાને જોવા માટે ઓનલાઇન બૂકિંગ પણ શરૂ થઇ ગયું છે. ઉપરાંત રેલવેએ યૂનિટી એક્સપ્રેસ નામની ખાસ ટ્રેન પણ શરૂ કરી છે જે દેશભરમાંથી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને નિહાળવા ઇચ્છતા લોકોને પ્રતિમા સ્થળે લઇ આવશે. 

ખાસ વાત એ કે ૧૮૨ મીટર ઊંચી સ્ટેચ્યૂ ઓફ યૂનિટી માત્ર પાંચ વર્ષમાં સંપૂર્ણ બનીને તૈયાર થઇ ગઇ છે. આ બાબત દર્શાવે છે કે દૃઢ ઇચ્છાશક્તિ હોય તો કોઇ પણ મુશ્કેલ કામ પણ ડેડલાઇન સુધીમાં પૂરું કરી શકાય છે. આ પ્રોજેક્ટની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે ૩૧ ઓક્ટોબર, ૨૦૧૩ના દિવસે શરૂ કરી હતી.

આ મૂર્તિ ઘડવામાં ૨૫૦ એન્જિનિયર અને ૩૪૦૦ મજૂરો લાગ્યાં હતાં જેમણે સતત ૩૩ મહિના કામ કરીને આ પ્રતિમા તૈયાર કરી. મહત્ત્વની બાબત એ છે કે આ પ્રતિમા ઉપર તેજ હવાની કે ભૂકંપની અસર પણ નહીં થાય. પ્રતિમાનો બહારનો ભાગ કાંસાની ૫૫૩ પેનલોથી બનાવવામાં આવ્યો છે અને દરેક પેનલમાં ૧૦થી ૧૫ માઇક્રોપેનલ છે. 

ખરેખર તો સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના નિર્માણથી દેશના સૌથી મોટા નેતાને સન્માન મળ્યું છે. સરદાર પટેલ વાસ્તવિક અર્થમાં આઝાદ ભારતના ચીફ આર્કિટેક્ટ હતાં. અંગ્રેજોએ જ્યારે ભારત છોડવાનું નક્કી કર્યું ત્યારે સરદાર પટેલે જ ૫૬૨ રજવાડાઓને એક સાથે લાવવાનું ભગીરથ કાર્ય કર્યું. સ્વતંત્રતા મળી એ સમયે ભારત ધર્મ અને પરંપરાના નામે જુદાં જુદાં અનેક હિસ્સામાં વહેંચાયેલું હતું.

પરંતુ ચાણક્ય જેવું દિમાગ ધરાવતા સરદાર પટેલને ખબર હતી કે આ રજવાડાઓને એક સાથે લાવવા કેટલા જરૂરી છે અને તેમને એ પણ ખબર હતી કે આ કાર્ય કેવી રીતે પાર પાડવાનું છે. દેશનું સૌભાગ્ય હતું કે અશક્ય જણાતા આ કાર્ય માટે સરદાર પટેલ મોજૂદ હતાં. આજે તેમની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બની છે ત્યારે આ પ્રતિમા વાસ્તવમાં તો તેમના કામગીરીના કદને જ દર્શાવે છે. 

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ઘડવા માટે દેશભરમાંથી લોખંડ એકઠું કરવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. એ રીતે જોતા સરદાર પટેલની આ પ્રતિમાએ ફરી વખત દેશભરના લોકોને એક સાથે જોડવાનું કામ કર્યું છે. અખંડ ભારતનું નિર્માણ કરનારા સરદાર પટેલને આનાથી વધારે સારી શ્રદ્ધાંજલિ બીજી શી હોઇ શકે? આવનારા સમયમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી મોટું ટૂરિસ્ટ સ્પોટ બનશે.

જેના કારણે લાખો લોકોને રોજગાર મળશે. આટલા બધા લોકોને રોજગાર મળ્યા બાદ આ પ્રતિમા દેશની અર્થવ્યવસ્થામાં પણ યોગદાન આપશે. એટલા માટે સરદાર પટેલની પ્રતિમાને લઇને ભલે અનેક લોકો સવાલો ઉઠાવી રહ્યાં હોય પરંતુ હકીકત એ છે કે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના કારણે સરદાર પટેલનું જ નહીં, પરંતુ દેશનું સન્માન પણ વધ્યું છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો