ભાજપે જદ(યુ)ને એક જ પ્રધાન પદ ઓફર કરતા નારાજ નીતીશનો મોદી સરકારમાં સામેલ થવા ઇનકાર
નવી દિલ્હી, તા. 30 મે, 2019, ગુરૂવાર
વડાપ્રધાન મોદી અને તેમના કેબિનેટ સભ્યોએ પદ અને ગોપનીયતાના શપથ લઇ લીધા છે. જો કે આજના શપથગ્રહણ સમારંભમાં સૌૈથી ચોંકાવનારી વાત એ હતી કે નીતીશકુમારના જદ(યુ) અને અનુપ્રિયા પટેલના અપના દળે સરકારમાં સામેલ નહીં થવાનો નિર્ણય લીધો છે. એટલે કે બંને પક્ષો એનડીએનો હિસ્સો છે પણ સરકારમાં સામેલ થયા નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપે જદ(યુ)ને એક જ કેબિનેટ મંત્રી પદ ઓફર કર્યુ હતું. જે જદ(યુ)ને સ્વીકાર્ય ન હતું. જદ(યુ)ને આશા હતી કે તેને કેબિનેટ કક્ષાના બે અને રાજ્ય કક્ષાનો એક મંત્રી પદ મળશે.
નીતીશકુમાર ઇચ્છતા હતા કે આરસીપી સિંહ અને લલ્લન સિંહને કેન્દ્રીય પ્રધાન બનાવવામાં ્આવે અને સંતોષ કુશવાહાને રાજ્ય પ્રધાન બનાવવામાં આવે. આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી નીતીશકુમાર જાતિગત સમીકરણ બેસાડવાના પ્રયત્નો કરી રહ્યાં હતાં.
નીતીશકુમારને એક જ મંત્રી પદની ઓફર મળતા તેમણે સરકારને જણાવી દીધું હતું કે અમને મંત્રી પદની જરૃર નથી. નીતીશે જણાવ્યું હતું કે આ કોઇ મોટો મુદ્દો નથી અમે સંપૂર્ણપણે એનડીએમાં સામેલ છીએ. અમે એક સાથે કાર્ય કરી રહ્યાં છીએ.
ઉલ્લેખનીય છે કે ભાજપ પાસે ૩૦૩ સાંસદો હોવાથી તેને અન્ય કોઇ પક્ષના ટેકાની જરૃર નથી. સંસદમાં બહુમતી માટે ૨૭૨ સાંસદોની જરૃર હોય છે. નીતીશકુમારે જણાવ્યું હતું કે અમારા ૧૬ સાંસદો છે છતાં જો અમને અકાલી દળ અને રામવિલાસ પાસવાનના પક્ષ જેટલા મંત્રી પદ મળે તે યોગ્ય નથી.
Comments
Post a Comment