જનેતાએ કર્યું બેટીનું વેચાણ


મે મહિનાના બીજા સપ્તાહમાં માતૃદિન એટલે કે મધર્સ-ડે. સોશિયલ મિડિયામાં  સહુએ માતાની તસવીરો મૂકી. જે દીકરાઓ માતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય એ પણ આશ્રમે જઈને પગે લાગી આવ્યા બોલો. પરંતુ માતૃદિનની ઉજવણીના થોડા વખત પહેલાં જ એક હૈયું હચમચાવી નાખે એવો કિસ્સો હિન્દી અખબારમાં વાંચવા મળ્યો હતો.  દિલ્હીમાં એક માતાએ બેટીને જન્મ આપ્યા પછી ત્રણ જ દિવસમાં તેને રોકડા સવા લાખ રૂપિયામાં વેંચી દીધી.

સગી જનેતા ઊઠીને દિકરીને કેમ વેંચી શકે? એવો સહુને સવાલ થાય. આ સવાલનો જવાબ છે ગરીબી અને મજબૂરી. આ મામલો બહાર આવ્યો ત્યારે માતાએ એકરાર કર્યો કે ઘરમાં ફૂટી કોડી નહોતી. પતિ બેરોજગાર અને શરાબી. આમ  ગરીબીને લીધે તેણે  કાળજા પર પથ્થર રાખી દીકરીને વેંચવાને  મજબૂર બનવું પડયું.

તપાસ થઈ અને માતાએ જે મહિલાને સવા લાખમાં દિકરી વેંચી હતી તેનો સંપર્ક કરવામાં આવ્યો. ત્યારે ખબર પડી કે આ મહિલાએ સવા લાખમાં  ખરીદેલી નવજાત બાળકીને પ્રોફિટ લઈ પાંચ લાખ રૂપિયામાં  બહારગામ કોઈને વેંચી દીધી હતી. 

આ મામલો પોલીસ થાણે પહોંચ્યો પણ મૂળ વાત એ છે કે ગરીબી કેવી કહેવાય કે જન્મદાત્રીએ પોતાની બેટીને વેંચી નાખવી પડે. ચૂંટણી વખતે નેતાઓ ગરીબી હટાવવાની  ગુલબાંગ પોકારતા હોય છે પણ ચૂંટણી પતે એટલે ગરીબી નથી હટતી, રસ્તામાં આડા આવતા ગરીબોને હટાવવામાં આવે છે. દૂરના ગ્રામવિસ્તારમાં  નહીં પણ દેશના પાટનગરમાં ગરીબીને કારણે સગી દિકરીને વેંચવાની નોબત આવે ત્યારે સહુના હૈયામાંથી પોકાર ઉઠયા વિના ન રહે કે બેટી બચાવ... બેટી બચાવ.

નકસલીઓના મુકાબલા માટે નારીઓ મેદાનમાં
નારી કભી ના હારી... અબળા નહીં એ સબળા છે... સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે... આ બધા સૂત્રો સાચા પાડતી નારીઓ પોલીસમાં અને બીએસએફમાં, લશ્કરમાં અને નૌકાદળમાં, રમતગમતમાં  અને રાજરમતમાં  પોતાનો સિક્કો  જમાવવા માંડી છે. આ જ નારીશક્તિને હવે મોતના સોદાગર ગણાતા  નક્સલવાદીઓ અને માઓવાદીઓના  મુકાબલા માટે મેદાનમાં  નહીં દંતેવાડાના દુર્ગમ જંગલોમાં ઊતારવામાં આવી છે. ભલભલા નક્સલીઓનો સશસ્ત્ર સામનો કરી શક્વાની શક્તિ ધરાવતી આ મહિલાઓની સશસ્ત્ર ટુકડીને દંતેશ્વરી નામ આપવામાં આવ્યું છે. 

દંતેશ્વરીના નામ ઉપરથી જ આ પ્રદેશ દંતેવાડા તરીકે ઓળખાય છે. દંતેશ્વરી ટુકડી બાઈક ઉપર સવાર થઈને જંગલોમાં પેટ્રોલિંગ કરે છે. બુલેટ પ્રૂફ જેકેટથી સજ્જ આ બળુકી બાનુઓમાં એક બાઈક હંકારે છે જ્યારે પાછળ બેઠેલી મહિલા જવાન પાસે ઓટોમેટીક  રાઈફલ અને બીજા હથિયારો હોય છે. જંગલની સાંકડી કેડીઓ પર બિનધાસ્ત મોટર સાઈકલ પર ફરીને  દંતેશ્વરી ટુકડી નકસલીઓનો સામનો કરવા સહાય તત્પર રહે છે. એક તરફ બેટી બચાવના  નારા લગાવવામાં આવે છે જ્યારે  બીજી બાજુ  આ બહાદુર બેટીઓ બીજાને બચાવવા નીકળી પડે છે.

કૂકરની કહાની

વાલી જો છોકરાવનું ધ્યાન ન રાખે તો  કોઈકવાર મવાલી બની જતા હોય છે. પણ મવાલી વિશેની એક ચાર લાઈના હમણાં જ ક્યાંક વાંચવામાં આવીઃ

અય કૂકર તૂં ભી

મવાલી મેં ગીના જાતા હૈ

કિચન મેં મહિલાઓ કો દેખ

ક્યૂં સીટી બજાતા હૈ

મવાલી સીટી વગાડે તો ક્યારેક ગાલ ઉપર લપડાક કે લેડીસ સેન્ડલ પડે.  પણ કૂકર સીટી વગાડે તો ખાવાનું ચડે. રાધવામાં મદદ કરે એટલે કૂકરની સીટી સહેવી જ પડેને? ગૃહિણીઓ  માટે તો આ પ્રેશર કૂકર આશીર્વાદરૂપ સાબિત થયું છે. હમણાં જ ક્યાંક વાંચ્યું કે દુનિયામાં પહેલવહેલું શોધ્યું હતું. એ વખતે નામ અપાયું  હતું 'સ્ટીમ ડાઈજેસ્ટર' ત્યારે આ સ્ટીમ ડાઈજેસ્ટરમાં ભોજન પકાવવા માટે ખાસ પ્રકારની ભઠ્ઠીની જરૂર પડતી. એટલે તેનો ઉપયોગ બહુ જ કડાકૂટભર્યો હતો. 

પછી તો ઠેઠ વીસમી સદીમાં લોકોના કિચનમાં ઊપયોગ માટેના કૂકરનો વપરાશ શરૂ થયો હતો. ૧૯૧૫માં પહેલી વાર 'પ્રેશર કૂકર' શબ્દ વપરાયો હતો. ૧૯૩૯માં અમેરિકાના ન્યુયોર્ક  શહેરમાં યોજાયેલા વર્લ્ડ ટ્રેડ ફેરમાં આલ્ફ્રેડ મિશેલે એલ્યુમિનિયમનું  આધુનિક  કૂકર રજૂ કર્યું હતું.  આમ પહેલવહેલું  પ્રેશર કૂકર અમેરિકામાં જોવા મળ્યું હતું. કદાચ એટલે જ  અમેરિકા આજે બીજા દેશોને પ્રેશરમાં રાખવા પ્રયાસ કરે છે. પણ આપણને તો ભાઈ ખાણું પકાવે એવાં કૂકરથી નિસ્બત, માથું પકાવે એવી સીટીથી નહીં.

વરસાદનું અનુમાન મંદિરમાં
મે મહિનાની બળબળતી ગરમીમાંથી છુટકારો મેળવવા સહુના તપતા હૈયામાંથી એક જ પોકાર નીકળતો હોય છે કે હવે તો વરસાદ આવેતો સારૂં હવામાન  ખાતાવાળા ચોમાસું ક્યારે બેસશે તેની સચોટ આગાહી કરતા હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશના ભીતરગાંવ-બેહતામાં સ્થિત જગન્નાથ મંદિરમાં વરસાદ કેવો પડશે  તેનું અનુમાન  કરવાની અનોખી પદ્ધતિ છેલ્લાં  સો વર્ષથી અજમાવાય છે. મંદિરની છતમાં ભેજને લીધે પાણીના ટીપા બાઝે તેને આધારે  વરસાદની ભવિષ્યવાણી કરવાની પરંપરા છે. 

છતમાં બાઝેલા ટીપાનો આકાર મોટો હોય તો   સારો વરસાદ થશે એવું માનવામાં આવે છે.  ટીપા ઝીણા ઝીણા બાઝ્યા હોય તો ઓછો વરસાદ પડશે એવું અનુમાન કરવામાં આવે છે.  મેઘ વરસે કે મેઘ વિના સહુ પાણી માટે તરસે  તેની આગાહી આ મંદિરમાં  થતી હોવાથી  ઘણાં તેને રેઈન-ટેમ્પલ તરીકે ઓળખે છે. આમ તો સંસારના મંદિરમાં  પણ આવું જ છેને? વર-વહુ એકમેક ઉપર પ્રેમ વરસાવે તો પ્રેમની ઝરમર વરસે નહીંતર ઝાપટાં પડે બાકી સંસારની મોસમ કેવી રહેશે એની તો સચોટ આગાહી કોઈ નથી કરી શક્તું.

તિહારમાં મુસ્લિમોે સાથે હિન્દુ કેદીઓએ પણ રોજા પાળ્યા
આઝાદ દેશમાં ધર્મ અને જાતિને નામે વિખવાદો થતા રહે છે. કોમવાદીઓ વાતાવરણ  કલૂશીત કરતા હોય છે. જ્યારે બીજી તરફ કારાગૃહની ઊંચી દિવાલોની  પાછળ બંદિવાન  દશામાં  રહેતા કેદીઓ ભાઈચારાની અને સર્વધર્મ સમભાવની મિસાલ આપે છે  એ જોવું હોય તો દિલ્હીની તિહાર જેલ તરફ નજર દોડાવવી પડે. અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ રમઝાન મહિનો શરૂ થતાની સાથે જ મુસ્લિમ કેદીઓની સાથે ૧૫૦ હિન્દુ કેદીઓએ પણ રોઝા રાખ્યા હોવાની માહિતી જેલ પ્રશાસને આપી હતી. 

મુસ્લિમ બંદિવાનો સાથે રોઝા રાખીને હિન્દુ કેદીઓએ  ભાઈચારાનો  અનોખો દાખલો બેસાડયો  છે. આમ તિહાર જેલમાં અત્યારે ૧૬,૬૬૫  કેદીઓ  છે એમાંથી  ૨,૬૫૮ મુસ્લિમ અને હિન્દુ કેદીઓએ  રોઝા રાખ્યા હોવાથી જેલ તરફથી તેમને માટે રોઝા છોડવા માટે ખજૂર, ખારેક, ફળ અને શરબતની જોગવાઈ કરી છે. આ કેદીઓનું  કહેવું છે કે રોઝા રાખી ધર્મનું પાલન કરવાથી માનસિક શાંતિ મળે છે. અમારી ઈબાદતને લીધે  ઉપરવાળો રહેમ કરશે તો જેલમાંથી છુટકારો થશે. આ ભાઈચારાની લાગણી જોઈ ઈન્સાનિયાતનો પડઘો પાડતું જૂની ફિલ્મનું ગીત યાદ આવે છેઃ

તું હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા

ઈન્સાન કી ઔલાદ હૈ ઈન્સાન બનેગા.

પંચ-વાણી

સઃ એવા કયા બે ગામના નામ છે જેની પાછળ 'જી' લગાડવાથી સંગીતકાર જોડીનું નામ બને?

જઃ કલ્યાણ અને આણંદ. કલ્યાણજી-આણંદજી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે