સરદાર ના હોત તો ગીરના સિંહ અને સોમનાથ જવા પણ વિઝા લેવા પડતઃ પીએમ મોદી
કેવડિયા કોલોની,તા.31.ઓક્ટોબર
દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને અંજલિ આપતા કહ્યુ હતુ કે ગમે તેટલા મતભેદ વચ્ચે પણ સારો વહિવટ કેવી રીતે કરી શકાય તે સરદાર સાહેબ પાસેથી શીખવા જેવુ છે.
તેમણે કહ્યુ હતુ કે જો સરદાર પટેલે સંકલ્પ ના કર્યો હોત તો આજે ગીરના સિંહ જોવા માટે અને શિવભક્તોએ સોમનાથની પૂજા કરવા માટે , હૈદ્રાબાદનો ચાર મિનાર જોવા માટે વિઝા લેવા પડતા હોત.જો સરદાર ના હોત તો સિવિલ સેવા જેવુ વહિવટી માળખુ ઉભુ કરવામાં પણ મુશ્કેલી પડી હોત.સરદારના સંકલ્પના કારણે જ આજે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ટ્રેન દોડી શકે છે.ભારતના અસ્તિત્વ સામે સવાલ ઉઠાવનારાઓને આ પ્રતિમા યાદ દેવડાવતી રહેશે કે આ રાષ્ટ્ર શાશ્વત હતુ, છે અને રહેશે.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે આજે આખો દેશ રાષ્ટ્રિય એક્તા દિવસ મનાવી રહ્યો છે.કોઈ પણ દેશના ઈતિહાસમાં એવા અવસર આવતા હોય છે જે પૂર્ણતાનો અહેસાસ કરાવતા હોય છે.આજે આ જ પ્રકારનો સમય છે.જે દેશના ઈતિહાસમાં કાયમ માટે નોંધાઈ જશે.આઝાદીથી આટલા વર્ષો સુધી આપણે એક અધૂરપને સાથે લઈને ચાલતા હતા પણ આજે ભારતના વર્તમાને સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વને ઉજાગર કરવાનુ કામ કર્યુ છે.આજે ધરતીથી લઈને આકાશ સુધી સરદાર સાહેબ પર અભિષેક થઈ રહ્યો છે.
તેમણે કહ્યુ હતુ કે આ મારુ સૌભાગ્ય છે કે મને સરદાર સાહેબની વિશાળ પ્રતિમાને દેશને સમર્પિત કરવાનો અવસર મળ્યો છે.જ્યારે મેં ગુજરાતના સીએમ તરીકે આ પ્રતિમાની કલ્પના કરી હતી ત્યારેમને અહેસાસ નહોતો કે વડાપ્રધાન તરીકે તેને રાષ્ટ્રને સમર્પિત કરવાનો પણ મોકો મળશે.ગુજરાતની જનતાએ આ માટે મને જે સાથ સહકાર આપ્યો છે તે માટે હું આભારી છુ.આ કામમાં મને લોખંડનો પહેલો ટુકડો પણ દેશની જનતા તરફથી મળ્યો છે.આ અભિયાનમાં અમે લોકો પાસે માટી પણ માંગી હતી.દેશના લાખો ખેડૂતો માટી અને લોખંડ આપવા માટે આગળ આવ્યા હતા.
તેમણે કહ્યુ હતુ કે જ્યારે સરદારે આ દેશને એકસૂત્રમાં બાંધ્યો તે પહેલા દેશ 550 થી વધારે રજવાડામાં વહેંચાયેલો હતો.દુનિયા ભારતના ભવિષ્યને લઈને નિરાશ હતી.તે વખતે પણ નિરાશાવાદીઓને લાગતુ હતુ કે ભારત પોતાની વિવિધતાના કારણે વિખેરાઈ જશે.તે વખતે આશાનુ એક માત્ર કિરણ સરદાર પટેલ હતા.5 જુલાઈ, 1947માં રજવાડાઓને સરદારે કહ્યુ હતું કે વિદેશી આક્રમણખોરોએ આપણા આંતરિક ઝઘડા, દુશ્મની, વેરઝેરનો ફાયદો ઉઠાવ્યો છે.આ ભૂલ ફરી આપણે કરવાની નથી અને કોઈનુ ગુલામ બનાવનુ નથી.સરદાર સાહેબના કહેવા પર તમામ રજવાડા એક સાથે આવ્યા અને જોત જોતામાં દેશ એક થઈ ગયો.
તેમણે કહ્યુ હતુ કે આ આ નિર્માણ સાથે જોડાયેલા તમામ શ્રમજીવીઓ અને શિલ્પકારોને હું અભિનંદન આપુ છુ.જે પણ લોકો આ કામ સાથે જોડાયેલા છે તેઓ ઈતિહાસનો એક હિસ્સો બની ગયા છે.દેશના મહાપુરુષોને યાદ કરવા માટે અમારી ટીકા કરવામાં આવે છે અને જાણે બહુ મોટો ગુનો કરી નાંખ્યો હોય તેવો માહોલ ઉભો કરવામાં આવે છે.અમારો પ્રયત્ન છે કે ભારતના દરેક રાજ્યે સરદારના વિઝનને આગળ વધારવામાં ભાગીદાર બને.
Comments
Post a Comment