પાકિસ્તાનથી ભારત આવેલા હિંદુઓ ન ઘરના ન ઘાટના
ભારત સેક્યુલર સ્ટેટ હોવા છતાં વિસ્થાપિત પાક હિંદુઓને અહીં આશ્રય મળવો જોઈએ, કારણ કે...
માનવ ધર્મ બિલકુલ કિતાબી ચીજ છે. વાતો બધા કરે છે, પણ જૂજ લોકો પાળે છે. ભગવાન કે અલ્લાહનો ડર બધા બતાડે છે, પણ બહુ ઓછા ડરે છે. બાળક દુનિયામાં આવે ત્યારે માત્ર મનુષ્ય હોય છે.
બાદમાં તે ગુજરાતી કે મરાઠી, હિંદુ કે મુસ્લિમ, લોહાણા કે પટેલ, શિયા કે સુન્ની અથવા પ્રોટેસ્ટન્ટ કે કેથોલિક બની જાય છે. કોઈ વ્યક્તિ ધાર્મિક, જ્ઞાાતિગત, સામ્પ્રદાયિક, સામુદાયિક યા પ્રાન્તીય ઓળખ રાખે એ જરાય ખોટું નથી. તકલીફ ત્યાં થાય છે કે એ દરમિયાન ઘણી વખત તે મનુષ્યની પંક્તિમાંથી બહાર ફેંકાઈ જાય છે.
શામાટે ફેંકાઈ જાય છે? કારણ કે તે દુનિયાના કોઈપણ માણસને તેના ધર્મ અને જાતિથી જોવા માંડે છે અને તે પ્રમાણે વર્તવા લાગે છે. તદાનુસાર જજ કરવા લાગે છે. આ વ્યક્તિ આ જાતિ કે આ ધર્મની છે તો આવી જ હશે.- એવી ગ્રંથિ મગજમાં બાંધી લે છે. એટલે જ તો વિવિધ દેશોમાં ધાર્મિક, પ્રાન્તીય, વંશીય કે ભાષાકીય લઘુમતી સમુદાયોને અન્યાય તથા શોષણ સહેવાનો વારો આવે છે.
ઉપર વર્ણવવામાં આવેલા રોગથી પાકિસ્તાનના મુસ્લિમો ભયંકર હદે પીડિત છે. તેઓ ત્યાંના હિંદુઓ પર વર્ષોથી અત્યાચાર ગુજારી રહ્યા છે. જીવવું દૂષ્કર બનતા હજારો પાક હિંદુઓ ભાગીને અહીં આવી ગયા છે. જોવાની વાત એ છે કે તેમને અહીં પણ આંસુ અને અપમાન સિવાય કશું મળ્યું નથી.
છેલ્લા સાત વર્ષથી ૧,૦૮૪ લોકો ભારતનું નાગરિકત્વ મળવાની રાહ જોઈ રહ્યા છે. તેમાં સૌથી વધુ ૫૨૬ અરજદાર પાકિસ્તાનના છે. અફઘાનિસ્તાનના ૧૦૩, ઈરાનના ૭૨ અને બાગ્લાદેશના ૪૧. આનાથી ઇતર હજારો પાકિસ્તાની હિંદુઓ હિજરત કરીને ભારત આવેલા છે અને રાજસ્થાનમાં વર્ષોથી વસવાટ કરી રહ્યા છે.
તેમને હતું કે પાકિસ્તાનથી ભાગીને ભારત જતા રહેશું તો ત્યાં ભવ્ય સ્વાગત થશે. સામાજિક સ્વીકૃતિ મળશે, પરંતુ તેમની આશા ઝાંઝવાના નીર સમી નીવડી છે. મૃગજળ પીવા તેઓ સરકારી કચેરીઓના ચક્કર લગાવ્યા કરે છે. સ્વીકૃતિ તો દૂરની વાત રહી, તેમને ઓળખ પણ મળી નથી. પાકિસ્તાનમાં તેમને કાફિર કહીને હડધૂત કરવામાં આવતા, ભારતમાં પાકિસ્તાની કહીને. કવિ અમીક હનફીએ લખ્યું છેને,
મેં હવા હૂં, કહાં વતન મેરા?
દશ્ત મેરા ન યે ચમન મેરા
આ શેર જેવી જ જિંદગી તેઓ જીવી રહ્યા છે.
આઝાદી પછી ભારત બિનસામ્પ્રદાયિક બન્યું અને પાકિસ્તાન ધાર્મિક કટ્ટરવાદી. ધાર્મિક કટ્ટરપંથે ત્યાંની પ્રજાના માનસને એટલું આક્રમક બનાવી દીધું છે, એટલું ઝનૂની બનાવી દીધું છે કે લઘુમતીઓ માટે અસ્તિત્ત્વ ટકાવવું કઠીન બની ગયું છે.
બધા પાકિસ્તાનીઓ કંઈ લઘુમતીઓ પર અત્યાચાર કરતા નથી, કિન્તુ તેઓ એટલા કઠોર બની ગયા છે કે કોઈ લઘુમતી પર થતો અત્યાચાર જોઈને ભાગ્યે જ કોઈને પીડા થાય છે.
પાકિસ્તાનથી હિંદુઓને કેમ ભાગવું પડે છે? ભારતમાં વિસ્થાપિત પાકિસ્તાની હિંદુઓ માટે કામ કરતું સીમાન્ત લોક સંગઠન જણાવે છે કે પાકિસ્તાનમાં દર મહિને ૫૦ હિંદુ છોકરીઓનું અપહરણ થાય છે. હિંદુ પરિવારોનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કરવામાં આવે છે.
પાકિસ્તાનમાં ધર્માંતરણમાં વનવે પ્રક્રિયા છે. પરાણે કે મરજીથી એક વખત ઈસ્લામ અંગીકાર કર્યા પછી તમે ફરી પાછા પોતાના જૂના ધર્મમાં જઈ શકતા નથી. જો તેઓ પાછા પોતાના મૂળ ધર્મમાં જાય તો પાકિસ્તાનના કાયદામાં મોતની સજાની જોગવાઈ છે. ધર્માન્તર કરાવતા ગુનેગારોને સ્થાનિક નેતાગીરીની શેહ હોય છે. એટલે પીડિતો પોલીસમાં પણ જઈ શકતા નથી. જો તેઓ જાય તો તેમની જ સામે કેસ દાખલ કરીને તેમને હેરાન કરવામાં આવે છે.
જેવી રીતે ખેડૂત પશુઓથી તેના પાકની રક્ષા કરે એમ પાકિસ્તાનમાં હિંદુ ઘરના મોભીઓ આખી રાત તેના પરિવારની રક્ષા કરતા જાગે છે. નિરાંતની ઊંઘ શું છે તે તેમને ખબર નથી. મહિલાઓ હંમેશા ફડકમાં જીવે છે.
પાકિસ્તાનમાં ખ્રિસ્તી અને બૌદ્ધ પર હુમલો થાય તો આંતરરાષ્ટ્રીય સમાચાર બને છે. કેમ કે વિશ્વમાં બૌદ્ધો અને ખ્રિસ્તીઓનો ફેલાવો ઘણો વધારે છે. જ્યારે હિંદુઓ પર થતા હુમલાને એટલું કવરેજ મળતું નથી. ભારત એક સેક્યુલર સ્ટેટ છે. એવામાં પાકિસ્તાનના હિંદુઓને ભારતમાં શામાટે આશ્રય આપવો એવો સવાલ પણ ઘણી વખત ઘણા લોકો ઉઠાવે છે. એના ત્રણ જવાબ છે કે ૧) વિશ્વના ઘણા બધા દેશો એવા છે જ્યાં બૌદ્ધો અને ખ્રિસ્તીઓની બહુમતી છે.
ત્યાં પાકિસ્તાનના બૌદ્ધ અને ખ્રિસ્તી અલ્પ સંખ્યકોને આશ્રય મળી શકે છે. ભારત અને બીજા એક-બે નાના દેશ બાદ કરીએ તો હિંદુઓની બહુમતીવાળો દેશ કયો? ૨) વળી, હિંદુ ધાર્મિકની સાથોસાથ ભૌગોલિક ઓળખ પણ છે. એ ન્યાયે તેમને ભારતમાં અભયારણ્ય પૂરું પાડવું જોઈએ. ૩) પાકિસ્તાન ધાર્મિક કટ્ટરવાદી દેશ છે. ભારત ધર્મ નિરપેક્ષ. પાકિસ્તાનનો ઈતિહાસ ભારત સાથે જોડાયેલો હોવાથી ત્યાં વસતી લઘુમતીઓને જો વતન છોડવું પડે તો સૌથી નિકટવર્તી દેશ ભારત બને છે. આથી તેમને ભારતમાં આશ્રય મળવો જોઈએ.
પાકિસ્તાની હિંદુઓ વિઝિટર્સ વિઝા અથવા પિલ્ગ્રીમ વિઝા પર ભારત આવે છે અને આવ્યા પછી પાછા જવા માગતા નથી. જો તેઓ પિલ્ગ્રિમ વિઝા પર આવવા માગતા હોય તો મંદિરના પૂજારી અને વિઝિટર્સ વિઝા પર આવવા માગતા હોય તો ભારતમાં વસતા તેના કોઈ સંબંધી પાસેથી તેમની ગેરેન્ટી લેવામાં આવે છે. સુરક્ષાનો મુદ્દો ઉઠાવીને ઘણી વખત તેમને બળજબરીપૂર્વક પાકિસ્તાન મોકલી દેવામાં આવે છે.
તેમને ભારતની નાગરિકતા આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે. મોદીએ ચૂંટણી પહેલા કહ્યું હતું કે તેઓ વડા પ્રધાન બનશે તે પછી વિસ્થાપિતો માટેના કાયદામાં સુધારો કરશે. તેઓ સત્તામાં આવ્યાને ચાર વર્ષ વીતી ગયા. કહે છે કે હવે તેમને બહુ યાદ રહેતું નથી!
જોધપુરમાં ૧૫,૦૦૦ પાકિસ્તાની હિંદુ વસે છે. રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે, પરંતુ તેમના માટે કોઈ કશું કરતું નથી. આપણી હિંદુવાદી સરકારો પણ માત્ર મત માટે હિંદુવાદ ચગાવે છે. જેવું કામ પતે એટલે બધું જ ભૂલી નોટો છાપવામાં લાગી જાય છે.
આંચકાજનક બાબત એ છે કે ભારતમાં લાંબા ગાળાના વિઝા પર રહેતા અને નાગરિકત્વ માટે પ્રયત્નશીલ પાકિસ્તાની હિંદુઓને સમયાંતરે પોલીસ વેરિફિકેશન કરાવવા અને દસ્તાવેજી પ્રક્રિયા માટે લાંચ આપવી પડે છે. આથી ઘણા બધાએ તો હવે વિઝા રીન્યુ કરાવવાનું કે નાગરિકત્વ માટે પ્રયાસો કરવાનું જ બંધ કરી દીધું છે. હજુ થોડા મહિના પહેલા ગૃહમંત્રાલયના સીનિયર સેક્રેટેડ આસિસ્ટન્ટ સહિત પાંચ કર્મચારીઓ પાકિસ્તાની હિંદુઓને ભારતનું નાગરિકત્વ આપવાના બદલામાં લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.
વર્ષો પહેલા પાકિસ્તાનમાં વસતી લાજી બાઈ અને તેના દીકરા રામજીએ વિઝા માટે અરજી કરી હતી. લાજીબાઈને વિઝા મળી જતા તે ભારત આવી ગઈ, પરંતુ તેના દીકરાને ભારત સરકારે વિઝા ઈશ્યૂ કર્યા નહીં. લાજી બાઈ તેના જમાઈ મેઘજી પાસે રહેતી. જીવનના અંતિમ શ્વાસ સુધી તે તેના દીકરાના ભારત આવવાની રાહ જોતી રહી. તેની ઈચ્છા ક્યારેય પૂરી થઈ નહીં.
સોનારામ તેના પત્ની બાળકો સાથે વિઝા લઈને ભારત આવી ગયો. તેની ૮૦ વર્ષીય મા અને તેના ભાઈના પરિવારના વિઝા નામંજૂર થયા. વર્ષો લગી તે ભારતમાં રહ્યા પછી તેને નાગરિકતા પણ મળી ગઈ. તેમ છતાં તેની મા અને ભાઈના પરિવારને ભારત સરકારે વિઝા આપ્યા નહીં. થોડા સમય પહેલા સોનારામની માતાનું પાકિસ્તાનમાં મૃત્યુ થયું. માતાની ઇચ્છા હતી કે મોટો દીકરો અંતિમ સંસ્કાર કરે. ભારત સરકાર તરફથી સોનારામને પાકિસ્તાન જવા મંજૂરી ન મળતા ઈચ્છા અધૂરી રહી.
પાકિસ્તાનથી આવેલા હિંદુઓને અહીં વસવા તો દેવામાં આવે છે, કિન્તુ આંતરિક સુરક્ષાને નામે ગમે ત્યારે હેરાન-પરેશાન કરવામાં આવે છે. તેમને માનવ અધિકારથી વંચિત રાખવામાં આવે છે. રાશન, પાણી, વીજળી, ગેસ જેવી મૂળભૂત સુવિધા મેળવવામાં કારમી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
પાકિસ્તાની હિંદુઓને ઘણી વખત બળજબરીપૂર્ક પરત પણ મોકલી દેવાય છે. ચંદુ ભીલ તેના પરિવારના નવ સભ્યો સાથે જોધપુર બહાર લગ્નમાં ગયો હતો. પોલીસે તેને પકડીને ધરાર પાકિસ્તાન જનારી થાર એક્સપ્રેસમાં બેસાડી દીધો. ૨૦૧૬માં ભારત સરકારે આદેશ આપ્યો હતો કે પાકિસ્તાની હિંદુઓને બળજબરીપૂર્વક પરત ન મોકલવામાં આવે.
તે પછી પણ ૯૧૬ જણને પાછા વળાવી દેવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષમાં જેટલા હિંદુઓ પાકિસ્તાનથી આવ્યા છે, એટલાને જ પરત મોકલવામાં આવ્યા છે. જે પાક હિંદુઓ અહીં લાંબો સમય રહ્યા પછી તેમને પાછા મોકલવામાં આવ્યા હોય એવા કેસમાં પાકિસ્તાનની તપાસ એજન્સીઓ તેમની સાથે કેવું વર્તન કરતી હશે! વિચારી જુઓ.
પાકિસ્તાનથી આવીને ભારતમાં વસતા હિંદુઓને ગમે તે જગ્યાએ રહેવા મળતું નથી. તેઓ ગામના છેડે સમૂહમાં વસતા હોય છે. તેમની સાથે બહિષ્કૃત જેવો વહેવાર થાય છે. કોઈ તેમને નોકરી આપવા તૈયાર થતું નથી. બાળકોને શાળામાં એડમિશન મળતું નથી. મળે તો તેમને અન્ય બાળકો પાકિસ્તાની-પાકિસ્તાની કહીને ખીજવે છે. તેમના હાથમાં ભગવદ્ ગીતા હોવા છતાં ભારતનો મુખ્યધારાનો સમાજ તેમને અપનાવવા તૈયાર થતો નથી.
પાકિસ્તાનથી ગરીબ હિંદુઓ જ પરત આવ્યા એવું નથી. ધનાઢ્ય હિંદુઓ પણ પાછા આવેલા છે. ૩૦ એવા પાકિસ્તાની ડોક્ટર છે જેમને અહીં કામ મળી રહ્યું નથી. ઘણા એવા પરિવારો છે જેઓ દાયકાઓથી અહીં રહેતા હોવાથી બે પાંદડે થયા છે. તેમની સાથે પણ દગો થાય છે. તેમની પાસે નાગરિકતા ન હોવાથી તેઓ પોતાના નામે પ્રોપર્ટી ખરીદી શકતા નથી. આવામાં તેઓ તેમના ભારતીય સગા કે મિત્રના નામે સંપત્તિ ખરીદે છે અને પેલા તે પચાવી પાડે છે. એવું થયા પછી તેઓ પોલીસ ફરિયાદ કરી પણ કેવીરીતે શકે?
તાજેતરમાં જોધપુરમાં પાકિસ્તાનના એક હિંદુ પરિવારમાં સ્વજનનું મોત થયું. તેમની અંત્યેષ્ટી માટે સ્મશાન ગૃહનો ઉપયોગ કરવાનો તેમને ઇનકાર કરી દેવામાં આવતા તેમણે લાશને ગામની બહાર લઈ જઈને અગ્નિ સંસ્કાર આપવા પડયા. પાકિસ્તાનના હિંદુઓ જ્યારે ભારતમાં ક્યાંય લઘુમતી સાથે અન્યાય થતો કે થયો હોવાનું સાંભળે તો તેમને સહાનુભૂતિ ઊપજે છે. એક લઘુમતી બીજી લઘુમતીનું દરદ સમજે છે.
તેઓ એ પણ સવાલ પૂછે છે કે તેઓ હિંદુ હોવા છતાં ભારતની બહુમતી પ્રજા તેમની સાથે કેમ ઓરમાયું વર્તન કરે છે? ઘરના કે ઘાટના ન રહેલા પાકિસ્તાની હિંદુઓના આંસું કોણ લૂછશે? એવું પૂછવામાં આવતા સરકારી સૂત્રો એવું કહે છે કે જો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના હિંદુઓને ઉદારતાપૂર્વક નાગરિકત્વ આપીશું તો વધુ સંખ્યામાં હિંદુઓ ભારત આવવા લાગશે.
આજની નવી જોક
છગન (લીલીને: આખો દિવસ સૂતી શું રહે છે?
લીલીઃ તો આરામ પણ ન કરું?
છગનઃ જલ્દી ચા બનાવી દે. મને માથું દુઃખે છે.
લીલીઃ તમે જાતે બનાવી લો. મને ગળું દુઃખે છે.
છગનઃ ઓરી આવ... તું મારું માથુ દબાવી દે. હું તારું ગળું દબાવી દઉં...!!!
Comments
Post a Comment