અખંડ ભારતના શાશ્વત શિલ્પી 'સરદાર'નું વિરાટ દર્શન

- સરદાર ના હોત તો ગીરના સિંહ અને સોમનાથના દર્શન માટે જવા પણ વિઝા લેવા પડત: મોદી

- ગમે તેટલા મતભેદ વચ્ચે પણ સારો વહીવટ કરી શકાય તે સરદાર પટેલે શીખવાડયુ 

કેવડિયા કોલોની, તા 31 ઓક્ટોબર 2018, બુધવાર

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભવ્યાતિભવ્ય સમારોહમાં લોકાર્પણ કર્યું હતું.

તે સાથે દેશના ઇતિહાસમાં એક ઔર સોનેરી પ્રકરણનો ઉમેરો થયો છે. સરદાર સરોવર ડેમ નજીક સાધુ ટેકરી પર નિર્માણ પામેલી આ ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા જેમ એકતાનું શિલ્પ છે તેમ ભારતીય એન્જિનિયરોની સ્થાપત્ય કલા ઇજનેરી કૌશલ્યનો વિશ્વ આખાને સંદેશો આપતી બેનમૂન કૃતિ સાબિત થશે.

સરદાર સાહેબની ૧૪૩મી જયંતીએ યોજાયેલા આ લોકાર્પણ કાર્યક્રમમાં વોલ ઓફ યુનિટી, વેલી ઓફ ફલાવર, સરદાર પટેલના જીવન-કવનને વર્ણવતા મ્યુઝિયમને ખૂલ્લાં મૂકાયાં હતાં. વાયુસેના દ્વારા ફ્લાય પાસ્ટ અને દેશનાં વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા રજૂ થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો એક ભારત- શ્રેષ્ઠ ભારતનો સંદેશો આપ્યો હતો. લોકાર્પણ પ્રસંગે પોતાના ઉદ્બોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટીને ભારતની એકતાનું પ્રતીક ગણાવી હતી.

અને આ પ્રતિમા દ્વારા 'આ રાષ્ટ્ર શાશ્વત હતું, છે અને રહેશે' એવો સમગ્ર વિશ્વને સંદેશો આપે છે એમ જણાવ્યું હતું. સરદાર સાહેબ જે સશક્ત, સુદ્રઢ, સંવેદનશીલ, સતર્ક અને સમાવેશી ભારતની કલ્પના કરી હતી તેને ચરિતાર્થ કરવા સહુ, ખાસ કરીને યુવાનો પ્રતિબદ્ધ બને.

આ સમગ્ર પ્રોજેક્ટને સાર્થક કરવામાં સામેલ થનારા સહુ કોઇનો આભાર માનીને તેમણે એમ પણ કહ્યું હતું કે દેશના મહાપુરુષોને યાદ કરવાના આવા કાર્યમાં અમારી ટીકા થાય છે અને જાણે બહુ મોટો ગુનો કરી નાખ્યો હોય તેવો માહોલ ઊભો કરવામાં આવે છે. પણ અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે આ ગગનચૂંબી પ્રતિમા આવનારી પેઢીને પ્રેરણા આપનારો મોટો આધાર બની રહેશે.

નર્મદા ડેમ નજીક દુનિયાની સૌથી ઉંચી ૧૮૨ મીટર સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને અંજલિ આપતા કહ્યુ હતુ કે ગમે તેટલા મતભેદ વચ્ચે પણ સારો વહીવટ કેવી રીતે કરી શકાય તે સરદાર સાહેબ પાસેથી શીખવા જેવુ છે. જો સરદાર પટેલે સંકલ્પ ના કર્યો હોત તો આજે ગીરના સિંહ જોવા માટે અને શિવભક્તોએ સોમનાથની પૂજા કરવા માટે , હૈદ્રાબાદનો ચાર મિનાર જોવા માટે વિઝા લેવા પડત. 

જો સરદાર ના હોત તો સિવિલ સર્વિસ જેવુ વહિવટી માળખુ ઉભુ કરવામાં પણ મુશ્કેલી પડી હોત.સરદારના સંકલ્પના કારણે જ આજે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ટ્રેન દોડી શકે છે.ભારતના અસ્તિત્વ સામે સવાલ ઉઠાવનારાઓને આ પ્રતિમા યાદ દેવડાવતી રહેશે કે આ રાષ્ટ્ર શાશ્વત હતુ, છે અને રહેશે. 

આજે આખો દેશ રાષ્ટ્રિય એક્તા દિવસ મનાવી રહ્યો છે.કોઈ પણ દેશના ઈતિહાસમાં એવા અવસર આવતા હોય છે જે પૂર્ણતાનો અહેસાસ કરાવતા હોય છે.આજે આ જ પ્રકારનો સમય છે.જે દેશના ઈતિહાસમાં કાયમ માટે નોંધાઈ જશે.આઝાદીથી આટલા વર્ષો સુધી આપણે એક અધૂરપને સાથે લઈને ચાલતા હતા પણ આજે ભારતના વર્તમાને સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વને ઉજાગર કરવાનુ કામ કર્યુ છે.આજે ધરતીથી લઈને આકાશ સુધી સરદાર સાહેબ પર અભિષેક થઈ રહ્યો છે.

તેમણે કહ્યુ હતુ કે આ મારુ સૌભાગ્ય છે કે મને સરદાર સાહેબની વિશાળ પ્રતિમાને દેશને સમપત કરવાનો અવસર મળ્યો છે.જ્યારે મેં ગુજરાતના સીએમ તરીકે આ પ્રતિમાની કલ્પના કરી હતી ત્યારે મને અહેસાસ નહોતો કે વડાપ્રધાન તરીકે તેને રાષ્ટ્રને સમપત કરવાનો પણ મોકો મળશે.ગુજરાતની જનતાએ આ  માટે મને જે સાથ સહકાર આપ્યો છે તે માટે હું આભારી છુ.આ કામમાં મને લોખંડનો પહેલો ટુકડો પણ દેશની જનતા તરફથી મળ્યો છે.આ અભિયાનમાં અમે લોકો પાસે માટી પણ માંગી હતી.દેશના લાખો ખેડૂતો માટી અને લોખંડ આપવા માટે આગળ આવ્યા હતા.

સરદારના યોગદાનને યાદ કરતા પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે  જ્યારે સરદારે આ દેશને એકસૂત્રમાં બાંધ્યો તે પહેલા દેશ ૫૫૦ થી વધારે રજવાડામાં વહેંચાયેલો હતો.દુનિયા ભારતના ભવિષ્યને લઈને નિરાશ હતી.તે વખતે પણ નિરાશાવાદીઓને લાગતુ હતુ કે ભારત પોતાની વિવિધતાના કારણે વિખેરાઈ જશે.

તે વખતે આશાનુ એક માત્ર કિરણ સરદાર પટેલ હતા.૫ જુલાઈ, ૧૯૪૭માં રજવાડાઓને સરદારે કહ્યુ હતું કે વિદેશી આક્રમણખોરોએ આપણા આંતરિક ઝઘડા, દુશ્મની, વેરઝેરનો ફાયદો ઉઠાવ્યો છે.આ ભૂલ ફરી આપણે કરવાની નથી અને કોઈનુ ગુલામ બનાવનુ નથી.સરદાર સાહેબના કહેવા પર તમામ રજવાડા એક સાથે આવ્યા અને જોત જોતામાં દેશ એક થઈ ગયો.

તેમણે કહ્યુ હતુ કે  આ નિર્માણ સાથે જોડાયેલા તમામ શ્રમજીવીઓ અને શિલ્પકારોને હું અભિનંદન આપુ છુ.જે પણ લોકો આ કામ સાથે જોડાયેલા છે તેઓ ઈતિહાસનો એક હિસ્સો બની ગયા છે.દેશના મહાપુરુષોને યાદ કરવા માટે અમારી ટીકા કરવામાં આવે છે અને જાણે બહુ મોટો ગુનો કરી નાંખ્યો હોય તેવો માહોલ ઉભો કરવામાં આવે છે.અમારો પ્રયત્ન છે કે ભારતના દરેક રાજ્ય સરદારના વિઝનને આગળ વધારવામાં ભાગીદાર બને.

અખંડ ભારત માટે યોગદાન આપનાર
૫૫૦ જેટલા રાજા રજવાડાઓનું મ્યુઝિયમ તૈયાર થવું જોઇએ

દેશ આઝાદ થયા બાદ તેને અખંડ ભારત બનાવવામાં સરદાર વલ્લભભાઇ પટેલનો મહત્વનો ફાળો હતો. તેમણે ૫૫૦ જેટલા રજવાડાઓને એક કર્યા હતાં આ રજવાડાઓનો પણ દેશની એકતા માટે મહત્વનું યોગદાન હોવાથી તેમનું પણ એક મ્યુઝિયમ તૈયાર થવુ જોઇએ તેવો મત વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યો છે. 

રાજા રજવાડાઓનાં ત્યાગને ભુલવો ના જોઇએ: મોદી

વડાપ્રધાને કેવડિયા કોલોની ખાતે જણાવ્યું હતું કે દેશને આઝાદી મળી ત્યારે માં ભારતી ૫૫૦ જેટલા ટુકડાઓમાં વહેૅચાયેલી હતી, દેશમાં ઘોર નિરાશા હતી તેમજ ભારત પોતાની વિવિધતામાં વિખરાઇ જશે તેવી સ્થિતિ હતી પરંતુ બધાને એકજ કિરણ દેખાતું હતું અને તે કિરણ સરદાર હતાં. સરદારમાં કૌટિલ્યની નીતિ, શિવાજીના શૌૈર્યનો સમાવેશ હતો. તા.૯ જુલાઇ ૧૦૪૭માં રિયાસતોને સંબોધી કહ્યું  હતું કે વિદેશી આક્રમકતાની સામે આપસી ઝઘડા, દુશ્મની, વેરના ભાવો, હારનું મોટું કારણ હતું અને હવે આ ભૂલને ફરી દોહરાવી ફરી કોઇના ગુલામ થવું નથી.

મોદીએ કહ્યું હતું કે સરદારના આ સંવાદ બાદ એકીકરણથી રાજા રજવાડાઓનું વિલય કરી દીધું જોતજોતામાં ભારત એક થઇ ગયું અને રાજા રજવાડાઓના ત્યાંગની મીસાઇલ કાયમ થઇ હતી, દેશને એક તાંતણે બાંધવામાં યોગદાન આપનાર રાજાઓના ત્યાગને પણ ભુલવો ના જોઇએ.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો