મોદી સરકારની બીજી ટર્મમાં પડકારો પણ વ્યાપક

- લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતિ મળ્યા બાદ વડાપ્રધાન મોદીને મનગમતું મંત્રીમંડળ તો મળી ગયું છે પરંતુ ચૂંટણીટાણે ગાયબ થઇ ગયેલી સમસ્યાઓ વધુ વિકરાળ સ્વરૂપ લઇને ત્રાટકવાની છે


ભારે બહુમતિ સાથે ફરી વખત સત્તામાં આવનાર ભાજપે એનડીએના સહયોગી દળો સાથે મળીને સરકારની રચના કરી દીધી છે. મોદી સરકારમાં લોકોની ધારણા પ્રમાણે જ અમિત શાહને નંબર ટુ અર્થાત્ ગૃહ મંત્રીનું સ્થાન મળ્યું છે. તો પહેલી મોદી સરકારમાં ગૃહ મંત્રી રહેલા રાજનાથ સિંહને સંરક્ષણ ખાતુ મળ્યું છે. તો અગાઉ સંરક્ષણ ખાતું સંભાળનાર નિર્મલા સીતારમનના ફાળે વિદેશ ખાતું આવ્યું છે.

આમ તો ગઠબંધન સરકારમાં મંત્રીમંડળની રચના કરતી વખતે સહયોગી દળોને સાચવવાની ભારે જહેમત ઉઠાવવી પડે છે. ઘણી વખત મનગમતું ખાતું મેળવવા સહયોગી પાર્ટીઓ અને નેતાઓ દબાણ પણ કરવામાં આવે છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળમાં પણ આવું કોઇ દબાણ જોવા મળ્યું નહોતું. અને હવે આ વખતે દેશની જનતાએ ભાજપને ત્રણસો કરતા વધારે બેઠકો આપીને સત્તામાં મોકલ્યો છે ત્યારે તો સહયોગી દળોના દબાણ કે જિદનો સવાલ જ ઊભો નથી થતો. જેના કારણે અગાઉની સરકારમાં મંત્રી રહી ચૂકેલા નેતાઓ અને રાજકીય પાર્ટીઓના કામકાજનું તટસ્થ મૂલ્યાંકન કરવાનું સરળ બની રહ્યું છે.

મોદી સરકારના આ બીજા સંસ્કરણમાં એટલે જ અમુક જૂના નેતાઓને વિદાય આપી દેવામાં આવી છે તો અનેક નવા ચહેરા પણ સમાવવામાં આવ્યાં છે. એક જોતાં તો નવી સરકારની રચના કરવામાં વડાપ્રધાન મોદીએ વ્યાવહારિક નિર્ણયો લીધાં છે. મંત્રીઓની પસંદગી કરતી વખતે તેમની કાર્યક્ષમતા ઉપરાંત દરેક ક્ષેત્રને પ્રતિનિધિત્ત્વ મળે એનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. 

જો ચૂંટણીમાં ભાજપને બહુમતિ કરતા થોડી બેઠકો ઓછી મળી હોત તો સહયોગી દળોની માંગ અને દબાણ વધી ગયા હોત અને પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક બાંધછોડ કરવાનો વારો પણ આવ્યો હોત. એકંદરે જોતાં મંત્રીમંડળની પસંદગીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે છૂટો દોર મળ્યો છે એના કારણે સરકાર કોઇ પણ જાતના અવરોધ વગર ચાલી શકશે એમાં બેમત નથી. ભાજપ આ વખતે ગત લોકસભાની ચૂંટણી કરતા પણ વધારે બેઠકો મેળવીને સત્તામાં આવ્યો છે. આનો અર્થ એ કે લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીમાં ભરોસો છે.

હવે જ્યારે ભાજપને ગત લોકસભા કરતા વધારે બેઠકો મળી છે ત્યારે નવી સરકારની જવાબદારીઓ પણ સ્વાભાવિક રીતે પહેલા કરતા વધી જાય છે. હકીકતમાં મોદી સરકારનો બીજો કાર્યકાળ પહેલા કાર્યકાળ કરતા નિશ્ચિતરૂપે વધારે પડકારજનક રહેવાનો છે કારણ કે આ વખતે ભાજપને જે મોટો જનાધાર મળ્યો છે એ વડાપ્રધાન મોદી પાસેથી લોકોની વધેલી અપેક્ષાઓનો જ પ્રતિક છે. 

આમ તો ચૂંટણી પહેલા ભાજપ સમક્ષ બેરોજગારી, ખેડૂતોની સમસ્યા જેવા અનેક મુદ્દા ઊભા હતાં પરંતુ પુલવામા હુમલા અને બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ રાષ્ટ્રીય સુરક્ષાના મોરચે જાગેલા સ્વાભિમાને ૨૦૧૯માં ભાજપને ઐતિહાસિક વિજય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

રાષ્ટ્રવાદના મુદ્દાના કારણે સામાજિક અને આર્થિક મોરચે મોદી સરકાર સમક્ષ છેલ્લા પાંચ વર્ષમાં જે પડકાર ઊભા થયા હતા એ તમામ નૈપથ્યમાં ચાલ્યા ગયા પરંતુ હવે સરકારની રચના થતા એ જ મુદ્દાઓ ફરી વખત પહેલા કરતા વધારે વિકરાળ સ્વરૂપ લઇને સામે આવશે કારણ કે તેમનો સીધો સંબંધ સામાન્ય જનતાની રોજીરોટી અને વ્યક્તિગત વિકાસ સાથે જોડાયેલો છે.

નવી સરકારમાં સંસદીય પ્રક્રિયા અને આર્થિક બાબતોના જાણકાર અરુણ જેટલી નહીં હોય અને એ સંજોગોમાં વિપક્ષના હુમલા વખતે વડાપ્રધાન મોદીની ઢાલ બની રહેનારની ખોટ સાલશે. બેશક નરેન્દ્ર મોદીના ખાસ અમિત શાહ કેબિનેટમાં સામેલ થયા છે પરંતુ કેન્દ્રીય મંત્રી તરીકે તેમની પહેલી ટર્મ હોવાના કારણે તેમને સંસદીય પ્રક્રિયાનો વધારે અનુભવ નથી. જેટલીનું નાણા મંત્રી તરીકેનું સ્થાન નિર્મલા સીતારમને લીધું છે ત્યારે તેમના શિરે આર્થિક નીતિઓને લઇને વડાપ્રધાન મોદીનું રક્ષણ અને આક્રમણ બંને કરવાના રહેશે.

વિશાળ જનાદેશની જવાબદારી સાથે સત્તામાં આવેલી મોદી સરકારે દેશની એ સમસ્યાઓનું સમાધાન શોધવું પડશે જે યુવાપેઢી સમક્ષ મોઢું ખોલીને ઊભી છે. આ સમસ્યાઓમાં સૌથી ભયજનક પરિસ્થિતિ બેરોજગારીની છે જે છેલ્લા ૪૫ વર્ષની ટોચે પહોંચી ગઇ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ વર્ષ પહેલા સત્તામાં આવ્યાં ત્યારે તેમણે દેશના યુવાનોને નોકરી અને વિકાસના વાયદા કર્યાં હતાં. પરંતુ તેમના શાસનકાળના પાંચ વર્ષ બાદ બેરોજગારી આભને આંબી રહી છે. વધી રહેલી બેરોજગારી મોદી સરકાર માટે મોટું સંકટ બની ચૂકી છે અને બેરોજગારીના મામલે ટીકા કરી રહેલાં લોકોને હવે ચૂપ રાખવા સરકાર માટે મુશ્કેલ બની રહેવાનું છે.

રાષ્ટ્રીય ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ વડાપ્રધાન મોદી સમક્ષ અનેક પડકાર ઊભા થઇ શકે છે. તેમની સામે સૌથી મોટો પડકાર અમેરિકા અને ચીન વચ્ચે જામેલા ટ્રેડ વૉરમાં ભારતની સ્થિતિ મજબૂતીથી જાળવી રાખવાનો રહેશે. અમેરિકાના માથાફરેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું તો ભારત વિરુદ્ધની ફરિયાદોનું લિસ્ટ પણ લાંબુ છે.

ક્યારેક તેઓ હાર્લે ડેવિડસન મોટરસાઇકલની આયાત પર ભારતમાં લાગતા જંગી ટેક્સના મામલે સવાલ ઉઠાવે છે તો ક્યારેક ભારતને ટેરિફ કિંગની ઉપમા આપે છે. થોડા સમય પહેલાં ટ્રમ્પે કહ્યું હ તું કે હવે અમેરિકા પણ ભારતના ઉત્પાદનો ઉપર ટેક્સ લાગુ કરશે અને જો ભારતે આ ટેક્સથી બચવું હોય તો અમેરિકા સાથે વેપારી સમજૂતિ કરવી પડશે. સ્પષ્ટ વાત છે કે મોદી સરકારની બીજી ટર્મમાં અમેરિકા સાથે આર્થિક મોરચે ભારે ટક્કર લેવી પડશે.

તો અમેરિકા અને ઇરાન વચ્ચે વધી રહેલો તણાવ પણ ભારતને ભારે પડી શકે છે. વર્ષોથી ઇરાન ભારતને સસ્તા ભાવે પેટ્રોલિયમ પૂરું પાડતું રહ્યું છે. ઇરાન અને ભારત વચ્ચે મજબૂત કૂટનૈતિક સંબંધોનો લાંબો ઇતિહાસ રહ્યો છે.

તાજેતરમાં જ અમેરિકાએ ભારતને ઇરાન પાસેથી પેટ્રોલિયમ ખરીદવા આપેલી છૂટ પાછી લઇ લીધી છે જેના પરિણામે ભારતે ઇરાન પાસેથી પેટ્રોલિયમ લેવા અંગે સમસ્યા ઊભી થઇ છે. આગામી સમયમાં વડાપ્રધાન મોદી માટે અમેરિકાની ઉપરવટ જઇને ઇરાન સાથે સંબંધો સાચવી રાખવાનો મોટો પડકાર રહેશે.

જોકે જાણકારોના મતે મોદીના પહેલા કાર્યકાળમાં વિદેશમાં ભારતની સ્થિતિ મજબૂત બની છે. હજુ તો ચૂંટણીના પરિણામો પૂરેપૂરા આવ્યા પણ નહોતા ત્યારથી મોદી માટે વિદેશોમાંથી અભિનંદનની વર્ષાનો જે દોર શરૂ થઇ ગયો હતો એ સફળ વિદેશ નીતિની સાક્ષી આપે છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત ઇઝરાયેલ જેવા અનેક દેશોના વડાઓ તરફથી મોદીને મળેલા અભિનંદન વિદેશમાં તેમની મજબૂત છબિના પુરાવાસમાન છે. આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોના મતે વિદેશ નીતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે. મોદીના દોરમાં વિદેશોમાં જે પ્રકારનો જોશ જોવા મળ્યો એ આજ સુધી બીજા કોઇ વડાપ્રધાનના કાર્યકાળમાં જોવા મળ્યો નથી. 

આર્થિક વિશ્લેષકોના મતે વર્તમાન આંતરરાષ્ટ્રીય માહોલ મોદી સરકારની બીજી ટર્મ સમક્ષ મોટો પડકાર બનીને ઉભરશે. અમેરિકા ભારત સાથેની ભાગીદારી વધારીને એશિયામાં ચીનના વધી રહેલા પ્રભાવને નાથવા પ્રયાસ કરશે. એ સાથે જ અમેરિકી કંપનીઓને ભારતમાં વેપાર કરવાની સાનુકૂળતા મળી રહે એ માટે પણ દબાણ કરશે. બીજી બાજુ અમેરિકા સાથેના ટ્રેડ વૉરમાં ચીન ભારતના સાથની અપેક્ષા રાખશે. એ સંજોગોમાં ભારત માટે અમેરિકા અને ચીન વચ્ચે સંતુલન જાળવી રાખવું ઘણું મહત્ત્વનું બની રહેશે.

આગામી સમયમાં ભારત વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું બજાર બનવાનું છે ત્યારે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું મહત્ત્વ વધતું જ રહેશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો