મૈં નરેન્દ્ર દામોદરદાસ મોદી : ઇશ્વરના નામે સુરાજ્યના શપથ


સિતારમન, ગડકરી, સ્મૃતિ ઇરાની, જાવડેકર, પિયુષ ગોયલ સહિત ૨૪ મંત્રી કેબિનેટમાં : સમારોહમાં અનેક ઉદ્યોગપતિઓ, બોલિવૂડ કલાકારો તેમજ આઠ દેશોના વડાઓ અને પ્રતિનિધિઓ પધાર્યા 

સવારે સાત વાગ્યે મોદીએ ગાંધીજી, વાજપેયીને શ્રદ્ધાંજલિ પાઠવી, સાંજે શપથ લીધા 

બંધારણીય શપથવિધિને માન આપી કોંગ્રેસ પ્રમુખ રાહુલ, સોનિયા ગાંધી, મનમોહનસિંહ, કેજરીવાલ પણ જોડાયા 

નવી દિલ્હી, તા. 30 મે, 2019, ગુરૂવાર

નરેન્દ્ર મોદીએ સતત બીજી વખત વડા પ્રધાન પદે શપથ ગ્રહણ કરી લીધા હતા. દિલ્હીમાં આવેલા રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં મોદી અને તેમના મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. સૌપ્રથમ મોદીએ બાદમાં રાજનાથસિંહ, ત્રીજા ક્રમે અમિત શાહે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોદી અને મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા.

દરમિયાન આ શપથ બંધારણીય સમારોહ હોવાથી તેને માન આપીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મનમોહનસિંહ, અરવિંદ કેજરીવાલ સહીતના વિપક્ષના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

જે પણ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે તેમાં કેબિનેટમાં રાજનાથસિંહ, અમિત શાહ, નિતિન ગડકરી, સદાનંદ ગૌડા, નિર્મલા સિતારમન, રામ વિલાસ પાસવાન, નરેન્દ્રસિંહ તોમર, રવિશંકર પ્રસાદ, હરસિમરત કૌર બાદલ, થાવરચંદ ગેહલોત, સ્મૃતિ ઇરાની, હર્ષ વર્ધન, જાવડેકર, પિયુષ ગોયલ, મુક્તાર અબ્બાસ નકવી સહીત આશરે ૨૪ જેટલા કેબિનેટ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. 

જ્યારે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે જિતેન્દ્રસિંહ, કિરણ રિજ્જુજી, મનસુખ માંડવીયા, પરષોત્તમ રુપાલા સહીતનાએ શપથ ગ્રહણ કર્યા હતા. મોદી સહીત કુલ ૫૮ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા જેમાં કેબિનેટના ૨૪, રાજ્યકક્ષાના પ્રધાન (સ્વતંત્ર હવાલો) નવ અને રાજ્યકક્ષાના ૨૪ પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોદી સહીત ગણતરી કરવામાં આવે તો કેબિનેટમાં ૫૮ મંત્રીઓ સામેલ કરાયા છે.  

શપથવીધી પહેલા નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીજી અને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મોદી રાજઘાટ આવ્યા હતા, જ્યાં તેમણે સવારે આશરે સાત કલાકે શ્રદ્ધાંજલિ પાઠવી હતી, જે બાદ મોદીએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. દરમિયાન અમિત શાહ સહીતના પક્ષના અન્ય નેતાઓ પણ મોદીની સાથે હાજર રહ્યા હતા.

બાદમાં મોદીએ ટ્વિટ કરીને પણ ગાંધીજીને યાદ કર્યા હતા. સાંજે આશરે છ કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથવીધી સમારોહમાં મહેમાનોની આવવાની શરૃઆત થઇ ગઇ હતી. જેમાં અનેક રાજનેતાઓ, બિમ્સ્ટેક દેશો જેમ કે બાંગ્લાદેશ, મ્યાંમાર, શ્રીલંકા, થાઇલેંડ, નેપાળ, ભૂતાનના વડાઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

કેબિનેટ મંત્રીઓ (૨૪)

રાજનાથસિંહ, અમિત શાહ, નિતિન ગડકરી, સદાનંદ ગૌડા, નિર્મલા સિતારમન, રામ વિલાસ પાસવાન, નરેન્દ્રસિંહ તોમર, રવિ શંકર પ્રસાદ, હરસિમરત કૌર બાદલ, થાવરચંદ ગેહલોત, એસ જયશંકર, રમેશ પોખરિયાલ નિશાંક, અર્જૂન મૂંડા, સ્મૃતિ ઇરાની, હર્ષ વર્ધન, પ્રકાશ જાડવેકર, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, મુખ્તાર અબ્બાસ નકવી, પ્રહલાદ જોશી, મહેન્દ્રનાથ પાંડે, અરવિંદ સાવંત, ગિરિરાજસિંહ, ગજેન્દ્રસિંહ શેખાવત. 

રાજ્યકક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો)(૯)

સંતોષ કુમાર, રાવ ઇદ્રજિતસિંહ, શ્રીપદ યેસ્સો નાઇક, જિતેન્દ્રસિંહ, કિરણ રિજ્જુજી, પ્રહલાદ પટેલ, રાજકુમારસિંહ, હરદીપસિંહ પુુરી, મનસુખ માંડવીયા.

જેટલી, સુષમા, રાજ્યવર્ધન સહિત અનેક નેતાઓને ફરી મંત્રીપદ નહીં, ૨૦ નવા ચહેરાને સ્થાન 

મોદી સરકારની જે નવી કેબિનેટ અને મંત્રીમંડળ છે તેમાં કુલ ૫૭ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે મોદી સરકારના નવા મંત્રીમંડળમાં અગાઉ જે પણ મંત્રીઓ હતા તેમાંથી મોટા ભાગનાને રિપીટ કરાયા છે જ્યારે ૨૦ જેટલા નવા મંત્રીઓનો સમાવેશ કરાયો છે. જોકે કેટલાક વરીષ્ઠ નેતાઓ જેમ કે સુષમા સ્વરાજ, અરુણ જેટલી, રાજ્યવર્ધનસિંહ, મેનકા ગાંધી વગેરેને સ્થાન નથી આપવામાં આવ્યું, સુષમા અને જેટલીએ નબળા સ્વાસ્થ્યને કારણે આ વખતે મંત્રીપદ સ્વીકારવાની ના પાડી દીધી હતી જ્યારે રાજ્યવર્ધનસિંહ રાઠોડનો સમાવેશ નથી કરાયો. આ ઉપરાંત મેનકા ગાંધી, રાધામોહનસિંહ, જયંત સિંહા, અનુપ્રીયા પટેલ, રામક્રીપાલ યાદવ, જેપી નડ્ડા, સુરેશ પ્રભુ, ઉમા ભારતી, મનોજ સિંહા, આલ્ફાંસો, હંસરાજ આહિર, અનંતકુમાર હેગ્ડે વગેરેને પણ સ્થાન નથી આપવામા આવ્યું. 

રાજ્યકક્ષાના મંત્રીઓ (૨૪)

ફગ્ગનસિંહ કુલશ્ટે, અશ્વિન કુમાર ચૌબે, અર્જુન રામ મેઘવાલ, જનરલ(નિવૃત) વી.કે.સિંહ, ક્રિષન પાલન, દાનવે રાવ સાહેબ દાદારાવ, જી કિશન રેડ્ડી, પરષોત્તમ રુપાલા, રામદાસ અઠવાલે, સાધ્વી નિરંજના જ્યોતી, બાબુલ સુપ્રિયો, સંજીવ કુમાર બલ્યાન, ધોત્રે સંજય શમરાઓ, અનુરાગસિંહ ઠાકુર, અંગાડી સુરેશ, નિત્યાનંદ રાઇ, રતનલાલ કટારિયા, વી. મુરલીધરન, રેણુકા સિંહ, સોમ પ્રકાશ, રામેશ્વર તેલી, પ્રતાપ ચંદ્ર સારંગી, કૌલાશ ચૌધરી, દેબશ્રી ચૌધરી. 

મોદી મંત્રીમંડળમાં ઉ. પ્રદેશમાંથી સૌથી વધુ નવ, પ. બંગાળમાંથી બે મંત્રીને સ્થાન

રાજ્યો પર નજર કરીએ તો સૌથી વધુ લોકસભાની બેઠક ધરાવતા ઉત્તર પ્રદેશમાંથી ૯, મહારાષ્ટ્રમાંથી ૮, મધ્ય પ્રદેશમાંથી ૫, બિહાર ૫, કર્ણાટકા ૪, ગુજરાત ૩, હરિયાણા ૩, રાજસ્થાન ૩, ઝારખંડ ૨, પંજાબ ૨, પશ્ચિમ બંગાળ ૨, અરુણાચલ ૧, આસામ ૧, છત્તીસગઢ ૧, દિલ્હી ૧, ગોવા ૧, જમ્મુ કાશ્મીર ૧, ઓડિશા ૧, તેલંગાણાના ૧ અને ઉત્તરાખંડના એક મંત્રીનો સમાવેશ મંત્રીમંડળમાં કરવામાં આવ્યો છે.  

મોદીના શપથવિધિ સમારોહમાં રજનીકાંત, કરણ જોહર, કંગના જોડાયા 

બોલિવૂડ કલાકારોને પણ શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રીત કરાયા હતા, મોદીની આ શપથવિધિમાં બોલિવૂડ કલાકારો જેમ કે કરણ જોહર, રજનીકાંત, અનુપમ ખેર, જીતેન્દ્ર, હેમા માલિની, બોની કપૂર, કંગના રણૌત, શાહિદ કપૂર, સિદ્ધાર્થ રોય વગેરે હાજર રહ્યા હતા. જોકે એવી શક્યતાઓ હતી કે શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન પણ આવશે જોકે તેઓ નહોતા આવ્યા. 

રતન તાતા, મુકેશ અંબાણી સહિતના અનેક ઉદ્યોગપતિઓ હાજર રહ્યા 

નરેન્દ્ર મોદી અને મંત્રીઓની શપથવીધીમાં ઉધ્યોગપતિઓનો પણ જમાવડો જોવા મળ્યો હતો. ટોચના ઉધ્યોગપતિઓ જેમ કે મુકેશ અંબાણી, રતન તાતા, એલ.એન. મિત્તલ, ગૌતમ અદાણી, એસ્સારના ડાયરેક્ટર પ્રશાંત રુઇ, તાતા ગુ્રપના ચેરમેન એન ચંદ્રશેખરન, વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલ, એચડીએફસીના દીપક પારેખ, મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત, પરીમલ નથવાણી, ભારતી ગુ્રપના રાકેશ ભારતી મિત્તલ, રાજન ભારતી મિત્તલ, એનઆર નાયારણ મુર્તી, વીડિયોકોનના રાજકુમાર ધૂત, કલ્યાણ જ્વેલર્સના ટી એસ કલ્યાણરમન ઐયર વગેરે હાજર રહ્યા હતા. 

મોદીની શપથવીધીમાં જગનમોહન રેડ્ડી, ચંદ્રશેખર રાવ ન આવી શક્યા 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ટીમમાં સામેલ થનારા મંત્રીઓએ શપથ ગ્રહણ કરી લીધા હતા. તેમની આ શપથવીધીમાં અમેક નેતાઓ જોડાયા હતા, જ્યારે કેટલાક નહોતા આવ્યા. જે નેતાઓ નહોતા આવ્યા તેમાં તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ અને આંધ્ર પ્રદેશના વાય એસ જગનમોહન રેડ્ડી સામેલ થયા હતા. 

જગનમોહન રેડ્ડીએ મુખ્ય પ્રધાન પદે શપથ ગ્રહણ કર્યા હતા તેથી તેઓ તેમાં વ્યસ્ત હોવાથી નહોતા આવી શક્યા. જગનમોહન રેડ્ડીએ શપથ લીધા તે બાદ કે ચંદ્રશેખર રાવ અને ડીએમકે ચીફ એમ.કે.સ્ટાલિન તેમજ અન્ય નેતાઓની સાથે લંચ લીધુ હતું. જેને પગલે આ નેતાઓ મોદીની શપથવીધીમાં બાદમાં નહોતા આવી શક્યા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો