જમીન મુદ્દે આરોપો વચ્ચે RSS બન્યું એક્ટિવ, ભૈયાજી જોશીને મળી શકે છે રામ મંદિર પ્રોજેક્ટની જવાબદારી
- RSSના વર્તમાન સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલે પણ ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ સુધી યુપીમાં જ પ્રવાસ કરશે
નવી દિલ્હી, તા. 30 જૂન, 2021, બુધવાર
ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે ચાલી રહેલા રામ મંદિરના નિર્માણ પર સૌ કોઈની નજર અટકી છે. તાજેતરમાં જમીન ખરીદી સાથે સંકળાયેલા વિવાદના કારણે રામ મંદિર ટ્રસ્ટ સામે અનેક સવાલો ઉભા થયા હતા. આ તમામ આરોપો વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સક્રિય બન્યું છે અને એવું માનવામાં આવે છે કે, ટૂંક સમયમાં જ મંદિર નિર્માણ દેખભાળની જવાબદારી બદલાઈ શકે છે.
સૂત્રો દ્વારા મળતા અહેવાલો પ્રમાણે પૂર્વમાં આરએસએસના સહકાર્યવાહ રહી ચુકેલા ભૈયાજી જોશીને હવે મંદિર નિર્માણ પ્રોજેક્ટની દેખરેખની જવાબદારી સોંપાઈ શકે છે.
UP ચૂંટણીઓ પર RSSની નજર
એટલું જ નહીં, આરએસએસના વર્તમાન સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલે પણ ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ સુધી યુપીમાં જ પ્રવાસ કરશે જેથી વિધાનસભા ચૂંટણીની ગતિવિધિ પર સંઘની નજર રહે. આરએસએસ મંદિર નિર્માણ સાથે સંકળાયેલા વિવાદના અંત માટે પ્રયત્ન કરી રહ્યું છે જેથી કોઈ પણ પ્રકારનો વિપરિત માહોલ ન બને.
જમીન ખરીદીને લઈ ગંભીર આરોપ
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે તાજેતરમાં જ રામ મંદિર સાથે સંકળાયેલી જમીનની ખરીદીને લઈ સવાલો થયા હતા. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જે જમીન ખરીદી હતી તેમાં ગરબડની વાત સામે આવી હતી. ત્યાર બાદ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટીએ તેને મોટો મુદ્દો બનાવ્યો હતો.
આરોપ પ્રમાણે ટ્રસ્ટે એક જમીન 18.5 કરોડ રૂપિયામાં ખરીદી હતી, જ્યારે તેની કિંમત 2 કરોડ રૂપિયા હતી. તે સિવાય પણ અન્ય આરોપો લગાવવામાં આવ્યા હતા.
Comments
Post a Comment