કોરોના મૃતકોના પરિવારને વળતર આપવું જ પડશે: સુપ્રીમ
- આર્થિક સહાય માટે ભંડોળ ન હોવાની કેન્દ્રની દલીલો સર્વોચ્ચ અદાલતે ફગાવી
- ચાર લાખ ન આપી શકો તો કઇ નહીં પણ લઘુતમ આર્થિક મદદ તો કરવી જ પડશે, ફરજ બજાવવામાં નિષ્ફળ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી આર્થિક સહાય માટે નીતિ બનાવે: સુપ્રીમ
- કોરોનાથી મૃત્યુ પામેલાને અલગથી વિશેષ ડેથ સર્ટિફિકેટ આપો, અંતિમવિધી કરનારા માટે વિમા યોજના લાવો
નવી દિલ્હી : કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામેલા પીડિતોના પરિવારને આર્થિક સહાય આપવાનો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે અગાઉ કહ્યું હતું કે આ સહાય આપવા માટે અમારી પાસે પૈસા નથી અને સહાય આપવી તે અમારી હાલ પ્રાથમિક્તા પણ નથી. એવામાં હવે સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં કેન્દ્ર સરકારને કહ્યું છે કે કોઇ પણ સંજોગોમાં કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારને આર્થિક સહાય આપવી જ પડશે. કેટલી સહાય આપવી તે કેન્દ્ર સરકાર ખુદ નક્કી કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે સાથે એ વાતનો પણ સ્વિકાર કર્યો હતો કે કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાય કરવી શક્ય નથી. એટલે કે રકમ કેટલી રાખવી તે સરકારે નક્કી કરવાનું રહેશે. કોર્ટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને આદેશ આપ્યો કે એક એવી સિસ્ટમ તૈયાર કરવામાં આવે કે જેના થકી પીડિતોના પરિવારને ઓછામાં ઓછી આપી શકાય તેટલી રકમની આર્થિક મદદ કરી શકાય. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો કે તે કોરોનાથી મૃત્યુ પામેલા માટે અલગથી ડેથ સર્ટિફિકેટ જાહેર કરે. જેમને સામાન્ય સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોય પણ મૃત્યુનું કારણ કોરોના હોય તો આવા સર્ટિફિકેટમાં સુધારા કરવામાં આવે.
સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટને ફટકાર પણ લગાવી હતી. અને કહ્યું હતું કે તમે તમારી ફરજ નિભાવવામાં નિષ્ફળ રહ્યા છો.
સુપ્રીમ કોર્ટમાં વિવિધ અરજીઓ થઇ છે, જેમાં કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારને આર્થિક સહાય આપવાની માગણી કરવામાં આવી છે.
અરજદારોએ ચાર લાખની સહાય પ્રત્યેક પરિવારને આપવા માગ કરી છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ કોર્ટમાં એવો જવાબ આપવામાં આવ્યો હતો કે પીડિતોના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાય આપવા માટે સરકાર પાસે પૈસા નથી. જ્યારે અમારી પ્રાથમિક્તા પણ હાલ મહામારીથી લોકોને બચાવવાની છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે તમારે કોરોનાને કારણે મૃત્યુ પામેલાના પરિવારને આર્થિક સહાય તો કરવી જ પડશે.
ભલે તમે ચાર લાખ રૂપિયા ન આપી શકો પણ જેટલી પણ સહાય થઇ શકે તે કરવાની રહેશે. જે વર્કર કોરોનાના દર્દીઓના મૃતદેહોની અંતિમવીધી સાથે જોડાયેલા હોય તેમના માટે વિમા યોજના લાવવામાં આવે.
Comments
Post a Comment