કેનેડા અને અમેરિકામાં ગરમીથી 250 જેટલા મોત, પારો 50 ડીગ્રીએ પહોંચ્યો


- ગ્લોબલ વોમગનું આક્રમક સ્વરૂપ : અતિ ભીષણ ઠંડીના બદલે કાળઝાળ ગરમી

- અમેરિકા-કેનેડાની ગરમીનું મુળ કારણ 'હીટ ડોમ' કેનેડામાં મૃત્યુઆંક વધવાની શક્યતા

ન્યૂયોર્ક : ઉત્તર અમેરિકા ખંડના બે મુખ્ય દેશો કેનેડા અને અમેરિકા તેની કાતિલ ઠંડી માટે જાણીતા છે. ત્યાં ગરમીને કારણે પાંચ દિવસમાં ૨૩૦ મોત નોંધાયા છે. આ મોત કેનેડાના એકલા બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં શુક્રવારથી આજ સુધીમાં નોંધાયા છે. હવામાનને કારણે કેનેડામાં થનારા મોતમાં આ સૌથી મોટો આંકડો છે. બ્રિટિશ કોલંબિયાના લીટોન નગરમાં તો તાપમાન ૪૯.૫ ડીગ્રીથી વધારે નોંધાયુ હતુ. કેનેડાના ઈતિહાસમાં આ સૌથી ઊંચુ તાપમાન છે. કેનેડાના કોઈ પણ સ્થળે અગાઉ ક્યારેય પણ આવુ તાપમાન નોંધાયુ નથી. અનેક શહેરોમાં તાપમાન સામાન્ય રીતે હોય એના કરતા ૮-૯ ડીગ્રી વધારે નોંધાઈ રહ્યું છે.

તો બીજી તરફ પડોશી દેશ અમેરિકામાં પણ ગરમીથી ડઝનથી વધારે મોત નોંધાયા છે. એ સિવાય હજુ મોતના કેટલાક કિસ્સા તો સરકારી ચોપડે ચડયા નથી. બન્ને દેશોમાં થઈને મોતની સંખ્યા અઢીસોએ પહોંચી છે. ગરમીને કારણે કેટલાક જંગલ વિસ્તારમાં આગ લાગી છે. એ આગ બૂઝાવવાનો પડકાર પણ અધિકારીઓ પર આવી પડયો છે.

અમેરિકા-કેનેડાની ગરમીનું મુખ્ય કારણ હીટ ડોમ નામની પર્યાવરણીય સ્થિતિ છે. આ સ્થિતિને કારણે અમેરિકા-કેનેડાના વાસીઓને સદીઓમાં ન સહન કરી હોય એટલી ગરમી સહન કરવાનો વારો આવ્યો છે. સામાન્ય રીતે જ્યાં તાપમાન ૩૦-૩૫ ડીગ્રીએ પહોંચે તો પણ બહુ ગરમી ગણાતી હોય એવા નગરોમાં પારો ૪૬ ડીગ્રીને વટાવી ચૂક્યો છે. કેનેડા તો તેની ઠંડી માટે જાણીતો દેશ છે. શિયાળામાં કેનેડામાં તાપમાન માઈનસ ૨૦ ડીગ્રી સુધી પહોંચતું હોય છે. કેનેડામાં લઘુતમ તાપમાનનો રેકોર્ડ તો સાંગ નામના ગામનો છે. એ ગામમાં ૧૯૪૭ની ૩જી ફેબ્રુઆરીએ -૬૩ ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. 

આખા કેનેડાનું સરેરાશ તાપમાન પણ ૩૦ ડીગ્રીથી વધતું નથી. એવા દેશમાં સખત ગરમી પડતા લોકોના શરીર તેની સામે લડત આપી શકતા નથી. કેનેડાના અધિકારીઓએ કહ્યુ હતું કે અમને સતત મોતના અહેવાલો મળી રહ્યા છે. અત્યાર સુધીમાં ૨૩૩ મોત થયા છે. હજુ પણ મોતની સંખ્યા વધવાની શક્યતા છે. કેનેડા-અમેરિકાની આ ગરમીને કારણે સરકારી અધિકારીઓ અને વિજ્ઞાાનીઓ પણ હતભ્રત થઈ ગયા છે. કેમ કે કેનેડાના કેટલાક ભાગમાં તો આખુ વર્ષ બરફ છવાયેલો હોય છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો